શ્રીમત્‌ સ્વામી અભેદાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ શિષ્યોમાંના એક હતા. તેમની જન્મતિથિ (૧૩મી સપ્ટેમ્બર) પ્રસંગે તેમના સાધક જીવનને આવરી લેતો આ લેખ રજૂ કરીએ છીએ.

‘પંડિતજી, નમસ્કાર.’

‘નમસ્કાર.’

પંડિત કાલીવર વેદાંતવાગીશ તેર-ચૌદ વર્ષના આ સોહામણા વિનયી કિશોરને જોઈ રહ્યા ને પછી બોલ્યા, ‘કહે, શું કામ છે?’

‘મારે આપની પાસે પાતંજલ યોગસૂત્રનો અભ્યાસ કરવો છે.’

આટલી નાની ઉમરે પાતંજલ યોગસૂત્રનો અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવનાર આ બાળક સામે હવે પંડિત વિશેષ ધ્યાનથી જોવા લાગ્યા. કિશોરનું તેજસ્વી મુખ, આંખોમાં પ્રગટી જિજ્ઞાસા અને વાણીમાં વિનય-વિવેક જોઈને પંડિતજીને થયું કે લાગે છે તો કોઈ દૈવી બાળક. આ બાળક જરૂર યોગવિદ્યાની સિદ્ધિ મેળવી શકશે. પણ તેઓ લાચાર હતા. તેમની પાસે બિલકુલ સમય ન હતો. છતાં આ બાળકે એમના અંતર ઉપર એવું જાદુ કર્યું હતું કે તેઓ કશુંક વિચારીને બોલ્યા, ‘જો બેટા, આમ તો મને જરા પણ સમય નથી. પણ જ્યારે સ્નાન પહેલાં હું તેલ-માલિશ કરતો હોઉં, ત્યારે મને એટલી ફુરસદ મળે છે.’

‘તો જો આપ ત્યારે મને શીખવી શકો તો હું જરૂર ત્યારે આવીશ.’

એના મુખ પર અંક્તિ થયેલી પ્રસન્નતાને જોઈને પંડિતજીને થયું કે બાળકની જિજ્ઞાસા છે તો સાચી અને પછી પંડિતજીના અભંગ સ્નાન સમયે દરરોજ શિષ્ય હાજર થઈ જતો અને પંડિતજી એને પાતંજલ યોગસૂત્રોની મીમાંસા સમજાવતા. આમ ગુરુ-શિષ્યનો વર્ગ ચાલવા લાગ્યો. શિષ્યનો ઉત્સાહ અને મોહ જોઈ ગુરુ પણ પોતાનો જ્ઞાનભંડાર ઠાલવવા લાગ્યા. આમ પાતંજલ યોગસૂત્ર પૂરું થયું અને પછી શિવસંહિતાનો અભ્યાસ પણ એ જ રીતે એણે પૂરો કર્યો.

એ કિશોરનું નામ હતું કાલીપ્રસાદચન્દ્ર. માતા નયનતારાએ વ્યાકુળ બનીને કાલીમાતાને પ્રાર્થના કરી હતી. તેના પ્રસાદરૂપે આ પુત્ર મળ્યો, આથી તેનું નામ કાલીપ્રસાદ રાખ્યું. તેના પિતા રસિકલાલ ચન્દ્ર ઓરિએન્ટલ સેમીનરી નામની ઉચ્ચ અંગ્રેજી શિક્ષણ સંસ્થામાં અધ્યાપક તરીકે પ્રખ્યાત હતા. રજી ઓક્ટોબર, ઈ.સ. ૧૮૬૬ના રોજ જન્મેલો આ બાળક જન્મસમયે નાડીઓથી જકડાયેલો અને પદ્માસનમાં બેઠેલો હતો. વળી, તે જન્મસમયે બિલકુલ રડ્યો નહીં. આથી સહુ ચિંતિત બન્યાં હતાં અને પછી તેની આંખમાં મરચાંની ભૂકી નાંખતાં તે રડ્યો. બાળપણથી જ તે તેજસ્વી અને ચબરાક હતો. ભણવામાં પણ હોંશિયાર હતો, પ્રારંભમાં તે લાહપાડાના ગોવિંદ શીલની પાઠશાળામાં ભણ્યો. પછી અહીરીટોલાના મધુપંડિતના બંગવિદ્યાલયમાં એણે શિક્ષણ લીધું. અને ત્યાર બાદ ઉચ્ચકક્ષાની અંગ્રેજી સ્કૂલ ઓરિએન્ટ સેમીનરીમાં અભ્યાસ કર્યો. દરેક શ્રેણીમાં તે પ્રથમવર્ગમાં જ પાસ થતો. ક્યારેક તો તેને એક સાથે બે વર્ગમાં પાસ કરી દેવામાં આવતો. સંસ્કૃત પ્રત્યે તેને વિશેષ અભિરુચિ હોવાને લઈને હાથીબાગાન પાઠશાળાના હેરંબ પંડિત પાસે તેણે મુગ્ધબોધ વ્યાકરણનો અભ્યાસ કર્યો. ઉપરાંત છન્દોમંજરી પુસ્તક જાતે વાંચીને છંદોનું જ્ઞાન મેળવ્યું. બાળક કાલી પર શંકરાચાર્યનો વિશેષ પ્રભાવ હતો. શંકરાચાર્ય એના પ્રેરણામૂર્તિ હતા. એના મનમાં શંકરાચાર્ય જેવા તત્ત્વજ્ઞાની બનવાની પ્રબળ ઝંખના જાગી ઊઠી. આથી બાર-તેર વર્ષની વયે જ તેણે શ્રીમદ્ભગવદ્‌ગીતાનો અભ્યાસ કરવો શરૂ કર્યો અને પછી પાતંજલ યોગદર્શન અંગે જિજ્ઞાસા જાગી, જેનું જ્ઞાન પંડિત કાલવર વેદાંત વાગીશે એને આપ્યું.

પરંતુ આ જ્ઞાને એના અંતરમાં એક બીજી પ્રબળ ઝંખના જગાડી દીધી. જ્ઞાન માટે ગુરુ તો હોવા જ જોઈએ. ગુરુ વગર જ્ઞાન સંભવે નહીં, પચે નહીં. એમાંય યોગવિદ્યા માટે તો યોગ્ય ગુરુ હોવા જ જોઈએ. પણ શું એવા ગુરુ મળશે?’

અને એ કિશોરે એકલાં એકલાં ગુરુની શોધ આરંભી. એ શોધ એને લઈ આવી દક્ષિણેશ્વરમાં, રાણીરાસમણિના કાલીમંદિરમાં.

‘શું કહ્યું? રામકૃષ્ણ પરમહંસદેવ નથી?’

‘ના, તેઓ તો આજે સવારે કલકત્તા ગયા છે.’

સાંભળતાં જ કાલીચરણનું મુખ મ્લાન થઈ ગયું. ‘અરેરે, એમને મળવા કલકત્તાથી ચાલતો આવ્યો, રસ્તો ન મળતાં કેટલુંય આગળ ચાલી ગયો. અને આખરે માંડ અહીં પહોંચ્યો અને ફેરો ફોગટ જવાનો? એમનો દર્શનલાભ નહીં મળે?’ નિરાશ વદને કાલીચરણ એક વૃક્ષની છાયામાં બેસી ગયા.

ત્યાં તો એમની પાસે એક તેજસ્વી નવયુવક આવી પહોંચ્યો. ‘હું પણ પરમહંસદેવનાં દર્શને આવ્યો છું. સાંજે તો તેઓ આવી જવાના છે. જરૂર દર્શન થશે.’

‘તમે અગાઉ દર્શન કર્યાં છે?’

‘જી હા, ઘણીવાર અને હું તો અવારનવાર આવું છું.’ અને પછી તો બંને વચ્ચે આત્મીયતા સ્થપાઈ ગઈ. એ યુવાન તે શશી હતા. તેઓ મંદિરના પૂજારીજી અને વ્યવસ્થાપક સર્વને ઓળખતા હતા. આથી બંનેના ભોજનની જોગવાઈ પણ થઈ ગઈ અને શશીની સાથે જાણે જન્મોની ઓળખાણ હોય તેવું કાલીને લાગ્યું અને પરમહંસદેવની વાતો સાંભળવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની કાલીને ખબર ન પડી. રાત્રે શ્રીરામકૃષ્ણ પાછા આવી ગયા. તેમણે શશી પાસેથી સઘળો વૃત્તાંત જાણ્યો અને તુરત જ કાલીને પોનાના ઓરડામાં બોલાવ્યાં.

કાલીએ પરમહંસદેવનાં ચરણોમાં પ્રણામ કરીને સીધું જ પૂછ્યું, ‘આપ મને યોગસાધના શીખવશો?’

આ સાંભળતાં જ શ્રીરામકૃષ્ણ એ યુવાનને વિશેષ ધ્યાનથી નીરખવા લાગ્યા. થોડીક્ષણો તેઓ મૌન રહ્યા ને પછી બોલ્યા, ‘આટલી નાની ઉંમરમાં તને યોગ શીખવાની ઇચ્છા જાગી છે? એ તો ઘણું ઉત્તમ લક્ષણ છે. તું ગયા જન્મમાં યોગી હતો. પણ તારું થોડુંક જ બાકી રહી ગયું હતું. હવે આ તારો છેલ્લો જન્મ છે. હું તને યોગવિદ્યા આપીશ. આજે આરામ કર. આવતી કાલે આવજે.’ આ સાંભળીને કાલીનું રોમેરોમ પ્રસન્ન થઈ નાચી ઊઠયું. તેને પરમહંસદેવ અદ્ભુત લાગ્યા! એક માત્ર તેઓ જ તેને યોગવિદ્યા શીખવાડી શકશે એની એને ખાતરી થઈ ગઈ. અને તે રાત્રિ તેઓ દક્ષિણેશ્વરમાં રોકાઈ ગયા. પણ ક્યારે સવાર પડે ને ક્યારે પરમહંસદેવ પાસે જવાય, એની ઉત્કંઠામાં તેમને આખી રાત ઊંઘ જ ન આવી. વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં તેઓ સ્નાનાદિથી પરવારીને શ્રીરામકૃષ્ણ પાસે પહોંચી ગયા. જ્યારે શ્રીરામકૃષ્ણદેવે જાણ્યું કે કાલીચરણ એન્ટ્રન્સ ક્લાસમાં ભણે છે ને યોગસૂત્રના અભ્યાસી છે ત્યારે તેઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા. પછી તેઓ તેને ઉત્તર તરફના વરંડામાં લઈ ગયા. તેમને બાજોઠ પર યોગાસનમાં બેસાડયા, અને જીભ કાઢવા કહ્યું. પોતાના જમણા હાથની વચલી આંગળીથી એમણે કાલીની જીભ પર બીજમંત્ર લખી દીધો, અને પછી એ જ હાથે એના હૃદયની ઉપરની બાજુએ શક્તિને ખેંચી ને એ સાથે જ કાલી ગહન ધ્યાનમાં ઊતરી ગયા. થોડો વખત એમને એ જ સ્થિતિમાં રહેવા દીધા પછી શ્રીરામકૃષ્ણે ફરી શક્તિને ખેંચીને નીચે ઉતારી ને તેમને બાહ્યચેતનામાં જાગ્રત કર્યા. ધ્યાનમાંથી જાગ્યા ત્યારે કાલીનું મન શાંત અને નીરવ થઈ ગયું હતું. શ્રીરામકૃષ્ણે એમને કહ્યું; ‘ધ્યાન કરતા રહેવું. ધ્યાનમાં જે કંઈ દર્શનો થાય તે મને જણાવતાં રહેવું. નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવું. લગ્ન કરવા નહીં.’ પછી જ્યારે કાલીએ કલકત્તા જવા માટે ઠાકુર શ્રીરામકૃષ્ણની રજા લીધી ત્યારે તેમણે કહ્યું : ‘ફરી આવજે. ગાડીભાડા માટે પૈસાની સગવડ ન હોય તો ચિંતા ન કરજે. અહીંથી આપવામાં આવશે.’

હવે કાલીની સાધના યોગ્ય માર્ગે ઝડપથી ચાલવા લાગી. તેઓ અવારનવાર દક્ષિણેશ્વર જતા અને પોતાને ધ્યાનમાં થતાં સૂક્ષ્મ દર્શનોની વાત ઠાકુરને પ્રેમપૂર્વક જણાવતા. એમનું મન ભણવામાં બહુ લાગતું ન હતું. ઘરનાં માણસોને એ વાતની ખબર પડી. આથી તેઓ બધાં એમની સાધનામાં અવરોધ ઊભો કરવા લાગ્યાં. પણ કાલીનું સમગ્ર ચિત્ત હવે ઠાકુરમય બની ગયું હતું. આથી કોઈ પણ વિઘ્ન અટકાવી શક્યું નહીં. તક મળતાં જ તેઓ દક્ષિણેશ્વર પહોંચી જતા અને ઠાકુરની અનેક પ્રકારે સેવા કરવા લાગતા. ઠાકુર પણ એમને ઉચ્ચ ભૂમિકાની સાધના શીખવાડતા રહેતા. આથી તેમને સમાધિમાં અનેક દિવ્ય દર્શનો થવા લાગ્યાં. એક વખત તેમણે એક અપૂર્વ દૃશ્ય જોયું. તેમાં સઘળા દેવી દેવતાઓ અને અવતારો ચોતરફ વેદી પર બિરાજ્યાં હતાં. અને એ બધાંની વચ્ચે ઊભા હતા શ્રીરામકૃષ્ણ. ધીમે ધીમે બધા દેવી-દેવતાઓ અને અવતારો શ્રીરામકૃષ્ણના જ્યોતિર્મય વિરાટ દેહમાં લીન થઈ ગયાં.’ આ દર્શનની વાત સાંભળીને શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘તને વૈકુંઠદર્શન થઈ ગયું. હવે તું અરૂપના પ્રદેશમાં પહોંચી ગયો. હવે તને રૂપ નહીં દેખાય.’ અને ત્યારથી કાલીને ધ્યાનમાં રૂપ દર્શનો દેખાતાં બંધ થઈ ગયાં. તેઓ હવે એકમેવ નિરાકારનું ધ્યાન ધરવા લાગ્યા. આમ શ્રીરામકૃષ્ણ કાલીચરણને યોગમાર્ગે સંભાળપૂર્વક લઈ જવા લાગ્યા અને જેમ જેમ એમની કક્ષા સિદ્ધ થતી ગઈ તેમ તેમ તેમને ઉચ્ચોચ્ચ ભૂમિકામાં લઈ જવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણને સારવાર માટે જ્યારે કલકત્તા શ્યામપુકુર લાવવામાં આવ્યા ત્યારે એમની સાથે સેવા કરવા માટે લાટુ અને કાલી બંને ગયા. હવે કાલીએ ઘર સાથેનો નાતો તોડી નાંખ્યો. ગુરુદેવની સેવા એ જ હવે એમનું જીવનકાર્ય બની રહ્યું. તેઓ રાત-દિવસ શ્રીરામકૃષ્ણની સેવામાં રત રહેતા, એમના શરીરે તેલ ચોળતા. એમને અગાસી પર તડકામાં બેસાડીને સ્નાન કરાવતા. આ સમયે શ્રીરામકૃષ્ણના મુખેથી જે જ્ઞાનધારા વહેતી એમાં પોતે પણ સ્નાન કરી ધન્યતા અનુભવતા.

આ દિવસોમાં એક રાત્રે દશ વાગ્યા પછી નરેન્દ્રનાથ અને બીજા ભક્તો વાતો કરતા બેઠા હતા. કાલીચરણ પણ ત્યાં જ હતા. એમાંથી બે યુવાન ભક્તો કોઈ કામસર બહાર ગયા અને હવે રહ્યા નરેન્દ્ર અને કાલી બે જ. એ વખતે નરેન્દ્રમાં દિવ્યશક્તિનો તીવ્ર આવિર્ભાવ થયો અને તેમને શક્તિ સંક્રમણની પરીક્ષા કરવાની ઇચ્છા જાગી. તેમણે પાસે બેઠેલા કાલીને કહ્યું:

‘થોડીવાર મને સ્પર્શ કરી રાખ.’ અને કાલીએ જમણા હાથે નરેન્દ્રની જમણી ભૂજાને સ્પર્શ કર્યો. પછી તેઓ આંખો બંધ કરી બેસી ગયા. એક-બે મિનિટ પસાર થઈ. નરેન્દ્રે પૂછ્યું; ‘તને શું અનુભવ થયો?’ વીજળીની બેટરી પકડવાથી જેવો અનુભવ થાય કે આપણી અંદર કંઈક આવી રહ્યું છે, ને આપણો હાથ ધ્રૂજે છે, એવો જ અનુભવ મને થયો.’ એ પછી કાલી ઊંડા ધ્યાનમાં ઊતરી ગયા. એ પહેલાં તેઓ ક્યારેય આવા ધ્યાનમગ્ન નહોતા બન્યા. એમનું મસ્તક ને ડોક ઝૂકી ગયાં ને એમની બાહ્યચેતના લુપ્ત થઈ ગઈ. પછી સવારે ચાર વાગે શશી આવ્યા ને કહ્યું: ‘ઠાકુર બોલાવે છે.’ જેવા નરેન્દ્ર ઠાકુર પાસે પહોંચ્યા કે ઠાકુરે ઠપકો આપતાં કહ્યું: ‘કેમ રે! કંઈ જમા કર્યું ન કર્યું ને ત્યાં જ ખર્ચ?’

આ રીતે શક્તિનો ઉપયોગ ક્યારેય ન કરવો. જો તેની અંદર તેં તારો ભાવ દાખલ કરાવીને એનું કેટલું નુક્સાન કર્યું છે, એ તો જો ભલા! અત્યાર સુધી તેં જે ભાવનું અવલંબન કરીને ચાલતો હતો, તે હવે સંપૂર્ણનષ્ટ થયો. જાણે છ મહિનાનો ગર્ભ નાશ પામ્યો!.. જે કંઈ થવાનું હતું તે ભલે થયું પણ છોકરાનું ભાગ્ય સારું છે.’ પરિણામ એ આવ્યું કે વેદાંતને પચાવવા માટે હજુ કાલીની આંતરિક અવસ્થા પાકી ન હતી. અને તેમને અપક્વ અવસ્થામાં જ વેદાંતની અનુભૂતિ થઈ આથી તેઓ ઘણી વાર સદાચાર વિરુદ્ધ આચરણ કરવા લાગ્યા. જેમ કે માછલી પકડવી વગેરે. શ્રીરામકૃષ્ણે તેમને એની મનાઈ કરી તો તેમણે જવાબ આપ્યો કે ‘આત્મા ન તો કોઈને મારી શકે છે કે ન તો મરે છે.’ આ જવાબથી શ્રીરામકૃષ્ણને થયું કે આ દશામાંથી એને ઝડપથી બહાર કાઢવો જ પડશે. એક દિવસ કાલી શ્રીરામકૃષ્ણની પથારી પાસે બેઠા હતા. ત્યારે ઠાકુર ભયંકર પીડાથી બૂમ પાડી ઊઠ્યા, ‘જા, એને ઘાસ પર ચાલવાની મનાઈ કર. મને ભયંકર પીડા થઈ રહી છે. જાણે કોઈ મારી છાતીને કચડીને ચાલી રહ્યું છે.’ અને ત્યારે કાલીને વેદાંતની સાચી અનુભૂતિ કેવી હોય તે સમજાયું.

‘ગુરુદેવ, કાલી નાસ્તિક બની ગયો છે. એ કશાયમાં માનતો નથી’ એક વખત ગોપાલદાદાએ ઠાકુરને કાલી વિશે ફરિયાદ કરતાં કહ્યું. ત્યારે તો ઠાકુર કંઈ જ ન બોલ્યા. પણ એક વખત મોકો મળતાં એકાંતમાં ઠાકુરે કાલીને પૂછ્યું, ‘કેમ રે! તું નાસ્તિક થઈ ગયો છે?’ ઠાકુરના મુખેથી આ પ્રશ્ન સાંભળીને થોડીવાર તો કાલી મૌન રહ્યા પણ પછી ધીમે ધીમે બોલ્યા, ‘હા ગુરુદેવ, ઈશ્વર, શાસ્ત્રો, લોકાચાર, કશાયમાં મને શ્રદ્ધા નથી.’ કાલીની આવી નિખાલસ અને સ્પષ્ટ વાત સાંભળીને શ્રીરામકૃષ્ણ નારાજ થવાને બદલે પ્રસન્ન થયા અને તેમણે કહ્યું; ‘એક દિવસ તું બધું જ માનીશ. પણ એકાંગી ન બનતો. મને એકાંગીપણું પસંદ નથી.’ વળી એક દિવસ કાલીએ આતુરભાવે શ્રીરામકૃષ્ણને કહ્યું; ‘ગુરુદેવ, મને બ્રહ્મજ્ઞાન થશે?’ ‘હા બેટા, તને સારી રીતે બ્રહ્મજ્ઞાન થશે.’ શ્રીરામકૃષ્ણે તેને આશ્વાસન આપતાં પ્રેમથી કહ્યું અને પછી એક દિવસ કાલીને ધ્યાનમાં બ્રહ્માનુભૂતિ થઈ તેની વાત જ્યારે તેમણે ઠાકુરને કરી ત્યારે તેમણે કહ્યું: ‘બેટા, આ જ સાચુ જ્ઞાન છે.’ ત્યાર પછી નાસ્તિકતા અને ખોટી સમજ હંમેશ માટે ચાલી ગઈ!

‘કાલી, તારા પિતા આવ્યા હતા, ને તેમણે કહ્યું કે “કાલીની મા તેના વગર રડી રડીને મરી રહી છે” આથી હું તને રજા આપું છું તું ઘરે જા.’ ઠાકુરે કાલીને કહ્યું.

ઠાકુરની આજ્ઞાનું પાલન કરીને તેઓ ઘરે ગયા. ત્યાં તેમને માતાપિતાએ ખૂબ લાડપાનથી રાખ્યા. પણ ઠાકુરમાં સમર્પિત થયેલું એમનું ચિત્ત ત્યાં બિલકુલ લાગ્યું નહીં. ઊલટાનું એ વાતાવરણ એમને ગૂંગળાવનારું લાગ્યું. આખરે એક રાત્રે એમણે ત્યાંથી સીધી દોટ મૂકીને ઠાકુરનાં ચરણોમાં આવીને ઝૂકી ગયા. ‘કેમ રે! તું ઘરે નથી ગયો?’ ‘ના, હું ત્યાંથી નાસી આવ્યો.’ કહીને તેમણે ઠાકુરને બધી વિગતો જણાવી ત્યારે ઠાકુરે કહ્યું; ‘સારું કર્યું.’

એક વખત કાલીને ખબર મળ્યા કે ગયાધામની પાસેના પર્વતની ગુફામાં એક હઠ્યોગી સાધુ રહે છે. હઠયોગ શીખવાની ઇચ્છાથી તેઓ તે સાધુ પાસે જવા નીકળ્યા. પર્વત પાસેના ગામડાના લોકોએ તેમને ત્યાં ન જવા કહ્યું અને જણાવ્યું કે સાધુ અને તેનો શિષ્ય ત્યાં જનારને પથ્થરો મારીને હાંકી કાઢે છે. માટે ત્યાં જવું જોખમકારક છે. પણ આ ચેતવણીને ગણકાર્યા વગર તેઓ ગૂપચૂપ, લપાતા છુપાતા એ ગુરુ ચેલાની સમીપ એકાએક જઈ પહોંચ્યા. એમને જોતાં જ બંને એમને પથ્થરો મારવા દોડ્યા. પણ કાલીનો વિનયી વ્યવહાર અને યોગ જાણવાની જિજ્ઞાસા જોતાં એમણે પથ્થરો ફેંકીને પછી તેમને આવકાર્યા. પરંતુ થોડા સમયમાં જ કાલીની ભ્રમણા ભાંગી ગઈ. જેને માટે એમણે આવું સાહસ ખેડ્યું હતું, જાન જોખમમાં મૂક્યો હતો. એ યોગનું જ્ઞાન તો ગુરુચેલામાં સાવ નહિવત જ હતું! અને વળી બંને અઘોરીઓ હતા. અને હવે તેઓ કાલીને જવા દે તેમ હતા જ નહીં. આથી કાલીને થયું કે અહીં તો ફસાઈ પડ્યા. ગમે તે ભોગે અહીંથી નાસી જ છૂટવું જોઈએ. આથી તેઓ ઘડો લઈને પાણી ભરવા નદી કિનારે ગયા. ઘડો અધવચ્ચે મૂકીને દોડ્યા. સીધા આવ્યા કાશીપુર. ગુરુદેવનાં ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરીને તેમને પોતાના અનુભવનો સઘળો વૃત્તાંત જણાવ્યો ત્યારે શ્રીરામકૃષ્ણે એમને સ્નેહપૂર્વક કહ્યું, ‘જો, બેટા, ગમે તેટલા અને ગમે તેવા મોટા સાધુઓ હોય કે સિદ્ધ યોગીઓ હોય, હું એ બધાને ઓળખું છું. તું ચારે બાજુ ફરી આવ, પણ અહીં (પોતાની છાતી પર હાથ મૂકીને) જે જોઈ રહ્યો છે, તે બીજે ક્યાંય નથી. ત્યાર પછી કાલી યોગવિદ્યા શીખવા બીજે ક્યાંય ગયા જ નહીં.

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.