શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ 25મી જાન્યુઆરીએ મુંબઈથી હવાઈ માર્ગે રાજકોટ પધાર્યા હતા. તા. 26, 27 અને 28 એમ ત્રણ દિવસ સુધી દરરોજ સાંજે ભક્તજનો સાથેના મિલન અને પ્રશ્નોત્તરી દરમ્યાન પરમ પૂજ્ય મહારાજશ્રીએ ગુરુ-શિષ્યનો સંબંધ, આન્મોન્નતિ અને સાક્ષાત્કાર, મનની શાંતિ, આત્મજ્ઞાન અને વિજ્ઞાનનો સંબંધ વગેરે ચિંતનીય વિષયો પર ચર્ચા કરી હતી. આશ્રમ દ્વારા સંચાલિત આયુર્વેદિક અને હોમિયોપથિક દવાખાનાના મકાનનું ઉદ્‌ઘાટન પરમ પૂજ્ય મહારાજશ્રીના વરદ્ હસ્તે 28મી એ થયું હતું. આ પ્રસંગે પ્રવચન આપતાં તેમણે આશ્રમ દ્વારા ‘શિવાજ્ઞાનથી જીવસેવા’ના આદર્શને અનુસરી સેવા કાર્યોનો ઉલ્લેખ કરીને તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આશ્રમને જનતા તરફથી મળતા સહકાર પ્રત્યે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો અને આગળ વધારે સહયોગ મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. પરમ પૂજ્ય મહારાજશ્રી 21 વર્ષ સુધી (1945થી 1966) આ આશ્રમના અધ્યક્ષપદે રહ્યા હતા, પરિણામે બધા કાર્યક્રમોમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

28મીએ સાંજે પ્રશ્નોતરીના કાર્યક્રમ બાદ પોતાના પ્રવચનમાં પરમ પૂજ્ય મહારાજશ્રીએઅ બધાનું જીવન મંગલકારી બને તેવી અભિલાષા વ્યક્ત કરી હતી અને અંતે ભાવભીના ઉદ્‌ગારોમાં કહ્યું હતું – “જો ભગવાનની ઇચ્છા હશે તો ફરી મળીશું.” 29મી એ સવારે તેઓ હવાઈ માર્ગે મુંબઈ જવા રવાના થઈ ગયા.

આશ્રમમાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદો સ્વામી બ્રહ્માનંદજી મહારાજ અને સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજની જન્મતિથિ ક્રમશઃ 28 અને 30 જાન્યુઆરીએ ઉજવવામાં આવી હતી.

31મી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિર દ્વારા વસંત પંચમીના અવસરે શ્રીશ્રીસરસ્વતી પૂજાનું આયોજન થયું હતું. તે દિવસે સવારે વિશેષ પૂજા, ભજન, હવન વગેરેનો કાર્યક્રમ હતો.

ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે યોજાયેલ કાર્યક્રમો

પોરબંદર:

સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે 22મી જાન્યુઆરીએ સાંજે 7 વાગે એક જાહેર સભા યોજાઈ હતી, જેમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા વિષે શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના સંન્યાસીનું પ્રવચન થયું હતું. 22મી એ સવારે આર્ય ગુરુકુળ કન્યા મહાવિદ્યાલય તથા આર્ય ગુરુકુળ કન્યા વિદ્યાલયમાં ‘શ્રીમા શારદા અને સ્વામી વિવેકાનંદ’ પર, 22મી એ સાંજે મહર્ષિ દયાનંદ સાયન્સ કૉલેજમાં ‘સ્વામી વિવેકાનંદનું જીવન તથા સંદેશ’ વિષય પર અને 23મી એ સવારે માધવાણી આર્ટસ અને કોમર્સ કૉલેજમાં ‘સ્વામી વિવેકાનંદનો યુવાવર્ગને સંદેશ’ એ વિષય પર શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીનાં પ્રવચનો યોજાયાં હતાં.

જામ-ખંભાળીયા:

સ્વામી વિવેકાનંદ યુવક મંડળ જામ-ખંભાળીયાનું પ્રતિવેદન જણાવે છે કે તા. 12થી 18 જાન્યુઆરી દરમ્યાન વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સુલેખન સ્પર્ધા વગેરે યોજાયાં હતાં. પુરસ્કાર વિતરણ સમારંભ તા. 18મી એ યોજવામાં આવ્યો હતો.

અમરેલી:

સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ અભ્યાસ વર્તુળ દ્વારા અમરેલીમાં તા. 12થી 19 જાન્યુઆરી સુધી સપ્તાહનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપલક્ષ્યમાં સ્વામી વિવેકાનંદનાં જીવનકાર્ય વિશે વાર્તાલાપ, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું અધ્યયન, નિબંધ-વક્તૃત્વ સ્પર્ધા, યુવા-મિલન જેવા કાર્યક્રમનું આયોજન થયું હતું. સમાપન સમારંભ 19મી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીની નિશ્રામાં, ડૉ. વસંતભાઈ પરીખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સમારંભમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોના વક્તવ્યો, વિવિધ સ્પર્ધાઓનાં વિજેતાઓ માટે પારિતોષિક વિતરણ વગેરે કાર્યક્રમો યોજાયા હતા.

Total Views: 346

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.