શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો અંગ્રેજી ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિધ્ધિ પામ્યો છે. તેના થોડા અંશો અહીં રજૂ કરીએ છીએ.

ભક્તિસિદ્ધાન્તો અને તે સંબંધે ભાગવતનો વિશિષ્ટ ઉપદેશ :

ભક્તિસિદ્ધાંતોને ભાગવત જે રીતે એક વિશિષ્ટ વળાંક આપે છે, તે સમજવા માટે એની પશ્ચાદ્ભૂમિકા તરીકે અન્ય ભક્તિમતવાદીઓએ વિકસાવેલા સિદ્ધાન્તોની સમીક્ષા ઉપયોગી નીવડશે. પરમાત્મા પ્રત્યેના આ નિષ્ઠાભાવનો સંબંધ, ભારતીય પરંપરામાં છેક વેદો જેટલો જૂનો છે. આખીય ઋગ્વેદસંહિતા એનાથી ભરપૂર છે. જોકે એટલું ખરું કે પાછળના સમયમાં એના પૂર્ણ રીતે આસ્થાપરક મંત્રો પણ કર્મકાંડના વિધિઓમાં અને દેવોને પ્રસન્ન કરવાની પ્રાર્થના વગેરે કરવામાં ઉપયોગમાં લેવાતા. પ્રાચીન વૈદિક સાહિત્યમાં આ ‘નિષ્ઠા’ માટેનો પારિભાષિક શબ્દ ‘ભક્તિ’ નહિ, પણ ‘શ્રદ્ધા’ હતો. વૈદિક મંત્રો આ શ્રદ્ધાભાવથી ભરપૂર છે. એ મંત્રો આમ તો સર્વના એક માત્ર ઈશ્વરને ઉદ્દેશીને કહેવાયા છે. અને એના દ્વારા જે અન્ય દેવોનું આવાહ્‌ન કરવામાં આવ્યું છે તે તો પેલા એક માત્ર સર્વેશ્વર દેવની વિશિષ્ટતાઓનું મૂર્તીકરણ જ કરવામાં આવ્યું છે. પૌર્વાત્ય વિદ્યાઓના પાશ્ચાત્ય અભ્યાસીઓ માને છે અને સમજાવે છે તેમ એ કંઈ ઘણા દેવો નથી. જોકે ઉપનિષદોમાં આ દેખાતા વૈવિધ્યપૂર્ણ અસ્તિત્વ પાછળ રહેલી એકતા શોધી કાઢવાની ઝંખના અગ્રભાગ ભજવે છે. ‘જે એકને જાણી લેવાથી બાકીનું બધુંય જાણી લેવાય છે, અને બધા ભયોથી મુક્ત થઈ જવાય છે,’ એવા તત્ત્વને જાણી લેવાની દોરવણી એમાં અપાઈ છે. તેમ છતાંય બૃહદારણ્યક અને છાંદોગ્ય જેવાં અતિ પ્રાચીન ઉપનિષદોમાં પણ આ ભક્તિમાર્ગ ખૂબ સ્પષ્ટ રીતે જોવા મળે છે. ‘અનુગ્રહ’નો સિદ્ધાંત કઠ અને કોષીતકી ઉપનિષદોમાં અભિવ્યક્ત થયો છે, જ્યારે શ્વેતાશ્વતર ઉપનિષદમાં તો ભક્તિનું પૂરેપૂરું વલણ દેખાય છે. અને એનું અનુશાસન ઉપદેશીને, જે દેવ સાથે સંવાદ સાધી શકાય, જેની પ્રાર્થના કરી શકાય, જે એની પ્રાર્થનાઓનો પ્રતિસાદ પણ આપી શકે એવા દેવની વિભાવના કરીને એને પામવા માટેના અનુશાસનનો પણ તે ઉપદેશ કરે છે. શ્વેતાશ્વતર ઉપનિષદ તો ત્યાં સુધી પણ કહે છે કે, જેને ઈશ્વર તેમ જ ગુરુ પ્રત્યે ઉચ્ચતર ભક્તિ હોય તેવા જ સાધકને ઉપનિષદનાં સફળ સત્યોનો સાક્ષાત્કાર થઈ શકે.’ સામાન્ય રીતે અન્ય પુરાણોએ અને વિશેષત: ભાગવતે એ કામ કર્યું છે કે તેમણે આ વૈદિક ભક્તિવિકાસની પૂર્તિ, ઉપનિષદો સાથેનો નાતો તોડ્યા વગર કરી; તેમણે વિશુદ્ધ ભક્તિના હેતુ માટે ખૂબ અનુકૂળ થાય એવાં ઉચ્ચતમ દેવસ્વરૂપોની વિભાવનાઓ રજૂ કરી. તેમ જ ભક્તિની વિશિષ્ટ સાધનાઓ અને એની પદ્ધતિઓ બતાવીને એને વિશાળરૂપ આપ્યું.

‘ભક્તિ’ શબ્દ ‘ભજ્’ ધાતુ ઉપરથી નિષ્પન્ન થયો છે. એના ઘણા અર્થો થાય છે. એમાંનો એક અર્થ, સેવવું, પૂજવું, માન આપવું, પ્રેમ કરવો, પ્રશંસા કરવી, એવો થાય છે. આ અર્થ, પરમાત્મા પ્રત્યેની એવી પ્રચલિત-પ્રવર્તમાન ભક્તિનો અર્થ સૂચવે છે. પરન્તુ યાસ્કના નિરુક્તમાં જણાવ્યા પ્રમાણે પ્રાચીન કાળમાં આ શબ્દનો અર્થ, ‘ઘરેણાં સંબંધી’ અથવા ‘સંબંધ યુક્ત’ એવો થતો હતો. પરંતુ ભક્તિસાહિત્યમાં સુદીર્ઘ કાળથી ઉપયોગમાં લેવાને કારણે હવે સર્વસાધારણ રીતે એ શબ્દનો અર્થ, ‘ઈશ્વર પ્રત્યે પ્રેમ અને તે તરફ લઈ જનારો માર્ગ’ – એવો રૂઢિગત કરવામાં આવે છે. કેટલાક વિદ્વાનો એવો અભિપ્રાય ધરાવે છે કે ‘ઇષ્ટપ્રેમ’ના અર્થમાં આ શબ્દનો ઉપયોગ પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાંથી સાંપડે છે. ભક્તિના બે સર્વશ્રેષ્ઠ સિદ્ધાન્તકારોએ – નારદે અને શાંડિલ્યે ભક્તિની વ્યાખ્યા આ રીતે કરી છે : નારદના મત : પ્રમાણે પરમાત્મા પ્રત્યેના સંપૂર્ણ હૃદયપૂર્વકના પ્રેમને ‘ભક્તિ’ કહેવાય છે, એને મેળવીને માનવ એવી અનુભૂતિ કરે છે કે એણે જીવનની સર્વોત્તમ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે, મૃત્યુના ભયને એ પાર કરી જાય છે, અને સર્વદા એ પોતાને વિશુદ્ધ અને પરમ આનંદની અવસ્થામાં નિહાળે છે. ઈશ્વર સિવાયની અન્ય સર્વ વસ્તુઓ પ્રત્યે એ ઉપેક્ષા સેવતો બની રહે છે; ઈશ્વર વગર એ અન્ય કશા પર આધાર રાખતો નથી. એની પ્રાર્થનામાં ડૂબી રહેવું અને એની ગુણલીલાઓનું સ્મરણ રટણ કરતા રહેવું, એને ભક્તિની ખાસિયત ગણવામાં આવી છે. એના પ્રત્યેનું આત્મસમર્પણ, સંપૂર્ણ શરણાગતિ, અને જ્યારે મન એમાંથી જરાપણ ખસી જાય, ત્યારે ભારે ઉદ્વેગ થાય, એ એનું સુસ્પષ્ટ ચિહ્ન છે.

શાંડિલ્યે આ ભક્તિને ‘परानुरक्तिश्वरे’ એટલે કે ‘ઈશ્વરમાં ઉચ્ચતમ અનુરક્તિનું સાતત્ય’ તરીકે ગણાવી છે. અહીં ‘અનુરક્તિ’ શબ્દમાંના ‘અનુ’ ઉપસર્ગનો અર્થ, પૂર્વપ્રાપ્ત કેટલીક ઉપલબ્ધિઓ કે પરિસ્થિતિઓ ‘પછી’ કે એની ‘નજીક’ એવો થાય છે. આ ઉપલબ્ધિઓ કે પરિસ્થિતિઓમાં પરમેશ્વરની મહત્તા, તેમના નિરતિશય ગુણો, વિશેષત: એમની પ્રેમાસ્પદતા અને એમના આશ્રયપણાનો સમાવેશ થાય છે. કારણ કે એ બધાં વગર તો એમના પ્રત્યે ‘પરા અનુરક્તિ’ કે આકર્ષણ ઉત્પન્ન જ થઈ ન શકે. આ બાબતમાં નારદ કદાચ વધુ ઉલ્લેખનીય ગણી શકાય. તે માને છે કે ભક્તિમાં ‘માહાત્મ્યબોધ’ (ઈશ્વરની અનન્ય મહત્તા અને તેમના ગુણો પ્રત્યેની સભાનતા) હંમેશાં હાજર જ હોય છે. કારણ કે એના વગર તો માનવીય પ્રેમ અને ભક્તિને જુદા જ ન પાડી શકાય. ‘અનુ’ ઉપસર્ગનો બીજો અર્થ, ઈશ્વરની ‘સાથે’ અક્ષય અને અશિથિલ આકર્ષણ-લગન એવો પણ થાય છે. ભક્તિની વ્યાખ્યા સમજવા માટે કોઈ એક જ અર્થ લેવા કરતાં આ બન્ને અર્થ વ્યંજનાઓ લેવાનું બહુધા વધુ સારું ગણાશે. કારણ કે કોઈ પણ વિષયની કેટલીક સામાન્ય સમજણ મેળવવી હોય તો એ માટે પહેલાં તે વસ્તુ માટે પ્રેમ અને આકર્ષણ હોવાં અને એનું સાતત્ય રહેવું તો જરૂરી છે જ. હા, એટલું ખરું કે કેટલાક વિપરીત સંજોગોમાંય સાંસારિક આકર્ષણો-આસક્તિઓ ધીમે ધીમે ઘટતાં જતાં હોય છે, શિથિલ બનતાં જાય છે, અથવા તો સાવ ઝાંખાંપાંખાં પણ થઈ જતાં હોય છે; પણ એનાથી કંઈ ઈશ્વર પ્રત્યેનો નિર્વ્યાજ અને દૃઢમૂલ પ્રેમ ઊપજતો નથી. નિર્વ્યાજ દૃઢમૂલ ઈશ્વર પ્રેમ હોય તો પછી ગમે તેવા વિપરીત સંજોગો એની સામે ખડા થઈ જાય તોપણ એ પોતાની તાજગી અને તીવ્રતા સર્વદા સાબૂત રાખે છે.

ભાગવત ભક્તિની પોતાની આગવી વ્યાખ્યા આ પ્રમાણે આપે છે : સામાન્ય રીતે બાહ્ય વિષયોના જ્ઞાનમાં તેમ જ ધાર્મિક કે ભૌતિક કાર્યોમાં પરોવાયેલી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની અવયવો સહિતની સર્વ ચેતનાશક્તિઓ પરમતત્ત્વ તરફ અભિમુખ થઈને એકાનુગામી માનસિક વલણ રૂપે એ પરમતત્ત્વમાં લીન બની જાય અને બહારના કશા જ નિમિત્તકારણ વગર સહજસ્ફુરિત અને સ્વાભાવિક મનોવૃત્તિરૂપે એ પરિણત થાય ત્યારે, આવી પરિણત મન:સ્થિતિને ભક્તિ કહેવામાં આવે છે. આ ભક્તિ, મુક્તિ કરતાં પણ વધારે ઊંચી છે. આવી ભક્તિ આગની પેઠે આત્માના અજ્ઞાનના આવરણને બાળીને ભસ્મ કરી દે છે.’ (ભાગવત : ૩:૨૫ : ૩૨-૩૩)

જોકે શ્રીમદ્ ભાગવતમાં ઓછેવત્તે અંશે નારદ અને શાંડિલ્યની સિદ્ધાન્તપ્રણાલીને અનુસરતાં કેટલાંક ભક્તિવર્ણનો ઘણી વાર આપવામાં આવ્યાં છે. આમ છતાં એવું દેખાય છે કે માનવની બુદ્ધિ, મન અને ઇન્દ્રિયોની તમામે તમામ શક્તિઓને ભગવાનમાં વિલીન કરી દેનારી ભક્તિના વર્ણનમાં તો આ ભાગવત, નારદ અને શાંડિલ્ય જેવા ભક્તિમતપ્રવર્તકોના દૃષ્ટિકોણથી પણ આગળ જઈને જાણે કે ભક્તિની ક્ષિતિજોને વિસ્તારવા ઝંખે છે! પ્રેમ અને લગન જો મનગમતા અને મનોનુકૂલ માનવરૂપ પ્રત્યે જ સંભવી શક્યાં હોય તો ધ્યાન અને અવધારણા દ્વારા પામી શકાય – ગ્રહણ કરી શકાય તેવા ભાવાત્મક અને અપુરુષવિધ તત્ત્વ સાથે પણ તલ્લીનતા સાધી શકાય છે જ. આવી તલ્લીનતા એ તત્ત્વ પ્રત્યેની જિજ્ઞાસા, ભય અને તિરસ્કાર જેવી માનવમનની સહજવૃત્તિઓના તુમુલ સંક્ષોભથી પણ જન્મી શકે છે.

આવી સંક્ષોભજનિત તન્મયતાનાં ત્રણ પરિણામો આવે છે.

ભક્તિના પ્રકારો

. વિદ્વેષભક્તિ :

પહેલું પરિણામ તે ભાગવતનિર્દિષ્ટ ‘વિદ્વેષભક્તિ’ છે. એટલે કે વિદ્વેષ-વિરોધ-તિરસ્કાર દ્વારા પરમ તત્ત્વ સાથે સંવાદ સાધવાનો વિચાર છે. પ્રાચીન ભક્તિમતપ્રવર્તકોનાં સૂત્રોમાં આવો કોઈ ખ્યાલ જોવા મળતો નથી. વળી, મધુસૂદન અને રૂપ ગોસ્વામી જેવા ત્યાર પછીના ભક્તિ નિરૂપકોએ પણ આવી વિદ્વેષભક્તિના સિદ્ધાન્ત પ્રત્યે કશું વિધાયક વલણ દાખવ્યું નથી. ભક્તિમતના બધા જ સમર્થકો માને છે કે ફક્ત પ્રેમાસ્પદ ઇષ્ટ પ્રત્યેની આનુકૂલ્ય-બુદ્ધિથી પ્રગટતી તન્મયતા જ ભક્તિનું એક માત્ર ઉદ્ભવસ્થાન હોઈ શકે છે. જેની સાથે માણસને વેર બંધાયું હોય એવા ભયંકર શત્રુના વિષયમાં તો એના આનુકૂલ્ય-અનુકૂળતા-નો કોઈ સંભવ જ નથી. વળી, ભાગવત ભલે ગમે તે કહે, પણ સામાન્ય માનવોના જીવનમાં એનો ઉપયોગ થયો જાણ્યો નથી. ભાગવતનાં કથાનકોમાં આવી વિદ્વેષભાવની – વૈરભાવની – ભક્તિનું વલણ, હિરણ્યકશિપુ, રાવણ વગેરે કેટલાક તામસિક-આસુરી આત્માઓનાં દૃષ્ટાંતોમાં, કેટલાક અસાધારણ સંજોગોમાં બતાવવામાં આવ્યું છે. તેઓ એક વખત ભગવાનના પાર્ષદો હતા; પણ તેમના ગર્વને લીધે કેટલાક મહાન ઋષિઓએ તેમને શાપ આપ્યો હતો. એથી તેઓ પોતાના સ્વર્ગીય સ્થાનમાંથી જીત થઈને પાપ અને દુઃખથી ભરેલી આ દુનિયામાં દેહધારી બનીને આવી પડ્યા! તેઓ જો ભગવાન સાથે વેર બાંધીને, ભગવાનનો તિરસ્કાર કરીને રહે, તો એક પછી એક એમ ત્રણ જન્મોનું આયુષ્ય વિતાવ્યા પછી છેવટે માંડ માંડ પોતાનું મૂળ સ્થાન મેળવી શકે તેમ હતા. તેમના આ ત્રણેય જન્મોમાં ઈશ્વરાવતારના હાથે જ લડાઈમાં તેમનું મોત નીપજશે અને તેમનું આવું મૃત્યુ જ તેમને શુદ્ધ અને સાત્ત્વિક બનાવશે. અને એ જ એમને એમની મૂળ સ્થિતિમાં પાછા લાવી મૂકશે. ઋષિઓના આ શાપને પરિણામે જ તેઓનો ભગવાન તરફ સ્વભાવસહજ વૈરભાવ અને ભગવાનનો ભારે ભય તેમના આત્માનો કાબૂ લઈ બેઠા હતા. આ વૈરભાવને વશ બનીને તેઓ પોતાના મનની પૂરેપૂરી તીવ્રતાથી, જેમ કોઈ કાળઝાળ શત્રુ પોતાના ભયંકર વેરીની સામે વર્તે, તેવી રીતે ભગવાન સાથે વર્તવા લાગ્યા હતા.

હવે, ભાગવત પ્રમાણે તો મનની સ્થિતિ પણ મન ઉપર રૂપાન્તરકારી પ્રભાવ પાડી શકે છે. ભાગવત હે છે કે, “જેવી રીતે ભમરીના દરમાં ભમરીએ કોઈ ઇયળને (એક જાતના કીડાને) કેદ કરી રાખેલ હોય અને ભમરી એની સતત રખેવાળી કરતી રહેતી હોય, ત્યારે પેલો કીડો સતત એ ભમરીના જ ભયમાં જીવતો હોય છે. અને એવા ભયથી જન્મેલી પેલી ભમરી પ્રત્યેના એના ભયની વિભાવના દ્વારા છેવટે તે કીડો ભમરીના જ સ્વરૂપમાં રૂપાન્તરિત થઈ જાય છે, બરાબર એવી જ રીતે શ્રીકૃષ્ણનું પોતાના ભયંકર શત્રુ તરીકે સતત ચિંતન કરતાં કરતાં આવા લોકોનાં બધાં જ પાપો ધોવાઈ જાય છે અને તેમને મુક્તિ મળી જાય છે.’ (ભાગવત: ૭ : ૧ : ૨૭-૨૮) હકીકતમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે આવા લોકોએ જો પ્રેમભક્તિના માર્ગનું અનુસરણ કર્યું હોત તો સાત અવતારો લીધા પછી તેમને જે શુદ્ધિ પ્રાપ્ત થઈ શકી હોત, તે જ શુદ્ધિ, વૈરભાવની ભક્તિ કરવાથી તેમને ત્રણ જ જન્મોમાં પ્રાપ્ત થઈ ગઈ!

અહીં એ પણ ધ્યાન રાખવા જેવું છે કે આ પ્રકારની વૈરભાવની ભક્તિ કરનારાઓ પાસે એમના વલણને અનુરૂપ થઈ શકાય એવા જ સ્વરૂપે ભગવાન આવ્યા હતા; ભગવાને એમને યુદ્ધનું જ આહ્વાન આપ્યું હતું; આવા ભક્તોનાં આક્રમણોનો ભગવાને શક્તિશાળી શસ્ત્રોથી જ સામનો કર્યો હતો. અને તેમના સાથીદારો સહિત તેમનાં શરીરોનો નાશ કર્યો હતો. ભગવાને આ રીતે જ તેમનું કલ્યાણ કર્યું હતું. આવી એક વિલક્ષણ છાપવાળી ભક્તિથી ભગવાનના હાથે થયેલી હત્યા તેમને એક આશીર્વાદ રૂપે સાંપડી હતી. અને એને પરિણામે તેમની શુદ્ધિ થઈ ગઈ. તેમ જ તેઓ એથી પોતાની મૂળ ઊંચી કક્ષાએ પણ પહોંચી ગયા. જોકે આગળના સ્કંધોમાં તેઓ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ જેવા કેટલાય દાખલાઓ મળે તો છે, છતાં શ્રીકૃષ્ણ અવતારમાં તો આ સિદ્ધાન્ત સુસ્પષ્ટ અને પરિપૂર્ણ રૂપે અભિવ્યક્ત થયેલ છે. કંસ તેમ જ શ્રીકૃષ્ણને એના શૈશવકાળમાં જ સંહારી નાખવાની મનીષા સેવતાં પૂતના જેવાં એનાં અનેક સાથીઓ, સાગરીતો અને દૂતોનાં દૃષ્ટાન્તો અપાયાં છે. શિશુપાલ અને દંતવક્ત્ર તો શ્રીકૃષ્ણના જન્મજાત શત્રુ હતા. તેઓ તેમ જ તેમના જેવા અન્ય અસંખ્ય યોદ્ધાઓ પણ શ્રીકૃષ્ણ સાથેનાં યુદ્ધોમાં તેમને હાથે જ હણાયા હતા.

આની પાછળનું તર્કશાસ્ત્ર તો સ્પષ્ટ જ છે : ભૌતિક ભય અને વૈરભાવ પણ પોતાના વિષય પ્રત્યે મનની એટલી જ અને એવી જ એકાગ્રતા નીપજાવી શકે છે કે જેવી અને જેટલી એકાગ્રતા પ્રેમભાવ અને લગન નીપજાવી શકે. હવે જો એના લક્ષ્યવિષય તરીકે સ્વયં ભગવાન જ હોય તો એ ઉપરની અવધારણા, ભલે ને પછી તે વૈરભાવથી પ્રેરિત થયેલી હોય, તોપણ આત્માને એ અવશ્ય વિશુદ્ધ કરનારી નીવડવી જ જોઈએ. જો કોઈ શક્તિપ્રદ ઔષધ ખાધું હોય તો તે માણસને નિરોગી બનાવ્યા વગર અવશ્ય ન રહે પછી તે ઔષધ પ્રત્યેનું રોગીનું મનોવલણ ભલેને ગમે તેવું કેમ ન હોય!

એ તો ચોખ્ખું જ છે કે સાધારણ જન માટે આ સિદ્ધન્ત કંઈ લાગુ પાડી શકાય તેવો નથી. જે કેટલાક સંપ્રદાયો ઈશ્વરના ભયનો સિદ્ધાન્ત માણસના મનમાં ઠસાવવા માગે છે, તેમનો એ સિદ્ધાન્ત પણ આ ‘વિદ્વેષભક્તિ’ના સિદ્ધાન્તની કક્ષામાં આવી શકે કે કેમ, તે પણ એક સંદેહ જ છે. કેટલાક એવા ભક્તિસંપ્રદાયો છે કે જેઓ ભગવાનને એક પ્રચંડ શક્તિધારક તરીકે નિરૂપે છે, અને માનવી જો એના નિયમનો ભંગ કરે, તો એ ભગવાન એમને વિનાશકારી વાવાઝોડાં, ધરતીકંપો, પૂરો વગેરે દ્વારા અથવા તો પોતે જ ભયાનક સ્વરૂપો ધારણ કરીને અથવા તો કંપાયમાન કરતી બળજબરી બતાવીને, ભયંકર ત્રાસ ગુજારતી પોતાની એવી શક્તિદ્વારા પોતાના અનુયાયીનું ધ્યાન ખેંચે છે. ખરેખર, સર્જક કે પાલક પોષક તરીકે તો ઈશ્વર મનગમતા, મધુર અને પ્રેમાસ્પદ છે. પણ એના સંહારકસ્વરૂપની શક્તિએ તો આંજી નાખનારાં ભયબલશાલી સ્વરૂપો પ્રગટ કરવાં જ રહ્યાં! આધુનિક સમયમાં પ્રો. ઓટીએ એક એવો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે કે ભયંકર અને રહસ્યમય અનુભવોથી નીપજતો આદરયુક્ત ભય જ એક રીતે ધર્મનું મૂળ છે. કેવળ આવા અનુભવ ઉપર આધાર રાખતો સંપ્રદાય તો સાવ પ્રાથમિક અવસ્થાનો જ મનાયો છે. અને ઈશ્વર પ્રત્યેની ભીતિથી માંડીને ઈશ્વર પ્રત્યેના પ્રેમાનુરાગ સુધીના ગાળાને ધર્મમાં એક ઉત્ક્રાન્તિની પ્રક્રિયા માનવામાં આવેલ છે. આમ છતાં વિશ્વના ઘણાખરા સંપ્રદાયોમાં ભક્તિભાવનાના વિષયમાં આ ભયપ્રભાવની લાગણી એક આવશ્યક તત્ત્વ તરીકે પ્રવર્તમાન રહી છે. જોકે ભાગવતના ‘વિદ્વેષભક્તિ’ના સિદ્ધાન્ત સાથે આની સરખામણી થઈ શકે તેમ નથી કારણ કે સાચા અર્થમાં આવો વિદ્વેષ-વૈરભાવ તો કેવળ આસુરી-તામસિક આત્માઓમાં જ ઉત્પન્ન થવો શક્ય છે. આમ છતાં ભયજન્ય આદરભાવના પાયા ઉપર ખડાં થયેલાં બધાં ધાર્મિક સ્વરૂપોમાં એનો અંશ પ્રવેશી જાય છે તો ખરો.

હિન્દુ ધર્મ સિવાયના બીજા ધર્મોમાં આપણને ખ્રિસ્તી ધર્મમાં સેતાનના ઈશ્વર પ્રત્યેના વલણમાં આ ‘વિદ્વેષભાવ’નો ખ્યાલ મળે છે ખરો, પણ ભાગવતમાં દર્શાવેલ ‘વિદ્રેષભાવ’ કરતાં એનો આધ્યાત્મિક સંબંધ સાવ જુદો જ છે.

આ બાબત ધ્યાન રાખવી ઘટે કે બેપરવાઈ, છીછરી નાસ્તિકતા અને આધ્યાત્મિક વિષયોમાં ઉપરછલ્લો અજ્ઞેયવાદ – આવાં આવાં જગડાહ્યા લૌકિકજ્ઞોનાં અને કહેવાતા બુદ્ધિજીવીઓનાં દયાપાત્ર મનોવલણો સાથે ભાગવતની આ ‘વિદ્વેષભક્તિ’ની સંકલ્પનાને કશી જ લેવાદેવા નથી કારણ કે એવી બેપરવાઈને કે એવા છીછરાપણાને અને ઉપરછલ્લાપણાને તો ઈશ્વર સાથેની એકાગ્રતા-એકતાનતા સાથે કશી જ સમાનતા નથી. ‘વિદ્વેષભક્તિ’ની વિભાવનામાં તો આ એકાગ્રતા અને તન્મયતા પૂર્વશરત તરીકે ગણવામાં આવેલ છે.

(ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી, રાજકોટ

Total Views: 187

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.