(ગતાંકથી આગળ)

આ ઉદાત્ત મૂલ્યોના પુન:સ્થાપન માટે સ્વામી વિવેકાનંદ, શિક્ષણ-કેળવણીને અનિવાર્ય સાધન માનતા હતા. જીવન ઘડતર-માનવ નિર્માણ ચારિત્રવિકાસ-એ જ એકમાત્ર ઉપાય ! આવાં વિકસિત મૂલ્યો જ માનવમાં રહેલ દેવીતત્ત્વનો આવિષ્કાર કરી શકે, માનવમાં રહેલ ઈશ્વરનું પ્રક્ટીકરણ એનાથી જ થશે. વિધિવિધાન કે પ્રક્રિયાઓ ભલે ગમે તે હોય, માનવ અંતરમાં રહેલ પ્રભુ પ્રગટ થાય એવાં ઊંચાં મૂલ્યો જીવનમાં સ્થાપવાં એ જ મહત્ત્વનું છે. એ મૂલ્યો આત્મસાત કરવાં જોઈએ. કેવળ અભિપ્રાયગત મૂલ્યો કશા કામનાં નથી.

ઘણી વાર આપણે પ્રેયાર્થી માનવને સુખી થતાં જોઈએ છીએ અને શ્રેયાર્થી માનવને પરેશાની ભોગવતા જોઈએ છીએ. પરંતુ પરમ ઉજ્જ્વલ, અનુપમ ધ્યેયને વરવા માટે આ જાતનો સંઘર્ષ અતિ જરૂરી પણ છે.

દિક્‌-કાળ પ્રમાણે અથવા તો કોઈ વાર રાજકીય ઉથલપાથલ કે સામાજિક પરિવર્તન સમયે મૂલ્યોમાં બાહ્ય ચમકાર વિશેષ જોવા મળે છે. ‘ઈશાવાસ્ય’ ઉપનિષદમાં કહ્યું છે, ‘સોનાના પાત્રથી સત્યનું મુખ ઢંકાયું છે.’ એવી જ રીતે, બાહ્ય પરિબળોની અસર નીચે પણ મૂલ્યો આવી જતાં હોય છે. ખાસ કરીને વૈયકિતક અને સામાજિક મૂલ્યો. આ જાતની પરિસ્થિતિનું સચોટ વર્ણન શ્રી મૂળશંકરભાઈ આ પ્રમાણે કરે છે, ‘‘હું જોઉં છું કે આજે આપણા રાષ્ટ્રદેહમાં માનવીય મૂલ્યોનાં રક્તકણોનો ક્ષય લાગુ પડ્યો છે. આથી એક પ્રકારનો ‘એનિમિયા’ વરતાય છે. દેખાવમાં જે સફેદી છે તે ફિક્કાશને કારણે છે. આપણા શિક્ષણતંત્ર પાસેથી પોષક માનસિક આહાર મળતો નથી, તેથી ફિક્કાશનું પ્રમાણ વધતું જાય છે. અર્થકારણ, રાજકારણ, ધર્મકારણ, પ્રદેશવાદ, જ્ઞાતિવાદ, વગેરે રાષ્ટ્રદેહનાં બધાં અંગોમાં જે કાંઈ ભરાવદાર દેખાય છે તે સોજા છે. તેમાં તંદુરસ્તીની ચમક નથી.’’ આ સ્થિતિ હરકોઈ વ્યક્તિને અકળાવનારી છે અને શિક્ષણમાં પડેલા લોકો માટે તો મોટો પડકાર છે.

મૂલ્યોમાં થતા પરિવર્તન માટે સ્વામી શ્રી રંગનાથાનંદજીએ વિજ્ઞાન અને રાજકીય સ્વરૂપને મુખ્ય પરિબળો તરીકે ગણાવ્યાં છે. ભૌતિક સુખની પ્રાપ્તિ અને સત્તા પાછળની દોટને લીધે મૂલ્યોમાં જબરા ફેરફાર થતા હોય છે. યંત્ર પાછળની દોટે મનુષ્યજીવન યંત્રવત્ બનાવી દીધું છે. ભૌતિક સિદ્ધિઓની પ્રાપ્તિનું એક પાગલપણ લોકોના મગજ ઉપર સવાર થઈ ગયું છે. પરિણામે માનવજીવનમાં મૂલ્યોનો હ્રાસ થતો જોવા મળે છે. બટ્રાન્ડ રસેલ બહુ જ આકરી ભાષામાં યંત્રવાદ તરફનો અણગમો વ્યકત કરે છે, ‘The machine as an object of adoration is the modern form of satan and its worship is modern diabolism. Whatever else is mechanical, values are not.’ ‘જીવનમાં યંત્રની સ્થાપના એ આધુનિક યુગમાં સેતાનના સ્વરૂપની જ સ્થાપના છે. અને તેની પૂજા એટલે અદ્યતન યંત્રરાક્ષસની જ પૂજા! બીજી કોઈ પણ બાબત યાંત્રિક બની શકે, મૂલ્યો કયારેય યાંત્રિક બની શકે નહીં.’

આર. એ. મીલીકન કહે છે, “To me a philosophy of materialism is the height of unintelligence.” “મારા મતે તો ભૌતિકવાદી ફિલસૂફી એ નર્યું બુદ્ધિનું દેવાળું જ છે.’’ બુદ્ધિના દેવાળામાંથી ઊભાં થતાં મૂલ્યો એ નવી નવી Fashion જેવાં છે. જે ધસમસતાં આવે છે અને ધસમસતાં જાય છે. પણ કોઈ વાર એના આગમન સાથે કડાકાભડાકા સંભળાય છે. પંડિત જવાહરલાલ નહેરુ આ બાબત સુંદર રીતે કહે છે. “Now-a-days learning and wisdom whispers, while money shouts. It is unfortunate that this change in standards has come about and money plays such an important part in our lives. Still I suppose in India something of the old values still remains and I should like them to be emphasised and to be respected.” ‘‘અત્યારે તો વિદ્વત્તા અને ડહાપણનો અવાજ પૈસાના બુમબરાડા વચ્ચે ક્યાંયે સંભળાતો નથી. કમનસીબી તો એ છે કે, આપણા જીવનમાં પૈસાએ મોટા પ્રમાણમાં પગદંડો જમાવ્યો છે. છતાં પણ હું માનું છું કે ભારતમાં જૂનાં મૂલ્યો હજુ લુપ્ત થયાં નથી અને આપણે સૌએ એ જ મૂલ્યોનો આગ્રહ રાખવો જોઈએ અને એ મૂલ્યોને પૂરો આદર બતાવવો જોઈએ.”

કિંમત અને મૂલ્ય: કિંમત અને મૂલ્ય વચ્ચેનો તફાવત એક દોષદર્શીની દૃષ્ટિએ ખૂબ જ સરસ રીતે Oscar Wilde બતાવે છે. “A cynic is a man who knows the price of everything and the value of nothing.” ‘‘દોષદર્શી માણસ તે છે જે દરેક વસ્તુની કિંમત—રૂપિયા અને પૈસામાં – વળતરમાં—જાણે છે પણ તેનું મૂલ્ય—તેની ગરિમા વિશે તેને ખ્યાલ હોતો નથી.’’ આપણી સૌની સ્થિતિ પેલા દોષદર્શી માનવ જેવી થઈ છે. પરિણામે દરેક બાબતને કે ચીજને પૈસાથી જ માપીએ છીએ અને મૂલ્યની તો ચિંતા જ કરતા નથી. રાષ્ટ્રધ્વજ એક કપડાનો ટુકડો જ છે. કિંમતની દૃષ્ટિએ – રૂપિયાની દૃષ્ટિએ એની કિંમત કંઈ જ નથી. પણ મૂલ્યની દૃષ્ટિએ, ભાવનાની દૃષ્ટિએ અણમોલ છે. રાષ્ટ્રધ્વજની પ્રતિષ્ઠા જાળવવા લાખો લોકો પોતાના જાનની બાજી લગાવી દે છે અને સામી છાતીએ ગોળી ઝીલતાં પણ અચકાતા નથી. આમ, મૂલ્ય વિશેષ કરીને ભાવનાત્મક છે.

મૂલ્ય અને શિક્ષણ: બ્રુબેકર કહે છે કે પ્રત્યક્ષ રીતે શિક્ષણશાસ્ત્રીઓ શિક્ષણના ક્ષેત્રમાં જે કંઈ વિચારે છે એની સાથે મૂલ્યની બાબત જોડાયેલી જ હોય છે. કેળવણીના ઉદ્દેશો વિશે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે કેળવણીમાં મૂલ્યોની જ આપણે ચર્ચા કરીએ છીએ. શિક્ષણની ફિલસૂફીમાં ખાસ કરી ચાર મુખ્ય વિચારસરણીઓનો ઉલ્લેખ છે: પ્રકૃતિવાદ, આદર્શવાદ, વ્યવહારવાદ અને વાસ્તવવાદ. આમાં, આદર્શવાદમાં કેળવણીના ઉદ્દેશો મુખ્યત્વે વૈશ્વિક કે શાશ્વત રહ્યા છે. ભારતીય શિક્ષણ પદ્ધતિએ અને સંસ્કૃતિએ આદર્શવાદને શિક્ષણમાં સ્થાન આપ્યું છે. આપણી સંસ્કૃતિ ભોગપ્રધાન નહીં પણ ત્યાગપ્રધાન ગણાય છે. આદર્શવાદનો મુખ્ય ઉદ્દેશ આત્મસાક્ષાત્કાર કે સત્યમ, શિવમ, સુંદરમની આરાધના રહ્યો છે. આ મૂલ્યોથી જીવન ભવ્ય અને ઉદાત્ત બને છે. નવી શિક્ષણનીતિમાં પ્રેયને જેટલું સ્થાન છે એટલું જ બલ્કે એથી પણ વિશેષ શ્રેયને સ્થાન છે. શાળામાં નીતિ અને સદાચારના પાઠો ન ભણાવાય કે એનો ઉપદેશ ન અપાય પરંતુ સમગ્ર શાળામાં એ જાતનું વાતાવરણ ઊભું કરી શકાય. સર્વધર્મ સમન્વય, અન્ય ધર્મ પ્રત્યે આદર, પરસ્પર સ્નેહ અને સદ્ભાવ, આચરણ દ્વારા જ વિદ્યાર્થીઓમાં કેળવી શકાય. ‘સત્યમ, શિવમ, સુંદરમ્’ને નિરપેક્ષ આધ્યાત્મિક સૃષ્ટિના બંધારણમાં પહેલેથી અસ્તિત્વ ધરાવનારાં તત્ત્વો લેખવામાં આવે છે. માનવી આ અપ્રતિબધ્ધ તત્ત્વોને પામીને જ આત્મસાક્ષાત્કાર સિદ્ધ કરી શકે. આનું સર્વોચ્ચ મૂલ્ય છે ને તેથી કેળવણીએ સૌ પ્રથમ પ્રમાણિકતા, વિશુદ્ધિ, સૌંદર્ય અને ભલાઈના સન્માર્ગે યુવાનને પગ માંડતો કરવો જોઈએ.

વ્યવહારવાદનો મુખ્ય ઉદેશ ‘સામાજિક ક્ષમતા’ પ્રાપ્ત કરવાનો છે. વ્યકિત અને સમાજ વચ્ચે અનુયોગ દ્વારા, વ્યકિત અને સમાજનો વિકાસ થાય એમાં વ્યવહારવાદને રસ છે. જ્ઞાનની નિ:સ્પૃહ આરાધનામાં વ્યવહારવાદને રસ નથી. નવી શિક્ષણનીતિમાં વ્યાવસાયિક શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તે વ્યવહારવાદની જ દેન છે. લોકશાહી નાગરિકત્વનું ઘડતર, સામાજિક કે આર્થિક રીતે પછાત લોકોનો ઉત્કર્ષ, સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં નેતાગીરી પૂરી પાડવાની બાબત સીધી જ વ્યવહારવાદ સાથે સંકળાયેલી છે. વર્તમાન શિક્ષણ નીતિમાં પર્યાવરણ, પ્રદૂષણ, વૃક્ષારોપણ, કુટુંબ કલ્યાણનું શિક્ષણ સીધું જ સામાજિક મૂલ્યોમાં સ્થાન ધરાવે છે. આદર્શવાદ એ ‘શ્રેયાભિમુખી’ મૂલ્યોની આરાધના કરશે તો વ્યવહારવાદ ‘પ્રેયાભિમુખી’ મૂલ્યોને પૂજશે. વ્યવહારવાદ રીતે સામાજિક મૂલ્યો, પરિવર્તનશીલ મૂલ્યો તરફ વધુ ઢળે છે.

પ્રકૃતિવાદ, જયાં સંપૂર્ણપણે ભૌતિકવાદી બને છે, અને ચાર્વાકદર્શનની ખૂબ જ નજીક આવી જાય છે અને સ્વહિત કે ‘સ્વ’ની જાળવણી ઉપર વધુ ભાર મૂકે છે ત્યાં વૈયકિતક મૂલ્યો પ્રવેશે છે. પણ આ બધા વાદોનાં ઉપાદેય તત્ત્વોને પોતામાં સમાવી દેતી હૃદયપ્રધાન શિક્ષણપ્રક્રિયા જ ઉદાત્ત મૂલ્યોનું જીવનમાં સ્થાપન કરી શકે છે. સ્વામી વિવેકાનંદ એ મતના હતા.

શિક્ષણશાસ્ત્રીઓનો એક વર્ગ આ મૂલ્યોને જૈવિક અને મનોવૈજ્ઞાનિક માને છે. વળી, જે મૂલ્યો વ્યકિતની અંગત જરૂરિયાત સંતોષી શકતાં હોય એને આત્મલક્ષી મૂલ્યો કહે છે. અને ઘણા શિક્ષણશાસ્ત્રીઓ મૂલ્યોને પરલક્ષી પણ કહે છે. તો વળી શિક્ષણશાસ્ત્રીઓનો ત્રીજો વર્ગ મૂલ્યોને આત્મલક્ષી કે પરલક્ષી નહીં માનતાં બન્ને વચ્ચેની આંતરક્રિયાની ઊપજ માને છે. નવી શિક્ષણનીતિમાં મૂલ્યાભિમુખી કેળવણી—Value oriented education ની વાત કરવામાં આવી છે. પરંતુ મૂલ્યો શિક્ષકના જીવનમાં પાંગરવાં જોઈએ. રાધાકૃષ્ણન્‌, મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદજી, શ્રી અરવિંદ, વગેરેએ શિક્ષકના આચરણ પર વિશેષ ભાર મૂક્યો છે. ઔપચારિક કેળવણી દ્વારા મૂલ્યો ઊભાં કરવાની વાત લગભગ અશક્ય છે. શૈક્ષણિક સંસ્થાનું સમગ્ર વાતાવરણ, આચાર્ય અને શિક્ષકોનાં ઉદાત્ત જીવન, મૂલ્યો માટેની ભૂમિકા તૈયાર કરે છે અને ખૂબ જ સાહજિક રીતે મૂલ્યો ત્યાં પ્રકટ થાય છે.

આગળ આપણે સંશ્લેષણ દૃષ્ટિ અને વિશ્લેષણ દૃષ્ટિની વાત કરી છે. સર્વાંગીણ માનવની કેળવણીમાં મનુષ્યના સર્વાંગીણ વિકાસની વાત કરવામાં આવી છે. સ્વામી વિવેકાનંદજીએ કેળવણીની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે, ‘મનુષ્યમાં પ્રથમથી જ રહેલ પૂર્ણતાનું પ્રકટીકરણ એટલે કેળવણી.’ આ પૂર્ણતાના પ્રકટીકરણ માટે સ્વામીજીએ Man making education અને character building education ‘ખરા માનવની કેળવણી અને ચારિત્ર્ય ઘડતરની કેળવણી’ ઉપર ભાર મૂક્યો છે. આ રીતે સર્વાંગીણ મનુષ્યની સંશ્લેષણ દૃષ્ટિ દ્વારા જ જીવનમાં શાશ્વત મૂલ્યો ઊભાં થઈ શકશે. સાપેક્ષ મૂલ્યો જમાનાની માગ પ્રમાણે નવાં આવશે, પરિવર્તન પામશે, જૂના થશે. એમાંથી ખાતર થશે, એમ ‘એ મૂલ્યચક ફરતું જ રહેશે’.

આજે દેશ અને દુનિયાને આ કપરા કાળમાં, જીવનને ફરી ભવ્ય, ઉદાત્ત અને હર્યું ભર્યું બનાવવા શાશ્વત મૂલ્યોની વિશેષ જરૂર છે અને એ માટે હાથ, હૈયું અને હોશ—એ ત્રણેયનો સમાંતર, અખંડતાસર્જક અને અભીષ્ટ વિકાસ થાય એવી કોઈ શિક્ષણપદ્ધતિને આપણો દેશ ઝંખી રહ્યો છે.

સંદર્ભ

મૂળશંકર મો. ભટ્ટ : કેળવણી અને માનવીય મૂલ્યો

સી. એસ. રામકૃષ્ણન્‌ : યુવાનો માટે મૂલ્યોની કેળવણી

સ્વામી વિવેકાનંદ : કેળવણી

ક્રાંતિકુમાર જોષી  : શિક્ષણ અને મૂલ્ય વિમર્શ

ડો. ગુણવંત શાહ : શિક્ષણની વર્તમાન ફિલસૂફી

સ્વામી રંગનાથાનંદજી : બદલતા સમાજમાં શાશ્વત મૂલ્યો

Total Views: 829

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.