પાંચ વ્રત—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ—આ પાંચ વ્રતને હિન્દુધર્મમાં ‘યમ’ કહે છે. આ પાંચ વ્રત ચારિત્રની આધાર શિલા છે. એટલે તેને મૂલગુણ કહે છે.
અહિંસા વ્રત: મન, વાણી કે કાયાથી સ્થૂળ કે સૂક્ષ્મ, ચર-અચર કોઈની હિંસા કરવી નહીં – કરાવવી નહીં કે આવી હિંસા આચરનારને અનુમોદન દેવું નહિ.
સત્ય વ્રત: મન, વાણી કે કાયાથી કામ, ક્રોધ, લોભ કે ભય કે મશ્કરીથી પણ અસત્ય ન બોલવું અને અસત્યને અનુમોદન પણ ન આપવું.
અસ્તેય વ્રત: ચોરી કરવી નહીં. મન, વાણી કે કાયાથી નાની કે મોટી ચીજ-વસ્તુ કે દ્રવ્યને કોઈના આપ્યા વિના લેવા નહીં, લેવરાવવાં નહીં કે આવા ચોરીના કાર્યમાં અનુમોદન ન આપવું.
બ્રહ્મચર્ય વ્રત: મન, વાણી કે કાયાથી બ્રહ્મચર્યનો ભંગ ન કરવો, કોઈની પાસે ન કરાવવો અને આવા બ્રહ્મચર્ય-ભંગમાં અનુમોદન ન કરવું.
અપરિગ્રહ વ્રત: વસ્તુનો, દ્રવ્યનો સંગ્રહ ન કરવો અને કરાવવો નહીં તેમ જ પરિગ્રહ કરવામાં પ્રોત્સાહક ન બનવું.
સાધુઓએ આ વ્રતનું સખત રીતે પાલન કરવાનું રહે છે. ગૃહસ્થો માટે થોડાં હળવાં વ્રત-અણુવ્રત પાળવાનાં રહે છે. પોતાની સ્ત્રી પર જ પ્રેમ રાખવો એ ગૃહસ્થનું બ્રહ્મચર્યવ્રત, અતિલોભ કરીને ધન ભેગું ન કરવું. બહુ જંજાળ ન વળગાડવી એ બાબતમાં સંયમ નિયમ રાખવો, નિ:સંગ રહેવું એ તેમનું અપરિગ્રહ-વ્રત છે.
પાંચ સમિતિ – પાંચ સદાચાર સદ્વર્તન
ઇર્યા સમિતિ: સદ્ગમન – જીવ-જંતુ પગ તળે ન ચગદાઈ જાય તે રીતે ચાલવું.
ભાષા સમિતિ: મૃદુ, મધુર, હિતકારી અને ધર્મ્ય, સત્ય અને ન્યાયપૂર્ણ વાણી બોલવી. અસત્ય, ક્રોધ, અહંકાર કે કપટયુક્ત વાણી ન બોલવી.
એષણા સમિતિ: જેમાં કોઈ પણ દોષ ન હોય તેવી ભિક્ષા માગવી, લેવી અને ભોગવવી.
આદાન નિક્ષેપણા સમિતિ: ‘આદાન’ એટલે લેવું અને ‘નિક્ષેપણ’ એટલે મૂકવું.
પરિ(પ્રતિ)ષ્ઠાપના સમિતિ: જેમાં કોઈ પણ પ્રકારના પાપ-દોષ ન થાય તે રીતે કફ, મળમૂત્રાદિ શરીરના મેલ નાખવા. વસ્ત્રાદિ ચીજવસ્તુઓ એવી રીતે લેવી કે રાખવી જેમાં કોઈ દોષ ન હોય.
ત્રણ ગુપ્તિ
મનોગુપ્તિ: વાગ્ ગુપ્તિ – કાય ગુપ્તિ. મન, વાણી અને કાયાને સાચવવાં, સંયમમાં, નિયમમાં રાખવાં – હિંસા – કપટનું ચિંતન ન કરવું, અસત્ય કે ક્રોધભરી વાણી ન બોલવી, ચોરી ન કરવી, કોઈને મારવા ન દોડવું, વગેરે સદાચારનું પાલન આમાં સમાયેલ છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ‘ઉત્તર ગુણ’ કહે છે.
ચાર ભાવના
મૈત્રી: પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ – ક્ષમાભાવ – અવેરભાવ રાખવો.
પ્રમોદ: પોતાના કરતાં આધ્યાત્મિક ક્ષેત્રમાં ચડિયાતા હોય તેમની સેવા, સ્તુતિ, વંદના કરવી – એમના પ્રત્યે વિનયથી વર્તવું.
કારુણ્ય: દીન, દુ:ખી જીવને ઉપદેશ – જ્ઞાન – – અનુભૂતિ દ્વારા સુખ શાતા આપવાં.
મધ્યસ્થ: જે જડ જેવાં—ઉપદેશ-જ્ઞાનને ગ્રહણ ન કરી શકતાં હોય તેમના—પ્રત્યે ભાવના રાખ્યા વિના ઉપેક્ષા કરવી.
(શિકાગોની વિશ્વધર્મસભામાં ‘હિન્દુધર્મ’ પર ભાષણ આપતાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : “છેલ્લામાં છેલ્લી વિજ્ઞાનની શોધો જેના પડઘા જેવી લાગે છે, તે વેદની ફિલસૂફીનાં ઉચ્ચ આધ્યાત્મિક ઉડ્ડયનોથી આરંભીને, વિવિધ પ્રકારની પુરાણકથાઓ સહિતના મૂર્તિપૂજાના નીચલા કોટિના વિચારો, બૌદ્ધોનો અજ્ઞેયવાદ અને જૈનોનો નિરીશ્વરવાદ એ સૌ વિચારોને હિંદુઓના ધર્મમાં સ્થાન છે.’’ આનંદશંકર જેવા વિશ્વના વિવિધ તત્ત્વચિંતકોનો પણ આ જ મત છે. ૭મી એપ્રિલે મહાવીર જયંતી નિમિત્તે જૈન ધર્મના આચારપક્ષ વિષે સામગ્રી આપવામાં આવે છે.)
Your Content Goes Here