૩ એપ્રિલ, રામનવમી પ્રસંગે
પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’નો અભ્યાસ ઊંડો છે અને અનોખો છે. તેમની શૈલી આકર્ષક છે. તેઓશ્રીના કેટલાંક પ્રવચનો ‘માનસ મન્થન’ નામના ગ્રંથમાં સંકલિત થયાં છે. રયાણી ટ્રસ્ટ, મુંબઈ દ્વારા પ્રકાશિત આ ગ્રંથના થોડા અંશો શ્રીરામનવમીના પ્રસંગે અહીં આપવામાં આવે છે.
ભગવાન રામ વિષે વાલ્મીકિ રામાયણ, અધ્યાત્મ રામાયણ, લોમશ રામાયણ, ભુશંડિ રામાયણ તથા અગત્સ્ય રામાયણ આદિમાં બનાવોનો ક્રમ એકસરખો શા માટે નથી? ક્યાંક દેશમૂલક અસંગતિઓ છે તો ક્યાંક કાળમૂલક. જ્યારે આપ રામચરિતમાનસને વાંચશો તો ખબર પડશે કે ભગવાન શ્રીરામ જ્યારે ચિત્રકૂટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગંગાના કિનારે તેઓને કેવટ મળ્યા અને કેવટે ભગવાન રામનાં ચરણ ધોયાં. પરંતુ અધ્યાત્મ રામાયણમાં આપને એક ભિન્ન વાત મળશે. અધ્યાત્મ રામાયણમાં પણ કેવટ ભગવાન રામનાં ચરણ ધૂએ છે અને તેમને પાર ઉતારે છે, પરંતુ ક્યારે? જ્યારે ભગવાન રામ સીતા-સ્વયંવર માટે જનકપુરીની તરફ જઈ રહ્યા છે ત્યારે. હવે જુઓ, દેશ અને કાળની દૃષ્ટિથી બહુ ભિન્નતા થઈ જાય છે. વિવાહ વખતે જો કેવટ મળ્યા હોય તો ૧૨ વર્ષ પહેલાં મળેલ; અને વન જવા સમયે મળ્યા હોય તો ૧૨ વર્ષ પછી. જો ચિત્રકૂટના રસ્તે મળ્યા હોય તો ભૌગોલિક દૃષ્ટિથી તે બિલકુલ જુદો માર્ગ છે અને જો જનકપુરીના રસ્તે મળ્યા હોય તો પણ તદ્દન ભિન્ન માર્ગ છે. હવે આ રામાયણોમાં સાચી રામાયણ કઈ માનવી? કેટલાક વિદ્વાનો કહે છે કે, વાલ્મીકિ રામાયણ સાચી છે અને બીજી રામાયણો સાચી નથી. તુલસીદાસજીની સામે પણ આ પ્રશ્ન ઊભો થયો હતો, જેનો તેઓ આધ્યાત્મિક ઉત્તર આપે છે. તેઓ કહે છે, રામાયણો જેટલી છે તે બધી સાચી છે. જયારે પૂછવામાં આવ્યું કે, કેટલી રામાયણો છે? તેઓ કહે છે: ‘રામાયણ સતકોટિ’. સો કરોડ રામાયણો છે. સાંભળવાવાળાને લાગશે કે આ અતિશયોક્તિ છે પરંતુ તુલસીદાસજી તો સો કરોડ પછી પણ એક શબ્દ વધારે લખે છે. રામાયણો માત્ર સો કરોડ નથી, અપાર છે: ‘રામાયણ સતકોટિ અપારા’. આમ તો સો કરોડ રામાયણો આજ પણ નથી મળતી પરંતુ તુલસીદાસજી સો કરોડ પછી અપાર લખવાનું આવશ્યક માને છે. આ જ ઐતિહાસિક અને ભાવદૃષ્ટિનું અંતર છે.
પ્રસંગ આવે છે, ભગવાન રામ લંકાવિજય પછી અયોધ્યા પાછા આવે છે. તેનું સ્વાગત કરવા આખું અયોધ્યા નીકળી પડે છે. પ્રત્યેક વ્યક્તિ એમ ઇચ્છે છે, ‘હું ભગવાન શ્રીરામની નજીક પહોંચું તો કેવું સારું!’ પરંતુ શ્રીરામ જો એક વ્યક્તિ હોત તો થોડાક લોકો તેને મળી શકત, બાકીના લાખો તેમનાથી દૂર રહેત. તેથી તુલસીદાસજી એક નવી વાત લખે છે:
પ્રેમાતુર સબલોગ નિહારી,
કૌતુક કીન્હ કૃપાલ ખરારી।
અમિત રૂપે પ્રગટે તેહિ કાલા,
જથા જોગ મિલે સબહિ કૃપાલા।।
(રામચરિત માનસ ૭/૨/૪-૫)
અયોધ્યાના જેટલા નાગરિક હતા, ભગવાન રામે એટલાં રૂપ ધારણ કર્યાં અને તેઓ બધાને મળ્યા. હવે આપ કલ્પના કરો, તે સમયનું રામાયણ કેવું હશે? જે મોટાં છે, તેનાં ચરણોમાં ભગવાન રામે પ્રણામ કર્યાં. જે નાના છે તેના મસ્તક પર હાથ રાખ્યો અને જે બરાબરીના છે તેઓને પોતાના હૃદય સાથે લગાવ્યા. પ્રત્યેક વ્યક્તિ પોતાના રામને મળી રસ તથા આનંદનો અનુભવ કરી રહેલ છે. હવે તેમાંથી પ્રત્યેક વ્યક્તિ રામાયણ લખે તો પ્રત્યેકનું રામાયણ અલગઅલગ હશે. એક કહેશે કે જેવા રામ વિમાનમાંથી ઉતર્યા તો તેઓએ મને હદય સાથે લગાવ્યો. બીજો કહેશે કે રામ જયારે ઊતર્યા તો તેઓએ મને આશીર્વાદ દીધા અને ત્રીજો કહેશે કે વિમાનમાંથી ઊતરીને શ્રીરામે મને પ્રણામ કર્યાં. આમાંથી કોનું રામાયણ સાચું કહીશું? બધાય પોતાના રામમાં ડૂબેલા જ રહે છે. તુલસીદાસજી એમ માને છે કે સંસારમાં જેટલાં પ્રાણી થયાં છે અને આગળ ભવિષ્યમાં જેટલાં થશે તે બધાને માટે જ્યાં સુધી એક એક રામ નહીં બને ત્યાં સુધી મનુષ્યને સંતોષ પ્રાપ્ત નહિ થઈ શકે. તેઓને સાર્વજનિક રામથી ઐતિહાસિક પાત્રને માટે ફરિયાદ થઈ શકે છે, ભલે કોઈને માટે કલ્યાણકારી થયા હશે અને તેઓએ કોઈની સાથે બહુ સરસ વ્યવહાર કર્યો હશે પરંતુ અત્યારે વર્તમાનમાં અમને તેનાથી શું લાભ? તુલસીદાસજી આ માટે તો ‘અપાર’ શબ્દનો પ્રયોગ કરે છે. આ વિશ્વમાં અનાદિકાળથી અનંતકાળ સુધી કેટલા જીવ પેદા થશે તે કોઈ હિસાબ આપી શકશે ખરા? તુલસીદાસજીની માન્યતા આ છે કે પ્રત્યેક વ્યક્તિને માટે ભગવાન રામના અવતારની આવશ્યકતા છે અને આ તો ત્યારે જ બની શકે જ્યારે શ્રી રામ મનુષ્ય નહીં પણ ઈશ્વર જ હોય. ત્યારે જ તેઓ દરેક વ્યક્તિની ભાવનાને સંતોષ દઈ શકશે. પ્રત્યેકને પોતાના બનાવી શકશે અને પ્રત્યેકના જીવનમાં પ્રવેશ મેળવી શકશે.
રામ-કથાઓમાં વિસંગતિ, ટકરાવ ન દેખાય એ દૃષ્ટિથી તુલસીદાસજી કહે છે:
હરિ અનંત હરિ કથા અનંતા
કહહિ સુનહિ બહુબિધિ સબ સંતા।
રામચંદ્ર કે ચરિત સુહાયે,
કલપ કોટિ લગિ જાહિં ન ગાયે।। [૧/૧૩૯/૫-૬]
આમ, ગોસ્વામીજી આપણને એક વિચારદૃષ્ટિ આપે છે. તેઓ આપણને એમ સમજાવવા ઇચ્છે છે કે શ્રીરામ એક વખત ઈતિહાસમાં આવી ગયા છે એમ માનીને આપણે તેમને આપણાથી દૂર ન રાખીએ. આપણા શ્રીરામ તો ઈશ્વર છે. તેઓ અયોધ્યાના અસંખ્ય નાગરિકોને એક સાથે (simultaneously) મળી શકે છે. અને એવી રીતે મળે છે કે ‘જો જેહિ ભાય રહા અભિલાષી’ એટલે કે જેઓને જેવો ભાવ અને અભિલાષા હતી તે રીતે શ્રીરામ તેઓને મળે છે.
વાલ્મીકિ શ્રીરામને એક રૂપે જુએ અને તુલસીદાસજી તેમને બીજા રૂપે જુએ, તો તે બાબતમાં કોઈએ આશ્ચર્ય કરવાની જરૂર નથી. આ વાત સ્વાભાવિક છે. તુલસીદાસજી કહે છે કે જે રામ આપણી ભાવનાને અનુકૂળ ન થઈ શકે તે આપણને સંતોષ કઈ રીતે આપી શકે? દા.ત. એક ન્યાયાધીશ પોતાના જીવનમાં પિતા છે, પતિ પણ છે અને પોતાના હોદા પ્રમાણે ન્યાયાધીશ પણ છે. તેનું બાળક પોતાના પિતાના ન્યાયાધીશપણાથી ખુશ ન હોય. બાળક એ નહિ સમજી શકે કે પોતાના પિતા કેટલા મોટા ન્યાયાધીશ છે અથવા ન્યાયના જાણકાર છે. બાળકની દૃષ્ટિ એ જ હશે કે પિતાજીમાં કેટલી વાત્સલ્ય ભાવના છે.
એક બીજી વ્યક્તિ જે તેના ન્યાયાલયમાં જાય છે, તેની મુખ્ય દૃષ્ટિ એ હશે કે તેને કાયદાની જાણકારી છે, તેનામાં કેટલી હોશિયારી છે અને તે કેટલો ઉત્કૃષ્ટ ન્યાય આપી શકે છે.
આ પ્રમાણે આપણે આપણી ભાવનાને સંતોષવા માટે ક્યા રામને ઈચ્છીએ છીએ એ મુખ્ય પ્રશ્ન છે. શ્રીરામના ઈશ્વરત્વનો એ લાભ છે કે આપણે તે રામને મળી શકીએ છીએ, વાતો કરી શકીએ છીએ અને જે રામ આપણા હૃદયની નજીક છે તેમને જીવનમાં ઉતારી શકીએ છીએ.
શ્રીરામની વિલક્ષણતાનું એક ચિત્ર તુલસીદાસજી અરણ્યકાંડમાં પ્રસ્તુત કરે છે:
બૈઠે પરમ પ્રસન્ન કૃપાલા।
કહત અનુજ સન કથા રસાલા।।
ભગવાન રામ પ્રસન્ન ભાવથી મંદ મંદ હસતા બેઠા છે અને લક્ષ્મણજીને કોઈ રસપ્રદ કથા સંભળાવી રહ્યા છે. આ દોહાની પછીની પંક્તિ એક જુદી જ દૃષ્ટિ પ્રસ્તુત કરે છે. પછીની પંક્તિમાં તુલસીદાસજી લખે છે કે તે સમયે ત્યાં નારદજી આવ્યા અને
બિરહવંત ભગવંતહિ દેખી।
નારદ મન ભા સોચ બિસેષી।।
વિરહમાં વ્યાકુળ થયેલા ભગવાનને જોઈને નારદના મનમાં ઘણું દુ:ખ થયું.
પ્રથમ પંક્તિ અને આ બીજી પંક્તિ પરસ્પર વિરોધી છે. જો આ બીજી પંક્તિ થોડે દૂર લખી હોત તો આપણે કલ્પના કરી શકત કે થોડા સમય પહેલાં ભગવાન શ્રીરામ પ્રસન્ન હતા અને અત્યારે ઉદાસ થઈ ગયા છે. પરંતુ એક જ પંક્તિની નજીકમાં વિરોધી વાત લખવી ઘણું અસંગત લાગે છે. અહીં તુલસીદાસજીની ભાવ-દૃષ્ટિનો વિચાર કરીને જુઓ.
શ્રીરામને જોવા માટે ત્યાં કોણ કોણ આવેલ છે? એક બાજુ શંકર આવેલા છે. તેમની દૃષ્ટિમાં શ્રીરામ ઈશ્વર છે, બ્રહ્મ છે. બ્રહ્મમાં આનંદ સિવાય કંઈ હોઈ શકે નહિ. એટલે જયારે તેઓ રામને જુએ છે ત્યારે શ્રીરામ તેમને કેવા દેખાય છે?
‘બૈઠે પરમ પ્રસન્ન કૃપાલાં’
એ જ સમયે નારદજી ત્યાં આવ્યા. તેમને શ્રીરામ વિલાપ કરતા દેખાય છે. આમ કેમ? તેનું કારણ એ છે કે નારદે ભગવાનને શાપ આપ્યો હતો કે, ‘ભગવાન-તમે મારા વિવાહ થવા દીધા નહિ, તમે મને ઘણું દુ:ખ દીધું છે તેથી તમારે પણ પત્નીના વિયોગમાં રડવું પડશે.’
શ્રીરામનો ચમત્કાર આ જ છે કે, એક જ સમયે તેઓ શંકરજીને પ્રસન્ન અને મંદ મંદ હસતા દેખાય છે અને નારદજીને વિલાપ કરતા દેખાય છે. આવો ચમત્કારિક અભિનય તો ઈશ્વર જ કરી શકે. વ્યક્તિ બિચારી કેમ કરી શકે?
વ્યક્તિ જે સમયે રડે છે ત્યારે રડ્યા જ કરે છે. જયારે હસે છે ત્યારે હસ્યા જ કરે છે.
નારદજી ભગવાન રામને વિલાપ કરતા જોઈ દુઃખી થાય છે પરંતુ મનમાં પ્રસન્ન પણ થાય છે. તેઓ વિચારે છે કે –
મોર સાપ કરિ અંગીકારા।
સહત રામ નાના દુખભારા।।
મારી વાતને માન્ય રાખવા માટે જ ભગવાને આટલું દુ:ખ સ્વીકાર કર્યું છે. આથી જાણી શકાય છે કે શિવની દૃષ્ટિ છે તે નારદજીની દૃષ્ટિ બની શકતી નથી. જે નારદજીની દૃષ્ટિ છે તે શિવની બની શકતી નથી. આ પ્રમાણે નારદ અને શિવના રામ એક જ હોવા છતાં એક થઈ શકતા નથી, કારણ કે એ બન્નેના હૃદયની માગણી જુદી જુદી છે. શ્રીરામ તેમના હૃદયની માગણીને અનુરૂપ તેમની સામે આવે છે.
તુલસીદાસજીની માન્યતા એવી છે કે, આપણને જે પ્રકારના રામની આવશ્યકતા હોય, આપણે આપણા જીવનમાં ભગવાન રામને જે રૂપે મેળવવા ઇચ્છીએ, લઈ આવવા ઇચ્છીએ, તે સ્વરૂપે આપણે તેમને હાલના સમયે પણ લાવી શકીએ છીએ. આ દેશમાં, આ સમયમાં અને આ ક્ષણમાં પ્રત્યેક વ્યક્તિ, શ્રીરામને પોતાની ઇચ્છા અનુસાર પ્રાપ્ત કરી શકે છે. કોઈને ભગવાન રામનું મર્યાદાસ્વરૂપ પ્રિય છે, તો કોઈને તેમનું કૃપામય સ્વરૂપ, કોઈને તેમનું શૌર્યમય રૂ૫ પ્રિય છે, તો કોઈને તેમનું કોમળ રૂપ! વળી, કોઈને તેમનું વિલક્ષણ રૂપ પ્રિય હોઈ શકે છે. તુલસીદાસજી પોતાના આ મહાન ગ્રંથ દ્વારા એક નવી દૃષ્ટિ આપે છે.
વાલ્મીકિ રામાયણ એક મંદિર છે. રામાયણનો અર્થ જ રામનું મંદિર થાય છે. પરંતુ રામચરિત માનસ રામાયણ નથી. તો તે શું છે? તુલસીદાસજી કહે છે –
પૂછેહુ રઘુપતિ કથા પ્રસંગા।
સકલ લોક જગપાવનિ ગંગા।। [૧/૧૧૧/૭]
તુલસીદાસજી પોતાની રામકથાનું રામકથાનું વર્ણન સરોવર રૂપે કરે છે અથવા તો નદી રૂપે. તેમની રામકથા એક ગંગા છે અને વાલ્મીકિની રામકથા એક મંદિર, આપણી સંસ્કૃતિમાં બંનેને સન્માન પ્રાપ્ત થયેલ છે. પરંતુ મંદિર અને ગંગાજીમાં તફાવત કઈ બાબતમાં છે?
મંદિર સર્વકાળે એક જ સ્થાનમાં સ્થિર છે. જ્યારે ગંગા એક સ્થળે સ્થિર નથી, તે ચાલ્યા કરે છે. તે હિમાલયમાંથી નીકળીને દેશ-દેશનાં અંતરો પાર કરતી સમુદ્ર તરફ જઈ રહી છે. મંદિર સમય થાય ત્યારે ઊઘડે છે અને સમય થાય ત્યારે બંધ થઈ જાય છે. જો આપ સમય પ્રમાણે મંદિરે પહોંચી શકે નહિ તો આપને દેવનાં દર્શન થઈ શકશે નહિ. પરંતુ ગંગાજી ક્યા સમયે ઊઘડે છે અને ક્યા સમયે બંધ થાય છે? ગંગાની ધારા સમયના બંધનને સ્વીકારતી નથી. તે સ્વતંત્ર છે. દરેક ક્ષણે તેનાં દ્વાર ખૂલેલાં છે.
તમે મંદિરમાં જશો અને દેવનાં દર્શન કરશો ત્યારે ભગવાન અને તમારા વચ્ચે અંતર રહેવાનું. મંદિરમાં ગયા પછી તમે દેવને દૂરથી નમસ્કાર કરશો. પરંતુ ગંગા પાસે જવાથી કોઈ અંતર માલૂમ પડતું નથી. પાણીમાં પડીને ખૂબ ડૂબકીઓ મારો, ગંગાને અને પોતાની જાતને એક બનાવી દો. એક અભિન્ન બનાવી દો.
મંદિર કહે છે કે, ‘ભાઈ, પહેલાં સ્નાન કરો, પવિત્ર બનો, ત્યારે મારી પાસે આવો.’ જ્યારે ગંગા કહે છે કે -‘તમે જેવા હો તેવી સ્થિતિમાં મારી પાસે આવો. કોઈ પવિત્રતાની જરૂર નથી. તમે મારામાં ડૂબકી મારીને પવિત્ર બની જાઓ.’
વાલ્મીકિએ સંસ્કૃતમાં રચેલું રામાયણ એક મહાકાવ્ય છે. આ મહાકાવ્ય-મંદિર દિવ્ય રત્નોથી ભરપૂર છે. તેનો વૈભવ, તેની સમૃદ્ધિ અને તેની કાવ્ય રચના અનુ૫મ છે. આમ હોવા છતાં વાલ્મીકિના રામ અને આપણા વચ્ચે થોડુંક અંતર રહે છે, એવો અનુભવ થાય છે.
તુલસીદાસજીના રામ, ગંગાના પ્રવાહની માફક આપણાથી એટલા નજીક લાગે છે કે તેમની પાસે જવામાં આપણને કોઈ પ્રકારનો ભય કે સંકોચ થતો નથી. આપણને એવું લાગતું નથી કે રામ ઘણા જ મહાન છે.
વાલ્મીકિ-રામાયણ વાંચવાથી એમ લાગે છે કે, શ્રીરામ કેટલા મહાન છે; જ્યારે તુલસીદાસજીની રામકથા વાંચવાથી એવું લાગે છે કે રામ બીજાને કેટલા મહાન બનાવી દે છે.
આનો સારાંશ એ છે કે, બન્ને દૃષ્ટિ પોતપોતાના સ્થાને મહત્ત્વપૂર્ણ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે તુલસીદાસજી શ્રીરામને આપણા જીવનમાં જેટલા નજીક લાવી શકે છે તે બાબત વાલ્મીકિ દ્વારા બનવાનો સંભવ ન હતો. કદાચ આ કારણથી જો વાલ્મીકિએ તુલસીદાસજીના રૂપમાં ફરી વાર અવતાર ધારણ કરીને એક નવી જ દૃષ્ટિથી રામકથાનું નિર્માણ કર્યું હોય, તો તેમાં કોઈ આશ્ચર્ય કરવા જેવું લાગતું નથી.
Your Content Goes Here