(ગતાંકથી આગળ)

હિન્દુ ધર્મ અધ્યાત્મવાદી છે જડવાદી નથી

હિન્દુ ધર્મ મૂળથી જ અધ્યાત્મવાદી છે. આધ્યાત્મિકતા અને ધર્મ હિન્દુ માટે પર્યાયવાચી છે. આધ્યાત્મિકતા સિવાયના કોઈ પણ ધર્મની કલ્પના હિન્દુ માનસ કોઈ દિવસ કરી શકે નહીં. હિન્દુની દૃષ્ટિએ સમસ્ત બ્રહ્માંડ ઈશ્વરમય છે. ઈશ્વરથી ઓતપ્રોત છે. એટલે જ જડ જગતની પાછળની આ આધારભૂત આધ્યાત્મિક સત્તાનું અનુસંધાન તથા અનુભવને હિન્દુ મનુષ્યજીવનનું ચરમ લક્ષ્ય માને છે તથા તેને અનુરૂપ જ પોતાના જીવનચક્રની વ્યવસ્થા કરે છે. પ્રસિદ્ધ ઈશાવાસ્ય ઉપનિષદમાં ઋષિએ ઘોષણા કરી છે :

ईशावास्यमिदं सर्वं ।
यत्किंच जगत्यां जगत् ॥
तेन त्यक्तेन भुंजीथाः ।
मा गृधः कस्य स्विदधनम् ॥

‘અખિલ બ્રહ્માંડમાં જે કંઈ પણ જડ-ચેતન જગત છે તે સમસ્ત ઈશ્વરથી વ્યાપ્ત છે. તે ઈશ્વરને ગ્રહણ કરીને ત્યાગપૂર્વક આ જગતને ભોગવો. તેમાં આસક્ત થશો નહીં. કારણ કે ધન કોનું છે? એટલે કે કોઈનું નહીં.’

હિન્દુ ધર્મ આપણને એ બતાવે છે કે આ દૃશ્ય, જડ-જગત નાશવંત છે. એટલે તે અંતિમ સત્ય ન હોઈ શકે. પરંતુ આ દૃશ્ય જગતની પાછળ આશ્રય સ્વરૂપ જે ચૈતન્ય સત્તા છે તે અવિનાશી અને શાશ્વત છે. એટલે એ જ વસ્તુત: સત્ય છે. આ જગતના અસ્તિત્વનું કારણ એ જ છે. તેનાથી જ આ સમસ્ત સૃષ્ટિ પ્રગટ થઈ છે તથા તેમાં જ તેનો લય પણ થાય છે. મુંડક ઉપનિષદમાં કહ્યું છે:

यथोर्णनाभिः सृजते गृह्यते च ।
यथा पृथिव्यामोषधयः सम्भवन्ति ॥
यथा सतः पुरुषात्केशलोमानि ।
तथाक्षरात्सम्भवतीह विश्वम् ॥

(મુંડકોપનિષદ : ૧/૧/૭)

‘જેવી રીતે કરોળિયો પોતે પોતાનું જાળું બનાવે છે તથા ગળી જાય છે, જે રીતે પૃથ્વી પર વિભિન્ન પ્રકારની વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે, જે રીતે જીવતા પુરુષોને વાળ અને રૂવાંટી આવે છે, તેવી જ રીતે અવિનાશી બ્રહ્મથી અહીં બધું ઉત્પન્ન થાય છે.

સૃષ્ટિના આદિ કારણનું અનુસંધાન કરવા માટે આપણે આ જડ જગતને ભેદીને તેની પાછળ રહેલી ચૈતન્ય સત્તાનો અનુભવ કરવો પડશે. તેનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી સંસારમાં કંઈ અજ્ઞાત રહેતું નથી. એ જ કારણે સત્યનું સંધાન કરવા માટે હિન્દુ ધર્મ વ્યક્તિને અંતર્મુખી થવાનો ઉપદેશ આપે છે. તેમ જ તેને બતાવે છે કે, તમે જડ-જગતના દાસ નથી, તેના સ્વામી છો. તમારે સ્વામીની જેમ તેનો ઉપયોગ તથા ઉપભોગ કરવો જોઈએ. ઇન્દ્રિયોના દાસ બનીને કોઈ દિવસ આ જડ-જગતને આધીન નહીં બનવું જોઈએ.

હિન્દુ ધર્મ આપણને બતાવે છે કે, જગતને સત્ય માનીને તેમાં સુખ અને શાંતિ શોધવાં, તે પાણીને મથીને તેમાંથી માખણ પ્રાપ્ત કરવાની ચેષ્ટા સમાન છે. એમ કરવાથી મનુષ્ય વધારે ને વધારે જડ જગતનો ગુલામ જ થઈ જાય છે. અને દુ:ખ તથા અશાંતિના અતલ ખાડામાં પડી જાય છે. આધુનિક પાશ્ચાત્ય દેશો આ બાબતનું પ્રત્યક્ષ પ્રમાણ છે. એ દેશોએ ભૌતિક જગતને જ અંતિમ સત્ય માનીને જડ-જગતના અન્વેષણ અને અનુસંધાનમાં જ પોતાની સમસ્ત શક્તિઓને કામે લગાડી છે. એમાં કોઈ સંદેહ નથી કે એ કારણે તે દેશોએ પ્રચૂર માત્રામાં ભૌતિક સુવિધાઓ અને શક્તિઓ પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ આટલું બધું હોવા છતાં પણ ત્યાં વ્યક્તિ સુખી અને શાંત નથી. ભય અને આશંકાથી તે દેશોની વ્યક્તિઓ અને સમાજ પીડિત અને પ્રતાડિત છે.

હિન્દુ ધર્મથી ભિન્ન એવા બીજા ધર્મો પણ પ્રકારાંતરથી ભૌતિકવાદી જ કહેવાશે. કારણ કે તે મનુષ્યને મૃત્યુ પછી એક એવા સ્વર્ગની પ્રાપ્તિનું આશ્વાસન આપે છે જ્યાં સંસારનાં સુખો, સહસ્રગણા છે, તથા દુ:ખરહિત સુખો માણસને લાંબા ગાળા સુધી પ્રાપ્ત થતાં રહેશે. એ ધર્મો મનુષ્યને ધર્માચરણનો આદેશ એટલા માટે આપે છે કે મૃત્યુ પછી તેમને સ્વર્ગ મળશે. પરંતુ હિન્દુ ધર્મ સ્વર્ગને પણ આ પૃથ્વીની જેમ જ ક્ષણભંગુર અને એટલે ત્યાજ્ય માને છે. હિન્દુધર્મ મનુષ્યને સ્વર્ગસુખનું પ્રલોભન આપતો નથી, તે તો તેને અપવર્ગનાં બધાં સુખોનો ત્યાગ કરીને અક્ષુણ્ણ, અનાદિ, અનંત, આત્માનંદમાં અવસ્થિત થવાનું આહ્‌વાન કરે છે. આ જ હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા છે, તેની મહત્તા અને ગૌરવ છે.

હિન્દુ ધર્મ પુરુષાર્થવાદી છે, ભાગ્યવાદી નથી.

હિન્દુ ધર્મના કર્મવાદના સિદ્ધાંતને યોગ્ય રીતે ન સમજી શકવાને કારણે કેટલાક લોકો આપણા ધર્મને ભાગ્યવાદી કહે છે. પરંતુ કર્મવાદનો મર્મ જાણનારા લોકો એ સારી રીતે જાણે છે કે આ વિશ્વમાં ફક્ત હિન્દુ ધર્મ જ એક એવો ધર્મ છે કે જે વસ્તુત: પુરુષાર્થવાદી છે તથા વ્યક્તિને તેના ભાગ્યનો નિર્માતા બનાવે છે. કર્મના સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર અદ્વિતીય ગ્રંથ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે પુરુષાર્થ – વાદની નિ:સંદિગ્ધ રીતે ઘોષણા કરી છે. તેમણે કહ્યું છે :

उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥

‘પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાના આત્માની અધોગતિ નહીં કરવી જોઈએ. કારણ કે આપણે પોતે જ આપણા મિત્ર છીએ તથા પોતે જ પોતાના શત્રુ છીએ.’

એટલે કે આપણે પોતે જ પોતાના ભાગ્યના નિર્માતા છીએ. આપણે પોતાનાં કર્મો અને પુરુષાર્થ દ્વારા મહાનતાની ટોચ સુધી પહોંચી શકીએ છીએ. બીજી તરફ જો આપણે પુરુષાર્થ ન કરીએ તો બધી સગવડો તથા સૌભાગ્ય પણ આપણને મહાન બનાવી શકે નહીં. હિન્દુ ધર્મનો કાર્ય-કારણના અટલ સિદ્ધાંતમાં વિશ્વાસ છે. કારણ વિના કોઈ કાર્ય સંભવી ન શકે. જેવું કર્મ હોય તેવું જ તેનું ફળ હોય છે. આ ફળ જ કાર્ય છે. કર્મનો સિદ્ધાંત આપણને કહે છે કે જો આપણે ગરીબ, દુઃખી, દરિદ્ર હોઈએ તો તે આપણાં કર્મનું જ ફળ છે. જો આપણે કટિબદ્ધ થઈને દૃઢતાપૂર્વક પુરુષાર્થ કરતા રહીએ, તો એક દિવસ જરૂર સુખી, સંપન્ન અને સમર્થ થઈને જ રહીશું. એટલે જ હિન્દુ ધર્મ એવા કોઈ સિદ્ધાંતમાં વિશ્વાસ નથી રાખતો કે ‘હજારો વર્ષ પૂર્વે કોઈ એક મનુષ્યે કંઈ પાપ કર્યું હોય અને ત્યારથી આજ સુધી આવનારી બધી પેઢીઓ તે પાપનો દંડ ભોગવી રહી છે. અને પોતે પણ પાપી થઈ ગઈ છે. એટલું જ નહીં, મનુષ્ય ક્યારેય પણ પોતાનાં પાપ-કર્મોથી મુક્ત થઈ શકતો નથી. સાતમા આસમાને બેઠેલો ઈશ્વર જ જ્યારે ઇચ્છે ત્યારે તેમને પાપમુક્ત કરી શકે છે. નહીં તો અનંતકાળ સુધી તેમને નરક જ ભોગવવું પડે છે.’ હિન્દુ ધર્મ દૃઢતાપૂર્વક કહે છે, ‘ઊઠો, પુરુષાર્થનો આશ્રય લો. તમે પોતે જ પોતાના ભાગ્યવિધાતા છો. સ્વર્ગ અથવા નરક તો તમારી મુઠ્ઠીમાં છે. તમે તો અમૃતના પુત્ર, અમરત્વના અધિકારી છો. ઊઠો, જાગો; તમારામાં તો નરમાંથી નારાયણ થઈ જવાનું સામર્થ્ય સૂતેલું પડ્યું છે. તેનું આહ્‌વાન કરો.’

હિન્દુ ધર્મ બુદ્ધિવાદી છે – અંધવિશ્વાસુ નથી.

નીતિ અને ધર્મનાં તત્ત્વો તથા સિદ્ધાંતો ઉપર વગર વિચાર્યે અંધવિશ્વાસ કરવાનું આપણો ધર્મ કહેતો નથી. પરંતુ તે તો બુદ્ધિ અને તર્ક ઉપર ભાર દે છે. તે કહે છે કે ‘વિચાર અને તર્ક દ્વારા સત્યનાં સિદ્ધાંતો, તત્ત્વોની પરીક્ષા કરો, તેની મીમાંસા કરો અને જો તેમાં તમને સત્યની પ્રતીતિ થાય તો જ તેનો સ્વીકાર કરો. આ સિદ્ધાંતનો સ્વીકાર કરીને સાધનામાં ડૂબી જાઓ તથા પ્રત્યક્ષ અનુભૂતિ દ્વારા તેને અપનાવી લો.’ આપણાં સુભાષિતોમાં કહ્યું છે:

बुद्धिर्यस्य बलं तस्य निर्बुद्धेस्तु कुतो बलम्

‘જેની પાસે બુદ્ધિ છે, તેની પાસે જ બળ છે. બુદ્ધિહીન પાસે બળ ક્યાંથી હોય?’

ભગવાન શંકરાચાર્યે પોતાના એક જ્ઞાનપ્રધાન ગ્રંથનું નામ જ ‘વિવેકચૂડામણિ’ રાખ્યું છે. તે ગ્રંથમાં આત્માનુભૂતિ માટેના માર્ગો બતાવ્યા છે. ધર્મની ઉપલબ્ધિ માટે મનુષ્યમાં કઈ કઈ યોગ્યતાઓ હોવી જોઈએ, તેનું આ ગ્રંથમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ સ્થાન વિવેક અને બુદ્ધિને આપવામાં આવ્યું છે. તેઓ લખે છે :

मेधावी पुरुषो विद्वानूहापोह विचक्षणः ।
अधिकार्यात्मविद्यायामुक्त लक्षण लक्षितः ॥

‘જે તીક્ષ્ણબુદ્ધિ હોય, શાસ્ત્રોનો જ્ઞાતા હોય તથા તર્કવિર્તકમાં કુશળ હોય એવાં લક્ષણોવાળો પુરુષ જ આત્મવિદ્યાનો અધિકારી થાય છે.’

કોઈ ધર્મગ્રંથમાં એક વાત લખી છે અથવા કોઈ મહાપુરુષે તે વાત કહી છે, એટલા માટે જ તે માની લેવી જોઈએ, તેવું હિન્દુ ધર્મ કહેતો નથી. તેનું માનવું છે કે જેનું આપણે આચરણ કરવા માગીએ છીએ, તે પ્રત્યેક સિદ્ધાંત પર બુદ્ધિપૂર્વક વિચાર કરવો જોઈએ તથા એને તર્કની કસોટી પર કસી લેવો જોઈએ. આમ બુદ્ધિ તથા તર્કની બંને દૃષ્ટિએ જ્યારે તે સિદ્ધાંત નિર્દોષ સાબિત થાય ત્યારે તેનો સ્વીકાર કરીને તે અનુસાર આચરણ કરવું જોઈએ.

બુદ્ધિમાન અને વિવેકશીલ હોવાને કારણે જ હિન્દુ ધર્માચાર્યોએ હિન્દુ ધર્મ શાસ્ત્રો પર વિભિન્ન ભાષ્યો અને ટીકાઓ લખ્યા છે. એટલું જ નહીં, પોતાના મતનું પ્રતિપાદન કરવા માટે આચાર્યોને પ્રસ્થાનત્રય (ગીતા, ઉપનિષદો તથા બ્રહ્મસૂત્ર) ઉપર પોતાના મતાનુસાર ટીકા કે ભાષા લખવાનું અનિવાર્ય થઈ પડ્યું. પોતાના યુગમાં આચાર્ય શંકરે આના પર અદ્વૈતમૂલક ભાષ્ય લખીને પોતાના અદ્વૈત મતનું પ્રતિપાદન અને પ્રચાર કર્યા. રામાનુજ આવ્યા, તેઓ શંકરાચાર્ય સાથે અસહમત થયા અને પોતાનો વિશિષ્ટ દ્વૈત મત પ્રતિપાદિત કરવા માટે તેમણે પણ તે પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખ્યા. આચાર્ય મધ્યે પણ એમ જ કર્યું. આપણા યુગમાં લોકમાન્ય તિલકે ગીતા ઉપર ‘ગીતા રહસ્ય’ નામે ગ્રંથ લખીને આચાર્ય શંકર સાથે અસંમતિ પ્રગટ કરી તથા કહ્યું કે ‘ગીતામાં જ્ઞાનભક્તિ યુક્ત કર્મયોગનું પ્રતિપાદન છે. આ બધા મહાપુરુષો હિન્દુઓ માટે પૂજ્ય તથા અનુકરણીય છે. હિન્દુઓએ કદી પણ ખુલ્લી તલવારો અને બળતી મશાલોના જોર પર પોતાના ધર્મ અને તેના સિદ્ધાંતનો પ્રચાર કર્યો નથી. ભગવાન બુદ્ધે પોતાના શિષ્યને કહ્યું હતું, ‘કોઈ પણ બાબતમાં ગૌતમે આમ કહ્યું છે માટે વિશ્વાસ ન રાખતા. પરંતુ તમે પોતે તેનો અનુભવ કરો અને પછી જ તેમાં વિશ્વાસ રાખજો.’ આમ આપણે જોઈ શકીએ છીએ કે હિન્દુ ધર્મ અનુભૂતિસંપન્ન વિચાર અને વિવેકની દૃઢ આધારશિલા પર ઊભો છે. એટલે જ તે અંધવિશ્વાસી નહીં પરંતુ વિચારશીલ શ્રદ્ધાવાન છે. (ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રીમતી પુષ્પા પંડ્યા, જામનગર

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.