શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમા શારદાદેવી’ ઘણી પ્રશંસા પામ્યો છે. તેની પ્રસ્તાવનાના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરી રહ્યા છીએ.

જેમ, શ્રીભગવાન કોઈ મહા નિયમ અનુસાર અવતાર ધારણ કરે છે. તેમ, એવા જ નિયમ અનુસાર શક્તિનો આવિર્ભાવ થાય છે. અથવા તો એમ કહી શકાય કે અગ્નિ અને તેની દાહક શક્તિ જેમ અભિન્ન છે, તેમ જ ઈશ્વર અને તેની શક્તિ અભિન્ન છે. તેઓનો અવતાર ધારણ કરવાનો એક જ ઉદ્દેશ, એક જ કાળ અને એક જ નિયમ હોવા છતાં, પુરુષદેહ તથા નારીદેહ ધારણ કરીને એ જુદી રીતે કાર્યસિદ્ધ કરે છે. તેથી અસ્તિત્વનું જુદાપણું ન હોવા છતાં કરુણામયી શક્તિના આવિર્ભાવની જુદી રીતે વિચારણા કરવામાં ખાસ સાર્થકતા છે. શ્રીશ્રીચંડીમાં દેવીએ આશ્વાસન આપ્યું છે કે :

ईत्थं यदा यदा बाघा दानवोत्था भविष्यति ।
तदा तदाऽवतीर्याहं करिष्याम्यरिसंक्षयम् ॥

‘આવી રીતે જ્યારે જ્યારે દાનવો દ્વારા વિઘ્ન ઉપસ્થિત થશે, ત્યારે ત્યારે અવતાર ધરીને હું શત્રુનો વિનાશ કરીશ.’ (૧૧/૫૪-૫૫)

પ્રાચીન કાળમાં દેવો અને માનવોને ત્રાસ આપનાર દાનવોનો સંહાર કરવાનું વિશેષ કારણ હતું. પરંતુ આસુરી શક્તિનું તાંડવનૃત્ય ફક્ત બહિર્જગતમાં સીમાબદ્ધ નથી રહેતું. અન્તર્જગતમાં સદ્‌વૃત્તિ અને અસદ્ વૃત્તિ વચ્ચે નિરંતર સંઘર્ષ ચાલ્યા કરે છે. તેને ઉપનિષદોમાં દેવાસુરસંગ્રામ નામ આપ્યું છે. વર્તમાન યુગમાં ઈશ્વરમાં શ્રદ્ધા, પરલોકચિંતા, ધ્યાનનિષ્ઠા, વગેરે સદ્‌ગુણોને નિર્મૂલ કરવા માટે અશ્રદ્ધા, જડવાદતા, ભોગપરાયણતા, વગેરે આસુરી દુર્ગુણોએ યુદ્ધ આરંભ્યું છે ને તેના પરિણામે ધર્મની ગ્લાનિ, અધર્મની વૃદ્ધિ તેમ જ ઈર્ષ્યા, દ્વેષ, કામ, વગેરે વધી જવાથી જે લોકવિનાશકારી યુદ્ધ થઈ રહ્યું છે એને જ અત્યારનો દેવાસુરસંગ્રામ કહી શકાય.

મનોરાજ્યમાં ચાલતો આ આધુનિક સંગ્રામ, પૌરાણિક દેવ-દાનવોના યુદ્ધ કરતાં પણ વધુ ભયંકર છે. ભૂતકાળમાં આ દ્વન્દ્વયુદ્ધ સાધારણ રીતે ભૌતિક ક્ષેત્રની મર્યાદા ઓળંગી જતું ન હતું, પણ આધુનિક યુદ્ધ તો અંતર્જગતમાંથી ઉદ્ભવ પામીને રોજિંદા જીવનમાં ફેલાઈ જઈ માનવતાના મૂળમાં જ કુઠારઘાત કરે છે. તેથી અત્યારે શક્તિની ક્રિયા અને અસુરસંહાર બંને માનસિક ક્ષેત્રમાં જ થવાની જરૂર છે. વર્તમાન જગતમાં નૈતિક ઉન્નતિ ને આધ્યાત્મિક અનુભૂતિની જ સૌથી વધારે જરૂર છે. એક વાર જો અંતરમાં ભક્તિ, વિશ્વાસને પવિત્રતાને પૂર્ણરૂપે સ્થાપી શકાય તો બહિર્જગત એની મેળે બદલાઈ જાય. દૈવી શક્તિ હાલ અંદરના શત્રુઓને હરાવવામાં રોકાયેલી છે. એનો વિજય બે પ્રકારનો હોઈ શકે. એક, બળના ઉપયોગથી પાપ સાથે પાપીનો પણ વિનાશ કરવો; અને બીજો પ્રકાર તે સદ્‌ગુણ દ્વારા શત્રુનું મન જીતી લઈ, અસતમાંથી સતમાં તેનું પરિવર્તન કરવું. યુદ્ધમાં શત્રુનો વિનાશ કરવા કરતાં સત્ત્વગુણ દ્વારા તેનું મન જીતી લેવામાં વધારે શક્તિની જરૂર છે. તેથી આ અવતારમાં જાતજાનનાં અસ્ત્રશસ્ત્ર કે સિંહગર્જન અથવા યુદ્ધ કોલાહલ નથી-પણ છે ફક્ત લજ્જાશીલતા, વિનય, સદાચાર, પવિત્રતા, કલ્યાણકામના ને ઈશ્વરની અનુભૂતિ. વળી, દેવીનું કર્તવ્ય ફક્ત વિઘ્નો દૂર કરવાનું નથી, પરંતુ નવા આદર્શો સ્થાપન કરી નવી ઊંચી આશાઓ જગાડવાનું છે. ભક્તના શત્રુનો વિનાશ કરી તેનો માર્ગ નિષ્કંટક કરવા માટે સ્વયં ભગવાનને આવવાની જરૂર નથી. એ કાર્ય તો તેમનો કોઈ અંશ અથવા કોઈ એક ગુણના આવિર્ભાવ દ્વારા જ સાધી શકાય. પરંતુ માનવસમાજને આધ્યાત્મિક અનુભવની ઉચ્ચતર ભૂમિકાએ લઈ જવા માટે સ્વયં બ્રહ્મશક્તિને જ કર્મક્ષેત્રમાં અવતરવું પડે છે.

ભારતવર્ષની પ્રાચીન સંસ્કૃતિની પશ્ચાદ્ભૂમિ પર આજે જે દૈવી શક્તિનો આવિર્ભાવ થયો છે તે એક નવજાગૃતિનું ચિહ્ન છે. ખાસ કરીને નારીસમાજમાં એની અસર દૂર દૂર સુધી વિસ્તરેલી રહેશે એવું અનુમાન કરી શકાય. નારીસમાજની ઉન્નતિ થવી જોઈએ એમ તો સર્વ વિચારશીલ માણસો માને છે. પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદની વાતનું પુનરુચ્ચારણ કરી આપણે કહી શકીએ કે માતૃજાતિના અભ્યુદય વિના ભારતનું કલ્યાણ સંભવિત નથી; એક પાંખે પક્ષી ઊડી નહીં શકે; એટલા માટે રામકૃષ્ણ અવતારમાં સ્ત્રીને ગુરુ તરીકે ગ્રહણ કરવામાં આવી; એટલા માટે તેમણે નારીભાવે ઈશ્વરસાધના કરી; અને એટલા જ માટે પોતાની સહધર્મણીને કેળવવાનો ભાર જાતે ગ્રહણ કર્યો અને એ જ કારણે તેમણે ઈશ્વરના માતૃભાવનો પ્રચાર કર્યો.

૧૯મી સદીના મધ્યકાળમાં માતૃજાતિની પ્રગતિમાં એક ગૂંચવણભર્યો કોયડો ઊભો થયો હતો. અંગ્રેજોના શાસન નીચે ભારત પાશ્ચાત્ય વિચારસરણીમાં ડૂબેલું હતું. પશ્ચિમની વિદ્યા, બુદ્ધિ, શક્તિ અને સંપત્તિના મોહમાં ભારતવર્ષ ત્યારે યુરોપીય વિચારસરણીને ગ્રહણ કરવાને લલચાયું હતું. સન ૧૮૫૪ની ૧૯મી જુલાઈએ સર ચાર્લ્સ વુડે જે ભારતીય શિક્ષણપદ્ધતિની યોજના કરી તેમાંથી આ લાલસાનું શું પરિણામ આવશે તેનો આભાસ મળી શકે છે. આ વિદેશી પદ્ધતિના પ્રભાવનો સ્વીકાર કરી ભારતે સંપૂર્ણ ભૂલ નથી કરી. કારણ કે ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે કે બીજાની વિચારસરણીને અપનાવી વિચારના ક્ષેત્રને સમૃદ્ધ બનાવવું. આ યુગમાં પાશ્ચાત્ય દેશોના નારીસમાજનો આદર્શ લઈ આપણા દેશની બહેનોને સતેજ કરવાની જરૂર છે, તેમ જ પાશ્ચાત્ય સંસ્કૃતિને ટકી રહેવું હોય તો આપણા દેશની માતૃભક્તિને ગ્રહણ કરવાની એમને પણ જરૂર છે. આ રીતે બંને દેશોને એકબીજાને ઘણું આપવાનું હોવા છતાં – બંનેનાં દૃષ્ટિબિંદુમાં રહેલ મૂળભૂત તફાવતની અવગણના કરીને એકબીજાનું અનુકરણ કરવા જાય તો વિપરીત પરિણામ આવે તેવી સંભાવના છે. બંને દેશોમાં સ્ત્રીને સન્માન મળે છે તોય પશ્ચિમના દેશોમાં તે પૂજ્ય નથી ગણાઈ. ત્યાં મોટે ભાગે સ્ત્રી એના સૌંદર્ય માટે અથવા એના ગુણો માટે પ્રશંસા પામી છે. ત્યાં નારીજીવનનું એક મહત્ત્વનું પાસું જાણી જોઈને પુસ્ત્રોનું મન જીતી લેવામાં રોકાયેલ છે. આપણો આદર્શ છે મોક્ષ. સંયમ વિના એ પ્રાપ્ત થઈ જ ન શકે. તેથી આ દેશમાં સતીત્વ ને માતૃત્વનો આટલો બધો આદર છે. આપણો આદર્શ સીતા, ને દમયંતી છે. આ બંને આદર્શોના સંઘર્ષમાં ભાવિ વિશ્વસંસ્કૃતિ ક્યો આદર્શ સ્વીકારશે? આજે જેવી રીતે આ પ્રશ્ન સ્પષ્ટ અને સચોટ રીતે ઉપસ્થિત કરવામાં આવ્યો છે તેવો સો વર્ષ પહેલાં કરવામાં આવ્યો ન હતો. છતાં ભારતના વિધાતા જાણતા હતા કે, પરદેશી વિચારધારાના પૂરમાંથી ભારતીય સંસ્કૃતિને બચાવવામાં નહીં આવે તો આપણી પાસે કોઈ એવો મજબૂત પાયો નહીં રહે, જેની ઉપર પૂર્વ ને પશ્ચિમના આદર્શોને મેળવીને ફરી એક નવનિર્માણ કરી શકાય. તેથી એવા એક સર્વોચ્ચ શિખરરૂપી આશ્રયસ્થાનની જરૂર હતી કે જ્યાં દેવી, ગુરુ અને માતાના આદર્શોનો સમન્વય હોય અને જેની સહાયે આધુનિક ભારતનો સમાજ પોતાને આ આફતોમાંથી સલામત રાખી શકે અને પાશ્ચાત્ય સમાજને પણ એ આશ્રય તરફ દોરી શકે.

દરેક દૃષ્ટિબિન્દુથી વિચાર કરીએ તો એક વાત સાબિત થશે કે, વર્તમાન યુગમાં આ દેશના આદર્શને પુનર્જીવિત કરવાનું અને તેની પરાકાષ્ટા બતાવવાનું ખાસ પ્રયોજન હતું અને એ પ્રયોજનની સિદ્ધિ માત્ર જગદંબા દ્વારા જ શક્ય હતી. કારણ કે ૧૯મી સદીમાં બીજા કોઈ પણ ઉપાયે પરાધીન ભારતને પોતાના આદર્શોમાં પુન: પ્રતિષ્ઠિત કરવું અને સમગ્ર વિશ્વને આ પ્રાણવંતા આદર્શ વિષે જાગૃત કરવું એ બીજા કોઈને માટે શક્ય ન હતું. ભારતની મર્મકથા વિશ્વ સમક્ષ રજૂ કરવાની આ જ ચિરંતન રીતિ છે. ખરું જોતાં તો ૧૯મી સદીના મધ્યકાળથી ૨૦મી સદીના શરૂઆતના તબક્કા સુધીમાં ભારતવર્ષનું ધાર્મિક અધ:પતન જેટલું વધુમાં વધુ થયું છે, શક્તિનું અવતરણ પણ તેટલું જ સર્વોત્તમ રીતે થયું છે. આ શક્તિની દેવી, ગુરુ અને માતારૂપેની પૂજા દ્વારા જ નવી સંસ્કૃતિનો પાયો રચાશે.

ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે, ભગવાન સ્વયં અવતાર લે તો પણ ક્ષુદ્ર બુદ્ધિવાળા લોકો તેના પરમેશ્વરત્વને ન સમજીને તેમની અવગણના કરે. (अवजानन्ति मां मूढा: मानुषीं तनुमाश्रितम्) છતાં પણ એવી રીતે દેહ ધારણ કરીને જ ભગવાન યુગે યુગે સુખદુ:ખ, શોકમોહ અને પ્રમાદમાં ડૂબેલા માનવને દૈવી સંપદથી સંપન્ન કરવાની રીત બતાવતા આવ્યા છે. કારણ કે સ્વાર્થમાં ડૂબેલા સંસારી જનોને માટે ઉચ્ચ આદર્શ પ્રાપ્ત કરવાનો બીજો કોઈ પણ ઉપાય નથી. આ જ્ઞાન જુદી જુદી રીતે આપવામાં આવે છે. કોઈક વાર ઉપદેશ અથવા આચરણ દ્વારા મહાન પુરુષો ઉચ્ચ આદર્શોની પરાકાષ્ટા બતાવે અથવા કોઈ વાર અવતાર ધારણ કરીને ઉન્નત ચરિત્ર ઘડવા માટે સમયને અનુકૂળ એવો નવો માર્ગ બતાવવામાં આવે છે. વળી, કોઈ સ્થળે લીલાસ્વરૂપે વિવિધ પ્રકારના મનોહારી ઈશ્વરીય ભાવો તરફ માનવિચત્તને વધુ ને વધુ આકર્ષિત કરે. અવતારનું કાર્ય ફક્ત ભાવ-ગાંભીર્ય લાવવું, નવો આદર્શ રજૂ કરવો કે માનવચિત્તનું આકર્ષણ કરવું એટલો જ નથી. ખરી રીતે તો અવતારનો હેતુ બુદ્ધિગમ્ય નથી, તેથી ભાષામાં વર્ણવી શકાય તેમ નથી. ખાસ કરીને અનેક સૈકાઓથી માનવકલ્યાણ માટે જે ભગવતશક્તિ પ્રવાહિત થાય છે, તેની પૂરેપૂરી સાર્થકતા શરૂઆતમાં સમજી નથી શકાતી. ફક્ત ભવિષ્યનો ઇતિહાસ જ એનું મૂલ્યાંકન કરી શકે. છતાં જે ચરિત્ર અહીં આલેખવામાં આવે છે તેને સમજવામાં મદદરૂપ થશે એમ માનીને આ ત્રણેય ધોરણો સ્વીકારવામાં આવ્યાં છે. શ્રીમા શારદાદેવીના જીવનમાં માતૃત્વ વગેરે દૈવીભાવની પરાક્રષ્ટા જોવા મળશે, સાથોસાથ ધર્મમાર્ગના પોષણ માટે કેવી રીતે એ નવા સ્વરૂપે પરિણમે છે તેની પણ સમજણ મળશે. આપણે જોઈશું કે એમના જીવનમાં, નારીજીવનના પુત્રી, ભગિની, પત્ની ને ગૃહિણીના આદર્શો પ્રતિષ્ઠિત થયા છે ને એમની પવિત્ર લીલા આપોઆપ માનવચિત્તને આકર્ષીને ધ્યેયતત્ત્વ તરીકે વિરાજે છે.

શું આ હકીક્ત માત્ર ઊર્મિનો ઉછાળો છે કે, તેમાં વાસ્તવિકતા રહેલી છે? આ ચરિત્રના અભ્યાસને અંતે વાચકને અમે એ પ્રશ્ન ફરી વાર વિચારવાનું સૂચન કરીએ છીએ. પણ અમને તો વિશ્વાસ છે કે વાચક તે પહેલાં જ એ સત્ય સમજશે ને સંદેહમુક્ત થશે. પરંતુ, એ કહેવાની કશી જરૂર નથી કે આ જીવનચરિત્ર અલૌકિક અને અદ્વિતીય છે. તેથી તેને સમજવાની રીત પણ જુદી છે. શ્રીમા શારદાદેવીનું જીવન એવાઓમાંનું નથી કે જેઓ ક્ષણવાર માટે અચાનક ઇતિહાસની રંગભૂમિ પર ચમકીને થોડા વખત માટે જગતને વિસ્મયમાં નાખીને પછી કાયમને માટે ઇતિહાસનાં પૃષ્ઠોમાંથી વિદાય લે છે; અથવા તો જેઓ પોતાના પ્રવૃત્તિમય જીવન અને વાગ્ધારા દ્વારા અથવા મંત્રાદિના વિકટ સંઘર્ષ કરીને તે સમયની સભ્યતાને સંકટમાં મૂકે છે અને ઇતિહાસના અમુક અધ્યાયને કાયમને માટે કલંકિત કરી રાખે છે. પણ માતાજીનું પવિત્ર ચરિત્ર તો જેઓ નીરવ સાધના દ્વારા માનવસંસ્કૃતિને ઊંચી કક્ષામાં મૂકી જાય, અને સમકાલીન સમાજની દૃષ્ટિએ મોળું લાગવા છતાં જેમનો પ્રભાવ ઉત્તરોત્તર વિસ્તાર પામે તેવાઓમાંનું એક છે. શ્રીમાનું જીવન તો સીતા વગેરે પ્રાત:સ્મરણીય આર્ય નારીઓની દિવ્ય કક્ષામાં મૂકવા જેવું છે કે, જેમના આગમનથી ધર્મજીવનમાંથી મલિનતા દૂર થઈને પવિત્ર નવયુગનો આરંભ થાય છે.

Total Views: 168

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.