કલકત્તાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત તેમની સેવા કરી રહ્યા છે. તેમાં મુખ્ય છે – નરેન્દ્રનાથ, જેમને સંસાર આજે સ્વામી વિવેકાનંદના નામે જાણે છે. આ જ બગીચામાં શ્રીરામકૃષ્ણદેવે પોતાના નશ્વર દેહનો ત્યાગ ૧૬ ઓગષ્ટ, ૧૮૮૬ના દિવસે કર્યો હતો. તેમની મહાસમાધિના બે દિવસો પહેલાંની વાત. શ્રીરામકૃષ્ણદેવની પથારી પાસે નરેન્દ્રનાથ ઊભા છે. અચાનક એક ભયંકર સંશય તેમના મનમાં જન્મ્યો. ‘‘લોકો તો શ્રીરામકૃષ્ણને ઈશ્વરનો અવતાર માને છે. તેઓ પોતે ઈશ્વરનો અવતાર છે એવું અનેક વાર બોલી ચૂક્યા છે. પરંતુ તો પછી આવી શારીરિક પીડા અને અસહ્ય વેદના તેઓ કેમ ભોગવી રહ્યા છે? આવી અવસ્થામાં પણ જો તેઓ કહી શકે કે, ‘હું ઈશ્વરનો અવતાર છું’ તો જ હું એમને માનીશ.’’ નવાઈની વાત, નરેન્દ્રનાથનો વિચાર પૂરો થયો ન થયો કે તરત જ શ્રીરામકૃષ્ણ એના તરફ ફર્યા અને પૂર્ણ શક્તિથી સ્પષ્ટ રીતે બોલ્યા, “અરે નરેન! તને હજી ખાતરી થતી નથી? જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ રામકૃષ્ણરૂપે આ દેહમાં વિરાજે છે; અને એ પણ તારી વેદાન્ત દૃષ્ટિથી નહિ!” નરેન્દ્રનાથ તો આ સાંભળીને ભોંઠા પડી ગયા અને આવી શંકા કરવા માટે પસ્તાવો કરવા લાગ્યા.

આ અનુભૂતિ પછી જ સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણ વિશે સંસ્કૃત સ્તોત્રની રચના કરી લખ્યું હતું— ‘‘જેમનો પ્રેમ પ્રવાહ અવિરત ગતિથી ચંડાલ તરફ પણ વહેતો હતો, પ્રકૃતિથી પર અતિમાનવ હોવા છતાં જેમણે લોકકલ્યાણનો માર્ગ ક્યારેય ત્યજ્યો નહોતો, જેમનો મહિમા ત્રણેય લોકમાં અપ્રતિમ છે, જે સીતાના પ્રાણરૂપ હતા, પરમ જ્ઞાનરૂપી જેમનો દેહ સીતારૂપી મધુર ભક્તિથી ઢંકાયેલો હતો, જેઓ આવા શ્રી રામરૂપ હતા; જેમણે કુરુક્ષેત્રના યુદ્ધમાંથી ઊઠતા પ્રલયકાળના જેવા ભયંકર નાદને શાંત કરી દીધો હતો, જેમણે પ્રકૃતિ સહજ છતાં ભયંકર એવી અજ્ઞાન રાત્રિનો નાશ કર્યો હતો, જેમણે મધુર છતાં શાંત ગીતાની સિંહનાદે ગર્જના કરી હતી, તે પ્રખ્યાત પુરુષ આજે રામકૃષ્ણ રૂપે જન્મ્યા છે.’’

આપણી માતૃભૂમિની આ વિશેષતા છે કે, જ્યારે જયારે આપણા દેશમાં-સમાજમાં, વિપત્તિઓ આવે છે, સંકટ આવે છે, ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે આ પુણ્યભૂમિમાં ઈશ્વર મનુષ્યરૂપે અવતરે છે અને ધર્મની પુન:સ્થાપના કરે છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥ (ગીતા-અધ્યાય ૪/૭-૮)

‘‘જયારે જયારે ધર્મની ગ્લાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હે અર્જુન! હું પોતે પ્રગટ થાઉં છું. સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોનો વિનાશ કરવા માટે યુગે યુગે ધર્મની સ્થાપના કરવા માટે હું જન્મ લઉં છું.’’

‘રામચરિતમાનસ’માં પણ શિવજી પાર્વતીજીને ભગવાન રામના અવતારના હેતુ વિષે કહે છે:

तस मैं सुमुखि सुनावउं तोही।
समुझि परई जस कारन मोही॥

जब जब होई धरम कै हानि।
बाढहिं असुर अधम अभिमानी॥

करहिं अनीति जाई नहिं बरनी।
सीदहि बिप्र धेनु सुर धरनी॥

तब तब प्रभु धरि बिबिध सरीरा।
हरहिं कृपानिधि सज्जन पीरा॥ (રામચરિતમાનસ: બાલકાણ્ડ – ૧૨૦/૩-૪)

‘જેવું મને સમજાય છે, તે કારણ હે સુમુખી! હું તમને સંભળાવું છું. જયારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધમ અભિમાની અસુરો વધી પડે છે, વર્ણવી ન શકાય તેવી અનીતિ કરે છે; તેમ જ બ્રાહ્મણો ગાયો, દેવો તથા પૃથ્વી દુ:ખ પામે છે, ત્યારે કૃપાના ભંડાર પ્રભુ અનેક પ્રકારનાં શરીરો ધરી સજજનોની પીડા હરે છે.’

દરેક યુગમાં, પ્રયોજન અનુસાર ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે. ભગવાન રામ ત્રેતાયુગની સમસ્યાઓનું સમાધાન પોતાના જીવન દ્વારા કરે છે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વાપરની સમસ્યાઓનું સમાધાન કરે છે અને આપણા આ યુગની સમસ્યાઓના સમાધાન માટે ભગવાને શ્રીરામકૃષ્ણરૂપે અવતાર ગ્રહણ કર્યો છે. પુરાણોમાં ગાથા આવે છે કે હિરણ્યાક્ષ જયારે પૃથ્વીને ચોરીને લઈ જાય છે, ત્યારે ભગવાન વરાહના રૂપમાં અવતાર લઈ હિરણ્યાક્ષનો વધ કરે છે અને પૃથ્વીનો ઉદ્ધાર કરે છે. હિરણ્યકશિપુ જ્યારે સંસાર પર અત્યાચાર કરવા લાગે છે અને પ્રહ્‌લાદનો વધ કરવા જાય છે, ત્યારે ભગવાન નૃસિંહના રૂપમાં અવતાર લઈ હિરણ્યકશિપુનો વધ કરીને પ્રહ્‌લાદની રક્ષા કરે છે. ત્રેતાયુગમાં શ્રીરામના રૂપમાં અવતરી રાવણ, કુંભકર્ણ વગેરેનો વધ કરે છે અને દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપમાં અવતરી શિશુપાલ, દન્તવક્ત્ર અને કંસ વગેરેનો વધ કરે છે. અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે: આ બધા અવતારોના હાથમાં શસ્ત્ર દેખાય છે, પણ શ્રીરામકૃષ્ણના હાથમાં તો કોઈ શસ્ત્ર દેખાતું નથી. તેમણે ક્યા અસુરોનો વધ કર્યો? કેવી રીતે કર્યો?

વાત સાચી છે. આપણા યુગની સમસ્યાઓ પૌરાણિક યુગની સમસ્યાઓ કરતાં જુદી છે. કારણ કે પહેલાંના યુગોની સમસ્યા વ્યક્તિપરક હતી. થોડા ક્રૂર અને અત્યાચારી દૈત્યોએ પોતાની ક્ષમતા અને શક્તિ દ્વારા પૃથ્વીમાં અત્યાચાર કર્યો હતો. આજે આપણને રાવણ, કુંભકર્ણ, મેઘનાદ જેવી શક્તિશાળી વ્યક્તિઓ જોવા નથી મળતી કે, જેઓ સમસ્ત વિશ્વ પર શાસન કરી અત્યાચાર કરતી હોય. પણ તેનો અર્થ એવો નથી કે આપણા યુગની સમસ્યા સરળ છે.

આ સંદર્ભમાં એક મજેદાર પ્રસંગ છે. ભારતના પ્રસિદ્ધ રામાયણ-પંડિત રામકિંકર ઉપાધ્યાયનું ‘રામચરિતમાનસ’ પર પ્રવચન બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ચાલી રહ્યું હતું, તુલસીદાસજીએ આ ગ્રંથમાં વર્ણન કર્યું છે કે રાવણ અને કુંભકર્ણના ત્રણ જન્મો થયા. સત્યયુગમાં હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષના રૂપમાં, ત્રેતાયુગમાં રાવણ અને કુંભકર્ણના રૂપમાં અને દ્વાપરમાં શિશુપાલ અને દન્તવક્ત્રના રૂપમાં. યુગો તો ચાર છે. સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિ. એક વ્યક્તિએ કહ્યું છે કે, તો તો આપણો આ યુગ સૌથી સારો. કારણ કે આ યુગમાં રાવણ અને કુંભકર્ણનો જન્મ નથી થતો, જો જન્મ થયો હોત તો જરૂર તુલસીદાસજી એનું વર્ણન કરત. પંડિતજીએ હસીને જવાબ આપ્યો: “નહીં ભાઈ, એવું નથી. વાત એમ છે કે બીજા યુગોમાં તો રાવણ અને કુંભકર્ણ તો એક એક વ્યક્તિના રૂપમાં આવ્યા પણ આ યુગમાં તો આ બંને એટલા રૂપમાં આવ્યા કે કોનું નામ લખવું અને કોનું ન લખવું!” ખરેખર તો આપણા યુગની સમસ્યા તો વધારે મુશ્કેલ છે. કારણ કે આ આપણા બધાની સમસ્યા અંત:કરણમાં રહેવાવાળી દુર્વૃત્તિઓ અને દુર્વિચારોની છે. આપણા બધાના અંત:કરણમાં મોહરૂપી રાવણ, અહંકાર રૂપી કુંભકર્ણ, કામરૂપી મેઘનાદ, વગેરે રાક્ષસો નિવાસ કરી રહ્યા છે અને તેમનો વિનાશ કરવો વધારે દુસ્તર છે.

‘વિનય-પત્રિકા’ ગ્રંથમાં ગોસ્વામી તુલસીદાસજી આ યુગના આ રાક્ષસોનું વર્ણન કરતાં લખે છે –

મોહ દશમૌલિ, તદ્‌ભ્રાત અહંકાર
પાકારિજિત કામ વિશ્રામહારી।

લોભ અતિકાય, મત્સર મહોદર
દુષ્ટ, ક્રોધ પાપિષ્ટ વિબુધંતકારી ॥

‘આ શરીરરૂપી લંકામાં મોહરૂપી રાવણ, અહંકારરૂપી તેનો ભાઈ કુંભકર્ણ અને શાંતિ નષ્ટ કરવાવાળો કામરૂપી મેઘનાદ છે. લોભરૂપી અતિકાય, મત્સરરૂપી દુષ્ટ મહોદર, ક્રોધરૂપી મહાપાપી દેવાન્તક વગેરે રાક્ષસો છે.’

સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત કામ, ક્રોધ, લોભરૂપી આ રાક્ષસોના વધ માટે જ ઈશ્વર આ વખતે પરમ સત્ત્વગુણનું ઐશ્વર્ય લઈને શ્રીરામકૃષ્ણરૂપે અવતરે છે અને કામ-કાંચન ત્યાગના સર્વોત્કૃષ્ટ આદર્શને પોતાના જીવનમાં આચરી તેનો ઉપદેશ વિશ્વને આપે છે. ઔદ્યોગિક ક્રાંતિ અને જડવિજ્ઞાનની શોધોએ પાશ્ચાત્ય દેશોમાં જડવાદી સભ્યતા આણી; જે આજ સમસ્ત વિશ્વમાં વ્યાપી રહી છે. તેને પરિણામે ભોગલાલસા, સ્વાર્થપરાયણતા, લોભ, વગેરે માનવ માત્રમાં રગેરગમાં ઘૂસી ગયાં છે, ધર્મ અને સત્યાચરણ પરથી આસ્થા જતી રહી છે, માનવમૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે અને ઈશ્વરના અસ્તિત્વ પર પણ સંદેહ થઈ રહ્યો છે. આ જડવાદિતારૂપી રાક્ષસ અને સંશયરાક્ષસનો વધ કરવા માટે જ આ યુગમાં ઈશ્વરનું શ્રીરામકૃષ્ણરૂપે આગમન થયું છે. એટલે જ સ્વામી વિવેકાનંદ ‘શ્રીરામકૃષ્ણ સ્તોત્ર’માં લખે છે – ‘સંશયરાક્ષસનાશમહાસ્ત્રં’.

પોતાના ગુરુભાઈને ૧૮૯૧ના પત્રમાં સ્વામી વિવેકાનંદે લખ્યું હતું: ‘જે દિવસથી શ્રીરામકૃષ્ણ અવતારનો આવિર્ભાવ થયો ત્યારથી સત્યયુગનો પ્રારંભ થયો છે. આ અવતારમાં જ્ઞાનની તલવાર વડે નાસ્તિક વિચારોનું છેદન થશે. ભક્તિ અને (દિવ્ય) પ્રેમથી આખું જગત સંયુકત બનશે.’ ગાંધીજીએ પણ કહ્યું હતું, “સંશયવાદના આ જમાનામાં શ્રીરામકૃષ્ણ ઉજજવળ અને જીવંત ધર્મનું જે ઉદાહરણ રજૂ કરે છે, તે હજારો નરનારીઓને સાંત્વન આપે છે.”

કૉલેજના વિદ્યાર્થી નરેન્દ્રનાથ કાન્ટ, હેગેલ, હર્બટ સ્પેન્સર વગેરે પાશ્ચાત્ય દાર્શનિકોનાં પુસ્તકો વાંચી પાશ્ચાત્ય વિચારસરણીથી પ્રભાવિત થઈ ઈશ્વર પરની શ્રદ્ધા ગુમાવી બેઠા હતા. સત્યના સાક્ષાત્કાર માટે તેમની તાલાવેલી એટલી વધી ગઈ હતી કે અવસર મળતાં જ કોઈ સંત અથવા મહાપુરુષને પૂછી બેસતા, “શું આપે પોતે ઈશ્વરનાં દર્શન કર્યા છે?” પણ કોઈ તેમના પ્રશ્નનો સંતોષજનક ઉત્તર ન આપી શક્તા. જયારે શ્રીરામકૃષ્ણ સાથે તેમનો મેળાપ થયો ત્યારે તેમને પણ તે જ પ્રશ્ન પૂછ્યો: ‘‘મહાશય, આપે પોતે ઈશ્વરનાં દર્શન કર્યાં છે?’’ શ્રીરામકૃષ્ણ ઉત્તર આપ્યો: “હા, જેવી રીતે હું તને અહીં જોઉં છું તેવી જ રીતે ઈશ્વરને જોઉ છું. ફેર એટલો જ કે એને હું વિશેષ સ્પષ્ટતાથી જોઉં છું.’’ એટલું જ નહિ, શ્રીરામકૃષ્ણે નરેન્દ્રનાથને કહ્યું કે તેને ઈશ્વરનાં દર્શન કરાવી દેશે અને ખરેખર, નરેન્દ્રનાથને નિર્વિકલ્પ સમાધિ સુધીની અનુભૂતિઓ તેમણે કરાવી. આ હતો ધર્મનો વિજ્ઞાન પર વિજય, પ્રાચ્યનો પાશ્ચાત્ય પર વિજય, આધ્યાત્મિકતાનો જડવાદિતા પર વિજય. આ પછી એ જ નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદના રૂપમાં શિકાગો ધર્મમહાસભામાં ભારતીય આધ્યાત્મિક મૂલ્યો અને સંસ્કૃતિનો ગૌરવમય ધ્વજ ફરકાવે છે અને સમસ્ત વિશ્વમાં આ અમૂલ્ય આધ્યાત્મિક વારસાથી પ્રાપ્ત થયેલા આદર્શોનો પ્રસાર કરે છે. આવી રીતે શ્રીરામકૃષ્ણ-અવતારમાં સંશયરાક્ષસનો વધ થાય છે.

જડવાદી સભ્યતાના પરિણામે આપણે માનતા થઈ ગયા છીએ: ‘પૈસો જ પરમેશ્વર છે’, ‘પૈસા વગર એક ડગલું આગળ ન વધાય’. આજના જમાનામાં પણ પૈસાનો સંપૂર્ણ ત્યાગ કરી કોઈ મનુષ્ય રહી શકે છે, આ વાતને પુરવાર કરવા શ્રીરામકૃષ્ણ ઉચ્ચતમ ત્યાગનો આદર્શ પોતાના જીવનમાં દર્શાવે છે. ‘પૈસા માટી, માટી પૈસા’ એમ કહી શ્રીરામકૃષ્ણ પૈસા અને માટી બંને ગંગાજીમાં ફેંકી દેતા. આવી રીતે ત્યાગનો ભાવ તેમની રગેરગમાં એટલો આવી ગયો હતો કે ભૂલથી જો કોઈ ધાતુનો સ્પર્શ થઈ જાય તો વીંછીના ડંખ જેવી વેદના તેમને થતી. નરેન્દ્રનાથે જયારે આ વાત સાંભળી ત્યારે તેમને વિશ્વાસ ન બેઠો. એક વાર જ્યારે શ્રીરામકૃષ્ણ કલકત્તા ગયા હતા ત્યારે તેમની કસોટી કરવા માટે નરેન્દ્રનાથે તેમની પથારી નીચે એક રૂપિયો સંતાડી દીધો અને શું થાય છે તે જોતા ઓરડામાં એક ખૂણે ઊભા રહી ગયા. શ્રીરામકૃષ્ણ જ્યારે પાછા ફર્યા ત્યારે પથારી પર બેસવા જતાં જ વીંછીના ડંખ જેવી વેદનાથી એકદમ ઊભા થઈ ગયા. એક સેવકે પથારીની તપાસ કરતાં રૂપિયો નીચે પડી ગયો. શ્રીરામકૃષ્ણ સમજી ગયા કે આ તો શિષ્યે કરેલી પરીક્ષા હતી. રાજી થઈને તેમણે નરેન્દ્રનાથ તરફ જોયું. લક્ષ્મીનારાયણ મારવાડી દશ હજાર રૂપિયા લઈને શ્રીરામકૃષ્ણને દેવા આવ્યો ત્યારે શ્રીરામકૃષ્ણે તેને હાંકી કાઢ્યો. મથુરબાબુ બળજબરીથી તેમના નામે સંપત્તિ લખી દેવાની વાત કરવા આવ્યા ત્યારે તો તેઓ લાઠી લઈને તેમને મારવા દોડયા. ફક્ત કાંચનત્યાગ જ નહિ, કામત્યાગનો પણ ઉચ્ચતમ આદર્શ શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં રજૂ કર્યો. દરેક નારીમાં તેમણે જગન્માતાનું રૂપ જોયું. પોતાની પત્ની (મા શારદાદેવી) સાથે કોઈ ભૌતિક સંબંધ ક્યારેય ન રાખ્યો. એટલું જ નહિ, તેમને પણ તે જગન્માતા રૂપે જ જોયાં અને ષોડશીરૂપે તેમની પૂજા કરી.

પૂર્વ અવતારોમાં ભગવાને દુષ્ટોનો વિનાશ કર્યો, પણ શ્રીરામકૃષ્ણ અવતારમાં તેમણે દુષ્ટોનો વિનાશ ન કર્યો. તેમની દુષ્ટતાનો વિનાશ કરી તેમને સંત અને ભક્તના રૂપમાં પરિવર્તિત કરી દીધા. શ્રીરામકૃષ્ણની મહિલાભક્ત યોગીનમાનો ભાઈ હીરાલાલ પોતાની બહેનનું શ્રીરામકૃષ્ણ પાસે જવું પસંદ નહોતા કરતા, એક વાર શ્રીરામકૃષ્ણ જ્યારે કલકત્તા પધાર્યા ત્યારે તેમને મજા ચખાડવાનું કામ હીરાલાલે મન્મથ ગુંડાને સોંપ્યું, પણ આશ્ચર્ય! થઈ ગયું ઊંધું! શ્રીરામકૃષ્ણના પાવન મૃદુ સ્પર્શ અને સ્મિતથી મન્મથ ગુંડામાંથી ભક્ત બની ગયો. તેના માટે શ્રીરામકૃષ્ણ બની ગયા ‘પ્રિયનાથ’. આવી જ રીતે દારૂડીયા પદ્મવિનોદ, વિહારી, કૃષ્ણદત્ત બધા શ્રીરામકૃષ્ણના પાવન સ્પર્શથી ભક્ત બની ગયા. નટી વિનોદિની અને બીજી નટીઓ શ્રીરામકૃષ્ણના પાવન સ્પર્શથી ધન્ય થઈ બદલાઈ ગઈ, ભક્ત બની ગઈ. બંગાળના સુવિખ્યાત નાટકકાર, અભિનેતા, મહાકવિ ગિરિશ ઘોષ કહેતા કે દુષ્કર્મો કરવામાં તેમણે કાંઈ બાકી રાખ્યું નહોતું. દારૂની બાટલી તો સદા સાથે જ રહેતી. પરંતુ શ્રીરામકૃષ્ણના સંપર્કમાં આવી, તેમના પ્રેમપાશમાં એવા બંધાઈ ગયા કે આપમેળે તેઓ બધા દુર્ગુણોથી મુક્ત બની ગયા અને મહાન ભક્ત બની ગયા. શ્રીરામકૃષ્ણને મુખત્યારનામું સોંપી સંપૂર્ણપણે તેમના શરણાગત થઈ ગયા.

એક વાર ગિરિશ ઘોષના સ્ટાર થિયેટરમાં શ્રીરામકૃષ્ણ ‘ચૈતન્યલીલા’ નાટક જોવા આવ્યા હતા. ગિરિશ ઘોષનો શ્રીરામકૃષ્ણને થિયેટરમાં મળવાનો આ પહેલો અવસર હતો. સાધુ-સંતો પર તેમની શ્રદ્ધા તો હતી જ નહિ. પ્રણામ કરવા કે નહિ એનો વિચાર કરતા ગિરિશ ઘોષ ઊભા હતા. ત્યાં તો શ્રીરામકૃષ્ણે પોતે ગાડીમાંથી ઊતરીને તેમને પ્રણામ કર્યા. હવે શું થાય? શિષ્ટતાને ખાતર ગિરિશ ઘોષે પણ સામાં પ્રણામ કર્યા. આના જવાબમાં શ્રીરામકૃષ્ણે વધુ નમીને પ્રણામ કર્યા. એટલે ગિરિશ ઘોષે પણ નમીને પ્રણામ કર્યા. શ્રીરામકૃષ્ણે ભોંય પર માથું ટેકવીને પ્રણામ કર્યા. હવે ગિરિશ ઘોષને હાર સ્વીકારવી પડી અને પ્રણામનો કાર્યક્રમ બંધ કરવો પડ્યો. એટલે જ ગિરિશ ઘોષ કહેતા કે પૂર્વ અવતારોમાં ભગવાન ધનુષ્ય-બાણ, સુદર્શન ચક્ર, વગેરે અસ્ત્રો લઈને પૃથ્વી પર આવ્યા હતા પણ અવતારમાં તો ભગવાન પ્રણામ-અસ્ત્ર લઈને આવ્યા છે અને દુષ્ટોના અહંકારને, દુષ્ટતાને દૂર કરવા અને દુષ્ટોનો પણ ઉદ્ધાર કરવા આવ્યા છે. (ક્રમશ:)

Total Views: 523

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.