(ગતાંકથી આગળ)
સમગ્ર જગતના યુવાવસ્થામાં પ્રવેશેલા નાયક-પૂજકો સમક્ષ આજે સમસ્યા ‘પસંદગીના અતિરેક’ની છે. તેઓની સમક્ષ છે જીવનશૈલીઓની દિઙ્મૂઢ કરી નાખનારી પ્રચુરતા: શું બનવું? વૈજ્ઞાનિક, ડૉકટર, સત્તાભિમાની રાજનેતા, યંત્રવિશારદ, રાજ્યાધિકારી, કલાકાર, સંગીતજ્ઞ, સંશોધનમાં મગ્ન વિદ્વજ્જન, સમાજનાં હૃદયને સર કરતો લેખક, ધનમાં આળોટતા લક્ષ્મીનંદનો, કોર્ટોને ગજવતો કાયદાશાસ્ત્રી, સમર્પિત ક્રાંતિકારી અથવા વધુ સમર્પિત આધ્યાત્મિક સાધક, પ્રવર્તમાન સામાજિક પરંપરાઓમાંથી મુક્ત બનેલો હિપ્પી અથવા પૂર્ણપણે અંતર્મુખી ઋષિમુનિ?
પોતાના મનપસંદ અધિનાયકનું અનુસરણ કરવા માટેની હઠ અને પોતાની પાત્રતા અનુસાર સાચી કારકિર્દી પસંદ કરવા માટે પોતાની અપરિપકવ વિવેકશકિત તેને આખરે હતાશાભર્યા કાર્યક્ષેત્રમાં જ ધકેલી દે છે અને તેને પ્રશ્ન થયા કરે છે કે ખરેખર મારો આંતરિક વિકાસ હું સાધી શક્યો છું કે પછી દિશાહીન બની હું ઉજજડ અરણ્યમાં ભટકી રહ્યો છું?
બહુ ટૂંકા સમયમાં તેમને ખબર પડી જાય છે કે તેમના વીર નેતાઓ અથવા ગુરુદેવો ‘તત્ક્ષણ ઉકેલ’નાં જે અભયવચન આપે છે તે તો માત્ર મોટી બનાવટ છે અને સામાજિક આબોહવામાં લેશમાત્ર પરિવર્તન થાય તો તેમને પોતાનાં વચનો ફેરવી તોળતાં જરાય વાર લાગતી નથી. આવા એક કે બે વારના આઘાત પછી તેમની આ જૂઠા પયગંબરો વિષેની ભ્રમણા ભાંગી જાય છે. તેઓ કહેવા લાગે છે કે, આ ખોટાં ચહેરા-મહોરાં ઉતારી નાખી તમારું અસલી રૂ૫ અમને જોવા દો. નહિ તો તમે શું બોલો છો, શું કરો છો, શી બનાવટ કરો છો તેની જાણ થયા વિના તમારા વિશે અમે શો નિર્ણય કરી શકીએ?
આ યુવકો તો ખરેખર એક એવા સાચા મહાન પુરુષની શોધમાં હોય છે કે જેઓના સાંન્નિધ્યમાં તેમનાં જીવન ઉન્નત બને. તેઓ કેવળ કંઈ યંત્રવત્ તેમના શરણાગત બની જવા તૈયાર હોતા નથી. જે યંત્રવિશારદોને પરિપૂર્ણ સંસ્કૃતિનું કોઈ ઉચ્ચ દર્શન નથી તેઓને તો તેઓ માત્ર ચીલાચાલુ ‘તત્ક્ષણ’ સંપ્રદાયના આશકો જ ગણે છે. ‘સી.પી. શોના શબ્દોમાં, તેઓ તો જે સમાજનેતાના હાડેહાડમાં ભાવિ ઉન્નતિ માટેની લગન હોય તેમને ઇચ્છે છે.’
પવિત્ર મન ધરાવતા મનુષ્યો ઉપર સ્વામી વિવેકાનંદનો પ્રથમ વિચાર-સ્પર્શ હંમેશાં ચમત્કારિક હોય છે. મોટા ભાગનાનું તેમના શેષ જીવનકાળ માટે આધ્યાત્મિક પરિવર્તન થઈ જાય છે. મોટા ભાગના તેમના પોતાના સાચા ‘સિંહના’ સ્વરૂપની પ્રતીતિ કરે છે અને પોતે સામાન્ય ઘાસ ખાનારા નથી તેવું અનુભવે છે. રૂપકકથાના સિંહબચ્ચાને સાચા સિંહે પકડીને જળસરોવરને કાંઠે લઈ જઈ તેના પ્રતિબિંબને બતાવી તે સદાકાળ ઘાસ ખાનાર ઘેટું નથી તેવા પોતાના અસલી સિંહ સ્વરૂપની ખાતરી કરાવી દીધી હતી, તેમ આ નવાગંતુકો પોતાના શાશ્વત દિવ્યત્વની ગર્જના કરતા સિંહ જેવા બની જાય છે. જેમણે સ્વામી વિવેકાનંદને કદી જોયા નથી, તેઓ પણ આજે તેમની વીરવાણીના પ્રભાવથી નવા ઉત્સાહ ને નવા ઉમંગથી પોતાના જીવનનું પરિવર્તન કરવા માટે પ્રેરાયા છે. બ્રિટિશ અખબારોની કટારો દ્વારા ગળાઈને સ્વામી વિવેકાનંદનો સંદેશ જ્યારે ટોલ્સ્ટોયના ટેબલ ઉપર પહોંચ્યો ત્યારે આખી રાત તેમણે સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચવામાં જ પસાર કરી. ટોલ્સ્ટોયે લખ્યું કે, તેમના અને મારા વિચારોમાં અદ્ભુત સામ્ય છે. નામાંકિત વ્યાખ્યાતા, વકતા કે ઉપદેશકો ઘણા હોય છે. પરંતુ સ્વામી વિવેકાનંદ તો પ્રભુના સંદેશવાહક હતા. બીજાની જેમ તેઓ પ્રવચન કરતા નહિ. રોમાં રોલાએ લખ્યું છે તેમ, તેમનો સંદેશો દિલમાં સોંસરવો સંગીતના આહ્લાદક સૂરની જેમ ઊતરી જતો. તેમનો અવાજ અત્યંત મધુર હતો.
તેમનું ભકિત સંગીત સાંભળી તેમના ગુરુદેવ સમાધિમાં ડૂબી બધું બાહ્ય ભાન ભૂલી જતા. એક વખતે યુવક નરેન્દ્રે ઉચ્ચ ભક્તિ ભાવથી એક ગીત ગાયું ત્યારે શ્રીરામકૃષ્ણ બોલ્યા: ‘તેણે આગ લગાડી દીધી છે.’ બીજાનાં હદયમાં તે દિવ્યતાનો આતશ પેટાવતા. એક નરકેસરીની છટાથી, દિવ્યતાના જવલંત પ્રકાશથી, ઈશ્વરની અદ્ભુત વાણી-વેદાંતનો સંદેશ આપતાં. તેઓ શ્રોતાજનો સમક્ષ કહેતા: ‘‘હું તો એક આકાર વિનાનો અવાજ છું.’’ સાચે જ, તેમનાં શરીરમન નિરાકાર અનંત સચ્ચિદાનંદ તેના શાશ્વત સંગીતના સૂર રેલાવનારાં યંત્ર બની જતાં હતાં. તેમની વાણી વિશ્વચૈતન્યનાં ઊંચાં શિખરોએ પહોંચાડે તેવી સમર્થ હતી. સિસ્ટર ક્રિસ્ટાઈન લખે છે તેમ, ‘તેમનો અદ્ભુત અવાજ સાંભળ્યો ન હોય ત્યાં સુધી સંગીત શું છે તે કદી સમજી શકાય નહિ.’
૧૮૯૪ના ફેબ્રુઆરીના એક પ્રભાતે કિસ્ટાઈન ગ્રીનસ્ટાયડેલ, એક યુવા શિક્ષિકા, ડેટ્રોઈટથી, યુનિટરીયન ચર્ચમાં ભારતના આ હિંદુ સંન્યાસીને સાંભળવા ગયેલી. વર્ષો સુધી ગરીબીગ્રસ્ત જીવનના સંધર્ષ પછી થાકી ગયેલી તે વિશ્રાંતિનો શ્વાસ લઈ રહી હતી ત્યાં આ પરોઢ ઊગ્યું હતું. જ્યારે મનુષ્યમાં અપ્રકટ ઈશ્વરને પ્રકટ કરવા મળેલ માનવજન્મની સાવ નવી વાત સાંભળી તે જ ક્ષણ તેના જીવનની ધન્ય ઘડી ને ધન્યભાગ્યની હતી. આના પ્રભાવનું વર્ણન કરતાં તેણે લખ્યું:
“આ અલૌકિક યુગપુરુષની વાણીમાંથી ઝરતી શકિત એવી હતી કે તે સાંભળનાર ત્યાં ને ત્યાં જ જડાઈ જાય. તે અત્યંત અદ્ભુત હતી. તેના પ્રવાહમાં એક વાર પ્રવેશનારને તે પૂરની જેમ તાણી જતી. દુનિયાની મહાન વિભૂતિ ગણાતી વ્યક્તિઓના મનથી પણ ઘણા ઊંચા મનની ભિન્નતા ને મૌલિકતાની પ્રતીતિ થતી હતી. તેના ભાવ એટલા વિશદ, એટલા શકિતશાળી, એટલા અલૌકિક લાગતા હતા કે મર્યાદિત શક્તિવાળા મનુષ્યની બુદ્ધિમાંથી તે આવતા હતા એવું માની જ ન શકાય. તે માંડ ત્રીસેક વર્ષના જણાતા હતા, દૂર દૂર ભારતવર્ષમાંથી આ ઉપદેશક આવ્યા હતા. શાશ્વત યૌવન ધરાવતા આ યુવા પુરુષ સનાતન કાળમાંથી આ જ્ઞાન લઈને અહીં ભૂલા પડયા હતા. પરવર્તી સમયમાં અમારામાંથી ઘણાખરાનું જીવન તેમની વાણી સાંભળ્યા પછી તદ્દન બદલાઈ ગયું હતું.’’ નરેન્દ્રના કંઠમાં શ્રીરામકૃષ્ણ હંમેશાં દેવતાઈ અગ્નિનો, નાદબ્રહ્મ સ્પર્શી આંદોલનોનો અનુભવ કરતા. બાઈબલનો પ્રારંભ જે વાક્યથી થાય છે કે ‘શબ્દ ઈશ્વર સાથે હતો અને સ્વયં ઈશ્વર હતો’ તે શબ્દ તે નાદ તેમને એમાં સંભળાતો હતો. શ્રીરામકૃષ્ણ કહેતા કે નરેન્દ્ર જ્યારે ગાય છે ત્યારે કુંડલિની શકિત એકદમ જાગૃત થઈ જાય છે. શ્રીરામકૃષ્ણની જેમ દુનિયાને પણ એના અવાજમાં આ આત્મ-સ્પર્શી રોમાંચનો તે જ પ્રેરણાદાયી વાક્ શકિતનો, બ્રહ્મના પ્રથમ આવિષ્કારનો, સ્થળ અને કાળથી પર એવા શાશ્વત સત્યનો અનુભવ થતો હતો. આ શબ્દો નિરાશા, હતાશાથી હતપ્રાણથી બનેલા મનમાં, આત્મામાં નવો પ્રાણ રેડી તેમના સુષુપ્ત દેવત્વને જાગૃત કરતા હતા.
શ્રીરામકૃષ્ણની એકમાત્ર ઝંખના હતી કે તેમનો આ ‘પુત્ર’ આ સ્વર્ગીય ગીત ઊંચા અવાજે ગાઈ જગતના ખૂણે ખૂણે માનવની શાશ્વત દિવ્યતાનો અને એના સામર્થ્યનો સંદેશો પહોંચાડે. સ્વયં નરેન્દ્રમાં આ પ્રક્ટ દેવતાઈ સ્વરૂપ તેઓ જોતા હતા. શ્રીરામકૃષ્ણ કહેતા કે, નરેન્દ્રમાં હું સ્વયં નારાયણને જોઉં છું અને ૧૧ ફેબ્રુઆરી, ૧૮૮૬ના રોજ મહાસમાધિ દિનના છ મહિના બાકી હતા ત્યારે જ તેમણે કાગળના એક ટુકડા ઉપર બંગાળીમાં લખ્યું: “જય રાધે પ્રેમમયી, નરેન લોકશિક્ષા દિબે, જખન ઘરે બાહિરે હાક દિબે, જય રાધે.” એટલે કે, “જય રાધે પ્રેમમયી, નરેન લોક-શિક્ષણ આપશે ત્યારે દેશમાં ને પરદેશમાં પ્રસિદ્ધ થઈ જશે. જ્ય રાધે.” આ લખ્યું ત્યારે નરેન્દ્રની ઉંમર માત્ર ૨૩ વર્ષની હતી. સાત વર્ષ પછી જ ગુરુદેવની આ ભવિષ્યવાણી અકલ્પ્ય રીતે સાચી પડી હતી. રોમાં રોલાંએ લખ્યું: “તેમના શબ્દો મહાન સંગીત છે. બિથોવનની શૈલીની વાક્યરચના અને હાનડેલનાં સમૂહગીતોની હૃદય ડોલાવનારી રઢ અને તર્જ તેમાં સંભળાય છે.”
શિકાગોની આંતરરાષ્ટ્રીય ધર્મ-સંસદ (૧૮૯૩)માં સ્વામી વિવેકાનંદના પ્રથમ સંબોધને જગાવેલ તાળીઓના પ્રચંડ ગડગડાટના વિજયધ્વનિ સાથે ભારતના ભવ્ય પુનરુત્થાનના પ્રથમ તરંગો ભારતભરમાં ફરી વળ્યા ત્યારે તેમની ઉંમર માંડ ત્રીસ વર્ષની હતી અને જ્યારે ભારતના આ વીરપુત્રનું દેશમાં પુનરાગમન થયું ત્યારે તેમને મળેલું ઐતિહાસિક સ્વાગત તેના ખરા અર્થમાં અભૂતપૂર્વ હતું.
પાશ્ચાત્ય દેશોમાં દિગ્વિજય કરીને જયારે સૌ પ્રથમ સ્વામી વિવેકાનંદે ભારતભૂમિ પર પદાર્પણ કર્યું ત્યારે તેમના શિષ્ય રામનાદના રાજાએ પોતાના દરબારીઓ સાથે તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભારતમાં દિગ્વિજય કરવાનો આ પ્રથમ પ્રારંભ હતો. પ્રાગૈતિહાસિક વિશાળકાય પ્રાણીની જેમ તેમનો વિરાટ દેશ મરણતોલ દશામાં પોતાની અંદર પડેલી અજોડ શકિતથી અજાણ થઈને ઘોર નિદ્રામાં પડ્યો હતો. પોતાના દેશબંધુઓના સામૂહિક ઉત્થાન માટે એક સેનાપતિની છટાથી પોતાની સમરયોજનાની નીતિ સમજાવતાં તેમણે પોતાની માતૃભૂમિની વીરતા અને જુસ્સાને ઢંઢોળતા હોય તેમ કહ્યું: ‘હે મારા દેશ, તું ઊઠ. તારી પ્રાણશક્તિ કયાં છે? તે છે તારા શાશ્વત આત્મામાં.’ કોલંબોથી આલ્મોડા સુધી ભારતની પુણ્ય ભૂમિના પુનરુત્થાન માટે સ્વામી વિવેકાનંદનો અવાજ સિંહગર્જનાની જેમ ચોમેર પડઘા પાડવા લાગ્યો. ઊંઘમાંથી ઊઠતા રાષ્ટ્રની ઉગ્ર ધગશભરેલી અપેક્ષાના જવાબમાં તેમણે ભારતને નૂતન સંદેશ આપ્યો – સામર્થ્યનો અને સ્વાશ્રયનો. તથા નિષ્ક્રિયતા અને ગુલામીને ખંખેરી નાખવાનો. મદ્રાસમાં ‘મારી સમર યોજના’ ઉપરનું તેમનું વકતવ્ય અંધ અનુકરણ, આત્મ-નિંદાના રોગ અને અંધવિશ્વાસના અંતરાયો તોડી નાખી એક પ્રબળ ધોધની જેમ ભારતભરમાં ફરી વળ્યું. કલકત્તામાં તેમણે યુવકોને પ્રેરણાનું પાન કરાવતાં કહ્યું કે, ભારતે વિશ્વવિજય કરવો ઘટે, તે આદર્શથી ઓછું સહેજ પણ નહિ.
અને તેમણે પોતાની બધી આશા અને અપેક્ષા ભારતના નવયુવક ઉપર જ ઠેરવી. ભારતની યુવા પેઢી પાસેથી ‘આધ્યાત્મિક માનવતાનો’ નવો ફાલ ઉતારવાનું તેમનું સ્વપ્ન હતું. આ નવી પેઢીની નવીનતા શી હશે? નવા સુધારકો ‘‘પૂર્વ અને પશ્ચિમ બંનેની સભ્યતાઓનો સમન્વય કરવા’’ની શકિત ધરાવતા હોવા જોઈએ. તેઓ માત્ર ભારત જ નહિ પરંતુ જીવનમાં અંતર્ગત દિવ્યતાની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવતા સંદેશથી એક વિશ્વ સાંસ્કારિક વિજય સમય આવ્યે મેળવશે. શું તેઓ આ માટે આક્રમક ને હિંસક બનશે? ના. આ નવી યુવા પેઢીનો પ્રધાન જીવન-સૂર અને એની જીવનદૃષ્ટિ માનવ માત્રમાં એકતા ઉત્પન્ન કરવાની હશે. પોતાના ગુરુબંધુઓને તેમણે લખ્યું: ‘‘જરૂર પડે તો, બધાનું બલિદાન આપી દેવું, તે એક આદર્શ ખાતર: વિશ્વભાવના, માનવ એકતા. સ્વયં તેમણે પોતે દાખલો બેસાડયો. દેશના ભારતીય યુવકોને તેણે યાદ કરાવ્યું કે હું જેટલો ભારતનો છું તેટલો જ આખા જગતનો પણ છું. એ વિશે કોઈ સંદેહ ન રાખશો.’’
સ્વામી વિવેકાનંદે સ્વપ્ન સેવ્યું કે, ‘‘ભારતભરમાં પ્રચંડ શકિત અને અનંત વિકાસની સાથોસાથ અદ્ભુત હૃદય-ઔદાર્યનો પવિત્રતાનો સમન્વય થશે, તે સમગ્ર રાષ્ટ્રની નસોમાં વિદ્યુત્સંચાર કરશે અને ભયંકર અજ્ઞાન, ઈર્ષા, કોમવાદ અને જૂનાં વેરઝેર અને દ્વેષભાવ જેવાં ગુલામીનાં ચાલ્યાં આવતાં વારસાગત અનિષ્ટો છતાં આ શક્તિ લોકજીવનમાં, તેના રોમેરોમમાં વ્યાપી જશે.’’ પોતાના મદ્રાસના યુવા શિષ્યોને સંબોધન કરતાં તેમણે લખ્યું: ‘‘સમાનતા, સ્વતંત્રતા, કર્તવ્યનિષ્ઠ અને થનગનતા ઉત્સાહના તમારા જુસ્સામાં પૌર્વાત્યનાય પૌર્વાત્ય બની સાથોસાથ ધાર્મિકતામાં અને પ્રેરણાબુદ્ધિમાં તમે હાડોહાડ હિંદુ બની શકશો! આ સંપન્ન કરવાનું છે અને આપણે તે કરી બતાવીશું. તમે બધા તે સિદ્ધ કરવા જન્મ્યા છો.’’ પૂર્વની આધ્યાત્મિકતા અને પશ્ચિમની પ્રચંડ કર્મઠતાનો સમન્વય તેઓ વિશ્વભરના યુવકોમાં થાય તેવું ઇચ્છતા હતા. પ્રભુના પયગંબરની વિશાળ દૃષ્ટિ બતાવતાં તેમણે ભિન્નતામાં એકતા ઉપર બોલતાં કહ્યું, “હું એવા કેટલાક વૈજ્ઞાનિકોના પરિચયમાં આવ્યો છું જેઓ વૈજ્ઞાનિકો તરીકે અને આધ્યાત્મિક પુરુષો તરીકે ધોરણે વ્યાવહારિક છે અને સમય આવતાં સમગ્ર માનવજાત આ જ રીતે કાર્યક્ષમ અને કાર્યદક્ષ બનશે તેવી મહાન આશા હું સેવું છું.’’
આજે પશ્ચિમનો યુવક પોતાની પરંપરાગત જીવન-પદ્ધતિથી ભિન્ન એવા પૂર્વના આધ્યાત્મિક જીવન તરફ ઢળી રહ્યો છે અને ભારતીય યુવક વિજ્ઞાન અને યંત્રવિદ્યા (ટેકનોલોજી)ની જાણકારીમાં પાશ્ચાત્યોને એક બાજુ રાખી આગળ વધી ગયો છે, તે જોતા સ્વામી વિવેકાનંદનું આ સ્વપ્ન વધુ ને વધુ સાકાર બનતું જતું જણાય છે.
આજે જગતભરમાં નવા સુધારા કરવાની હિમાયત કરનારા યુવાન રચનાત્મક કાર્યકરોનું સ્વાભાવિક વલણ રાજકારણ દ્વારા સફળતા મેળવવાનું છે, તે ખરેખરી મુશ્કેલી ઊભી કરે છે. સ્વામી વિવેકાનંદ આ વલણને પૂરેપૂરું જાણતા હતા પરંતુ તેમણે જોઈ લીધું હતું કે, કોઈ પણ સમાજ કે રાષ્ટ્રનો કાયાકલ્પ કરવાનો રાજકીય પુરુષાર્થ અનિવાર્ય રીતે નિષ્ફળ જવા સર્જાયેલો છે. તે ભારપૂર્વક કહેતા કે, “સત્ય અને ઈશ્વર એ એકમાત્ર રાજકારણમાં હું માનું છું એ સિવાયનું બધું કચરો છે.’’
તેમના ભારતીય શિષ્યો તેમના ગુરુદેવમાં એક ભાવિ રાજકીય નેતાનાં દર્શન કરવાની ભૂલ કરતા હતા ત્યારે તેમણે તેમને સ્પષ્ટ ભાષામાં જણાવી દીધું કે, ‘હું કોઈ રાજપુરુષ કે રાજકીય આંદોલનકાર નથી. હું માત્ર આત્માની જ ફિકર કરું છું. જયારે તે બરાબર હોય ત્યારે દરેકે દરેક બાબત આપોઆપ તેના ખરા ઠેકાણે આવી જશે.’ તેમના શિષ્યો સમક્ષ વારંવાર સ્વામી વિવેકાનંદ બોલી ઊઠતા, “આ જીવનમંત્ર સદા તમારી આંખ સામે રાખો. તેમની ધર્મભાવનાને સ્પર્શ સુધ્ધાં કર્યા વિના આમ-સમાજનું ઉત્થાન… તેમની જન્મગત આધ્યાત્મિક પ્રકૃતિ આરક્ષિત રાખીને તમે તેમની ખોવાયેલી અસ્મિતાને પાછી અપાવી શકશો ?”
૧૮૯૪ના પૂરા વર્ષ દરમિયાન અમેરિકામાં પોતાની પ્રાપ્ત થયેલી અપૂર્વ સફળતા છતાંય એક વિચારની યંત્રણાથી સ્વામીજી સતત પીડાતા રહ્યા. આમજનતાના નવોત્થાન માટે ભારતના યુવા સમાજને કેવી રીતે જાગૃત કરવો? આ વિચારને કરતો પત્રવ્યવહાર તેઓ હરિદાસ બિહારીદાસ દેસાઈ, આલાસિંગા પેરુમલ, ખેતડીના મહારાજા અને પોતાના ગુરુબંધુઓ અને શિષ્યગણને કરતા રહ્યા અને તેમાં દેશની ઉન્નતિ માટે સમર્પિત યુવા નર-નારીઓની નવી કતાર તૈયાર કરવાનો અનુરોધ કરતા રહ્યા. જો પર્વત મહમદ પાસે ન આવે તો પછી મહમદે જ પર્વત પાસે જવું રહ્યું, આ યુવા નર-નારીઓની નાની નાની સુશિક્ષિત ટુકડીઓ “ધર્મદત્ત ઉત્સાહથી પ્રેરિત થઈ અને સેવાની ધગશ સાથે ગામડામાં ઢળતા દિવસે ભારતીય ગ્રામ-સમાજને આંગણે પૃથ્વીના ગોળા, ચિત્રો, નકશાઓ, કેમેરા, વગેરે લઈ જઈ તેમને સાદી સરળ ભાષામાં વિજ્ઞાનનાં સંશોધનો અને વિકાસ સાથે સમજ આપે તથા દુનિયાના અન્ય દેશો વિષે માહિતી આપે. સાથોસાથ, આ જ સમર્પિત યુવા નર-નારીઓ તેમને હિંદુ ધર્મનો સાર, માનવની અંતર્નિહિત દિવ્યતાને પ્રકટ કરવા માટે કેળવે.
રાષ્ટ્રીય નવોત્થાન માટે યુવક-ગણને તૈયાર કરવામાં સ્વામી વિવેકાનંદે શા માટે રાજકારણનો અસ્વીકાર કર્યો અને આધ્યાત્મિકતા તેમ જ ધર્માચરણની શકિતને પ્રાધાન્ય આપ્યું? એટલા માટે કે ભારતીય જીવનની ધોરી નસ વિષે પોતાના ઐતિહાસિક સંશોધન ઉપર સ્વામી વિવેકાનંદ મુસ્તાક અને નિશ્ચલ રહ્યા. ‘‘સારા માટે કે નરસા માટે આપણી પ્રાણશકિત આપણા ધર્મમાં પ્રતિષ્ઠિત થયેલી છે. તમે તેને બદલી નહિ શકો.’’ આનું સતત સ્મરણ તેઓ ઉપલકિયા સામાજિક સુધારાઓ અને પરદેશથી આયાત કરેલી રાજકીય વિચારધારા દ્વારા દેશનું નવજાગરણ કરવા ઇચ્છતા ભારતીયોને કરાવતા રહ્યા. તેમણે ભારતવાસીઓને પ્રશ્ન કર્યો: ‘‘તમે શું એવું ઇચ્છો છો કે ગંગાએ તેનો મૂળ પ્રવાહ બદલીને બરફથી આચ્છાદિત પાર્વતીય પ્રદેશોમાં પાછા વળવું જોઈએ? ધારો કે કદાચ આ શક્ય બન્યું તો પણ આ દેશને માટે પોતાનો વિશિષ્ટ અને નિર્મિત ધાર્મિક જીવનનો રાહ બદલવાનું અને રાજકારણ કે એવા કોઈ બીજા નવા પ્રવાહને અપનાવવાનું અશક્ય બનશે.’’ (ક્રમશ:)
ભાષાંતરકાર : શ્રી યશસ્વીભાઈ ૫. મહેતા, લોકશિક્ષણ ટ્રસ્ટ, ભાવનગર
Your Content Goes Here