સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક હતા, શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદે તેમને આ સંન્યાસ નામ આપ્યું. આ વર્ષે ૨૮મી જુલાઈએ તેમની જન્મતિથિ પ્રસંગે તેમની પ્રસિદ્ધ અંગ્રેજી પુસ્તિકા consolations ના ગુજરાતી ભાષાંતરના થોડા અંશો રજૂ કરી રહ્યા છીએ.

તમે ચાહો છો કે આ દુન્યવી ચિંતાઓમાંથી કેવી રીતે મુક્ત થવું, એ વિષે મારે તમને ઉપાય બતાવવો, ખરું ને? એટલું યાદ રાખજો કે કેટકેટલા જન્મોના સંસ્કાર શું એક જ દિવસમાં ભૂંસી શકાય? ના, કદીયે નહિ. હા, તમે સાચા છો કે આ જ ક્ષણે આપણે સંસારની ઘટમાળમાંથી છૂટકારો મેળવવો જોઈએ. કારણ કે, કોણ જાણે છે કે આપણા કુટુંબની સ્નેહમય છાયામાંથી મૃત્યુ ક્યારે આપણને ખેંચી લેશે! પરંતુ તેનો અર્થ એવો તો નથી જ કે આપણી ક્રમબદ્ધ જીવનચર્યામાં ઓચિંતું દિશા-પરિવર્તન કરી નાખવું. ભગવાન શ્રીકૃષ્ણ એમની મરજી પ્રમાણે ગમે તે સ્થિતિમાં રાખે, તેમાં જ સંતોષ માનીને રહેવું એ જ સફળ-સિદ્ધકામ થવાનો શ્રેષ્ઠ ઉપાય છે. સહારો મેળવવા કે મદદ માટે બાળક તેના માતાપિતાના મુખ તરફ નિહાળી રહે, એ જ રીતે તમારે મનને ઈશ્વર પ્રત્યે વાળવું જોઈએ.

ઈશ્વર એમની ઇચ્છાથી જ્યાં રાખે, ત્યાં શાંતિથી રહો. શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશો વાંચો અને એમની અમૃતવાણીનું ચિંતન-મનન કરો. શ્રીરામકૃષ્ણ કહે છે કે, ‘છોડ નાનો હોય ત્યારે આસપાસ વાડ કરી લેવી જોઈએ, ઢોરઢાંખર ખાઈ ન જાય તે માટે ચારે બાજુથી તેનું સંરક્ષણ કરવું જોઈએ. પણ જ્યારે તે મોટું ઘેઘૂર વૃક્ષ બને છે, ત્યારે તેની છાયામાં કેટલાં બધા ઢોરઢાંખર બેસે છે! (છતાંય ત્યારે તેનું રક્ષણ કરવાની જરૂર નથી)’ અર્થાત, અલ્પમાત્રામાં ય શ્રદ્ધ, વિશ્વાસ, વૈરાગ્યની સદ્ભાવનાઓ સદ્ભાગ્યે તમારા અંતરમાં ઊગે, ત્યારે તો જાતે જ, એ જતનપૂર્વક જાળવવાં જોઈએ; સંસારી વ્યક્તિઓથી દૂર રહીને તે સદ્‌ગુણ સંપત્તિનું કાળજીથી એકનિષ્ઠાપૂર્વક પોષણ કરતા જવું જોઈએ. જ્યારે એકવાર તેની જડ વિસ્તારથી જમીન – ભોંમાં પેસી જાય, ત્યારે કોઈ તાકાત તેને હચમચાવી શકે નહિ.

સદ્‌ગ્રંથ સારી રીતે વાંચો. તમને ખૂબ ખૂબ સાંત્વના મેળવવા માટે એક ઉત્તમ પુસ્તકનું નામ કહું છું : થોમસ એ કૅમ્પિસ કૃત ‘ધ ઇમિટેશન ઓફ કાઈસ્ટ’ – આ મૂલ્યવાન ધાર્મિક પુસ્તકમાં એક એક પાના પર જોવામાં આવે છે એકાંતિક ભક્તિ અને શાતા આપતાં વચનો. તે વચનોમાં તમારું મન પરોવજો. એના લેખક ઈસુના પરમ ભક્ત હતા.

માનવી અને પશુ વચ્ચેનો મુખ્ય તફાવત અહીં છે : જ્યાં સુધી પશુને ખાવાપીવાનું મળે તેમ જ રહેવાનું મળે, ત્યાં સુધી કદીય સ્થળાંતર નહિ કરે; જ્યારે સાચો માનવ તો શ્રેય-ઉન્નતિના વધુ ને વધુ ઊંચા શિખરોનું આરોહણ કરવા સતત પુરુષાર્થમાં મંડ્યો રહે છે. જેઓ ચારિત્ર્યવાન અને મહાન બનવા માગે છે તેમણે આ મુદ્રાલેખનું અનુસરણ કરવું જોઈએ : ‘સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. – છોડીને સઘળા ધર્મો મારું જ શરણું ધર.’

દરેકે દરેક વ્યક્તિ ભગવાનનાં દર્શન મેળવવા માટે ભારે પ્રયત્નશીલ છે, પરંતુ સૌ કોઈએ પોતાનો માર્ગ આપમેળે કંડારી લઈને તથા ઈશ્વરપ્રદત્ત સાધનોનું અવલંબન લઈને આગળ ને આગળ યાત્રા કરવી જોઈએ.

હા, આપણે દરેકે પોતાની બેડીઓ તોડી નાખવી જોઈએ. પણ તમને કોઈવાર એ જોવા મળ્યું ખરું કે ઓચિંતા જ પ્રહાર કર્યો ને જંજીરો તૂટી ગઈ? જો આ બેડીમાંથી છૂટકારાની ઝંખના હોય, તો આઘાત, સતત આઘાત કરવા જ જોઈએ. જ્યારે વૈરાગ્યનો તીવ્રભાવ તમારામાં જાગે, સંસારવૃક્ષ સાથે બાંધનારી બેડી નબળી પડે, તે પછી તમને જકડીને બાંધી રાખનાર બેડી તૂટશે, ત્યારે તમે શ્રીહરિના ખોળામાં પરિપક્વ ફળની પેઠે પડશો.

હા, તમે કહો છો તેમ આ સંસાર ભયંકર પ્રલોભનોનું સ્થાન છે. પરંતુ તમે જાણો છો કે જોરદાર વંટોળિયો નબળા વૃક્ષના મૂળને વધુ ને વધુ મજબૂત બનવાની ફરજ પાડે છે. નૈતિક તાકાત, નીતિમત્તા તમને અત્યારે પાંગળી લાગતી હશે, પ્રલોભનોની સામે સતત લડતા રહેવાથી તે સબળ બનશે; નિયમિત વ્યાયામ અને શ્રમ કરવાથી વ્યક્તિની તંદુરસ્તી સુધરે છે; તેમજ માનસિક સ્વસ્થતાને માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. અલબત્ત, જમીન એવી લપસણી છે કે એક વાર પડ્યા વિના ઉન્નતિ સાધવી અશક્ય છે. પરંતુ જે વ્યક્તિ (પડે છે) તેની પરવા કર્યા વિના હિંમતપૂર્વક આગળ ડગલાં ભરે, તે આ કળણમાંથી જરૂર બહાર નીકળી આવીને સ્વચ્છ ધરતી પર પોતાની બહુકાળ – વાંછિત અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરશે. તેને પરમાત્મદર્શનની પ્રાપ્તિ થશે. પરંતુ તેની ઉપલબ્ધિ ન થાય ત્યાં સુધી અટકીને બેસી પડવું નહિ, ફરી ફરીને ઊભા થઈ જવું જોઈએ. પછી ભલે ગમે તેટલી વાર તે પડે આખડે. તેણે તો પોતાની દૃષ્ટિ આગળ ને આગળ રાખી, હિંમતપૂર્વક, વણથંભી આગેકૂચ કરવી આવશ્યક છે.

ભલે કોઈ કોઈ વાર તમે ભૂલ કરો, પડી જાઓ, પણ તેની ચિંતા કરો નહિ. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. ચાલતા જ રહો. આ સંસારના લપસણા માર્ગ ઉપર એકેય વાર પડતી થયા વિના ઉત્થાન થવું અશક્ય છે. અને ‘કળણમાંથી થઈને હું ઉન્નતિ સાધવાના પ્રયાસ કરીશ, તો પડી જઈશ, એમ બ્હી જઈને હાથપગ વાળીને અધવચ્ચે રસ્તામાં બેસી પડવું. તે તો નરી મૂર્ખાઈની પારાશીશી છે. ‘વારંવાર પ્રયત્ન કરો, પ્રયત્ન કરો…’ સ્કોટલેન્ડના બ્રુસને યાદ કરો. ભલેને છ છ વખત તેને પરાજ્ય મળ્યો પરંતુ છેવટે સાતમી વાર તે વિજયને વર્યો.’

ભાષાંતરકાર : સ્વામી જ્ઞાનેશાનંદ, રાજકોટ

Total Views: 176

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.