ઉપાય: શ્રદ્ધા

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે, વાઘ જેવાં હિંસક પ્રાણી પણ છે. ઝાડપાનમાં અમૃત જેવાં ફળ આપે એવાં પણ છે અને ઝેરી ફળવાળાં પણ છે; તેમ જ માણસોમાંય સારાં છે, ખરાબ પણ છે, સાધુ છે, અસાધુ પણ છે, સંસારી જીવો છે, તેમ ભક્તો પણ છે.

જીવોના ચાર પ્રકાર: બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ અને નિત્યજીવ.

નિત્યજીવ – જેવા કે નારદ વગેરે. એ જીવો સંસારમાંર હે જીવોના કલ્યાણ માટે, જીવોને ઉપદેશ આપવા સારું.

બદ્ધજીવ – જેઓ વિષયમાં આસક્ત થયેલા અને ભગવાનને ભૂલી રહેલા હોય. તેઓ ભૂલેચૂકે પણ ઈશ્વર-સ્મરણ કરે નહિ.

મુમુક્ષુજીવ – જેઓ મુક્ત થવાની રાખે. પણ તેઓમાંથી કોઈક મુક્ત થઈ શકે, કોઈક ન થઈ શકે.

મુક્તજીવ – જેઓ સંસારમાં કામ-કાંચનમાં બંધાયેલા નથી. જેમ કે સાધુમહાત્માઓ; જેમના મનમાં સંસારી બુદ્ધિ નથી અને જેઓ હંમેશાં હરિચરણનું ચિંતવન કરે.

ધારો કે તળાવમાં જાળ નાખી છે. બે-ચાર માછલાં એવાં હોશિયાર કે ક્યારેય જાળમાં સપડાય નહિ. આ નિત્યજીવોની ઉપમા. પણ માછલાંનો મોટો ભાગ જાળમાં પડે. એમાંથી કેટલાંક નાસી છૂટવાનો પ્રયાસ કરે; એ બધાં મુમુક્ષુજીવ જેવાં. પણ બધાંય માછલાં છૂટી ન શકે. બેચાર માછલાં ધબાંગ, ધબાંગ કરતાંને જાળમાંથી બહાર કૂદી પડે. પણ જેઓ જાળમાં સપડાયાં છે તેમાંનો મોટો ભાગ નાસી શકે નહિ અને નાસવાનો પ્રયાસ પણ કરે નહિ. ઊલટાં, જાળ મોઢામાં લઈને તળિયે જઈને મોં કાદવમાં ઘુસાડીને છાનાંમાનાં સૂઈ રહે. મનમાં માને કે હવે કોઈ જાતની બીક નથી, આપણે સલામત છીએ. પણ જાણતાં નથી કે માછીમાર સડેડાટ કરતો જાળ તાણીને કિનારે ખેંચી લેશે. આ બદ્ધજીવોની ઉપમા.

બદ્ધજીવો સંસારમાં કામ-કાંચનમાં બદ્ધ થયેલા છે. હાથપગ બંધાયેલા છે. પણ પાછા એમ માને છે કે સંસારનાં કામ-કાંચનથી જ સુખ મળશે અને ત્યાં જ નિર્ભય થઈને રહેશું. પણ જાણતા નથી કે એમાં જ મોત થવાનું છે. બદ્ધજીવ જ્યારે મરવા પડે ત્યારે તેની સ્ત્રી કહેશે, “તમે તો ચાલ્યા, પણ અમારી શી વ્યવસ્થા કરી છે?” પાછી બદ્ધજીવમાં એવી માયા હોય કે દીવાની વાટ ઊંચી ચડે ને વધુ બળતી હોય તો કહેશે, “અલ્યા, તેલ બળી જાય છે. વાટ ઓછી કરી નાખો.” આ બાજુએ પોતે તો મરણપથારીએ પડ્યો હોય!

બદ્ધજીવો ઈશ્વરચિંતન કરે નહિ. જો ફુરસદ મળે તો આડાઅવળાં નકામાં ગપ્પાં મારે, નહિતર નકામાં કામ કરે. પૂછો તો કહેશે કે, હું કામ વિના બેસી રહી શકતો નથી. એટલે આ વાડ કરી લઉં છું. કાં તો વખત નીકળતો નથી એમ જાણીને ગંજીપો કૂટવા માંડે! (સહુ સ્તબ્ધ.)

એક ભક્ત: મહાશય, એવા સંસારી જીવ માટે શું કોઈ ઉપાય નથી?

શ્રીરામકૃષ્ણ: ઉપાય જરૂર છે. વચ્ચે-વચ્ચે સાધુસંગ અને અવારનવાર એકાંતમાં જઈને ઈશ્વરચિંતન અને તેનો વિચાર કરવો જોઈએ. પ્રભુ પાસે પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મને શ્રદ્ધાભક્તિ આપો.

માણસમાં જો શ્રદ્ધા આવી ગઈ તો તો થઈ ચૂક્યું. શ્રદ્ધાથી મોટી બીજી કોઈ ચીજ નથી. (કેદારને) શ્રદ્ધાનું જોર કેટલું છે તે તો સાંભળ્યું છે ને? પુરાણમાં કહ્યું છે કે રામચંદ્ર કે જે સાક્ષાત્ પૂર્ણબ્રહ્મ નારાયણ, તેમને લંકામાં પહોંચવા સારું પુલ બાંધવો પડ્યો, પણ હનુમાન રામનામમાં શ્રદ્ધા રાખીને એક જ છલાંગ સમુદ્રની પેલી પાર કૂદી પડ્યા. તેમને પુલની જરૂર નહિ. (સૌનું હાસ્ય.)

વિભીષણે એક પાંદડામાં રામનામ લખીને એ પાંદડું એક માણસના લૂગડાને છેડે બાંધી દીધું. એ માણસને સમુદ્રને સામે પાર જવું હતું. વિભીષણે તેને  કહ્યું, “તારે બીવું નહિ. તું શ્રદ્ધા રાખીને પાણી ઉપર થઈને ચાલ્યો જજે. પણ જોજે હો, જો શ્રદ્ધા ગુમાવી તો તરત પાણીમાં ડૂબી જઈશ.” એ માણસ તો મજાનો સમુદ્રની ઉપર થઈને ચાલ્યો જતો હતો. એવામાં તેને કુતૂહલ થયું કે લૂગડાને છેડે શું બાંધ્યું હશે એ એક વાર જોઉં તો ખરો! ઉઘાડીને જોયું તો માત્ર “રામ” નામ લખ્યું છે. તેને વિચાર આવ્યો કે આ શું? આમાં તો માત્ર “રામ” નામ જ લખ્યું છે! બસ, જેવી અશ્રદ્ધા આવી કે તરત પાણીમાં ડૂબી ગયો.

જેને ઈશ્વરમાં શ્રદ્ધા છે, તેનાથી કદાચ મહાપાપ થઈ જાય, ગૌ, બ્રાહ્મણ કે સ્ત્રીની હત્યા થઈ જાય, તો પણ ભગવાન પરની એ શ્રદ્ધાને જોરે તેનો પાપમાંથી ઉદ્ધાર થઈ શકે. તે જો એમ કહે કે હું એવું કામ ફરીથી નહિ કરું, તો તેને કોઈ વાતે ડર નહિ. એમ કહીને શ્રીરામકૃષ્ણે ગીત ઉપાડ્યું:

હું દૂર્ગા દૂર્ગા બોલીને મા, જો મરું,

આખરે આ દીનને, કેમ ન તારો,

શંકરી, જોઉં તો ખરું.

મારું ગોબ્રાહ્મણ, હત્યા કરું ભ્રૂણ,

સુરાપાન વળી, મારું હું નારી,

પાપો એ સર્વેથી, લેશે ભય નથી,

બ્રહ્મપદવી છે મારી!

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ 1, પૃ. સં. 21-23)

Total Views: 413

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.