કરુણા એ જ ધર્મ

મહમ્મદ પયગમ્બર અને તેમના સાથી મિત્રોનો સૈનિકો પીછો કરી રહ્યા હતા. એમની સાથે એક જ સાથી હતો. એક વિરાનપ્રદેશમાંથી પસાર થઈ રહ્યા હતા. સૈનિકો અને એમની વચ્ચેનું અંતર નહિવત્ થતું જતું હતું. રસ્તામાં એક કોતરખાઈ આવી એમણે નક્કી કર્યું કે આપણે આ ખાઈમાં જ છુપાઈ જઈએ. ખાઈમાં જતાં જ કરોળિયાનું એક મોટું જાળું દેખાયું. મહમ્મદ સાહેબનો સાથી પેલા જાળાને તોડવા જતો હતો ત્યાં મહમ્મદ સાહેબે કહ્યું, ‘એ જાળાને ન તોડશો. કરોળિયાએ આ બનાવવા કેટલી મહેનત કરી હશે? – તેનો તમને ખ્યાલ છે? એટલે એને તોડશો નહિ’ આવી મુસીબતની પળે આ વાત તેમના સાથીના ગળે ન ઊતરી – તેમણે અણગમા સાથે કહ્યું, ‘હવે સમય ઓછો છે અને આપણી જાતને દુશ્મનોથી બચાવવા એ જાળું તોડી નાખવું હિતાવહ છે. આવા સમયે દયામાયાની વાત યોગ્ય નથી.’ આ સાંભળીને મહમ્મદ સાહેબે કહ્યું, ‘તમારી વાત સાચી છે આપણે ભયમાં છીએ પણ આપણો જીવ બચાવવા આપણે બીજાને દુ:ખી ન કરી શકીએ, ન દુભવી શકીએ અને આવા સમયે આપણામાં દયાભાવ-કરુણાભાવ ન આવે તો આપણે ખુદાના બંદા કેમ કહેવાઈએ?’ સાથીમિત્રને તેની ભૂલ સમજાઈ. તેઓ તે જાળાને તોડ્યા વિના જ એ ખાઈમાં છૂપાઈ ગયા. થોડીવારમાં દુશ્મનના સૈનિકો આવી પહોંચ્યા. ચારે બાજુ નજર કરી ક્યાંય કોઈ નજરે ન ચડ્યું. ખાઈ તરફ દૃષ્ટિ કરી તો ખાઈની આડે મોટું કરોળિયાનું જાળું નજરે ચડ્યું. તેમને ખાતરી થઈ ગઈ કે અહીં તો આવ્યા જ નહીં હોય, નહિ તો આ જાળું એમને એમ કેમ રહી શકે? એટલે તેઓ આગળ નીકળી પડ્યા – મહમ્મદ સાહેબે અને સાથી મિત્રે રાહતનો દમ લીધો. બીજાને માટે જેમના હૃદયમાં કરુણા – પ્રેમનું ઝરણું વહેતું હોય એમના તરફ ખુદાની કૃપાદૃષ્ટિ – અમીદૃષ્ટિ થયા વિના રહેતી નથી. પ્રેમ – કરુણા – દયા પ્રાણીમાત્ર પ્રત્યે દયામાયાની આપણા સૌના જીવનને સાચી સુરક્ષા બક્ષે છે- શાંતિ બક્ષે છે.

તર્ક પણ ધર્મ ક્યારે બની જાય?

જીવનમાં ક્યારેક એવી ઘટના ઘટે છે કે મહામુની તપસ્વી કે ત્યાગીને માટે પણ એમાંથી માર્ગ કાઢવો અતિ મુશ્કેલ બની જાય છે. પણ દુર્ગમપથમાંથીએ સામાન્ય માનવીને માટે પથ કરી આપનાર જ આર્ષદૃષ્ટા. આવી પળે – કટોકટીની પળે – ધર્મનિર્ણય લેવો અસામાન્ય માનવ સિવાય અશક્ય જ બની જાય છે. સામાન્ય માનવીદૃષ્ટિએ લાગતો અસત્ય અધર્મમાર્ગ પણ સત્ય અને ધર્મમય પથ આવા આર્ષદૃષ્ટાઓ શોધી કાઢે છે. આવા જ એક મહર્ષિ ઉતુથ્ય પોતાના આશ્રમમાં મૃગચર્મ પર બેઠાબેઠા વેદમંત્રોના પાઠ સાથે યજ્ઞકુંડમાં હૃવ્ય પદાર્થો હોમીને યજ્ઞ કરવામાં મગ્ન હતા. યજ્ઞદેવતાને ઘીની આહુતિ આપતા હતા. તે જ વખતે એક ભય-વ્યાકુળ હરણ ત્યાં દોડી આવ્યું અને ઋષિની પર્ણકુટિમાં ઘૂસી ગયું અને સંતાઈને ભયથી થરથરતું એક ખૂણામાં છૂપાઈને ઊભું. થોડી જ વારમાં પોતાના શિકારની શોધ કરતો સિંહ ઋષિ ઉતુથ્ય સામે આવીને ઊભો અને તેણે ઋષિને પૂછ્યું, ‘ગુરુદેવ, આ તરફ મારો શિકાર આવ્યો છે, તમે એને અહીં આવતા કે અહીંથી જતા જોયો છે?’ મહર્ષિ તો પડ્યા મૂંઝવણમાં, હવે કરવું શું? તેઓ સત્યવાદી હતા અને અત્યાર સુધીમાં ક્યારેય ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ય અસત્યવાદનો આશરો લીધો ન હતો, એટલે એક બાજુ અસત્ય બોલવું એમની દૃષ્ટિએ મહાન અપરાધ હતો અને સાચું બોલવા જતાં પોતાના શરણે આવેલા પેલા બિચારા હરણની શી દશા થાય એ વિચારથી ધ્રૂજી ઊઠ્યા. આ હિંસક સિંહને સાચી વાત કરીને નિર્દોષ પ્રાણીની હત્યા કરાવીને મહાન પાપ વહોરી લેવાનું હતું. થોડીવાર તો શું કરવું અને શું ન કરવું એની જ ગડમથલમાં પડી ગયા. થોડીવાર તો જાણે બુદ્ધિ જ કામ ન કરતી હોય તેવું લાગ્યું. મનમાં ભાંજગડ ચાલતી હતી ત્યાં જ પેલા સિંહે ફરીથી પૂછ્યું, ‘મુનિવર, પેલું હરણ કઈ બાજું ગયું છે. એટલું જ કહેશો તો હું તમારો કૃતજ્ઞ બનીશ અને આપની સત્યનિષ્ઠા પર મને પૂર્ણ શ્રદ્ધા છે,’ એકાએક ઋષિના મુખમાંથી વેદવાણીની જેમ આ ઉદ્‌ગારો સરી પડ્યા : ‘હે વનરાજ, હું તને કેવી રીતે તારા પ્રશ્નનો ઉત્તર આપું? ભાઈ, આંખ જોવાનું કામ કરે છે અને મુખ બોલવાનું કામ કરે છે. હવે મારી મુંઝવણ એ છે કે આંખ બોલી નથી શકતી અને મુખ જોઈ નથી શકતું. તું વાણીનું કાર્ય કરતી જ્ઞાનેન્દ્રિયને પૂછે છે કે તારો શિકાર જોયો છે કે કેમ? જે જોઈ જ ન શકતી હોય તે એનો જવાબ કેમ આપે? વળી જેણે જોયું છે તે જ્ઞાનેન્દ્રિય આંખ બોલી શકતી નથી એટલે હે વનરાજ, હું તારા પ્રશ્નનો ઉત્તર આપવા અસમર્થ છું.’ પેલા સિંહને હરણનો પત્તો ન મળતાં ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ આ મહર્ષિના મુખેથી સરી પડેલા શબ્દોએ એક નવું શાસ્ત્ર આપ્યું અને તે છે ‘તર્કશાસ્ત્ર’. કોઈના કલ્યાણ માટે સર્વ કલ્યાણ માટે તર્કનો આશરો લેવો તે પણ ધર્મ બની રહે છે. પરંતુ આ કામ જેવા તેવા સામાન્ય માનવનું નથી.

જનક વિદેહી

મનની સ્થિરતા અને વિવેક વૈરાગ્ય આત્મસુખ અર્પી શકે. જેમણે આ શક્તિ કેળવી હોય તે ગમે તે પરિસ્થિતિમાં પણ સ્થિરધીર રહી શકે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે :

आपूर्यमाणमचल प्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् ।
तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्रोति न कामकामी ॥

નદીઓના પ્રવેશથી ચોતરફ ભરાતો સમુદ્ર જેમ અચલ રહે છે તેમ સર્વવિષયો જેમાં (વિકાર વિના) પ્રવેશે તે સર્વ મનુષ્ય શાંતિ પામે છે. વિષયોની ઇચ્છા કરનારો શાંતિ પામતો નથી. મેરુ ડગે તો ભલે ડગે પણ અડગ મન કદી ન ડગે. અચંચળ, અડગ મનવાળા મનોજયી માનવ જ સૌ કોઈને માટે માર્ગદર્શક બની રહે છે. મનોજયી રાજા જનકને તેના મંત્રીએ એક દિવસ એક પ્રશ્ન પૂછ્યો, ‘મહારાજ, આપ તો દેહધારી છો, રાજા છો, સંસારી છો – છતાં લોકો આપને ‘વિદેહી’ કેમ કહે છે?’ જનકે મંત્રીને જણાવ્યું કે થોડા દિવસોમાં આ પ્રશ્નનો ઉત્તર તેમને મળી જશે. બેત્રણ દિવસ પછી રાજા જનકે એક દૂતને પ્રાત:કાલમાં બોલાવીને કહ્યું, ‘ગામમાં ઢંઢેરો પીટાવો કે મંત્રીના અક્ષમ્ય અપરાધને કારણે આજે સાંજે ચારવાગે તેને ફાંસી દેવામાં આવશે.’ અને સાથે ને સાથે રાજાએ મંત્રીને સવારે ૧૦ વાગે ભોજનનું નિમંત્રણ પણ પાઠવ્યું. રાજાનો આદેશ અને નિમંત્રણ – પાલન તો કરવું જ રહ્યું.

મંત્રીતો નિયત સમયે ભોજન માટે રાજગૃહમાં પહોંચી ગયા. રાજાએ આજે વિવિધ વાનગીઓ બનાવરાવી હતી. પરતુ હેતુપૂર્વક મીઠું નખાવ્યું નહિ. મંત્રીનું મન તો ચાર વાગે ફાંસીએ ચડવાનું છે એમાં જ હતું સામે રહેલી વાનગીઓ માંડમાંડ ગળે ઉતરતી હતી; પરંતુ મન તો હતું ફાંસીના ફાંસલામાં. ભોજન પત્યા પછી વાતો કરતાં કરતાં રાજા જનકે મંત્રીને પૂછ્યું, ‘બીજું તો ઠીક, પણ ભાઈ, ક્યાંય ભોજનમાં મીઠાની ઉણપ તો નહોતી ને?’ મંત્રીએ ડરતાં ડરતાં કહ્યું, ‘ફાંસી- મોતના ડરને લીધે મને ભોજનમાં કોઈ સ્વાદ નહોતો આવતો, મને કઈ વાનગી મીઠી છે કે ખારી તેનો ખ્યાલ ન આવ્યો. ખાટો મીઠો તીખો કે તૂરો કોઈ સ્વાદ અનુભવ્યા વિના મૃત્યુના ભયને લીધે હું ખાઈ ગયો. મારી નજર સામે મોત સિવાય કંઈ ન હતું.’

આ સાંભળીને રાજા જનકે કહ્યું, ‘મંત્રીજી, ભોજન લેતી વખતે તમને સ્પષ્ટ ખ્યાલ હતો કે મને થોડાંક કલાકમાં ફાંસી દેવાશે હું હવે થોડા કલાકનો મહેમાન છું – અને તમે દેહધારી હોવા છતાં દેહભાન ભૂલીને ફાંસીના વિચારે વિદેહી બની ગયા. જ્યારે હું મારા દેહના અસ્તિત્વ વિશે એક ક્ષણ માટે ય વિશ્વાસ ધરાવતો નથી મારે મન આ દેહનાશવંત છે – ક્ષણભંગુર છે. આત્મા જ અમર છે. આ વિવેકને નજર સામે રાખીને જીવું છું. પરિણામે એક રાજા સંસારી હોવા છતાં સંસારનાં કાર્યો કરવા છતાં મને સૌ જનકવિદેહી તરીકે જ જાણે છે.’

સંકલનકર્તા : શ્રી મનસુખભાઈ મહેતા, રાજકોટ

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.