તેરમી સદીમાં ભારતમાં ભયંકર દુકાળ પડ્યો હતો. આ કપરા કાળમાં ગોવળકુંડાના મંગલબેડા પ્રાંતનો કારભાર સંત દામોજી ચલાવતા હતા. તે અને તેમની પત્ની ભગવદ્-પરાયણ અને દયાળુ હતાં. દુષ્કાળના પંજામાં સપડાયેલાં માનવ, પશુ, પક્ષીઓનાં દુ:ખથી એમનાં હૃદય અત્યંત દ્રવી જતાં હતાં. રાજાના ભંડાર પ્રજારાહત કાર્ય માટે ખોલી નાખ્યા. દામોજીના આ નીતિ-નિર્ણયથી પ્રજાએ ઘણી રાહત અનુભવી. પણ તેના સહાયક નાયબ સૂબેદારથી આ જોયું નહોતું જતું. એણે વિચાર્યું કે, આ એક સારો મોકો છે અને નામદાર બાદશાહ સમક્ષ આની ખબર પહોંચાડીને પદોન્નતિ મેળવી શકાશે અને દામોજીનો કાંકરો કાઢી શકાશે. એમણે તો તરત જ બાદશાહને પત્ર લખીને દામોજીએ કરેલા કાર્યની જાણ કરી અને જણાવ્યું કે, કેવા લુચ્ચા-લફંગાને રાજ્યનો ખજાનો તે લૂંટાવી રહ્યો છે!

આ પત્ર મળતાંની સાથે જ બાદશાહ તો ક્રોધથી રાતોપીળો થઈ ગયો. તેમણે તરત જ પોતાના સૈનિકોને દામોજીને પકડીને પોતાની સમક્ષ હાજર કરવાની આજ્ઞા કરી. હજી સૈનિકો દામોજી પાસે પહોંચ્યા નહોતા ત્યાં એક ચમત્કારિક ઘટના ઘટી. એક ગ્રામીણ કિશોર હાથમાં થેલી અને ખભે ધાબળો રાખીને કોઈનાથીય ડર્યા વગર સીધે સીધો રાજદરબારમાં પહોંચી ગયો. બાદશાહને પ્રણામ કરીને કહ્યું, “નામદાર, આ સેવક મંગલબેડા પ્રાંતથી દામોજી પંત પાસેથી આવેલ છે.” કિશોરની મધુર વાણી અને તેજસ્વી રૂપથી પ્રભાવિત થઈને બાદશાહે પૂછ્યું, “ભાઈ, તારું નામ શું છે અને શા માટે આવ્યો છે?” કિશોરે જવાબમાં કહ્યું, “મારું નામ “વિઠ્ઠુ” છે અને દામોજીનું અન્ન ખાઈને મોટો થયો છું. હું ગામડાનો ચમાર છું. આપની પ્રજા દુકાળમાં ભૂખે મરતી હતી તે દામોજીથી ન જોવાતાં તેણે તમારી અનુજ્ઞા લીધા વિના – વિનાવિલંબે – ગરીબોમાં અને દુ:ખી જનોમાં અનાજ વહેંચીને એમના જીવ બચાવ્યા છે. આપના ભંડારમાંથી વહેંચાયેલા અન્નધનની ખોટ પૂરવા હું મારી પાસે રહેલી આ રકમ અદા કરવા આવ્યો છું. મારું ધન સ્વીકારો અને આપના ખજાનામાં પડેલી ખોટ પૂરી કરો તેવી મારી આપને વિનંતી છે.”

આ સાંભળીને બાદશાહના પસ્તાવાનો પાર ન રહ્યો. મનમાં વિચારવા લાગ્યો, “કેવી નિર્દોષ, પરોપકારી વ્યક્તિને મેં બંદી બનાવી લાવવાની આજ્ઞા કરી છે!” એ દરમિયાન બાદશાહના ખજાનચીએ જેવી થેલી ખંખેરીને પૈસા ગણીને તિજોરીમાં નાખ્યા ત્યાં થેલી પાછી ભરાઈ ગઈ. અંતે અનાજની કિંમત જેટલી રકમ લઈને બાકીની રકમ સાથે થેલી કિશોરને આપી દીધી.

વિચારમાં મગ્ન બાદશાહને ખજાનચીએ આ વાત કરી ત્યારે તે આશ્ચર્યમાં ડૂબી ગયો. તે કિશોરનાં – વિઠ્ઠુ – નાં દર્શન કરવા બાદશાહ અધીરો બની ગયો અને દામોજી પંત પાસે જવા નીકળી પડ્યો. ત્યાં પહોંચીને દામોજી પંતને વિઠ્ઠુને બોલાવી લાવવા વિનંતી કરી. દામોજીને કંઈ સમજ ન પડી. બાદશાહે બધી વાત માંડીને કહી ત્યારે તેઓ આશ્ચર્યમાં ડૂબી ગયા અને ગદ્‌ગદ્ કંઠે બાદશાહને કહ્યું, “બાદશાહ સલામત, આપ ખરેખર ભાગ્યશાળી છો કે આપને સ્વયં ભગવાન વિઠ્ઠોબાએ સાક્ષાત્ દર્શન દીધાં. આપનું જીવન ધન્ય બની ગયું.”

બાળપ્રભુ – વિઠ્ઠોબાના દર્શનલાભ મેળવીને ધન્ય બનેલો બાદશાહ પોતાના વતી પ્રજાલ્યાણનું ઉત્તમ કાર્ય કરતા સંત દામોજીના હૃદયની વંદના કરીને પાછો ફર્યો. માનવ કલ્યાણ અને જીવસેવા એ જ શિવપૂજાના આદર્શને વરેલા કોઈ માનવીનું અકલ્યાણ કદીય થતું નથી. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “હે અર્જુન! કલ્યાણ કરનાર માનવી દુર્ગતિને પામતો નથી.” આપણું જીવન પણ આવું સર્વકલ્યાણકારી બની જાય એ જ આપણા જીવનની સર્વોચ્ચ સિદ્ધિ. જીવનની સાચી ધન્યતા સર્વકલ્યાણ માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દેવામાં જ છે.

ધન્ય દ્રૌપદી!

વિપત્તિ-દુ:ખ માનવને ઘડે છે. માણસને કરૂણાશીલ, સહાનુભૂતિશીલ બનાવે છે. સમસંવેદનશીલ હૃદય બીજાની પીડાને જાણે છે, અનુભવે છે. બીજાનાં દુ:ખે દુ:ખી થવાની માનવભાવના એનામાં પાંગરે છે. સ્વપ્નમાંય કોઈનું બૂરું ન કરી શકે. પરપીડનથી દૂર રહેવામાં જ એમનું ધર્મપાલન સમાયું હોય છે. એ પરદુ:ખકારી નહિ પણ પરદુ:ખહારી બની શકે છે. મહાભારતનું ભયાનક યુદ્ધ પૂરું થયું છે. પાંડવો પોતાની રણશિબિરમાં નિરાંતની નિદ્રા લઈ રહ્યા છે. હવે એમને ખાતરી હતી કે, કૌરવો જીવંત નથી. કૌરવના સાથી મિત્રોય રણમાં હાર્યા છે, મર્યા છે. એટલે પાંડવપક્ષ નિશ્ચિંત છે. જેના હૃદયે વૈરાગ્નિ ભડભડ બળતો હતો અને જે મોકો મળ્યે વેરની વસુલાત કરવા તલપી-તલસી રહ્યો હતો તે દ્રોણપુત્ર અશ્વત્થામા હજુ જીવંત હતો. વેરની આગ ઠારવા મોકો શોધતો હતો. આ વેરની આગ લઈને અશ્વત્થામા પાંડવોની રણશિબિરમાં તલવાર સાથે પહોંચી ગયો. નીરવ રાત્રિ, બધા નિદ્રાધીન! કોઈ રોકનારું, ટોકનારું ન હતું. એટલે પોતાનું કાર્ય સરળ બની ગયું. આ કાળરાત્રિમાં એણે પળવારમાં જ નિર્ણય કરી લીધો. એણે દ્રૌપદીના પાંચેય પુત્રોને-નિ:શસ્ત્ર અવસ્થામાં નિદ્રાધીન પુત્રોને તલવારના ઝાટકે મરણને શરણ કરી દીધા. વેરની વસુલાતનાં શાંતિ અને સંતોષ અનુભવતો આ કાળા કામો કરીને છાનોમાનો છાવણીમાંથી બહાર નીકળી ગયો.

અશ્વત્થામાના આ કુકર્મનો ખ્યાલ આવતાં દ્રૌપદી અત્યંત આક્રંદ કરવા લાગી. શોકાતુર બનીને કરુણ કલ્પાંત કરવા લાગી. દ્રૌપદી ક્રોધની જ્વાળા જેવું રૂપ ધારણ કરીને બોલી, “આ વિશ્વાસઘાતનો બદલો લેવો જ જોઈએ. જેણે મારા નિ:શસ્ત્ર નિદ્રાધીન પુત્રોની નિર્મમ હત્યા કરી છે તેને તેના પાપકર્મની સજા મળવી જ જોઈએ.” આ સાંભળીને અર્જુને કહ્યું, “પાંચાલી, શોક ન કર. હું સત્વરે આ અધમ પાપાચારીને પકડીને તારી સમક્ષ લાવું છું અને નરાધમને એના કુકર્મની સજા કરું છું.”

આમ કહીને ભીમને સાથે લઈને અર્જુન નીકળી પડ્યો નરપિશાચની શોધમાં અને થોડા સમયમાં દ્રોણપુત્ર અશ્વત્થામાને, પાપાચારીને દ્રૌપદીની સમક્ષ હાજર કરી દીધો. શરમથી માથું નીચે નમાવીને સામે ઊભેલા અશ્વત્થામાની સામે આંગળી ચીંધીને અર્જુને કહ્યું, “આ રહ્યો એ પાપાચારી – નરાધમ રાક્ષસ, જેણે કપટપૂર્વક આપણા પાંચેય પુત્રોની હત્યા કરી છે.”

અર્જુન પોતાની તલવાર વીંઝવા જતો હતો ત્યાં જ દ્રૌપદીએ તેનો હાથ પકડી લીધો. તેણે ગદ્‌ગદ્‌ કંઠે કહ્યું, “હે સ્વામી, તમે એને પકડીને મારી સમક્ષ લાવ્યા એનાથી જ મને સંતોષ થયો છે. તેની માતા હજુ જીવંત છે અને હું ઇચ્છતી નથી કે, કોઈ નિર્દોષ માતા પોતાના પુત્રની ભૂલને કારણે પુત્રવિયોગનું દુ:ખ અનુભવે. એટલે એને છોડી મૂકો. પુત્રવિરહનું દુ:ખ કેવી કારમી પીડા ઉપજાવનારું છે તેનો અનુભવ મેં કર્યો છે.

‘ઘાયલ કી ગત ઘાયલ જાને ઔર ન જાને કોઈ’, એ જ્ઞાન-ભાન સાથે હું તેને છોડી મૂકવા માટે વિનંતી કરું છું. એક માતા પોતાના પુત્રશોકને શમાવવા-દૂર કરવા બીજી માતાને પુત્રશોકની ઊંડી પીડાકારી ખીણમાં પાડી ન શકે.”

પાંડવોએ શ્રીકૃષ્ણની સલાહ પ્રમાણે પાપાચારી નરાધમ અશ્વત્થામાને તેના માથાનો મણિ કાઢી લઈને જીવતો છોડી મૂક્યો.

સંકલનકર્તા : શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 182

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.