[શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સાંનિધ્યમાં 13મી ઑક્ટોબર, 1989 ના રોજ એક યુવા-સંમેલનનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયું હતું, જેમાં લગભગ 300 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. યુવક-યુવતીઓએ કરેલ પ્રશ્નોના ઉત્તર સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપ્યા હતા. આ પ્રશ્નોત્તરીનો પ્રથમ અંશ જાન્યુઆરીના અંકમાં રજૂ કર્યો હતો બાકીનો અંશ અહીં રજૂ કરીએ છીએ.]

પ્રશ્ન: આત્મશ્રદ્ધાનો વિકાસ કેવી રીતે કરી શકાય?

ઉત્તર: કોઈ કાર્ય સામે શાંત રહીને ખડા થવાથી આત્મશ્રદ્ધા પ્રગટે છે. તમારા મનને પૂછો, “આ કાર્ય હું કરી શકીશ?” અને મન પાસે એવું કહેવડાવો કે “હા. હું કરી શકીશ.” આમ, મનને સતત કેળવતા રહો. જો તમને કાર્યમાં સફળતા મળશે, તો તમારી આત્મશ્રદ્ધા અવશ્ય વધશે અને જો કાર્યમાં નિષ્ફળતા મળે, તો “હું એનો સામનો કરીશ જ,” એમ વિચારીને મનને કેળવીને એ રીતે તમે પોતાની આત્મશ્રદ્ધાને મજબૂત બનાવતા રહો. તમારી આત્મશ્રદ્ધાને તમારે માટે કોઈ અન્ય તો બનાવી દેવાનો નથી. માતા તમને આત્મશ્રદ્ધાવાન બનાવી શકે નહિ; પિતા પણ એ કરી શકે નહિ. એ તો તમારે પોતાને જ કરવાનું છે. એટલા માટે શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં કહ્યં છે:

ઉદ્ધરેદાત્મનાત્મનં નાત્માનમવસાદયેત ।

આત્મૈવહ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મન: (6/5)

“તમારા પોતાનાથી તમે ઉપર ઊઠો; તમે પોતે જ ખુદને નીચા ન પાડો. તમે પોતે જ તમારા મિત્ર છો અને તમે પોતે જ તમારા શત્રુ છો.” આવી બલિષ્ઠ આત્મશ્રદ્ધાનો વિકાસ કરો કે ‘હું કરી શકું છું, અવશ્ય કરી શકું છું.’ આવું વલણ રાખો. બીજું વલણ, ‘હું નહિ કરી શકું, અરે! હું નહિ કરી શકું,’ એવું વલણ દાખવીને તો તમે પોતાને દિવસે દિવસે વધારે દુર્બળ બનાવી મૂકશો. એટલા માટે એક અમેરિકન ગ્રંથ પ્રમાણે ‘હકારાત્મક માનસિક વલણ’ (PMA – Positive Mental Attitude) થી જ બળ પ્રગટ થાય છે. બીજું તો છે નકારાત્મક માનસિક વલણ (NMA – Negative Mental Attitude) તમે હકારાત્મક માનસિક વલણ કેળવો; નહિ કે નકારાત્મક માનસિક વલણ.

પ્રશ્ન: અમે આ સંસ્થાની-આશ્રમની સેવા કરવા માંગીએ છીએ. અમે એ કેવી રીતે કરીએ? માર્ગદર્શન આપશો?

ઉત્તર: પરસ્પર પ્રેમ, સન્માન અને સેવામય પ્રસન્ન કુટુંબ સાથે કોઈ પણ ગૃહસ્થી એક સારા નાગરિક તરીકે સદ્ગૃહસ્થનું જીવન જીવે, એ પોતે જ રાષ્ટ્રની અને રામકૃષ્ણ મિશનની એક મહાન સેવા છે. અમે તો ખુશખુશાલ કુટુંબો જોવા ઇચ્છીએ છીએ. કારણ કે, અર્વાચીન સભ્યતા કુટુંબોનો નાશ કરે છે, જ્યાં અને ત્યાં અવરોધો ઊભા કરે છે. એની સામે શ્રીરામકૃષ્ણ, સ્વામીજી અને શ્રીશ્રીમાની પ્રેરણા, તમને જ્યાં પરસ્પર પ્રેમ હોય, પરસ્પર લાગણી હોય, સ્વસ્થ વાતાવરણમાં બાળકોનો જ્યાં વિકાસ થતો હોય, એવાં નીરોગી કુટુંબોનો વિકાસ કરવામાં મદદરૂપ નીવડશે. તમે રાષ્ટ્રની આ સેવા બજાવી શકો. અને આ સેવા તમારે પોતાને માટે પણ ઉત્તમ સેવા છે. આ સિવાય પણ મિશન પાસે એવા ઘણાબધા કાર્યક્રમો છે કે જેની જવાબદારી તમે તમારી શક્તિ પ્રમાણે અને તમારા કૌટુંબિક સંજોગો પ્રમાણે ઉપાડી શકો છો.

એક નાનકડી સેવા પણ મોટી વસ્તુ છે. શ્રીરામ સેતુ બાંધી રહ્યા હતા ત્યારે પાસે રહેલી એક ખિસકોલીએ વિચાર કર્યો કે, મારે પણ એમાં હાથ પસારવો ઘટે. એણે જળસાગરમાં ડૂબકી લગાવી અને રેતીના ઢગલામાં આળોટી અને એમાં ચોટેલા રેતીકણોને તૈયાર થતા પેલા પૂલ ઉપર ખંખેરી દીધાં. શ્રીરામે આ જોયું અને તેઓ ઘણાં પ્રસન્ન થયાં. તેમણે એને પોતાની ગોદમાં લઈને આશીર્વાદ આપ્યા અને એની પીઠ ઉપર પોતાની ત્રણ આંગળીઓ ફેરવી. એટલા માટે તો તમે આજે એ ભારતની ખિસકોલીની પીઠ ઉપર ત્રણ લીટા – આંકા જુઓ છો! (હાસ્ય) એટલે તમે પણ આ કાર્યમાં રામની ખિસકોલી જેવા બની જાઓ, તે પછી શ્રીરામકૃષ્ણદેવના આશીર્વાદ તમારા ઉપર ઊતરશે. અમેરિકાની ખિસકોલી મોટી હોવા છતાં પણ એના શરીર ઉપર આવા લીટા – ચિહ્નતા નથી. કારણ કે, એમને એવા રામના સ્પર્શ કે આશીર્વાદ ક્યારેય સાંપડ્યા નથી! (હાસ્ય)

પ્રશ્ન: બેલુર મઠના સને 1985ના યુવસંમેલન દરમિયાન મેં જોયું હતું કે, સેંકડો યુવાનો, આ સંઘના કેટલાય સંન્યાસીઓના પગમાં પડી રહ્યા હતા. પણ એ માટેનું કોઈ સંતોષકારક કારણ તેઓ આપી શકતા ન હતા. લોકો શા માટે આપના કે અન્ય સંન્યાસીઓના ચરણસ્પર્શ કરતા હશે?

ઉત્તર: તમે જ્યારે કોઈનો પણ ચરણસ્પર્શ કરો છો, ત્યારે તમે પૂજ્યભાવથી અને સન્માનથી તે કરી રહ્યા છો. આપણે આપણી માતાનાં ચરણનો સ્પર્શ કરીએ છીએ. માતાપિતાને રોજ ચરણસ્પર્શ કરવાની આપણી પ્રાચીન પરંપરા છે. ગુરુનો ચરણસ્પર્શ કરવાનું પણ આપણને શીખવવામાં આવ્યું છે. તેમનામાં જે જ્ઞાન છે તે પ્રત્યે આદરભાવ અને પૂજ્યભાવનું એ દ્યોતક છે. માતામાં જે પ્રેમ છે, એના આદર સન્માનનું એ દ્યોતક છે. આજની સભ્યતા આ સન્માનની વિભાવનાને અને તેના ભાવને ગુમાવી બેઠી છે. આજના લોકોને કોઈ પણ પ્રત્યે સન્માન નથી.

અમેરિકાનું ભૌતિકવાદી સંસ્કૃતિનું વાતાવરણ ભારતમાંય આવી પૂગ્યું છે. સામાન્ય અમેરિકનોને કોઈનાય ઉપર કશુંય સન્માન નથી! તેઓ તો કહેશે: ‘અરે! જિસસ તો સારો માણસ છે.’ આપણે કંઈ એવા નથી. આપણને તો મહાપવિત્ર પુરુષ પ્રત્યે અત્યંત માન અને પૂજ્યભાવ હોય છે. જ્યારે હું પહેલવહેલો ગાંધીજી પાસે ગયો ત્યારે 1927માં મૈસૂરમાં મેં તેમનાં ચરણોમાં પડીને પ્રણામ કર્યાં હતાં. કારણ કે એઓ મહત્તાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આપણે આવું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જ રીતે ઘણા ભક્તો પ્રણામ કરે છે. મેં એવુંય જોયું છે કે, કેટલાક લોકો કશી સમજણ વગર પણ પ્રણામ કરે છે. અમૃતસર મેડિકલ કૉલેજના પ્રિન્સીપાલ માનચંદ નામના એક ડૉક્ટર હતા. તેઓ ખૂબ સ્વતંત્ર મિજાજના અને નિર્ભીક આદમી હતા. અને સરકારને ખુશ રાખવાની પણ તેમણે કદીય દરકાર કરી ન હતી. એક વાર મેં તેમની મેડિકલ કૉલેજમાં પ્રવચન આપ્યું હતું. તેમણે મારું પ્રવચન સાંભળ્યું. તે પછી, અમે જ્યારે વિદાય લઈ રહ્યા હતા ત્યારે એમણે એકાએક મારી સામે જોયું અને કહ્યું: “સ્વામીજી, મેં હજુ સુધી કોઈને નમીને ચરણસ્પર્શ કર્યો નથી, પણ કૃપા કરીને આપનો ચરણસ્પર્શ કરવાની મને રજા આપશો?” મેં કહ્યું, “જો એમ કરવાથી તમારું આત્મસન્માન વધે છે એમ લાગતું હોય તો હા. પણ એથી જો એ ઘટતું હોય તો એવું ક્યારેય ન કરવું. એટલે એમણે આવીને ચરણસ્પર્શ કર્યો અને તેઓ ખુશખુશ થઈ ગયા. હમણાં જ તેમનું અવસાન થયું. તેઓ ખૂબ તર્કપ્રધાન પ્રકૃતિના પુરુષ હતા. કોઈનો ચરણસ્પર્શ કરીને તમને જો તમે વધારે સારા થતા જતા હો એવું લાગતું હોય તો એ કરો. નહિતર એ કદાપિ ન કરો. એ તો પોતાને કેવળ તુચ્છ બનાવવાની જ વાત છે.

પ્રશ્ન: શારદા મઠની સંન્યાસિનીઓને પણ આ સંસ્થાના સંન્યાસીઓ જેવી જ તાલીમ, એમના જેવું જ કાર્યક્ષેત્ર અને એમના જેવી જ નિર્બળની સેવા કરવાની તકો મળે છે ખરી? જો તેઓ પાત્રતા ધરાવતાં હોય તો રામકૃષ્ણ મઠ અને મિશનમાં કઈ હોદ્દો પામી શકે ખરાં કે?

ઉત્તર: રામકૃષ્ણ મઠ અને શારદા મઠના બંનેના આદર્શો અને કાર્યો તો સરખાં જ છે. પ્રેરણાસ્રોત પણ સમાન જ છે. પણ એ બંનેનું વ્યવસ્થાતંત્ર અને બંનેનાં ટ્રસ્ટી મંડળો અલગ અલગ સ્વતંત્ર છે. કારણ કે મહિલાઓ પોતાની બાબતોની પોતે જ વ્યવસ્થા કરે અને પોતે જ એનું સંચાલન કરે એવી સ્વામીજીની ઇચ્છા હતી. પુરુષોનું મહિલાઓ ઉપર વર્ચસ્વ ન હોવું જોઈએ, એમ સ્વામી વિવેકાનંદનું કહેવું હતું. આથી શારદા મઠનો શ્રીમા શારદાદેવીની જન્મશતાબ્દી વખતે 1953માં પ્રારંભ થયો કે તરત વરિષ્ઠ સંન્યાસિનીઓનું નવું ટ્રસ્ટી મંડળ ઊભું કરવામાં આવ્યું. અને શારદા મઠના સંચાલનની જવાબદારી એમને શિરે સોંપવામાં આવી. એના કાર્યક્રમો તો એક સરખા જ છે. તેઓ અરુણાચલ જેવા દૂરદૂરના પ્રદેશોમાં હૉસ્પિટલોનું સંચાલન કરે છે, શાળાઓ ચલાવે છે, છાત્રાલયો ચલાવે છે. ભારતના ઇતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે કોઈ ભારતીય કન્યાઓ પોતાના દેશની મહિલાઓની સેવા અર્થે આદિવાસી વિસ્તારોમાં પહોંચી હોય! ભૂતકાળમાં આપણામાં એવી માન્યતા હતી કે, દરેક છોકરી માટે, એના રક્ષણ માટે એક છોકરો કે પુરુષ તો હોવો જ જોઈએ. એ આપણો ભૂતકાળનો સામંતયુગીન ભારત હતો. પણ વર્તમાન નવો ભારત તો એનાથી સાવ જુદો છે. અત્યારે તો છોકરીઓ પણ માઉન્ટ એવરેસ્ટ જેવાં મોટાં ગિરિશિખરોને પણ સર કરે છે! સ્વામીજી તો શક્તિસંપન્ન, આત્મશ્રદ્ધાવાળી, લોકો માટે નક્કર કામ કરતી અને સ્વસ્થ સ્થિરધીર કન્યાઓ થાય, એમ ઇચ્છતા હતા. અને એમ થાય ત્યારે તમે આ રાષ્ટ્રનું રૂપાંતર કરી શકશો.

પ્રશ્ન: “ભારતીય નારીત્વનો આદર્શ” એ વિષયમાં પ્રવચન આપતાં કોઈકે, કહેલું કે સીતા ભારતીય નારીત્વનો આદર્શ છે. તો આધુનિક નારીનો આદર્શ શો હોઈ શકે? શું સીતાની પેઠે તેમણે પણ તેમના પતિએ પ્રવર્તાવેલ ત્રાસો સહન કર્યા કરવા?

ઉત્તર: મહાન ચરિત્રોનું ચિત્રણ કરતાં પુરાણાં પુસ્તકો, તે પછીના સમયના સર્વ લોકોને પ્રેરક નીવડી શકતાં નથી. આપણાં આજનાં વલણો જુદાં છે. આપણી આજની પ્રેરણાઓ જુદી છે. એટલે આપણા પુરાણ ગ્રંથો અને એનાં પાત્રો આપણામાંના બધા જ લોકોને પૂરો પરિતોષ આપી શકે નહીં. થોડેઘણે અંશે તે આપણને સંતોષી શકે ખરાં, પણ પૂરી રીતે નહીં, અને આ જ કારણથી ભારતવર્ષે નવા નવા મહાપુરુષોને જન્મ આપ્યા કર્યો છે. અને આપ્યા કરે છે. શ્રીરામકૃષ્ણ, શ્રીશ્રીમા શારદાદેવી અત્યંત અર્વાચીન મનોવલણવાળા એ આત્માઓ છે. તમે આ પ્રસંગમાં શ્રીશારદાદેવીનું અત્યંત આધુનિક સ્વરૂપ પિછાણી શકશો.

એક વાર એક માતા પોતાની પુત્રીને તેમની પાસે લઈ આવી અને એણે કહ્યું: “હું આને વિવાહ કરી લેવાનું કહું છું, પણ આ તો વિવાહ કરવા માગતી જ નથી. હવે તો એ દસ વરસની થઈ ગઈ.” શ્રીશ્રીમાએ પેલી માતાને ઠપકો આપતાં કહ્યું: “શું તું આ છોકરીનું જીવન બગાડી મારવા ઇચ્છે છે? વધારે સારું તો એ છે કે, પહેલાં તું એને ભણાવ-ગણાવ અને પછી એણે શું કરવું જોઈએ અને શું સારું છે. તે એ એની મેળે સમજશે.” બહારના દેખાવ ઉપરથી તો શ્રીશ્રીમા એક ગુજરાતી ગ્રામીણ સ્ત્રી જેવાં સાવ સામાન્ય દેખાય છે, પરંતુ ભીતરમાં પૂર્ણ રીતે આધુનિક છે. શ્રીરામકૃષ્ણના દેહવિલય પછી પોતાના અવસાન પર્યંત ઠેઠ, 1920 સુધી તેમણે અનેક આશ્ચર્યજનક કાર્યો કર્યાં. એટલે પુરાણા આદર્શો તો આપણને અમુક હદ સુધી જ પ્રેરણા આપી શકે અને એટલા જ માટે ભારતવર્ષ નવનવીન અવતારોને અને નવનવીન ઉદાહરણોને જન્મ આપ્યા કરે છે. આધુનિક સમયમાં ભારતમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

સ્વામી વિવેકાનંદ કહેતા કે, ભગિની નિવેદિતા તો સિંહણ છે. અંગ્રેજ સિંહણ – ખૂબ બુદ્ધિશાળી ખૂબ શક્તિશાળી. સ્વામીજી તેમને અહીં ભારતમાં લોકોની સેવા કરવા માટે લાવ્યા. શ્રી રવીન્દ્રનાથ ટાગોરે તેમને ‘લોકમાતા’ કહ્યાં. એવાં સિંહણ જેવાં અને પ્રખર બુદ્ધિશાળી નિવેદિતા પણ એક નાનકડા બાળકની પેઠે શ્રીશ્રીમાનાં ચરણો પાસે અવારનવાર બેસ્યા કરતાં! આવું કાર્ય નિવેદિતાને પોતાને તેમની આગવી એક બાળક હોવાની લાગણી જન્માવતું. શ્રીશ્રીમાનું મહાનપણું કેવું હશે! ભગિની નિવેદિતાઓ તેમનામાં આશ્ચર્યજનક આધુનિક વલણો નિહાળ્યાં. એટલે જ તો સ્વામીજીએ કહ્યું હતું કે, “આધુનિક નારી સામે એક આદર્શરૂપ થવા માટે શ્રીરામકૃષ્ણ શ્રીશ્રીમાને લાવ્યા છે.” શ્રીશ્રીમા પ્રત્યે લોકોનું કેવું આકર્ષણ છે, તે મેં યુરોપ અને અમેરિકામાં જોયું છે. તેઓ શ્રીશ્રીમાની છબીઓ રાખે છે. અને શ્રીશ્રીમાને નામે દીક્ષા લેવા ઇચ્છે છે. શ્રીશ્રીમા આજે આવાં છે. બહારથી સામાન્ય અને ભીતરથી અસાધારણ!”

પ્રશ્ન: શ્રીરામકૃષ્ણ મિશન અદ્‌ભુત કાર્યો તો કરી રહ્યું જ છે, પણ આટલાં બધાં સારાં કાર્યો કર્યા પછી અને આટલા સારા વાતાવરણમાં પણ બીજા વિવેકાનંદ કે બીજા રામકૃષ્ણ પરમહંસ કેમ નહિ અવતરતા હોય?

ઉત્તર: વાહ, આ તો મજાનો સવાલ છે! (હાસ્ય) તમારી સામે રાંધીને તૈયાર કરેલ સ્વાદિષ્ઠ ખાદ્યાન્નો ભોજન માટે ટેબલ પર પીરસ્યાં તો છે પણ તમે લોકો તો એમાંથી થોડુંક જ ખાઓ છો. અને બાકીના ઘણાબધા પદાર્થો તો ટેબલ પર એમ ને એમ પડ્યા છે. અને વળી પાછા પૂછો છો કે, કેમ વધુ રાંધતા નથી? આ તો એક બગાડ કરનારી વિલાસિતા જ કહેવાય. એટલે પહેલાં તો શ્રીરામકૃષ્ણે અને સ્વામી વિવેકાનંદે જે કંઈ વિચારો અને આદર્શો પીરસ્યા છે, તેને આપણા લોકોએ પચાવવા જોઈએ. અને તેઓ કંઈ કેવળ સંતો જ ન હતા, તેઓ તો યુગપુરુષો હતા અને તેમણે આપેલા એ બધા વિચારો અને આદર્શોનું પૂર્ણપણે પાચન કરવામાં તો હજારો વરસો વીતી જવાનાં, અને એ બધું થયા પછી જ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ જેવા બીજા અવતારપુરુષની આવશ્યકતા ઊભી થવાની.

શ્રી અરવિંદે કહ્યું છે કે, “શ્રીરામકૃષ્ણ જેવા શક્તિશાળી આત્માની ફરી વખત પ્રસૂતિપીડા ભારતમાતા નહિ કરી શકે. એણે સેંકડો વરસોની રાહ જોવી પડશે!” તમને એમણે જે આપ્યું છે તેનો જો તમે ઉપયોગ ન કરી શકો તો પછી ઉપદેશકોના વારંવાર આવવાનો શો અર્થ છે? વર્ગ માટે ઓરડો છે, શિક્ષણ પણ છે. પણ વર્ગમાં વિદ્યાર્થીઓ નથી. તો પછી વારંવાર શિક્ષકો વર્ગમાં આવ્યા કરે એનો શો અર્થ? એટલે તમને જે પહેલાં મળી ચૂક્યું છે. એનો ઉપયોગ કરો અને પછી જો જરૂર ઊભી થશે તો નવા ઉપદેશકો અને નવા ઉપદેશો આવશે. ભારત આવું છે. આવશ્યકતા ઊભી થતાં ઈશ્વર મહાન ઉપદેશક મોકલે જ છે અથવા પોતે જ અવતાર ધારણ કરે છે. ઠેઠ ઉપનિષદના ઋષિઓથી માંડીને કૃષ્ણ, રામ, બુદ્ધ, શંકરાચાર્ય, શ્રીરામકૃષ્ણદેવ સુધી તમે આ રાષ્ટ્રના આખા ઇતિહાસ દરમિયાન આવી ઘટનાઓ જોઈ શકશો. જ્યારે જ્યારે આપણી ચેતના અધોગામી બને, ત્યારે ત્યારે તમે જોઈ શકશો કે અછડતી રીતે દર હજાર વરસને ગાળે તમે આ નવા યુગના પ્રસ્થાન માટે નવા ઉપદેશકોના અવતરણની આ પ્રક્રિયાનું સાતત્ય ચાલુ રહ્યું જ છે.

વીસમી સદીમાં આપણી ચેતના અધોગામી બની એટલે તેઓ આવ્યા. હવે તેમણે જે આપ્યું છે. એને એ યુગધર્મને આપણા લોહીમાં-મનમાં કેટલીક સદીઓ સુધી પહેલાં બરાબર રીતે એકરસ કરી દઈએ, પચાવી દઈએ. અને આપણા રાષ્ટ્રનો વિકાસ કરીએ. કેટલીક સદીઓ સુધી આ બધું સારી રીતે ચાલવું જોઈએ. વળી પાછો પીછેહઠનો સમય આવશે ત્યારે આપણે વળી નવા ઉપદેશને ઝંખીશું અને ફરી પાછા બીજા ઉપદેશક અવતરશે. ભગવાને ખૂબ પ્રાચીન કાળથી ભગવદ્ગીતામાં આ વચન આપ્યું જ છે કે “સંભવામિ યુગેયુગે” (અ. 4).

પ્રશ્ન: ગાંદીજી અને સ્વામીજીની વિચારસરણીમાં કશો તફાવત છે ખરો? એવું લાગે છે કે, ગાંધીજીએ સ્વામીજી પાસેથી પ્રેરણા લીધી હોય. સ્પષ્ટતા કરવા વિનંતી.

ઉત્તર: ગાંધીજીએ પોતે જ, 1921માં, તેમણે જ્યારે અસહકારના દિવસોમાં બેલુરમઠની મુલાકાત લીધી ત્યારે આ વાત કહી છે. ત્યાં એકઠા મળેલા બધા લોકોએ જ્યારે એમને થોડા શબ્દો બોલવાની વિનંતી કરી, ત્યારે તેઓ પહેલા માળના પ્રાંગણમાં ઊભા હતા. તેમણે કહ્યું: “હું અહીં બેલુરમઠમાં સત્યાગ્રહનો સંદેશ આપવા આવ્યો નથી. હું તો સ્વામીજી જે અહીં મૂકી ગયા છે તેમાંથી કંઈક પ્રેરણા લેવા આવ્યો છું. હું તેમના ગ્રંથો સાંગોપાંગ વાંચી ગયો છું અને એ વાંચ્યા પછી મારો ભારત પ્રત્યેનો પ્રેમ હજાર ગણો વધી ગયો છે.” એટલે ગાંધીજીએ સ્વામીજી પાસેથી, એમને વાંચ્યા પછી ઘણી પ્રેરણા લીધી છે. સ્વામીજીએ ઘડલો ‘દરિદ્રનારાયણ’નો પારિભાષિક શબ્દ અપનાવીને ગાંધીજી એનો ઉપયોગ કરતા.

ગાંધીજીએ સ્વામી વિવેકાનંદે પ્રસ્તુત કરેલું રાષ્ટ્રના ઘડતર-ચણતરનું કામ અને જન-જાગરણનું કામ તેમ જ નારીજાગૃતિનું કામ આગળ ધપાવ્યું. તેમણે આપેલા કેટલાક વિચારો જો કે આજના સમય સાથે બંધબેસતા થતા નથી છતાંય તેમણે જે કર્યું અને જે કહ્યું એ બધું આપણે માટે અને આખા વિશ્વ માટે પણ ખૂબ પ્રેરક હતું. પરન્તુ સમયના સંદર્ભમાં ગાંધીજીની પ્રસ્તુતતા શ્રીરામકૃષ્ણની કે સ્વામીજીની એવી પ્રસ્તુતતા જેટલી દૂરગામી નથી.

ગાંધીજીએ કહ્યું: “હું ઈશ્વરની ખોજમાં છું, પણ મેં હજુ સુધી ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો નથી.” જ્યારે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ તો પૂર્ણ રીતે એ દિવ્યતામાં તન્મય થઈ ચૂક્યા હતા. એટલે એવી શક્તિ તો હંમેશાં વધુ જ કહેવાય. પણ એમાં કશો વિરોધ નથી, ગાંધીજીએ પણ દિવ્ય શક્તિની સાધના કરી, સત્ય અને અહિંસાની સાધના કરી એ માનવતાના કલ્યાણ માટેની ખરેખ તીવ્રતમ શક્તિ કહેવાય.

પણ જેમ ટાગોરે કહ્યું છે તેમ, સ્વામીજીએ એવો પાયાનો ઉપદેશ આપ્યો કે જેમાંથી તમે પોતે પોતાની ઇચ્છા પ્રમાણે મહાનતાની એક નવી ભાતનું સર્જન કરી શકો. અને એ પણ આ કે તે એવા કોઈ ખાસ કાર્યનો કે વલણોનો આદેશ પાળ્યા વગર જ. જે ઉપદેશક તમને જેટલો ઓછો વાણીવિસ્તાર કે કાર્યવિસ્તાર આપે, તેટલો તે ઉપદેશ વધારે મોટો સમજવો. એવો ઉપદેશક તો તમને કાર્યવિસ્તારને પહોંચી વળવાની શક્તિ અને સ્વતંત્રતા બક્ષે છે. એ તમને પ્રેરણા આપે છે. સ્વામીજીએ આવું કર્યું છે અને સ્વામીજી અને ગાંધીજી વચ્ચે માત્ર આ જ તફાવત છે.

Total Views: 455

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.