રશિયાના શ્રી ઈ. પી. ચેલિશેવને વિવેકાનંદ એવૉર્ડ અર્પણ વિધિ

સ્થળ : સ્વામી વિવેકાનંદ હોલ, રામકૃષ્ણ મિશન ઇન્સ્ટીટ્યુટ ઓફ કલ્ચર, કલકત્તા

‘ભારત, રશિયા અને વિદ્યાજગતના સુખ્યાત વિદ્વદ્ – જન શ્રી ઈ. પી. ચેલિશેવને આજે આ સંસ્થા ‘વિવેકાનંદ એવોર્ડ’ અર્પણ કરે છે. તેઓશ્રી સોવિયેત રશિયાના ભાષાસાહિત્ય વિભાગમાં વિદ્યાકીય શાખાના સેક્રેટરી, U. S. S. R.ની સાયન્સ એકેડેમીના પ્રિસિડયમના સભ્ય, ૧૯૮૮માં સોવિયેત રશિયાના મોસ્કો શહેરમાં સ્થાપેલ ‘વિવેકાનંદ સોસાયટી’ના અધિસ્થાપક અને અધ્યક્ષ સ્થાને રહ્યા છે.

વિદ્યાજગતના આ વિદ્વાન ‘ચેલિશેવ’ સોવિયેત રશિયામાં રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાનો અભ્યાસ દાખલ કરવા હરહંમેશ આતુર રહ્યા છે. એના જ ફળરૂપે ‘Swami Vivekananda Studies in Soviet Russia’નામના ૪૫૦ પાનાના એક ગ્રંથનું પ્રકાશન પણ આ સંસ્થા દ્વારા સાંપડ્યું છે.

સ્વામી વિવેકાનંદના સંદેશના પ્રચાર-પ્રસારના એમના આ મહાન કાર્યની કદરદાનીના પ્રતીક રૂપે આજે ૨૬મી ફેબ્રુ. ૧૯૯૦ના રોજ વિદ્વદ્જન શ્રી ઈ. પી. ચેલિશેવને ‘વિવેકાનંદ એવોર્ડ’ એનાયત કરે છે.

ઉપર્યુક્ત શબ્દોથી અંકિત તામ્રપત્ર શ્રી ઈ. પી ચેલિશેવની કદરદાની રૂપે, શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ્હસ્તે એનાયત કરવામાં આવેલ. સભાજનોથી ખીચો-ખીચ ભરેલા સ્વામી વિવેકાનંદ હોલની આ સભામાં ભારત અને રશિયાના ખ્યાતનામ વિદ્વાનો, રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગહનાનંદજી તેમજ વરિષ્ઠ સંન્યાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ સ્થાને ભારતના ભૂતપૂર્વ સન્માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એ. એન. રોય રહ્યા હતા.

એવોર્ડ અર્પણવિધિ પછી શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ‘સ્વામી વિવેકાનંદનો ચિરંતન સંદેશ કોઈ એક દેશ પૂરતો સીમિત નથી – તેમનો સંદેશ વૈશ્વિક છે. સમગ્ર વિશ્વ માટે છે, વર્તમાન યુગની ભાવના અને સંયોગોએ આપણને સૌને ખૂબ જ નજીક લાવી દીધા છે. એટલે આપણે સૌએ પરસ્પર પ્રેમમૈત્રી, સમજણ, સહાયથી જીવવું કે અંદરો અંદર લડીને કપાઈ મરવું બેમાંથી એક વિકલ્પને શોધવો રહ્યો. આપણા માટે આપણે સૌ એકબીજાને ચાહો અને જીવો અથવા એકબીજાને ધિક્કારો અને સર્વનાશ નોતરો એ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે.

સ્વામીજી આ યુગના મહાન પયગમ્બર છે જેમણે આપણને સૌને પોતાના જીવન સંદેશ દ્વારા એવી રીતે એટલા નિકટ આણ્યા છે કે આપણે સૌ આપણા પોતાના વ્યક્તિત્વને અકબંધ જાળવી રાખીને, આપણા અને સૌ કોઈના જીવનને ફળદાયી, મધુર, સુંદર અને પ્રેમમય બનાવી શકીએ. સ્વામીજીના આ સંદેશને આજે પણ દેશદેશમાં પહોંચાડવો પડશે.

શ્રી ઈ. પી. ચેલિશેવે સ્વામીજીના આ સંદેશને પ્રસારવા મહાન કાર્ય કર્યું છે. રશિયા આજે વિશ્વને નવી દિશા અને નવો રાહ ચીંધે છે. હું એવી આશા રાખું છું, અને હાર્દિક પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વને માટે સ્વામીજીનો સંદેશ મંગલકારી બની રહો.’

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.