[સ્વામી સ્મરણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશન શારદાપીઠના સેક્રેટરી છે. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ફેબ્રુઆરી 1972)માંથી સાભાર લેવામાં આવેલ છે.]
:: (1) ::
અદ્યતન થવાનો ખ્યાલ ઘણા લોકો માટે ધર્મ અને તેની સાથે સંકળાયેલી તમામ બાબતોનો ત્યાગ કરવા બરાબર છે. તો વળી બીજા કેટલાકને મતે અદ્યતનતાનો ખ્યાલ ભૂતકાળનો ત્યાગ કરવાનો અને ફેશનેબલ, ડોળ જીવન જીવવાનો છે. અદ્યતનતાના ખ્યાલની વ્યાખ્યા ભારતમાં હજી થઈ નથી. એક દૃષ્ટિથી જોતાં ઓદ્યૌગિક ક્રાંતિથી આરંભાયેલા અર્વાચીન યુગે વીસમી સદીમાં હરણફાળ ભરી છે. સામાજિક અને વૈયક્તિક જીવન ઉપર યંત્રવાદ ટેકનોલોજી પોતાનો પાશ વધારે ને વધારે ફેલાવતા જતા એવા આજના જમાનામાં આપણે જીવી રહ્યા છીએ. આ હકીકત છતાં વિશાળ નિરક્ષર વસ્તીવાળો ભારતદેશ ત્રણ યુગમાં જીવી રહ્યો છે. પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન.
સામાન્ય રીતે જોતાં, અર્વાચીનતાનાં ત્રણ લક્ષણો છે. વૈજ્ઞાનિક ખોજનું તત્ત્વ, માનવતાવાદ અને લોકશાહી; વ્યક્તિ સ્વાતંત્ર્ય અને રાષ્ટ્રવાદથી ભિન્ન એવી વિશ્વાત્મકતા ભણી લઈ જતી સામૂહિક સંરક્ષણની વિભાવના. આ લક્ષણોનાં પાયામાં વિકાસશીલ અને શક્તિશીલ જીવન તરફ લઈ જતી, નિરંતર પ્રગતિની વિભાવના રહેલી છે, જે માનવીને નિત્ય આનંદની શોધ કરવા અને પ્રકૃતિનાં ગૂઢ રહસ્યોને પ્રગટ કરવા પ્રેરે છે. દરેક દેશમાં, સૌમાં એક વલણ જોર કરે છે. પ્રતિપળ બદલાતી દુનિયામાં સતત પરિવર્તનની શોધ અને સ્થિરતા ભરી સ્થિતિનો તિરસ્કાર.
અદ્યતનતાનાં વલણોની આ રૂપરેખાના પરિપ્રેક્ષ્યમાં આપણે શ્રીરામકૃષ્ણના જીવન અને સંદેશ પ્રત્યે જોશું તો, માનવ સ્વભાવની તેમની સમજ આપણને અસાધારણ જણાશે. આજના મનુષ્યોના પ્રશ્નો અને તેમના ઉકેલ જાણે કે એમની આ દૃષ્ટિએ અગાઉથી ભાળી લીધા હતા. અલબત્ત, પોતાની દૈવી પ્રકૃતિને સિદ્ધ કરવાના મનુષ્યના સનાતન હેતુની ધ્યેયલક્ષી પીઠિકામાં જ આ ઉકેલ રહેલા છે. જો કે, આજનો માનવી આ હેતુ વિશે સંશય ઉઠાવે એવી શક્યતા છે. પરંતુ, શ્રીરામકૃષ્ણની બાબતમાં આ હેતુ સ્વયંસિદ્ધ સત્ય હતો; આધ્યાત્મિક અનુભૂતિ દ્વારા એ પામવાનો હતો, અને પછી જરૂર રહેતી હતી – આ ધ્યેયને અનુરૂપ જીવન રીતિ આજના માનવીએ અપનાવવાની, આધ્યાત્મિક સાધના અને અનુભૂતિ સભર શ્રીરામકૃષ્ણના પોતાના જીવનની ઘટનાઓ આનાં ઉદાહરણો પૂરાં પાડે છે.
શ્રીરામકૃષ્ણની પ્રેરક દ્યુતિ આજના યુગ માટે છે. એ ધ્યાનમાં રાખીએ તો આની નવાઈ નહીં લાગે. મધ્યકાલીન અને અર્વાચીન યુગના સંધિકાળે, જાણે કે, તેઓ આવ્યા હતા. બ્રિટિશ હિંદનું પાટનગર તે સમયે કલકત્તા હતું અને એ શહેરના અગ્રગણ્ય, અર્વાચીન બૌદ્ધિકો સામે, દૂર ગામડેથી આવેલા આજના શિક્ષણથી વંચિત અને અશિક્ષિત, આ રંક બ્રાહ્મણ આવી ઊભો અને એ બધાં કરતાં એ ક્યાંક ચડિયાતો છે, તેનું તેમને ભાન કરાવ્યું.
શ્રીરામકૃષ્ણનો શિક્ષણનો અસ્વીકાર સાર્થ છે. એમણે એ શિક્ષણને ‘રોટલા રળવાનું શિક્ષણ’ કહી તેનો અસ્વીકાર કર્યો. અલબત્ત, એમના મોટાભાઈ રામકુમાર કર્મકાંડી બ્રાહ્મણની તાલીમ લેવાનું તેમને કહેતા હતા તેના સંદર્ભમાં તેમણે આમ કહ્યું હતું. પરંતુ આ ટીકાથી તેમની વેધક બુદ્ધિએ બધા ‘અર્થલક્ષી’ શિક્ષણનો ત્યાગ કર્યો હતો. આજનું શિક્ષણ ખાસ કરીને ભારતમાં તો, માત્ર અર્થલક્ષી છે. એથીયે વધારે ખરાબ તો એ છે કે એ શિક્ષણ કેવળ વ્યવસાયલક્ષી છે. આજના જમાનામાં યુવાનોને પોતાના જીવનનો ઉત્તમ કાળ યુનિવર્સિટીની ડિગ્રી મેળવવામાં કે કોઈ ધંધો શીખવામાં પસાર કરવો પડે છે, તે એટલા માટે કે તેઓ પુખ્ત થાય ત્યારે પેટિયું રળી શકે.
પરંતુ માનવી માત્ર રોટલાને આધારે જ જીવતો નથી. મનુષ્યમાં જે કાંઈ ઉત્તમ છે, તેનો વિકાસ સાધવાનો શિક્ષણનો હેતુ છે. જે જ્ઞાનથી ઈશ્વરને-પરમ સત્યને જાણી શકાય તે જ જ્ઞાન પોતે પ્રાપ્ત કરવા પર શ્રીરામકૃષ્ણે આગ્રહ રાખ્યો હતો. આ આગ્રહ આજના શિક્ષણની નબળામાં નબળી કડી છતી કરે છે; એનો હેતુ મનુષ્યના સુગ્રથિત વ્યક્તિત્વના વિકાસનો નથી, પણ શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કર્યા પછી પોતાનો રોટલો રળવા માટે મનુષ્યને તૈયાર કરવાનો છે.
અર્થલક્ષી શિક્ષણના અસ્વીકાર છતાંયે શ્રીરામકૃષ્ણનાં કાર્યોમાં અર્વાચીનતાના કાળતત્ત્વને આપણે કાર્યાન્વિત જોઈ રહીએ છીએ.
:: (2) ::
પ્રયોગ વિનાં પોતે જોઈ ન શકે તેવી, અથવા આધારભૂત અધિકારીની પ્રત્યક્ષ સાબિતી વિનાની, કશી જ બાબતનો સ્વીકાર ન કરવો તે ખ્યાલ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ પાછળ રહેલો છે. કેવળ માન્યતાને આધારે કશું જ સ્વીકાર્ય બની શકે નહીં.
આ દૃષ્ટિબિંદુનો પૂરતો પુરાવો આપણને શ્રીરામકૃષ્ણમાં સાંપડે છે. કેવળ પ્રયોગનાં સાધનો જુદાં હતાં. વિજ્ઞાનની પ્રયોગશાળામાં પ્રયોગ કરી ભૌતિક જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ આધ્યાત્મિક જ્ઞાન માટે વ્યક્તિએ પોતાના શરીર અને મનથી પ્રયોગ કરવા જોઈએ. શ્રીરામકૃષ્ણે આમ કર્યું હતું. એમનું ધર્માચરણ માત્ર માન્યતાઓ પર આધારિત ન હતું. કાલીમાતાનું એ પ્રત્યક્ષ દર્શન ચાહતા હતા ને એમ કરવામાં એમને સફળતા મળી પણ હતી.
માની ઝાંખી મેળવવાની તીવ્રતાના કાળમાં, મા કાલીની મૂર્તિ સામે બેસી એઓ અનેકવાર કહેતા: “મા, તું સત્ય છો કે મનનો તરંગ છો? વાસ્તવિકતા વિનાનું કેવળ કાવ્ય છો? તું સત્ય હો તો મને કેમ તારાં દર્શન થતાં નથી? તો ધર્મ શું માત્ર તરંગ છે, રેતીનો મહેલ છે?”(1) મા સત્ય છે કે નહિ તેની કસોટી કરવા એકવાર તેમણે રુનું પૂમડું લઈ માનાં નસકોરાં આગળ ધર્યું હતું. આશ્ચર્ય એ બન્યું કે એ હલવા લાગ્યું. આખરે, માતાજીની પ્રથમ ઝાંખી થયા પછી, પોતે ઇચ્છે ત્યારે, શ્રીરામકૃષ્ણ માનાં દર્શન કરી શકતા અને એ એમને માટે બાહ્ય જગત કરતાં પણ વધારે સત્ય બન્યાં હતાં.
પોતાની બધી આધ્યાત્મિક સાધનામાં શ્રીરામકૃષ્ણમાં સંશોધનની વૃત્તિ પ્રધાન હતી, એમની ઊતરતી વયે એમના શિષ્યો એમને મળ્યા ત્યારે, કશું સ્વીકારતા પહેલાં તેઓ એમને કસોટી કરવા ઉત્તેજન આપતા. ધાતુના કે સિક્કાના સ્પર્શથી ગુરુને જે પ્રતિભાવ થતો તેની સત્યતા ચકાસી જોવાનું-ભવિષ્યના સ્વામી વિવેકાનંદ-નરેન્દ્રને એકવાર મન થયું. એટલે, ગુરુદેવથી અજાણ રીતે નરેન્દ્રે તેમની પથારી નીચે રૂપિયાનો એક સિક્કો સેરવી દીધો. આવીને ગુરુ પથારી પર બેઠા તેવા જ વીંછીના ડંખ જેવી દારુણ વેદનાથી એ ઊછળી પડ્યા. ત્યાં હાજર હતા તે શિષ્યો પથારીમાં શું છે તેની તપાસ કરવા લાગ્યા, અને રૂપિયાના એ સિક્કા કરતાં વધારે ભયંકર પદાર્થ તેમને સાંપડ્યો નહિ. નરેન્દ્ર શરમિંદો થઈ ગયો, પરંતુ કશી વાતને સ્વીકારતા પહેલાં તેની પરીક્ષા કરી જોવાની પોતાના શિષ્યની વૃત્તિ પ્રત્યે ખુશી બતાવી નરેન્દ્રને તેમણે આશ્વાસન આપ્યું.
બીજી એક વેળાએ તેમણે એક શિષ્યને કહ્યં હતું કે “સાધુમાં શ્રદ્ધા રાખતા પહેલાં તારે તેની દિનચર્યા અને રાત્રીચર્યા બંને જોવી.”(2) વર્ષો બાદ સ્વામી વિવેકાનંદ કહેતા: “કોઈ ગ્રંથમાં કંઈ વાંચ્યું છે માટે તેનો સ્વીકાર ન કરો, કોઈ બીજાએ એક વાતને સત્ય કહી છે માટે તેને પ્રમાણ ન માનવી. રૂઢિનો ઓપ ચડેલા શબ્દોને સ્વીકારી ન લેવા. જાતે જ સત્યને શોધો. એને વિશે તર્ક કરો. એ જ પ્રાપ્તિ છે.”(3)
આમ આપણે જોયું કે શ્રીરામકૃષ્ણે પ્રબોધેલા ધર્મમાં ખોજ અને તર્કની વૃત્તિને ગૂંગળાવવામાં આવતી ન હતી, ઊલટે પક્ષે, અર્વાચીન સમયને અનુરૂપ, એને ઉત્તેજન આપવામાં આવતું હતું.
બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મોએ પોતાના ધર્માચરણના એક ભાગ રૂપે દયાદાનની પ્રવૃત્તિઓ દાખલ કરી હતી. છતાં મધ્ય યુગમાં પોતાનાં બાંધવો માટે સામાન્ય જનતામાં કંઈ લાગણી જેવું જોવા મળતું ન હતું. આજના જગતમાં સમાજસેવાની પ્રવૃત્તિને વેગ મળ્યો છે તેનું કારણ અર્વાચીન સમયનો માનવતાવાદ છે.
પીડિત માનવજાત માટે શ્રીરામકૃષ્ણની સંવેદના અસાધારણ હતી. બીજા માટેની એમની લાગણી માત્ર ભૌતિક સ્તર પૂરતી મર્યાદિત ન હતી. આજની દુનિયામાં આપણે માનીએ છીએ કે તબીબી સેવા જેવાં કાર્યો જ દયાદાનનાં કાર્યો છે. પણ આપણે ખ્યાલમાં રાખવું જોઈએ કે મનુષ્ય કેવળ દેહધારી પ્રાણી જ નથી, એ ત્રણ સપાટીએ જીવે છે: ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક. અને એ ત્રણેય કક્ષાઓએ માનવજાતને સહાયની જરૂર છે.
મનુષ્ય પ્રત્યે કરાતાં બધા પ્રકારનાં સેવાકાર્યો માટે કરુણા અને પ્રેમનો પાયો આવશ્યક છે. પરંતુ બધા લોકોમાં બધી સપાટીએ બીજાઓની સેવા કરવાની શક્તિ હોતી નથી. જેમ કે, મોટાં દાન પૈસાપાત્ર માણસ જ આપી શકે, ભિખારી તેમ કરી શકે નહીં. એ જ રીતે, જેણે પૂરતી વિદ્યા પ્રાપ્ત કરી હોય અને પોતે વિદ્વાન હોય તેવી વ્યક્તિ જ બીજાને વિદ્યાપ્રાપ્ત કરવામાં અને તેનો બૌદ્ધિક વિકાસ સાધવામાં મદદ આપી શકે. માનવજીવનની સૌથી ઉચ્ચ પરિપાટી આધ્યાત્મિક છે ને આધ્યાત્મિક દૃષ્ટિએ વિકસિત હોય તેવી વ્યક્તિ જ એ માર્ગમાં બીજાઓને મદદ કરી શકે.
શ્રીરામકૃષ્ણ ઉત્કૃષ્ટ કોટિના આધ્યાત્મિક આચાર્ય હતા. ઘણાં વર્ષોની આકરી આધ્યાત્મિક સાધના પછી એમણે સત્યની પ્રાપ્તિ કરી હતી. અને એમની અનુભૂતિઓએ સંસારી જીવનની ક્ષણિકતા એમને બતાવી હતી, એમણે ધાર્યું હોત તો સંસારને ‘માયા’ કહીને તેનાથી દૂર તેઓ જઈ શક્યા હોત. પરંતુ પીડિત માનવજાત માટેની એમની અમેય કરુણાએ તેમને એમ કરતાં રોક્યા. પોતાનો સંદેશ વિશ્વમાં ફેલાવવાને આધ્યાત્મિક જાગૃતિ દ્વારા લોકોને શાતા આપે એવા શિષ્યોના વૃંદને માટે તેઓ ઝૂરતા હતા, અને સંધ્યાટાણે મંદિરમાં આરતીની ઝાલર વાગતી અને શંખધ્વનિ ગૂંજી ઊઠતો ત્યારે, પોકારતા: “આવો, મારા દીકરાઓ! રે, ક્યાં છો તમે? તમારા વિના જીવવું મને અકારું લાગે છે!”(4) ઠાકુરની આ ઝૂરણા પાસે પોતાનાં બાળક માટે માની કે પોતાની પ્રિયતમા માટે પ્રિયતમની ઝૂરણાની પણ કશી વિસાત નથી.
ને શિષ્યો આવવા લાગ્યા ત્યારે, સ્વાર્થના લેશ પણ ખ્યાલ વિના એમણે પોતાની જાતને તેમને માટે ધરી દીધી. કાશીપુરમાં એ જીવલેણ બીમારીમાં પટકાયા હતા ત્યારેયે, એમની પાસે જનાર કોઈપણ વ્યક્ત સમક્ષ આધ્યાત્મિક શાંતિદાયક બે શબ્દો બોલતાં તેમને અટકાવી શકાતા નહીં.
આમ, આપણે જોઈ શકીએ છીએ કે શ્રીરામકૃષ્ણના માનવતાવાદનો સૂર માનવજીવનની ઉચ્ચતમ આધ્યાત્મિક સપાટી સાથે મળેલો હતો. તેમ છતાં, બીજી સપાટીએ દુઃખ ભોગવતી માનવજાત માટે તેમની કરુણા અવારનવાર દેખાઈ આવતી હતી. જેમ કે, મથુરની સાથે તેઓ વૈદ્યનાથ ધામની યાત્રાએ જતા હતા ત્યારે ગરીબ લોકોને એક ટંકના અનાજના પણ સાંસા પડતા જોઈ ઠાકુરની આંખો દ્રવી ઊઠી હતી. એ લોકોને સરખું ખાવાનું અને કપડાં આપવાનું મથુરને તેમણે કહ્યું અને પોતાની ઇચ્છા મથુર પૂરી ન કરે ત્યાં સુધી ત્યાંથી ચસવાની ના પાડી.
માનવજાતને કેવળ પોતે જ સહાય કરે તેથી શ્રીરામકૃષ્ણને સંતોષ ન હતો; પોતાના દિવ્ય જીવનસાથી શ્રીશારદાદેવી અને બીજા શિષ્યોની સહાયથી પોતાના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદ દ્વારા એ કાર્ય આગળ ચાલે તેમ તેઓ ચાહતા હતા. એમણે એ સૌને આપેલી સૂચના સાર્થક છે.
કાશીપુરના ઉદ્યાનગૃહમાંના તેમના અંતિમ દિવસોમાં એક વેળા અંતર્મુખ ભાવમાં તેમણે શ્રીશારદામાને કહ્યું હતું: “કલકત્તાનું લોક, તમે જુઓ છો ને? તે અંધારામાં જંતુની માફક અડવડતું દેખાય છે, એનું ધ્યાન રાખજો.”(5) આ ધરતી પરથી પોતે વિદાય લે ત્યાર પછી આધ્યાત્મિક સેવાનું કાર્ય ચાલુ રાખવાનું તેમણે શ્રીશારદાદેવીને અનેકવાર ભારપૂર્વક કહ્યું હતું.
નિર્વિકલ્પ સમાધિમાં સદા મગ્ન રહેવા માગતા સ્વામી વિવેકાનંદને એમણે ઠપકો આપ્યો હતો, ત્યારે પણ એમની એ જ લાગણી જોવા મળે છે. એમણે કહ્યું હતું:
‘શરમ છે તને! આવી વસ્તુ તું કેમ માગી શકે છે. હું માનતો હતો કે તું મહાન આત્મા છે, ને આ તું તો સામાન્ય માણસની માફક અંગત સુખમાં ડૂબેલો રહેવા માંગે છે! માની કૃપાથી તને આ સિદ્ધિ એવી તો સહજ થશે કે તારી સાધારણ સ્થિતિમાં જ તને સૌ જીવોમાં શિવનાં દર્શન થશે; તું લોકોમાં આધ્યાત્મિક ભાવ જાગૃત કરીશ, અને રાંક, ગરીબ લોકોની પીડા દૂર કરીશ.’(6)
બીજા એક પ્રસંગે, ઠાકુરના બોલ સાંભળી સ્વામી વિવેકાનંદ ચમકી ઊઠ્યા હતા: ‘કરુણા નહીં, કરુણા નહીં, પરંતુ માનવસેવા, ને એમ સમજીને કે તે ઈશ્વરની સેવા છે. શિવજ્ઞાને જીવસેવા.’(7)
આમ આપણે જોઈ શકીએ છીએ કે પીડિત માનવજાત માટે શ્રીરામકૃષ્ણની લાગણીનો પાર ન હતો. આજના ચિંતકોનો ઉપરછલ્લો માનવતાવાદ તેમાં ન હતો. માનવતાવાદની પરિકલ્પનામાં તેમણે પૂર્ણતાનો નવો અર્થ અને ઉદાત્ત હેતુ પૂર્યા હતા. અને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, માનવજીવનની ત્રણેય પરિપાટીને આવરી લીધી હતી.
પ્રભુઘેલા શ્રીરામકૃષ્ણદેવ અને લોકશાહી તથા વ્યક્તિસ્વાતંત્ર્યના રાજકીય ખ્યાલો વચ્ચે ખૂબ જ અંતર હોઈ શકે. પરંતુ, આપણે એમના જીવન અને બોધનું બારીકાઈથી અવલોકન કરશું તો આપણને જણાશે કે ધાર્મિક અને આધ્યાત્મિક જીવનમાં લાગુ થાય તે રીતે આ ખ્યાલોનું તત્ત્વ અદૃશ્ય રીતે પ્રવેશી ગયું છે.
વ્યક્તિસ્વાતંત્ર્યનો ખ્યાલ લોકશાહીનો પાયો છે. પોતાની પ્રકૃતિથી જ મનુષ્ય સ્વતંત્રતા ચાહે છે. અને આજનો મનુષ્ય એ વ્યક્ત કરવા માટે વધારેમાં વધારે તક શોધે છે. પણ આજેય મોટા ભાગના ધર્મોમાં વ્યક્તિસ્વાતંત્ર્યને ભાગ્યે જ કશો અવકાશ છે. પ્રત્યેક સંપ્રદાય પોતાના સિદ્ધાંતોનું ચુસ્ત પાલન માગે છે. કેટલાક ધર્મો માને છે કે સિદ્ધાંતો જ સત્ય છે ને બીજા ધર્મો કાં તો ખોટા છે કે અર્ધા સાચા છે – આવા ધર્મો પોતે આંકેલા સિદ્ધાંતોનો બિનશરતી સ્વીકાર માગે છે. શંકા ઉઠાવવી તે ધર્મવિરુદ્ધ ગણાય છે. મધ્ય યુગમાં, યુરોપમાં ધર્મવિરુદ્ધ આચરણના આરોપીને પોતાનો જાન આપવો પડતો હતો. આમ, ધર્મ લોકશાહી અને વ્યક્તિસ્વાતંત્ર્યનો પાકો વિરોધી જણાય છે.
પરંતુ, વેદાંતના સિદ્ધાંતો પર રચાયેલા શ્રીરામકૃષ્ણના ધર્મનો પાયે વિશાળ છે. ધર્મપ્રિય જીવન જીવવા ઇચ્છા રાખનાર પ્રત્યેકને તે ચાહે તે ધર્મને અનુસરવાની એ પૂરતી તક આપે છે. એમના ધર્મમાં ઇષ્ટ દેવતાની પરિકલ્પના કેન્દ્રસ્થાને છે. પુરોહિતોએ લાદેલી મર્યાદાઓથી અંકુશિત કોઈ પણ ધર્મ પૂર્ણતાએ પહોંચી શકે નહીં. કારણ કે, સિદ્ધિ માટે ધર્મ માનવીની પૂર્ણતાને માગે છે. પોતાની ઇચ્છા મુજબ માનવી ધર્મને અનુસરે ત્યારે જ ધર્મના ફળ લાધે છે. એટલા માટે જ કુળદેવતાથી વિરુદ્ધ ઇષ્ટદેવતાની પરિકલ્પનાને શ્રીરામકૃષ્ણ ઉત્તેજન આપતા. ‘જેટલા મત તેટલા પથ’ એ એમનું કથન એ વાત પર વજન દેતું કે પોતાને રુચે તે ધર્મ અનુસરવાને દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. પોતે જે યુગમાં પ્રગટ થયેલ હોય તે યુગ માટે સૌથી યોગ્ય જે ધર્મસાધના હોય તેનો બોધ પ્રત્યેક મહાન અવતાર આપે છે. કેટલીક વાર, બીજા ધર્મને છાંડવાનું કહીને પણ, પોતે જ પ્રબોધતા હોય તે ધર્મને અનુસરવાનું અગાઉના અવતારો કહેતા. ગીતામાં સમન્વયનો સદ્બોધ કરનાર માત્ર શ્રીકૃષ્ણ તેમાં અપવાદ હતા. વ્યક્તિસ્વાતંત્ર્યનો ખ્યાલ વિકસી રહ્યો છે તે આજના યુગમાં, શ્રીરામકૃષ્ણના ઉદાર ધાર્મિક વિચારોએ ધર્મને અન્ય કોઈ નવા ખ્યાલોનો સામનો કરી ટકી રહેવામાં બળ પૂર્યું છે.
વ્યક્તિ સ્વાતંત્ર્યના ખ્યાલની સાથે સામૂહિક સુરક્ષા અને વિશ્વ એકતાનો ખ્યાલ આજના જગતમાં દૃઢ થતો જાય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય સામૂહિક સુરક્ષાનું વિરોધી હોઈ, એને કોઈ પણ ભોગે અંકુશમાં રાખવું જોઈએ એમ કેટલીક વાર મનાય છે. સમસ્ત સમાજને ભોગે વ્યક્તિસ્વાતંત્ર્ય સ્વચ્છંદમાં સરી પડે છે. એ ટીકા આ સંઘર્ષનાં મૂળમાં છે. આ ટીકા તદ્દન નાપાયાદાર પણ નથી; વ્યક્તિસ્વાતંત્ર્યના આવા અધઃપતનનાં ઉદાહરણો ઓછા નથી.
આ વિચારને ધર્મના ક્ષેત્રમાં લાગુ પાડી કોઈ એમ વિચારે કે સમગ્ર માનવજાતનું ધર્માન્તર કોઈ એક ધર્મમાં કરી નાંખવું. ભૂતકાળમાં આવી માન્યતાથી પ્રેરાઈ ધર્માન્તરનો જુવાળ ચડ્યો હતો. જેને પરિણામે ધર્મયુદ્ધો અને સંઘર્ષો થયા હતા.
કિન્તુ એના સર્વોચ્ચ સ્વરૂપમાં ધર્મ તત્ત્વતઃ વૈયક્તિક છે. નહીં તો આધ્યાત્મિક સાધના શક્ય નથી. પણ એનો અર્થ એ નથી કે કોઈએ પોતાનો ધર્મ બીજાઓ પર લાદવો. બીજાના હક્ક પર તરાપ માર્યા વિના દરેક વ્યક્તિને પોતાની સ્વતંત્રતા ભોગવવા દેવામાં સામૂહિક સુરક્ષા અને વિશ્વએકતા રહેલાં છે. બીજાની શ્રદ્ધાના ભોગે પોતાની શ્રદ્ધાનો બોધ કરતું ધર્મઝનૂન આધ્યાત્મિકતાને ખાળે છે તે ધર્મના ક્ષેત્રમાં તો આ વાત વિશેષ સત્ય છે.
વિશ્વાત્મકતાનું સાચું ઉદાહરણ પૂરું પાડવાને શ્રીરામકૃષ્ણે બધા ધર્મ સિદ્ધાંતોનો સ્વીકાર કર્યો હતો ને પોતાના જીવનમાં જુદા જુદા કાળે એમાંથી કેટલાયની તેમણે સાધના કરી હતી. સાધકને અધોગતિને માર્ગે લઈ જાય અને પોતાના નિશ્ચિત ધ્યેયથી ચ્યુત કરે એવી ધર્મસાધનાની ટીકા પણ એ માન્ય કરતા નહીં. જેમ કે એક વેળા અનૈતિક આચરણવાળા એક સંપ્રદાય પર નરેન્દ્રનાથ છળી પડ્યા ત્યારે એમણે આસ્તેથી કહ્યું હતું, “પણ તું તો જાણે છે ને કે દરેક ઘરને પછીતનું એક બારણું હોય છે. સાધનાના આ માર્ગો એવા પછીતના દરવાજા છે. કેટલાક સાધકોને એ રચતા હોઈ શકે.”8
આમ જોતાં જણાશે કે શ્રીરામકૃષ્ણના ધર્મમાં વ્યક્તિસ્વાતંત્ર્ય અને સામૂહિક સુરક્ષા વચ્ચે વિરોધ નથી. પરંતુ એ બંને ખ્યાલો એકમેકના પૂરક છે, અને આ બંને એકત્ર થઈ વિશ્વાત્મકતા ભણી લઈ જાય છે.
વર્તમાન ભારતની કેટલીક સામાજિક ગૂંચોથી શ્રીરામકૃષ્ણ પરિચિત હતા એ બાબત પણ અગત્યની છે. એમના વાર્તાલાપોમાં પ્રગટ થયેલા સાદા, સહજ ઉકેલ અસાધારણ છે. જેમકે, જ્ઞાતિવાદનો એમનો ઉકેલ આપણને રોચક જણાય છે. તેઓ કહેતા કે ભક્તોને જ્ઞાતિ ન હોય-તેમની એક જ જ્ઞાતિ પ્રભુપ્રેમ સૌને વિશુદ્ધ કરે છે ને સૌને જોડે છે. જ્ઞાતિના સામાજિક દરજ્જાના, વંશના કે વર્ણના, બધાય ભેદો એના વિમલ વારિથી પરિશુદ્ધ થઈ જાય છે. આથી, લોકો પોતાનું ધ્યાન જો ધર્મની પાયારૂપ બાબતો ઉપર આપે તો સામાજિક ભેદો નામશેષ થઈ જશે.
એ જ રીતે, ઘણાયે દેશોમાં આજ સુધી જેનો ઉકેલ જડ્યો નથી તે સ્ત્રીઓની સ્થિતિનો પ્રશ્ન પણ શ્રીરામકૃષ્ણ સૌથી ઉચ્ચ પરિપાટી પર લઈ ગયા હતા. એમને પોતાને માટે દરેક નારી, દિવ્ય માતૃશક્તિનું પ્રગટ સ્વરૂપ હતી, ને તેથી આદરને પાત્ર હતી. એમણે પોતે આખુંય જીવન મા કાલીની આરાધના કરી હતી. ભૈરવી બ્રાહ્મણી એમનાં એક મુખ્ય ગુરુ હતાં. પોતાની પત્ની પ્રત્યે એમને ખૂબ આદર હતો. અને દિવ્ય માતૃશક્તિનાં પ્રગટ સ્વરૂપ તરીકે તેઓએ પત્નીની પૂજા કરી હતી.
સ્ત્રીઓ બાબત પર વાત કરતાં એક વેળા એમના એક યુવાન શિષ્યને કહ્યું હતું કે: “તું કેવી મૂરખ જેવી વાત કરે છે? સ્ત્રીઓ પ્રત્યે તિરસ્કારથી જોવું! શા માટે? એ તો કાલી માતાનાં સ્વરૂપ છે. તારી પોતાની માની માફક એમને પગે પડ ને એમના પ્રત્યે આદર દાખવ.”9 એમની અર્ધી સદી પહેલાં ભારતમાં સ્ત્રીઓની જે સ્થિતિ હતી તેના કરતાં આજે તે ઘણી જુદી છે. અલબત્ત, તેમાં સુધારાને ઘણો અવકાશ છે. અને એ શ્રીરામકૃષ્ણે સૂચવેલા માર્ગે જ આવી શકે તેમ છે.
આજના જમાનામાં માનવી કેટલીયે વાર વ્યવહારુ દૃષ્ટિબિંદુ અપનાવે છે. એ પૂછે છે: “આનું આમ થાય તેમાં શું? મને એથી શો ફાયદો?” શ્રીરામકૃષ્ણના ધર્મમાં આ વ્યવહારવાદ આપણને જોવા મળે છે, એમને સિદ્ધાંતો પ્રત્યે ઘૃણા હતી. એઓ કહેતા કે: “આંબાના ઝાડમાં પાંદડાં ગણવાનું તમારે શું કામ છે? આંબાવાડિયામાં હો ત્યારે પેટ ભરીને તમે તમારે કેરી ખાધે રાખો.” ભગવાન સત્ય છે તો, નિરર્થક દલીલોમાં સમય બરબાદ કરવાને બદલે, એને પ્રાપ્ત કરવાના સર્વ પ્રયત્નો કરો.
શ્રીરામકૃષ્ણે પ્રબોધેલો ધર્મ આજના માનવી માટે છે. તે આપણને આથી સમજાશે, ને વિશેષતા એ કે તેમની પધરામણી આ યુગના ઊષઃકાળે થઈ હતી. એમણે જ કહેલું કે, “મોગલ સમયનું નાણું અંગ્રેજોના કાળમાં ચાલી શકે નહીં.” એ જ રીતે, શ્રીરામકૃષ્ણના પુરોગામી પયગમ્બરોએ પ્રબોધેલાં સત્યોનું મૂલ્ય શાશ્વત છે ને તે કાલાતીત લાગુ પડે છે, છતાંયે એમણે નિર્દેશેલું ધર્માચરણ જે સ્થળકાળમાં એઓ જીવિત હતા તેને માટે હતું. શ્રીરામકૃષ્ણનું આગમન અર્વાચીન યુગમાં થયું અને પોતાના જીવનમાં મોટો ભાગ પોતાનું મન અને હૃદયની સિદ્ધિ માટે પ્રખ્યાત એવા સમકાલીન મનુષ્યોના સંપર્કમાં એક અદ્યતન નગરીમાં એમણે ગાળ્યો હતો. આજની પ્રક્રિયામાં એમને સનાતન ધર્મનાં શાશ્વત મૂલ્યોને રજૂ કર્યાં. તે પણ સાદગીના નમૂનારૂપ ને પોતાની અસાધારણ હાસ્યવૃત્તિનાં છાંટણાથી છંટાયેલી ભાષામાં. આજનો માનવી પોતાની આસપાસના જગતને એના સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવા ચાહતો હોય તો તેને આ સત્યો વિના ચાલવાનું નથી.
ભાષાંતરકાર: શ્રી દુષ્યન્ત પંડ્યા
સંદર્ભ સૂચિ:
(1) ‘લાઈફ ઑફ શ્રીરામકૃષ્ણ’ (અદ્વૈત આશ્રમ માયાવતી, હિમાલય, 1964) પૃ. 69
(2) એજન: પૃ. 400
(3) સ્વા. નિખિલાનંદ: ‘વિવેકાનંદ અ બાયોગ્રાફી’, અદ્વૈત આશ્રમ, માયાવતી, 1964, પૃ. 8
(4) ‘લાઈફ ઑફ શ્રીરામકૃષ્ણ’, પૃ. 296
(5) સ્વામી ગંભીરાનંદકૃત: “હોલી મધર શ્રી શારદાદેવી”, શ્રીરામકૃષ્ણ મઠ, મલયાપુર, મદ્રાસ-4, 1955, પૃ. 120
(6) રોમાં રોલા: ‘ધ લાઈફ ઑફ રામકૃષ્ણ’, અદ્વૈત આશ્રમ, માયાવતી, 1947, પૃ. 268
(7) સ્વા. શારદાનંદ: ‘શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’: (અનુ. જગદાનંદ, શ્રીરામકૃષ્ણ મઠ, મલયાપુર, મદ્રાસ-4, 1952, પૃ. 82
(8) જુઓ: ધ કમ્પ્લીટ વર્કસ: વો. 8 (1950), પૃ. 267
(9) લાઈફ ઑફ શ્રીરામકૃષ્ણ, પૃ. 477
Your Content Goes Here