(નવેમ્બર, 1989થી આગળ)

ગીતામાં યોગની પરિભાષાઓ: યોગ શું છે? ‘योग कर्मसु कौशलम्’ – કર્મ કરવાની કુશળતા જ યોગ છે. જ્યારે આપણે આપણી બધી જ બુદ્ધિ અને શક્તિ સાથે કાર્ય કરીએ છીએ, ત્યારે એ યોગ થઈ જાય છે. આ યોગનો એક પક્ષ છે. યોગનો બીજો પક્ષ છે, – ‘समत्वं योग उच्यते’ – અર્થાત્ બુદ્ધિની સમતાનું નામ યોગ છે. જ્યારે ‘योगः कर्मसु कौशलम्’ અને ‘समत्वं योग उच्यते’ એ બંનેને એકી સાથે જોડી દેવામાં આવે ત્યારે યોગનું સંપૂર્ણ સ્વરૂપ આપણી સામે ખડું થાય છે. આપણે પોતાની કુશળતાથી તેમ જ બુદ્ધિને સંતુલિત રાખીને કાર્ય કરવું જોઈએ. આ કેમ બને? ‘ब्रह्मण्याधाय कर्माणि संगं त्यक्त्वा करोति यः’ – ‘બ્રહ્મને આશ્રય અને આધાર માનીને પોતાનાં કાર્ય કરવાથી બુદ્ધિ સંતુલિત બની જાય છે.’

આપણી બુદ્ધિ અસંતુલિત ત્યારે જ હોય છે કે જ્યારે કામ કરતી વખતે આપણા મનમાં ફળની ઇચ્છા હોય છે. ગીતા તો એમ પણ કહે છે કે કાર્ય કરવું એ તો તમારા હાથની વાત છે પણ કર્મનું ફળ આપનારું તો એક એવું તત્ત્વ છે કે જે તમારા અધિકારની બહાર છે. એટલા માટે જો તમે કર્મફળની ઇચ્છા રાખશો તો તમારા મનમાં અશાંતિનો ઉદય થવો શક્ય છે. કારણ કે, તમે જે ફળની આશા રાખી હોય, તે ન મળે અને જે ફળની તમે અપેક્ષા ન રાખી હોય, એ મળી જાય એનીય સંભાવના છે અને ત્યારે તમારું મન ચંચળ અને વિક્ષુબ્ધ થઈ ઊઠશે. તેથી તમે તમારી પૂરી કુશળતા સાથે કર્મ તો કર્યે જ જાઓ. પણ એનું ફળ ઈશ્વરના હાથમાં સોંપી દો. કર્મનો આ અટલ સિદ્ધાંત છે કે તમે જે કંઈ પણ કર્મ કરો, એનું ફળ તો તમને અવશ્ય મળવાનું જ. તમે જે કંઈ સારું-નરસું કર્મ કરો, એનું ફળ તમને અનિવાર્યપણે મળવાનું જ. ગીતા કર્મફળને અવશ્યંભાવિ ગણે છે અને કહે છે કે જ્યારે તમને તમારા કર્મનું ફળ મળવાનું જ છે, તો પછી એ ફળની ચિંતા શા માટે કરો છો? ‘મને મારા કર્મનું આવું જ ફળ મળવું જોઈએ’ – એમ કહીને તમે ‘અદ્રષ્ટ’ પર જોર કેમ કરી શકો? એટલે કર્મ તો કરો જ પણ ફળને માટે ઈશ્વર પર અવલંબિત થઈ જાઓ. ગીતાની આ સૌથી મોટી મનોવૈજ્ઞાનિક શિખામણ છે.

ગીતા આપણને ભૂલભૂલામણીમાં નાખતી નથી. કેટલાક લોકો કહે છે કે ફળોનો વિચાર ન કરવો, એ તો પલાયનવાદ છે, જીવનથી ભાગી છૂટવાની વૃત્તિ છે. આ પલાયનવાદ નથી પણ આ તો એક મનોવૈજ્ઞાનિક તર્ક છે. આ તર્ક આપણા પગને વિપરીત પરિસ્થિતિઓમાં ઊભા રહેવાની શક્તિ આપે છે. ગીતાનો કર્મસિદ્ધાંત સંપૂર્ણ રીતે વ્યાવહારિક છે. કર્મ અને તેના ફળને ઈશ્વરાર્પણ કરી દેવાની જે વાત શ્રીકૃષ્ણ કરે છે, એ એક મનોવૈજ્ઞાનિક ઉકેલ – સમજણ – છે. એનાથી કર્મનું વિષ આપણને હાનિ પહોંચાડી શકશે નહિ.

કર્મ કરવાનાં બે દૃષ્ટાંતો: માની લો કે બે માણસો છે. એક માણસ ઈશ્વર પર શ્રદ્ધા રાખે છે અને બીજો માણસ ઈશ્વરને માનતો નથી. એ કહે છે કે હું પોતે કર્મ કરું છું અને પોતે જ એનું ફળ પામું છું. ઈશ્વર કર્મફળ આપતો નથી. હું પોતે જ કર્મફળદાતા છું. પહેલો માણસ બધે જ ઈશ્વરની હસ્તી જુએ છે. એ કર્મ તો કરે છે, પણ એનું ફળ ઈશ્વરચરણે ધરી દે છે. માની લો કે એ બંને પોતાનાં કાર્યમાં સફળ થયા. ત્યારે જે માણસ ઈશ્વર પર શ્રદ્ધા નથી રાખતો તે કહેશે કે મેં મારા બુદ્ધિબળે આ કામ સિદ્ધ કર્યું. આવો વિચાર કરીને તે વધુ અહંકારી બની જશે. પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખતો બીજો માણસ તો સફળ થતાં કહેશે કે, ‘હે પ્રભુ, તારી શક્તિ અને કૃપાના ફળરૂપે જ મને આ સફળતા મળી છે.’ આ રીતે તે વધુ  વિનયી, વધુ વિનમ્ર બની જશે. બાહ્ય દૃષ્ટિએ તો એ બંને માણસોમાં કશો ફેર જણાતો નથી, પણ આંતરિક દૃષ્ટિએ જોતાં, એકના મનમાં અહંકાર વધે છે અને બીજાના મનમાં વિનયનો સંચાર થાય છે.

હવે એ જોઈએ કે જ્યારે એ બંને કોઈ કામમાં અસફળ નીવડે ત્યારે એમનામાં શી શી પ્રતિક્રિયા જન્મે છે. અસફળ થતાં ઈશ્વરમાં ન માનતો અહંકારી પોતાની અસફળતાના દોષનો ટોપલો બીજા માથે ઓઢાડી દે છે. એ કહે છે કે, મારા મિત્રોએ મને દગો દીધો. અસફળતાના આઘાતથી એ રડવા માંડે છે. કેટલાય લોકો અસફળતા ન સહી શકવાને કારણે ગાંડા બની જાય છે અને કેટલાક તો આપઘાત પણ કરી લે છે. આજકાલ એવા બનાવો ઘણા બને છે. કામમાં નિષ્ફળ જતાં કેટલાક લોકો ઝેર પી લે છે, રેલવેના પાટા ઉપર સૂઈ જાય છે, બળી મરે છે, પાણીમાં ડૂબી મરે છે. પણ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર માણસો તો જાણે છે કે કર્મફળનો દેનાર તો ભગવાન છે. એવો માણસ અસફળ થતાં ઈશ્વરને સંબોધીને કહે છે કે, ‘પ્રિયતમ, અસફળતાનું દુઃખ તો અવશ્ય છે, પણ મને દૃઢ વિશ્વાસ છે કે આવું કરવામાં મારું કંઈક કલ્યાણ જ થવાનું હશે. ભલે મને મારા કર્મનું ઇચ્છિત ફળ આજે ન મળ્યું હોય પણ તમે મારું કલ્યાણ જ કરશો. કારણ કે, તમે મંગલમય છો. હું આજે મારા અજ્ઞાનને લીધે તમારા આ વિધાનને ભલે ન સમજી શકતો હોઉં, પણ મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે આ અસફળતા મારા કલ્યાણ માટે જ છે.’ આવું કહીને ફરીથી શક્તિ ભેગી કરીને એ આગળનાં કાર્યોમાં લાગી જાય છે. પેલા અહંકારીને એક નાનકડી નિષ્ફળતા પણ જ્યાં છિન્નભિન્ન કરી મૂકે છે, ત્યાં ઈશ્વર પર શ્રદ્ધા રાખનાર આ બીજો માણસ સંકટોનો સામનો કરવા તૈયાર થઈ જાય છે, સંકટોનો એ ભગવાનની કૃપા જ સમજીને સ્વીકાર કરે છે. આ દૃષ્ટિકોણના આલંબનથી એનું જીવન અસંતુલિત થઈ જતું નથી. આ સંતુલન જ योग કહેવાય છે.

આ રીતે કર્મ કરતી વખતે ફક્ત આવા બે જ દૃષ્ટિકોણો સંભવિત છે. અહંકારપ્રેરિત થઈને કામ કરનાર વ્યક્તિ, ઈશ્વરને ન માનતી વ્યક્તિ જ્યાં સંસારના એક નાનકડા આઘાતથી ભાંગી પડે છે, ત્યાં ઈશ્વરશ્રદ્ધાળું વ્યક્તિ, સંસારના આઘાત પ્રત્યાઘાતોને ઈશ્વરનું મંગલમય વિધાન માનીને સહી લે છે, અને ભવિષ્ય માટે કમર કસીને ઊભી થઈ જાય છે. એ ભાંગી પડતી નથી, હતાશ, છિન્નભિન્ન થતી નથી. પણ ઈશ્વરની કૃપામાં શ્રદ્ધા રાખીને વધુ ઉત્સાહ સાથે પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થઈ જાય છે.

ઈશ્વર કલ્પના નહિ, પરમ સત્ય: અહીં કેટલાક લોકો કહે છે કે ઈશ્વર તો એક કલ્પના છે; એટલે ઈશ્વર ઉપરની શ્રદ્ધા પણ એક કલ્પના જ છે. એ લોકો કહે છે કે, તમે એક ઈશ્વરના નામનો હોબાળો ઊભો કરી લો છો અને એમ માનવા લાગો છો કે સફળતા-નિષ્ફળતા એના હાથમાં છે. આમ, મનને દિલાસો દેવાનો પ્રયત્ન કરો છો. આના ઉત્તરમાં એમ કહી શકાય કે એક દલીલ ખાતર એવું માની લઈએ કે ઈશ્વર એક કલ્પના જ છે. તો પણ કોઈ કલ્પના જો માણસને ભાંગી પડવામાંથી, છિન્નભિન્ન કરી દેવામાંથી ઉગારતી હોય, દુઃખોના ઝંઝાવાતમાંથી એની રક્ષા કરીને એને ઊભા રહેવાની શક્તિ આપતી હોય તો એવી કલ્પનાને સ્વીકારવામાં શો દોષ છે? વળી, હું પૂછું છું કે શું આપણું આખું જીવન જ એક લાંબી નાસભાગ નથી? આપણે હંમેશાં કલ્પનામાં જ તો વિચરણ કરતા હોઈએ છીએ. આપણું જીવન કલ્પનાની એક લાંબી ગાથા છે. થોડોક વિચાર કરી જુઓ કે, આપણે કેટલી ક્ષણો વર્તમાનમાં રહેતા હોઈએ છીએ? વિચાર કરતાં જણાશે કે આપણે વર્તમાનમાં લગભગ રહેતા જ હોતા નથી અને કદાચ રહેતા હોઈશું તો પણ ખૂબ થોડા જ. બાકીના સમયમાં કાં તો ભૂતકાળની સ્મૃતિઓમાં રહેતા હોઈએ છીએ અથવા તો પછી ભવિષ્યના તાણાવાણા ગૂંથતા રહેતા હોઈએ છીએ. આ ભૂતકાળ અને ભવિષ્ય – બંને કલ્પનાઓ જ છે ને? ભૂતકાળ એટલા માટે કે તે પસાર થઈ ગયો હોય છે અને ભવિષ્ય એટલા માટે કે એ હજુ આવવાનો બાકી છે. એટલે જો કોઈ એમ કહે કે તમે ઈશ્વરને છોડી દો, કારણ કે એ એક કલ્પના છે, તો એવા માણસને આપણે કહી શકીએ કે જો તમે ભૂત અને ભવિષ્યનું ચિંતન છોડી શકો, તો જ તમને આવું કહેવાનો અધિકાર છે.

વળી, એક બીજો પક્ષ પણ છે. જો કોઈ કલ્પનાથી કોઈ નક્કર લાભ થતો હોય તો એ અપનાવવી જોઈએ. સામાન્ય વ્યવહાર અને વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ કલ્પનાઓ સ્વીકાર્ય છે. અક્ષાંશ અને રેખાંશ રેખાઓ આખરે શું છે? શું એ સહજ કલ્પના નથી? આ રેખાઓ ધરતી ઉપર ક્યાંય દોરવામાં તો આવી નથી, છતાં એની મદદથી આપણે રણપ્રદેશોને પાર કરીએ છીએ અને હવાઈ જહાજમાં ઊડીને નિર્ધારિત સ્થળે પણ પહોંચી જઈએ છીએ. દિશાઓ પણ ખાલી કલ્પના જ છે. છતાં એવી દિશાઓની મદદથી આપણે દુસ્તર સાગરોનેય તરી જઈ શકીએ છીએ. વિજ્ઞાનમાં આપણને બિન્દુ (Point) અને સીધી લીટી (Straight line)ની પરિભાષાઓ શીખવવામાં આવે છે. તો જે બિન્દુ આપણે બનાવીએ છીએ કે જે સીધી રેખા આપણે દોરીએ છીએ, તે શું પેલી પરિભાષા પ્રમાણેની હોય છે ખરી કે? નહિ જ. બિન્દુ એ છે કે જેમાં લંબાઈ કે પહોળાઈ હોય જ નહિ અને સીધી લીટી – સરળ રેખા એ છે કે જેમાં લંબાઈ તો હોય છે, પણ પહોળાઈ હોતી જ નથી. હવે કોઈને કહો કે એવું બિન્દુ બનાવી દે અને એવી રેખા દોરી આપે. તો એ કંઈ એવું કરી શકવાનો નથી. અહીં પણ આપણે કલ્પના જ કરવી પડે છે. માની લેવું પડે છે કે, આ બિન્દુ અને આ સરળ રેખા છે. આ કલ્પનાના પાયા પર વિજ્ઞાનનો આવડો મોટો મહેલ ખડો થયો છે. એટલે કલ્પનાઓથી નક્કર લાભ થયેલો જણાય છે. તો જો ઈશ્વરની કલ્પનાથી માણસ છિન્નભિન્નતામાંથી બચી શકે, હતાશામાંથી ઊગરીને પાછો જીવનસંગ્રામમાં ઝંપલાવી શકે, તો એમાં શો દોષ છે?

અને અમે તો કહીએ છીએ કે, ‘ભાઈ, ઈશ્વર કલ્પના નથી, એ તો જીવનનું પરમ સત્ય છે. એને છોડીને બાકી બધું કલ્પના છે. એ ભૂતકાળમાંય સત્ય હતો, વર્તમાનમાંય સત્ય છે અને ભવિષ્યમાંય સત્ય રહેશે. એ તો ત્રિકાલાબાધિત સત્ય છે. બાકીની બધી વસ્તુઓ કે જેને આપણે સત્ય માનીએ છીએ તે ખરી રીતે સત્ય નથી. થોડાક જ સમય પૂરતી એની હસ્તી જણાય છે પણ પછી એ નાશ પામે છે. ઈશ્વર જ શાશ્વત અને અવિનાશી છે.’

આ રીતે ગીતા કર્મફળના વિષયમાં આપણને જે બોધ આપે છે, એ આપણને પલાયનવાદી બનાવતી નથી. એ કહે છે કે આપણે ‘ફળ’નો આગ્રહ ન રાખવો જોઈએ. કારણ કે આગ્રહભાવ મનને ચંચળ કરી મૂકે છે. આ વિશે પૂછી શકાય કે જો આપણે કર્મફળની ઇચ્છા વિના કર્મ કરી જ ન શકતા હોઈએ, તો પછી અનાસભક્ત થઈને – કર્મફળની ઇચ્છા છોડીને કર્મ કરવાનો અર્થ જ શો છે?

નિષ્કામ કર્મનું તાત્પર્ય: તો એ માટે ગીતા કહે છે કે ફળના ચિંતનમાં તમારો સમય અને શક્તિ બરબાદ ન કરો. ફળ તો તમને મળશે જ. જે સમય અને જે શક્તિ તમે ફળના ચિંતનમાં કામે લગાડો છો, એનો ઉપયોગ કર્મ કરવામાં કરો. ગીતાનું આ જ તત્ત્વજ્ઞાન છે. ગીતા કહે છે કે તમારો પૂરેપૂરો સમય અને તમારી પૂરેપૂરી શક્તિને કર્મમાં જોડી દો. ફળનો વિચાર ન કરો. જ્યારે તમે કોઈ વધારે સારું કાર્ય કરશો ત્યારે કર્મના અટલ સિદ્ધાંત અનુસાર તમને તેનું વધારે સારું ફળ મળશે. એટલા માટે ઈશ્વરાર્પણ ભાવથી પોતાના રોજબરોજના જીવનનાં કર્મો કરતા રહીને કહો કે, ‘હે પ્રિયતમ, મારાં બધાં કર્મો તારી પૂજા બની રહો. હું ખેતરમાં જાઉં, ખળામાં જાઉં, રસોઈ પકાવવાનું કામ કરું, ઑફિસ કે બજારમાં જાઉં – મારાં આ બધાં જ કામ કેવળ તારી પૂજા જ પૂજા છે.’ જ્યારે આ ભાવ દૃઢ થઈ જાય છે, ત્યારે જીવનમાં ગીતાનો બોધ અવતરે છે.

(ક્રમશઃ)

ભાષાંતરકાર: શ્રી કેશવલાલ શાસ્ત્રી

Total Views: 435

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.