ચિંતનના શિખર પરથી સરેલો વાકપ્રવાહ અનંત સમય સુધી માનવહૃદયને ભીનાશ અર્પી રહે છે. ચિંતન મનની ભૂમિકાની દીપ્તિમય સ્થિતિ છે. કોઈ ચિંતકે લખેલું વાક્ય: I pray Thee to make me beautiful within. વાક્ય વાંચતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે, વાક્ય ઈશ્વરને સંબોધીને લખાયું છે. ચિંતકે આંતરિક સૌંદર્ય પ્રગટાવવાની ઈશ્વર પાસે ઇચ્છા વ્યક્ત કરી છે. બાહ્ય સૌંદર્ય તો માણસ પોતે પ્રગટાવી શકે છે. પણ આપણા આંતર સૌંદર્યનો સર્જક તો ઈશ્વર છે.

ઈશ્વર વિશ્વની વિકલ્પ વિનાની માનવ અનુભૂતિ છે. ઈશ્વર એ માનવની, સૌંદર્ય વિશેની અંતિમ કલ્પના છે. હવે જન્મનારો માનવ પણ ઈશ્વરથી વિશેષ કોઈ સુંદર કલ્પના કરી નહિ જ શકે.

ઈશ્વરમાંથી મળેલો શબ્દ, ઐશ્વર્ય પણ આંતરિક સૌંદર્યની ગરિમાને વ્યક્ત કરતો શબ્દ છે. ફૂલનું આંતરિક સૌંદર્ય સુગંધ છે, જલનું આંતરિક સૌંદર્ય શીતળતા છે. વાયુનું આંતરિક સૌંદર્ય ઈશ્વરની સુંવાળી પીંછીની યાદ છે.

પંખીના પીંછા પરનું રળિયામણું ચિતરામણ ઈશ્વર નામના ચિત્રકારની આંતરિક શ્રીની કવિતામય અભિવ્યક્તિ છે. ઈશ્વરે, પંખીઓને ટહુકાઓ આકાશ અર્પી પોતાની અનંત આંતરિક સંવાદિતાની લીલા પ્રગટ કરી છે.

ઝરણાં પહાડનાં રણકતાં પાયલ છે, જેનો સર્જક પરમાત્મા છે. આવા પરમાત્માની પૂર્ણ સૌંદર્યમય જ્યોતિમાંથી જ માણસે પોતાના આંતરિક સૌંદર્યનો દીપ હદય-ગોખમાં પ્રગટાવવો રહ્યો!

માનવ આજે પશુતાની સીમા પર વિહરી રહ્યો છે. માનવની પશુતા તો પશુની પશુતા કરતાં પણ વિશેષ નુકસાનકારક છે. માનવની આંતર સૌંદર્યની દીપ્તિ એટલે પશુતાનો મૃત્યુઘંટ!

માનવનું આંતરિક સૌંદર્ય એ એની માનવતાનો પર્યાય છે. માનવ સંસ્કૃતિનો મણિમુકુટ બની શકે… પણ ક્યારે? એ અંદરથી સુંદર બનેતો. અંદરથી સુંદર બનેલા, શ્રીરામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, મીરાં, કબીર, રમણ મહર્ષિ જેવા મહા માનવોએ પોતાના આંતરિક સૌંદર્યનું વિસ્તરણ ઈશ્વરના સાંનિધ્યમાં જ કર્યું છે. ઈશ્વરના સાંનિધ્યની યાત્રા, સૌંદર્ય લોકનો ઉઘાડ છે. આ મહામાનવો આંતરિક સૌંદર્યમાં, પહેલાં વ્યક્તિગત રીતે જીવન પમરાવી શક્યા. પછી એમનાં જીવનના અનુશીલને અનેક માનવોની આંતરિક સૌંદર્યની ઈશ્વર-આંજી આંખડી ઉઘાડી, પણ આંતરિક સૌદર્ય-આંજી આંખડી હજુ કેટલી બંધ છે! સ્થૂળ અર્થમાં ઊઘડેલી આંખડીનું સાર્થક્ય આંતરિક ઉઘાડમાં જ પરિપૂર્ણ થાય છે. આવો, ઈશ્વર અને એની પરમ વિભૂતિઓનાં સૌંદર્યની સળી લઈ આપણે આપણી આત્મ પાંખડી, આત્મ-આંખડી રંગી લઈએ.

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.