(ગતાંકથી આગળ)

સમાજવાદી મોહક રાજનીતિ અપનાવનારા -ઓએ શેખચલ્લી જેવાં વચનો અને ચૂંટણી ઢંઢેરાઓ દ્વારા ર૦મી સદીના મતદારોને સુખ-શાંતિ અને સમૃદ્ધિના વધુ રોજગારી, ઓછા ભાવ, કાયદો અને વ્યવસ્થા, દીન-હીન લોકેને માટે વધુ તકો અને આરક્ષણ વગેરેનાં આંબાઆંબલી બતાવ્યાં. રેમન્ડ વિલિયમ્સ તેના પુસ્તક “ટોવડ્‌ર્સ ટ્વેન્ટીએથ સેન્ચરી”માં લખે છે તેમ, “આખરે આ બધાનું પરિણામ એક સંગઠિત નરક કે પધ્ધતિસરની બનાવટ રૂપે આવ્યું. વધુ દમનકારી, વધુ મનસ્વી, વધુ પધ્ધતિસરનો અમાનવીય વ્યવસ્થાનો લોકો ભોગ બન્યા.” આમ કેમ બન્યું? દર વખતે જુદા જુદા પક્ષના રાજકીય નેતાઓએ લોકોને વર્તમાન સમયને કટોકટીના ગાળા તરીકે સ્વીકારી લેવા અનુરોધ કર્યો અને શાંત, સુખી અને સમૃદ્ધ ભવિષ્યકાળની ખાતરી આપી, જે કદીય આવતો નથી.

લોકોના નવોત્થાનના નામે સામ્યવાદી ચીનમાં સાંસ્કારિક ક્રાંતિએ લાખો માણસોને રહેંસી નાખ્યા. આજે તો “પીપલ્સ ડેઈલી”એ જાહેર કર્યું કે, “માર્ક્સ, એન્જલ્સ અને લેનિનને કદીય અનુભવ કે સંસ્પર્શ ન થયો હોય એવી પણ અનેક બાબતો હોય છે. એટલે આપણી વર્તમાન સમયની સમસ્યાઓ માક્‌ર્સ અને લેનિનના સિદ્ધાંતો મુજબ ઉકેલી શકાય નહિ.” રેમન્ડ વિલિયમ્સ લખે છે : “આ પ્રકારની ચુસ્ત કલ્પિત વચન-પદ્ધતિની મોટામાં મોટી ખામી એ છે કે તેમાં માત્ર જુદા સ્થૂળ અને કાળમાં આદર્શ રચનાનાં સ્વપ્રાં બતાવવામાં આવે છે. “હમણાં જ અને અહીંયાં જ” ને બદલે ‘ત્યારે અને ત્યાં’નાં વચનો અપાય છે. પરિણામે આ વિચારસરણીની વાસ્તવિકતામાંથી અને ભાવિ નિર્માણમાંથી લોકોનો વિશ્વાસ ઘટી જાય છે. પ્રા. વિલિયમ્સ લખે છે, “ચૂંટણી ઢંઢેરાઓ હજુ બહાર પાડવામાં આવે છે પરંતુ ઉત્તરોત્તર તેને કોઈ ગંભીરતાપૂર્વક લેતું નથી.” એક રશિયન યુવકે એક પરદેશી લેખકને રૂબરૂમાં કહ્યું : જો લેનિન પાછો આવે તો જેમ બાઈબલમાં જિસસને જે મળ્યું તે જ તેને મળ્યું હોત. એટલે કે તેને પોતાના જ લોકો તેના આવકારવાનો ઇન્કાર કરત અને મોટું ફેરવી જાત.. દોસ્તોસ્વસ્કીની મહાન ઉલટ તપાસ કરનારે ક્રાઇસ્ટને કહ્યું : ચાલ્યો જા. ફરી કદી પાછો આવીશ મા. આવી બધી માહિતી અને આવા વિચારો “ચેલેન્જ ઓફ યૂથ”ના પુસ્તકમાં વારંવાર રજૂ કરવામાં આવ્યા છે. ૧૯૬૦ના દશકામાં જગતભરમાં યુવકોનો અજંપો જોઈને આ પુસ્તક લખવામાં આવ્યું છે.

થિયોડેર રોઝાકે એક મનનીય પુસ્તક ‘ધી મેકીંગ ઓફ એ કાઉન્ટરકલ્ચર’નું લખ્યું. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે, નકારાત્મક અને હિંસક રાજકીય દૃષ્ટિકોણની પૂરેપૂરી નિષ્ફળતાને લઈને જે હતાશા જન્મી તેમાંથી પશ્ચિમની વિરોધાત્મક સભ્યતાનો ઉદય થયો. ૧૯૬૦ના દસકામાં સિંગાપોર યુવા સમાજે જે ક્રાંતિકારી ચળવળ ચલાવી તેના પ્રવક્તાના કહેવા મુજબ, “અમને તે વખતે એમ લાગ્યું કે અમે દુનિયાને બદલી શકીશું…. પરંતુ આજે તો પરિસ્થિતિ તદ્દન ભિન્ન છે.” તેની મુલાકાત લેનાર કહે છે કે તેમને ક્રાંતિમાં હવે કોઈ રસ રહ્યો નથી. રોસઝેકના મત અનુસાર, “આધુનિક રાજકારણમાં ઊંધુંચતું કરવાની પદ્ધતિમાં માણસની કોઈ કિંમત રહેલી નથી, તેની દિવ્ય અસ્મિતાની અવગણના, માનવ વાસ્તવિકતાઓનો વિશ્વાસઘાત કરે છે અને જોખમકારક અજંપો નોતરે છે.”

આખરે આનું પરિણામ શું આવે છે? બધી ચિત્તભ્રામક અને વિનાશક રાજકીય વિચારધારાના માત્ર અસ્વીકાર કે ઇન્કારમાં નહિ પરંતુ નશીલાં માદક દ્રવ્યો તથા અંધારી આલમના અન્ય ઇન્દ્રિયભોગોમાં આજનો યુવસમાજ સરી પડે છે અને પોતાના અધ:પતનને અને સમાજમાં ભ્રષ્ટાચારને નોતરે છે. દુનિયાના અનેક દેશો આ ભયંકર સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આજે સંપત્તિ અને વૈભવવિલાસમાં અમેરિકાના યુવકને રસ રહ્યો નથી. ૧૯૮૫માં પ્રસિદ્ધ થયેલ “એડેપ્ટીવ કોર્પોરેશન”માં એલ્વીન ટોફલર લખે છે કે આજનો અમેરિકન યુવક શાંતિવાળી ઓછા પગારની નોકરી વધુ પસંદ કરે છે. ટોફલર નિકસનનું એક વિધાન ટાંકતાં લખે છે: “આટલી વિપુલ સમૃદ્ધિ કદી કોઈ દેશે જોઈ નથી. તે સાથે તેનો ઓછામાં ઓછો આનંદ પણ ક્યારેય જોયો નથી.” ભારત સરકારે શિક્ષણજગતની સમીક્ષા કરતો એક અહેવાલ બહાર પાડ્યો છે. તેમાં જણાવ્યું છે કે શાળાઓમાં કૉલેજોનું અને યુનિવર્સિટીઓનું બિન-રાજકીયકરણ કર્યા વિના સ્વસ્થ રીતે કર્તવ્યકર્મો કરવા માટેનું સાનુકૂળ વાતાવરણ દેશમાં પેદા થઈ શકે તેમ નથી. અહેવાલ સ્વીકારે છે કે આ બધી શૈક્ષણિક સંસ્થાઓ દેશના રાજકીય પક્ષો વચ્ચે ઘનઘોર જંગ ખેલવા માટેનાં યુદ્ધક્ષેત્રો બની ગયાં છે. શાળા કોલેજો માત્ર રાજકીય પક્ષોની ચૂંટણી લડવા માટે તથા સરઘસો કાઢવા માટે જરૂરી ભરતી કરવા માટેની સંસ્થાઓ જ બની ગઈ છે. આને પરિણામે નૈતિક અને સામાજિક તમામ મૂલ્યોનું યુવાનોના જીવનમાંથી ધોવાણ થઈ ગયું છે અને ભારતીય લોકશાહીના ભાવિને માટે યુવ-સમાજ એક ભયાનક વિસ્ફોટજનક પરિસ્થિતિનો નિર્માતા બની રહ્યો છે.”

પ્રત્યેક નવ-આંદોલન નવી “ધાર્મિક પ્રેરણા” ઉપર આધારિત હોય છે. અને “ધાર્મિક પ્રેરણા” અનિવાર્યપણે એક દેવ-પુરુષના જીવનમાંથી ઉત્પન્ન થાય છે. કેમ કે યુગ-શક્તિ તે દેવપુરુષના પ્રત્યક્ષ જીવન-વ્યવહારોમાંથી, તેના જ્વલંત ત્યાગ, બલિદાન અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓમાંથી જન્મે છે. સ્વામીજીએ આપણને સમજાવ્યું કે ભારતમાં શ્રીરામકૃષ્ણનું જીવન અને ઉપદેશ “નવી ધાર્મિક પ્રેરણા”ના મધ્યવર્તી કેન્દ્રસ્થાને છે. તે સાગરના એક પ્રચંડ મોજાની જેમ રાષ્ટ્ર ઉપર ફરી વળશે અને રાષ્ટ્રને તેની ખોવાયેલી અસ્મિતા અને આંતરિક દિવ્યતા પાછી અપાવશે. ઇન્દ્રિય ઉત્તેજના, ઇન્દ્રિય ભોગ અને આત્મઘાતના પાટે ચડેલી ભૌતિક યુગના અંધકાર અને તેની ઇન્દ્રિય લંપટ સભ્યતાની વચ્ચે એક માત્ર શ્રીરામકૃષ્ણ જ દીવાદાંડીની જેમ પ્રકાશની દિશા બતાવી રહ્યા છે. આજનો દિશાભ્રાંત યુવક જીવના જોખમે ખેડાય તેવાં નવાં સાહસોની શોધમાં દારૂનાં પીઠાં, બેન્કની લૂંટો અને નશીલાં દ્રવ્યોનું સેવન કરતો થયો છે. જાપાનમાં ૧૦થી ૨૪ વર્ષના યુવકોનો આપઘાતને કારણે થતાં મૃત્યુનો દર ૧૬ ટકા છે. અને દારૂના વ્યસનમાં ડૂબવાથી થતાં યુવાનોનાં મૃત્યુનો દર ૩૦ ટકા છે. અમેરિકામાં આ દર અનુક્રમે ૧૦% અને ૫૪% છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ, “આ નવો રોગચાળો ઔદ્યોગિક દેશોમાં સૌથી વધુ ગંભીર છે. અને તે દેશોમાં આ ઘણી મોટી સમસ્યા છે.” એક તરવરિયા યુવાન તરીકે સ્વામી વિવેકાનંદે પણ જીવનું જોખમ હોય તેવાં સાહસોમાં ઝંપલાવ્યું હતું. પરંતુ તે આજના યુવકના જેવાં આત્મ-ઘાતક સાહસો ન હતાં. બુદ્ધ અને ઈશુ ખ્રિસ્તે તેમની જુવાનીમાં કરેલું તેવી રીતે તેમની પોતાની અંદર રહેલી દિવ્યતાને પ્રકટ કરવાનો તે અદમ્ય સંઘર્ષ હતો અને સમગ્ર માનવજાત પોતાની અંદર રહેલી આત્માની અનંત શક્તિને પ્રાપ્ત કરી શકે તે માટે તેને સહાયભૂત થવાનો સંઘર્ષ હતો.

સ્વામીજી કહેતા કે, પોતાના જીવનનું એક પ્રમુખ કાર્ય શ્રીરામકૃષ્ણના જીવન અને ઉપદેશોમાં અગોચર રહેલાં રત્નોને શોધી શોધીને બહાર કાઢવાનું છે. બધા ભારતવાસીઓને સ્વામીજી એક વાત ભારપૂર્વક વારંવાર જણાવતા કે આગામી યુગોનો આદર્શ શ્રીરામકૃષ્ણ છે. શ્રીરામકૃષ્ણનું જીવન પૂર્વે થઈ ગયેલા અવતારો અને ઐતિહાસિક સંત-મહાત્માઓ કરતાં વધુ તેજસ્વી હતું. વધુ પારદર્શક હતું. સોરોકીનના શબ્દોમાં આ “ઇન્દ્રિય લંપટ સભ્યતા” અને “પૂરેપૂરા ભૌતિકવાદી ને પદાર્થવાદી” યુગમાં રામકૃષ્ણ શરીર-મન-સંપુટના બધા વિષયભોગોનાં આકર્ષણોને-આક્રમણોને પાછાં હઠાવી એક આધ્યાત્મિક વીર પુરુષની છટાથી અને અગમ્ય આત્મ-શક્તિથી વિજેતા સમ્રાટની જેવી અદાથી આપણી સામે ખડા છે.

માનવજાતના ઇતિહાસમાં એક પછી એક દુનિયાના બધા પ્રમુખ ધર્મોની સાધના જો કોઈએ કરી હોય તો તે એક માત્ર શ્રીરામકૃષ્ણ જ છે. તેઓએ આ બધી ધર્મસાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરી અને સાક્ષાત્કાર કર્યો કે બધા ધર્મો એક જ ઈશ્વર પ્રતિ લઈ જાય છે. શ્રીરામકૃષ્ણે બધા ધર્મોની કરેલી સ્વીકૃતિ અને તેમને કરેલું ગૌરવપ્રદાન તેમ જ તેમનું મહામાન માનવ ઇતિહાસમાં અજોડ છે. બધા ધર્મોની એકતા તેમનો યુગ પ્રવર્તક સંદેશો અને અનુદાન છે. આર્નોલ્ડ જે. ટોયન્બી લખે છે તેમ, શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં પ્રત્યક્ષ દૃષ્ટાંત દ્વારા ધર્મોની એકતા સિદ્ધ કરી બતાવી, વિવિધ ધર્મઝનૂની કોમો વચ્ચે થતાં હિંસક રમખાણો અને રાજનીતિ ઝનૂની રાષ્ટ્રો વચ્ચે થતી ભયંકર લડાઈઓને લઈને અણુશક્તિયુક્ત પ્રક્ષેપાસ્ત્રોથી દુનિયાને માથે તોળાઈ રહેલા નરસંહાર અને સર્વનાશમાંથી આપણા માનવસમાજ અને માનવસંસ્કૃતિને બચાવવાનો માર્ગ ખુલ્લો કરી આપ્યો છે.

શ્રીરામકૃષ્ણ સર્વોત્કૃષ્ટ બુદ્ધિમતા, સર્વોત્તમ પવિત્રતા, સર્વોચ્ચ ભક્તિભાવથી ભરેલા કર્મયોગી, જ્ઞાનયોગી, રાજયોગી અને માનવજાત પ્રત્યે અનુકંપાથી ભરેલા એક સમન્વયાચાર્ય તરીકે તરી આવે છે. સ્વામીજી ભલામણ કરતા કે વ્યક્તિગત રીતે આપણા જીવનમાં આ બધા ગુણો આપણે કેળવવામાં નિષ્ફળ જઈએ તો પણ, સમૂહગત રીતે આપણે એક, બે, ત્રણ કે બધા ગુણો આપણા જીવનમાં વિકસાવી અને સુમેળથી સંપીને સાથે રહી શકીએ. તેઓ કહેતા કે શ્રીરામકૃષ્ણ સાચે જ એક અદ્ભુત સમન્વયાચાર્ય છે કે જેઓ બધા સંપ્રદાયોના અનુયાયીઓને એક ગુચ્છમાં રાખી શકે છે.

શ્રીરામકૃષ્ણ સ્ત્રીજાતિના તારણહાર હતા, આમસમાજના તેમ જ ઊંચ અને નીચ સર્વ કોઈના પણ તારણહાર હતા. ઈશુ ખ્રિસ્ત અને શંકરાચાર્ય સમાજની આ માગને પૂરી કરવામાં તેમ જ સ્ત્રીઓને આધ્યાત્મિક સ્વરાજ આપવામાં નિષ્ફળ ગયા હતા ત્યાં શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ સફળ થયા હતા. ઈશ્વરમાં સતત મગ્ન રહેવા છતાં શ્રીરામકૃષ્ણનું હૃદય સામાન્ય માનવીઓનાં દુ:ખ દર્દ દૂર કરવા તરફ સદાય આતુર રહેતું. સામાન્ય માનવીની ગ્રામીણ ભાષામાં રૂપક કથાઓ દ્વારા મહાન આધ્યાત્મિક સત્યોને જીવનના અંત પર્યંત તેઓ રજૂ કરતા હતા. સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણમાં બુદ્ધની કરુણાનાં દર્શન કર્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ કદીય બીજાની ટીકા કરતા નહિ. તેમના ઉપદેશ હંમેશાં હકારાત્મક રહેતા. તેમની શૈલી રચનાત્મક હતી. તેમણે ભારતવાસીઓને શીખવ્યું કે, દેશના અંતિમ છેડે બેઠેલા માનવીને ઊંચો લાવવાનું કામ નેતા બનીને નહિ થાય, તે કામ તેમના સેવક બનીને જ થઈ શકશે. ભારતની આમજનતાનો ઉદ્ધાર ત્યાગ અને સેવા દ્વારા કેવી રીતે થઈ શકે તે તેમણે પ્રત્યક્ષ રીતે બતાવ્યું. આ કામ પરદેશીઓના અનુકરણ દ્વારા કદીય થઈ શકે નહિ. ભારતવર્ષનો પ્રધાન જીવન-સૂર ત્યાગ અને સેવાના જોડિયા આદર્શોનો છે તે પોતાના આચરણ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું. બધાં નર નારીઓમાં, પતિત અને પાપીઓમાં સુદ્ધાં એક જ આત્માનું, દિવ્યતાનું દર્શન કરી તેઓ તેમને એકસરખું માન આપતા. જે કોઈ તેની પાસે જતો, પછી તે કોઈ પણ નાત, જાત કે ધર્મનો હોય, તેમની પાસેથી તે પાછો ફરે ત્યારે તેનો હૃદયપલટો થઈ જ જતો. સ્વામીજી કહેતા કે, શ્રી રામકૃષ્ણ કોઈ ચમત્કાર શીખવવા આપણી વચ્ચે આવ્યા ન હતા. પરંતુ આપણા બધામાં અપ્રકટ દિવ્યતાને ચેતવવા, પ્રકટાવવા સંસ્પર્શમાં આવનાર હરકોઈના સદ્‌ગુણો અને આંતરિક દિવ્યતા સોળે કળાએ ખીલી ઊઠતાં. સ્વામી વિવેકાનંદે પોતાની વેધક તર્કદૃષ્ટિથી તપાસ્યું અને અનુભવ્યું કે શ્રીરામકૃષ્ણમાં “આંતરિક જીવન”નું ઊંડાણ અને “બાહ્ય જીવન”ની વિશાળતાનું અદ્ભુત સંયોજન થયું હતું. શ્રીરામકૃષ્ણ પરમહંસ તેના દિવ્ય આંતરિક અસ્તિત્વનાં ઊંડાણો સુધી સાદ્યંત જાગૃત હતા. છતાં બાહ્ય જીવનમાં તેમના સમાન બીજું કોણ સક્રિય હતું? આ એક ગૂઢ રહસ્ય છે, એમ સ્વામીજી કહેતા. આવ્યા હતા. તેમના

શ્રીરામકૃષ્ણના દેહાવસાન પછી તેમની શક્તિ આ પૃથ્વીના ખૂણે ખૂણે ફરી વળી. સ્વામીજીએ ભારતવાસીઓને સભાન કર્યા કે, “આપણા વીરપુરુષો આધ્યાત્મિક હોય છે અને આવા પરમ પુરુષ શ્રીરામકૃષ્ણ પરમહંસના વ્યક્તિત્વમાં આપણને સાંપડ્યા હતા. ભારતવાસીઓને તેઓ કહ્યા કરતા કે જો ભારતને ઉન્નત કરવો હશે તો તેના નામની ધરી આસપાસ એક બનીને જ થઈ શકશે.”

સ્વામી વિવેકાનંદને પોતાને એવો ખ્યાલ આવ્યો નહિ કે શ્રીરામકૃષ્ણે માનવ નવ-ઉત્થાનનું જે પ્રચંડ મોજું રેલાવ્યું તેની મહત્તમ અભિવ્યક્તિ તો તેઓ પોતે જ હતા. હકીકતમાં, તેમના ગુરુદેવની જ તેઓ બીજી આવૃત્તિ હતા. ભગિની નિવેદિતાએ કહ્યું તેમ, રામકૃષ્ણ-વિવેકાનંદ નામે ઓળખાતી વ્યક્તિઓ બે હતી પરંતુ તેમનો આત્મા એક જ હતો. આધ્યાત્મિક માનવજાતના સર્વોત્કૃષ્ટ આદર્શ તરીકે તેઓ ઝળક્યા; તેમનામાં પશ્ચિમની સંપૂર્ણ વિસ્તારવાદી ગતિશીલતા હતી અને તેના પૂરેપૂરા ઊંડાણમાં પૂર્વની આધ્યાત્મિકતા હતી. પરમોચ્ચ રાષ્ટ્રીય સન્માનના પ્રતીક તરીકે આપણી સમક્ષ ખડા છે. તાજેતરમાં બહાર પડેલા સરકારી અહેવાલ અનુસાર, આજનું શિક્ષણ આપણા દેશની સંસ્કૃતિમાં કોઈ જાતની ગૌરવની ભાવના વિનાના અને “હાથમાં-ભિક્ષાપાત્રની છીછરી મનોદશા” ધરાવતા શિક્ષિત સ્નાતકોને પેદા કરે છે. સ્વામી વિવેકાનંદનું લાહોર પ્રવચન આ તેજસ્વી છતાં ઉદાસ એવા ભારતવર્ષના બૌદ્ધિકોને એક પ્રચંડ પડકાર સમાન અને તેમની સુષુપ્ત વીરતાને આહ્વાન સમાન છે : “ગર્વિષ્ઠ માણસોમાં હું સૌથી વધુ ગર્વિષ્ઠ છું પરંતુ હું કહી દઉં કે તે મારી કુલીનતાને આભારી છે, નહિ કે મને પોતાને.” તેમનું સ્વપ્ન હતું કે ભારત પોતાના આધ્યાત્મિક ઉપદેશ દ્વારા સમગ્ર વિશ્વને જીતી લેશે. “ભારતે આખી દુનિયા ઉપર જીત પ્રાપ્ત કરવી જોઈએ, તેનાથી લેશ પણ ઓછું નહિ, આ મારો આદર્શ છે.” જ્યારે તેજસ્વી ભારતીય પ્રતિભાઓ ગોમાંસ ખાવામાં અને ખ્રિસ્તી હોવામાં, રશિયા કે ઇંગ્લેંડને પોતાની જન્મભૂમિ સમાન ગણવામાં અભિમાન લેતી હતી ત્યારે સ્વામી વિવેકાનંદ વેદાંતની રણહાકને પૂર્વ તથા પશ્ચિમમાં પોતાના વીરતા ભરેલા ઉપદેશથી ભારતીયોને રાષ્ટ્રીય સ્વ-માન પાછું અપાવતા પોતાની પ્રચંડ શક્તિ સાથે પ્રકટ થયા. આજે આપણે ધીમે ધીમે સમજી રહ્યા છીએ કે તેમણે કેવી રીતે ભારતને તથા રાષ્ટ્રીય અસ્મિતાને બચાવ્યાં; આધુનિક વિજ્ઞાન અને પશ્ચિમનાં ભૌતિવાદી આક્રમણો અને પડકારોનો સામનો કરવા તેને કેવી રીતે તૈયાર કર્યું. રાજગોપાલાચારીએ થોડા શબ્દોમાં તેમના ઐતિહાસિક પ્રદાનને બિરદાવ્યું છે. આધુનિક યુગમાં આપણા આ રાષ્ટ્રીય નરવીર વિશે વિશદ ખ્યાલ ભારતીય યુવકને તે આપશે :

“સ્વામી વિવેકાનંદે હિંદુધર્મને બચાવ્યો અને ભારતને બચાવ્યું. તે ન હોત તો આપણે આપણો ધર્મ ખોઈ બેઠા હોત અને આપણું સ્વાતંત્ર્ય મેળવી શક્યા ન હોત. માટે આપણી સર્વ સિદ્ધિઓ સ્વામી વિવેકાનંદને જ આભારી છે.”

નિષ્ઠાવાન અને યુવાન નર-નારીઓને સ્વામી વિવેકાનંદનું ચરિત્ર સદા આકર્ષે છે. તેઓ સદાબહાર યૌવનના અને યુવાનોના પ્રતિનિધિ તરીકે તેમને હંમેશ માટે આકર્ષતા રહેશે. તેઓ આમ છતાં જ્ઞાનવૃદ્ધ રહેશે. યુગયુગાંતરો સુધી તેઓ કેટલીક વાર એકલા હોય ત્યારે એવું બોલતા : લાગે છે કે ‘હું ત્રણસો કે તેથી વધુ વર્ષોનો ન હોઉં!’ જો કે તેમનું જીવનકાર્ય તેમણે માત્ર નવ વર્ષ જેટલા (૩૦થી ૩૯) વય-ગાળામાં પૂરું કર્યું. તેમના અંતિમ કાળ સુધી લેવાયેલી કોઈ પણ તસવીરમાં તેમના માથા ઉપર એક પણ ધોળો વાળ દેખાતો નથી.

તેમના ગુરુદેવે સાથે તેઓ નવેમ્બર ૧૮૮૧માં પ્રથમ સંસર્ગમાં આવ્યા અને ઓગષ્ટ ૧૮૮૬માં તેમના ગુરુદેવે પોતાનું શરીર કાયમ માટે છોડ્યું એટલા ગાળામાં તેમણે વિદ્યાર્થી નરેન્દ્રનું ઘડતર પૂરું કર્યું હતું. ૨૩મા વર્ષે જ તેમનામાં દુનિયાને ચકિત કરનારી ગુરુદેવની શક્તિએ પ્રવેશ કર્યો હતો. ૧૮૮૮થી ૩૧મે ૧૮૯૩ સુધી, (જે દિવસે અમેરિકા જવા માટે સ્ટીમરમાં પદાર્પણ કર્યું ત્યાં સુધી) તેમણે ભારતભરમાં પરિવ્રાજક યુવા સંન્યાસી તરીકે ભારતવાસીઓની દશાનો, દેશની સ્થિતિનો તલસ્પર્શી ચિતાર મેળવ્યો.

દુનિયાને હચમચાવી નાખનાર તેમની વક્તૃત્વશક્તિ, કાર્યશક્તિ અને ગતિશીલતા અંતિમ કાળ પર્યંત યથાવત રહી હતી. તેમના ગુરુદેવની આનંદભરેલી રમૂજો કરવાની શૈલી તેમને શિષ્ય તરીકે વારસામાં મળેલી તે પણ અંતિમ સમય સુધી તેમણે સાચવી રાખી હતી. માનવજાતના કલ્યાણ માટે દેવતાઈ પુરુષાર્થને માનવાતીત પ્રબળ સંઘર્ષ કર્યા પછી પોતાને માટે સ્વહસ્તે તૈયાર કરેલ મૃત્યુ-શૈયા ઉપર યુવા-બુદ્ધની જેમ તેમણે સદાકાળ માટે લંબાવ્યું. માનવ-દુ:ખ-દર્દનું કાતીલ વિષ પીધા પછી યુવા શિવની જેમ તેમણે પોતાના કાયમના અલૌકિક લોકમાં પ્રવેશ કર્યો. આ છે સ્વામી વિવેકાનંદના ૩૯ વર્ષના જીવનકાળની સંક્ષિપ્ત કથા. તેઓ સદાકાળ માટે સદાબહાર યૌવનના શાશ્વત પ્રતિનિધિ છે અને બની રહેશે – એક નિત્ય નૂતન નવયુવક જેણે અલ્પ જીવનકાળમાં પરિપૂર્ણ દિવ્યતાને પ્રકટ કરી હતી.

શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમ, પટણાના સૌજન્યથી (આંતરરાષ્ટ્રીય યુવક-વર્ષ (૧૯૮૫) નિમિત્તે મિશને પ્રકાશિત કરેલ Eleven Great Indians in their youth પુસ્તકમાંથી સાભાર ગૃહિત.)

ભાષાંતરકાર : શ્રી યશસ્વીભાઈ ય. મહેતા
લોકશિક્ષણ ટ્રસ્ટ, ભાવનગર

Total Views: 262

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.