‘પર દુઃખે ઉપકાર કરે પણ મન-અભિમાન ન આણે રે’
આપણો સમાજ—વિશ્વનો સમગ્ર માનવમેળો જીવનમાં સતત પ્રેમ, કરુણા, માયા, અને આનંદનો અનુભવ કેટલાક સંત હૃદયી, સાચા વૈષ્ણવ જનોનાં જીવનમાં પરોપકારની નિરંતર વહેતી ધારાને લીધે કરતો રહે છે. ઈટાલીમાં કૈથેરિન નામનાં એક દયાળુ-કરુણામયી સાધ્વી હતાં. તેમણે ડોચેટિક સમુદાય પ્રમાણે સંન્યાસ દીક્ષા લીધી હતી. બાળપણથી તેઓ ધ્યાન-ભજન અને લોકસેવામાં મગ્ન રહેતાં. એમનાં દયા, સહાનુભૂતિ, સેવાભાવ, અને ભગવદ્ ભક્તિને જોઈને ઘણી બહેનો એમની શિષ્યા બની હતી. એમની એક શિષ્યાનું નામ હતું, એન્ડ્રિયા. કોણ જાણે કેમ પણ એન્ડ્રિયા કૈથેરિનની ઈર્ષ્યા કરતી. ક્યારેક તો એમના ચારિત્ર્ય પર કલંક લાગે તેવી ધૃણાસ્પદ વાતો ફેલાવીને કૈથેરિનને બદનામ કરવાનો પ્રયત્ન તે કર્યા કરતી. પરંતુ ધીર, સ્થિર, શાંત અને કરૂણાશીલ કૈથેરિને આ બધું એક કાનેથી બીજે કાને કાઢી નાખ્યું. તેમણે તો પોતાનાં ભગવદ્ ભજન અને સેવાકાર્ય ચાલુ જ રાખ્યાં.
સંજોગવશાત્ બન્યું એવું કે એન્ડ્રિયાની છાતીએ એક મોટું ગુમડું થયું અને એમાં ઘારું પડયું. અંદરથી સતત લોહીપરુ વહ્યા કરે અને દુર્ગંધ પણ એવી કે કોઈ એની સેવા કરવા તૈયાર થાય નહિ. બધી શિષ્યાઓ એનાથી દૂર ને દૂર ભાગે. કૈથરિનને આ વાતનો ખ્યાલ આવ્યો એટલે તેમણે પોતે જ તેની સેવા શુશ્રૂષા કરવાની શરૂ કરી દીધી. પણ એન્ડ્રિયાના હૃદય પર આની કોઈ અસર ન થઈ. ઊલટાનું, તે એમ માનવા લાગી કે મારી આવી રીતે સેવા કરીને ‘સેવાપરાયણતા’નો ઢોંગ કરે છે. કૈથરિનની માતાને આ વાતની જાણ થતાં તેણે તેમને નછૂટકે કહ્યું, “બેટા, આ એન્ડ્રિયા તારી બદબોઈ જ કર્યે જાય છે. એના કરતાં તો આ આશ્રમ છોડીને તું ઘેર પાછી આવી જા અને બાકીનું જીવન આરામ-શાંતિથી પસાર કર. નાહકની આવી બલાની પીડા શા માટે વહોરી લે છે ?” કેથેરિને શાંત મને જવાબ આપ્યો, ‘આ માનવ ઈશ્વરના અસ્તિત્વનો કેટકેટલી વાર અસ્વીકાર કરતો રહ્યો છે, એમને ધિક્કારતો-તિરસ્કારતો રહે છે. પણ એમની-પ્રભુની કરુણામાં ક્યારેય ઊણપ કે ઓટ આવી છે? એમની કરુણાની ગંગા સતત વહેતી રહે છે. અને કેટકેટલાંને શાંતિ-શીતળ, આનંદ-સુખ આપતી રહે છે! મા, પ્રભુની એવી ઇચ્છા છે કે હું લોકોની, દુ:ખી લોકોની સેવા કરું. તો હું એન્ડ્રિયા જેવાં દીન-દુખિયાં રોગીથી દૂર ભાગી શકું?’ કૈથેરિનની આ વાત સાંભળી વૃદ્ધ માતાની આંખો આનંદનાં આંસુથી છલકાઈ ગઈ અને પુત્રીને છોડીને ઘરે પાછી ફરી.
કૈથેરિન તો નિયમિત રીતે એન્ડ્રિયાની સેવાચાકરી કરતી રહી. માનેય ભુલાવી દે તે રીતે સેવા ચાલુ રહી, હવે એન્ડ્રિયાની આંખો ઊઘડી. કૈથેરિનની ઉદારતા અને સેવા-પરાયણવૃત્તિ સામે એનું મસ્તક નમી પડ્યું. મનમાં મનમાં પોતાની જાતને તિરસ્કારવા-ધિક્કારવા લાગી. તેણે વિચાર્યું, ‘કૈથેરિન જેવી પરોપકારી દયાળુ સંત જેવી સાધ્વી ઉપર મેં કેટકેટલા ખોટા આરોપો નાખ્યા. કેટકેટલા કાદવ ઉછાળ્યા મેં એના પર! પણ એમણે મારા વિશે એક પણ શબ્દ ન કહ્યો અને તે તો હસતી રહી અને સેવા કરતી રહી અને મારીય સેવા પણ એક માને ભુલાવે એવી સેવા એમણે કરી!’ એનું હૃદય ભરાઈ આવ્યું. પ્રાયશ્ચિત્તની ગંગામાં પવિત્ર થવાનો નિર્ણય કરીને, હિંમત એકઠી કરીને કૈથેરિનનાં ચરણોમાં પડીને આંખમાં આંસુ સાથે બોલી, “બહેન, તમે એક દેવી છો. હું તમને નિરર્થક બદનામ કરતી રહી. મને ક્ષમા કરો, મને માફ કરો, બહેન!’’ કૈથેરિને તેને ગળે લગાડીને હૃદય સરસી રાખીને પ્રેમાળ બનીને કહ્યું, “એમાં તારો દોષ ન હતો. જે થવાનું હતું થઈ ગયું. એની ચિંતા ન કર. હવે આગળ નજર રાખીને ચાલ.”
ઉદાર દિલે કૈથેરિને એન્ડ્રિયાને માફ કરી, પશ્ચાત્તાપનાં આંસુથી તે પણ પવિત્ર બની. મહાન સંતો-સાધ્વીઓનાં મન-હૃદય ફૂલથીય કોમળ હોય છે. તેમણે બીજાના દોષ તરફ દૃષ્ટિ નથી કરી. સેવા, કરુણા, પ્રેમ, શાંતિ, સ્થિરતા અને ધૈર્યથી એમનાં જીવન શાશ્વત બની જાય છે.
વિનમ્રતાભરી લઘુતા જ ગુરુતા આપે
વામન બને એ જ વિરાટ બને. સંત રાબિયાનું જીવન ઈશ્વર જ્ઞાન-પ્રેમનું જાણે કે પ્રત્યક્ષ સ્વરૂપ હતું. એક વખત આલેહ આમરી નામના સંતે રાબિયાને પૂછ્યું, “આપ આટલી ઉચ્ચ ભૂમિકાએ કેવી રીતે પહોંચી શક્યાં?” સંપૂર્ણ શરણાગતિની પ્રેમ-ભક્તિના રંગે રંગાયેલી રાબિયાએ જવાબ આપ્યો, “મારું સર્વસ્વ ઈશ્વરના પ્રેમમાં ઈશ્વરની ઇચ્છાને અર્પી દીધું અને પ્રભુને-ખુદાને પામી હું પ્રાર્થના-ઇબાદતથી”. સંત સાહેબે વિનમ્રભાવે કહ્યું, ‘મારી ઇચ્છા પણ આવી ઉચ્ચ અધિકાર પ્રાપ્ત કરવાની છે. આપ આ ભૂમિકાએ કેવી રીતે પહોંચવું તે બતાવવા કૃપા કરો તેવી મારી પ્રાર્થના છે.’
રાબિયાએ પ્રત્યુત્તર આપતાં કહ્યું, “બેશક, પણ તમારી એક ઊણપ તમારે દૂર કરવી પડશે. તમારે પણ બોધપાઠ મેળવવો પડશે અને ત્યારે તમે પણ આ પ્રેમપદ-પ્રભુપદના અધિકારી બની શકશો.’’ આમ કહીને તેમણે એક મીણબત્તી, સોય અને વાળ લાવીને કહ્યું, “આલેહ સાહેબ, આ મીણબત્તી આપણને એ બોધ આપે છે કે પોતાની જાતને બાળી, તે પણ બીજાને પ્રકાશ આપે છે, અને આ સોય પોતે એમ ને એમ રહીને બીજાનાં વસ્ત્રો સીવે છે અને વાળ કહે છે કે જીવનમાં વિનમ્ર બનો. આ ત્રણેયની જેમ ખુદાની ખિદમતમાં અને ખુદાના બંદા-માનવની સેવામાં તમારી જાતને લગાડી દો અને તમને પરમોચ્ચ પદની પ્રાપ્તિ થશે.’’
તમારું તમને મુબારક (પ્રતિદાન )
ભગવાન બુદ્ધ એક વખત ચાલતાં ચાલતાં રાજગૃહના વેલુવત નામના સ્થળે ઉતારો કર્યો. એક દિવસ એક બ્રાહ્મણ તેમની પાસે આવ્યા. આવતાં વેંત જ એમણે કટુ વચન સંભળાવ્યાં. એનો એક સંબંધી દીક્ષા લઈને સંન્યાસી બનીને ભિક્ષુ સંઘમાં દાખલ થયો હતો. તેની દાઝ કાઢતો હોય તેમ તેણે બુદ્ધને ન કહેવાનું કહ્યું. પેલો બ્રાહ્મણ બળાપા કાઢતો રહ્યો પણ તેઓ શાંત રહ્યા. બ્રાહ્મણ શાંત પડયો એટલે ભગવાન બુદ્ધ તેને પૂછ્યું, “મહારાજ, આપને ત્યાં કોઈ અતિથિ તો આવ્યા જ હશે?” બ્રાહ્મણે હા પાડી એટલે તથાગતે પૂછ્યું, “તો તો તેમનું સ્વાગત પણ કરતા હશો અને સારું ભોજન પણ જમાડતા હશો?” બ્રાહ્મણે કહ્યું, “અતિથિનો આદર સત્કાર કરવો એ અમારો ધર્મ છે.”
બુદ્ધે કહ્યું, “ભાઈ, આવનાર મહેમાન ભોજન ન સ્વીકારે તો ભોજનની વાનગીઓ કોણ લઈ જાય?” બ્રાહ્મણે ઉત્તર આપ્યો, ‘અમારી વાનગીઓ અમારે જ લઈ જવાની હોય છે.’
બુદ્ધ સ્મિત સાથે કહ્યું, “મિત્ર, તમે મને હમણાં થોડી વાર પહેલાં ઘણુંઘણું સંભળાવ્યું, ન કહેવાનાં વેણ કાઢયાં. પણ હું તો એ બધાંનો ઉપયોગ કરતો નથી. મારા માટે તે બધું નકામું જ છે. કારણ કે હું કોઈને કડવું કહેતો નથી. સંભળાવતો નથી, એટલે તમારાં આ કડવાં વેણ અને ગાળો મારા ખપનાં નથી. એટલે યજમાન તરીકે તમે જ આ બધું પાછું સ્વીકારો. આ તો આદાન-પ્રદાનની વાત છે. તમે મને આપ્યું પણ મારે એ કશા ખપનાં નથી. તો તમે જ એ પાછાં લઈ લો. સ્વીકારો.”
બ્રાહ્મણનું મસ્તક શરમથી ભગવાન બુદ્ધના શરણમાં નમી પડયું. સદ્વ્યવહાર, વર્તન, વાણી જ જીવનની સાચી શાંતિ અપાવે છે.
સંકલનકર્તા : શ્રી મનસુખલાલ મહેતા
Your Content Goes Here