સ્વ. કાકા કાલેલકર સ્વામી વિવેકાનંદજીને એક યુગપુરુષ માનતા. તેમનું પોતાનું વ્યક્તિગત જીવન સ્વામીજીના જીવન-આદર્શથી ઘણું પ્રભાવિત થયું હતું. તેમણે સ્વીકાર્યું છે કે સ્વામીજીએ જ તેમને નાસ્તિકતાથી ઉગાર્યા હતા. દેશમાં આત્મવિશ્વાસ જગાડવાનું, સંન્યાસાશ્રમને નવી રીતે પુનર્જીવિત કરવાનું અને વિશ્વમાં સર્વધર્માદર સ્થાપવાનું જે યુગકાર્ય સ્વામીજીએ કર્યું છે તેની છણાવટ કાકા કાલેલકરે અહીં કરી છે. ઘણાં વર્ષો પહેલાં તેમણે વ્યક્ત કરેલા આ વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે.

સ્વામી વિવેકાનંદે નવભારતનો – પ્રબુદ્ધ ભારતનો – પ્રારંભ કર્યો તેથી હું તેમને યુગપુરુષ માનું છું. આપણા કાળમાં ત્રણ મહાપુરુષ ઉત્પન્ન થયા : એક, કવીન્દ્ર રવીન્દ્રનાથ, બીજા મહાયોગી શ્રી અરવિંદ અને ત્રીજા, કર્મવીર મહાત્મા ગાંધી. ત્રણેયનું કામ, એમની વાણી, એમનું સાહિત્ય અને એમનો કાર્યપ્રવાહ – એનો વિચાર કરીને આ ત્રણેયના યુગકાર્યમાં સ્વામી વિવેકાનંદનો ફાળો બહુ મોટો હતો એમ હું કહેતો આવ્યો છું.

બ્રિટિશોના વખતમાં, સ્વામી વિવેકાનંદની પહેલાંના લોકોએ ભારતીય સંસ્કૃતિ પરની પોતાની શ્રદ્ધા પ્રગટ કરી હતી ખરી. પણ આ લોકો આપણા ધર્મગ્રંથોનો માત્ર આદર કરનાર લોકો હતા. આપણાં વેદ અને શાસ્ત્રો વિશે એમને ઉત્સુકતા હતી, કુતૂહલ હતું. થિયોસૉફિકલ સોસાયટીની સ્થાપના પણ થયેલી હતી. મેક્સમૂલર આદિ વિદ્વાનોએ જર્મનીમાં અને ઇંગ્લંડમાં વેદાદિ ગ્રંથોનું અધ્યયન પણ કર્યું હતું, પરંતુ ‘ભારતીય સંસ્કૃતિ દુનિયાને નવો માર્ગ બતાવી શકે છે’ – નવા પ્રકાશની આ સંભાવના પશ્ચિમના દેશોને બતાવવાનું કામ સર્વપ્રથમ કર્યું તે સ્વામી વિવેકાનંદે જ. પશ્ચિમના પ્રવાસેથી પાછા વળ્યા પછી એમણે ભારતમાં આત્મવિશ્વાસ – જગાડવાનો ભગીરથ પ્રયત્ન કર્યો. સ્વામીજીનું આ કામ ખરેખર અદ્ભુત હતું.

જે સમયે સ્વામી વિવેકાનંદે દુનિયા પર અને ભારત પર પોતાનો તેજસ્વી પ્રભાવ પાડ્યો તે સમયનો હું એક તરુણ છું. વિવેકાનંદ પહેલાં અમે તો કેવી રીતે વિચાર કરતા હતા અને ત્યાર પછી કઈ રીતે વિચાર કરતા થયા? આ આખું પરિવર્તન મેં પોતે અનુભવ્યું છે.

‘અંગ્રેજોનું રાજ્ય આપણા હિતનું નથી.’ આ અનુભવ થયા પછી આ રાજ્ય દૂર કરવાનો પ્રથમ પ્રયત્ન આપણા રાષ્ટ્રે કર્યો તે સન ૧૮૫૭માં. પણ તે વખતે આપણે વ્યવસ્થિત રીતે સંગઠિત પણ ન હતા, અને અંગ્રેજોને હાંકી કાઢવા છે એ આપણો નિશ્ચય પરિપક્વ પણ થયેલો ન હતો. તો પણ દેશભરમાં ઠેકઠેકાણે લોકો ઊઠીને ઊભા થયા હતા. ‘ગદ્દર’ કહેવા જેટલો આ પ્રયાસ ક્ષુદ્ર ન હતો. પણ ‘સ્વાતંત્ર્ય-સમર’ કહેવા જેટલી એની તૈયારી પણ ન હતી. તેથી આપણે હારી ગયા. આપણા આ પરાભવથી અંગ્રેજોએ પૂરો ફાયદો ઉઠાવ્યો અને ત્યારથી અંગ્રેજી રાજ્યનો પાયો અહીં મજબૂત થયો.

આપણા આ પરાજયનાં બાર વરસ પછી અંગ્રેજી આક્રમણનો પરાભવ કરનાર એક સમર્થ પુરુષ અહીં પેદા થયા. તે હતા સ્વામી વિવેકાનંદ. ૧૮૫૭નો આપણો પરાજય માત્ર સામરિક ન હતો. એ પૂરેપૂરો નૈતિક પરાભવ હતો. તે વખતના આપણા સમાજના કેટલાય પ્રતિષ્ઠિત લોકોએ અંગ્રેજી રાજ્યનું પ્રસન્નપણે સ્વાગત કર્યું હતું. એ રાજ્યનાં સ્તુતિ-સ્તોત્રો પણ ગાયાં હતાં. લોકહૃદયમાં અંગ્રેજો વિશે નિંદા તથા ઘૃણા ભરેલી હોવા છતાં તે વખતના એક મહારાષ્ટ્રીયન કવિએ ‘धरातळीं इंग्रजांसरिखा प्रभु नाहीं दूसरा’ એવું ગીત ગાયું હતું. અંગ્રેજોનો વિજય થયો અને મહારાષ્ટ્રમાં જ્યારે પેશ્વાઓનું રાજ્ય તૂટયું, ત્યારે ખુશાલી મનાવવા માટે અંગ્રેજોએ દક્ષિણા વહેંચી તે લેવા સારુ વેદ-શાસ્ત્ર-સંપન્ન શાસ્ત્રીઓ પણ દોડી ગયેલા. આટલી હદ સુધી આપણે હૃદયથી હારી ગયા હતા. હું મહારાષ્ટ્રનો છું. એટલે મહારાષ્ટ્રની વાત કહી. ભારતના બીજા ભાગોમાં આના કરતાં કાંઈ વધારે સારી સ્થિતિ ન હતી.

ઈશ્વરની રચના જ એવી છે કે જ્યારે એકાદ અનિષ્ટ વસ્તુ પેદા થાય છે તે જ વખતે એનું નિવારણ કરનારો ઈલાજ પણ જન્મ લે જ છે. કોંકણનો જ દાખલો લઈએ. અહીં નારિયેળ સાથે કોકમનાં ઝાડો પણ ઊગે છે. નારિયેળને લીધે પિત્તવૃદ્ધિ થાય છે. તેનું શમન કોકમ ખાધેથી થાય છે. ઔષવિદ્યાના જાણકારો કહે છે કે વનમાં જ્યાં વિષનાં ઝાડો ઊગે છે ત્યાં આસપાસમાં જ અમૃતનું કામ આપનારી વનસ્પતિ પણ જડતી હોય છે.

સ્વામી વિવેકાનંદ પહેલાં આપણા દેશમાં મોટા મોટા નેતા અને દેશભક્ત થઈ ગયા. પણ ભારતની દરેક દિશામાં જઈને, દરેક ગામની સ્થિતિ જોઈને, લોકોના ઘરઘરનો રોટલો ખાઈને લોકસ્થિતિનો સંપૂર્ણ અનુભવ જો કોઈએ સર્વપ્રથમ લીધો હોય તો તે સ્વામી વિવેકાનંદે જ લીધો છે.

કૉલેજમાં તેઓ ભણતા ત્યારે સંશય- અસંશયની જાળમાં તેઓ સપડાયા, તે જ વખતે એમણે પોતાની સાધના શરૂ કરી. શ્રીરામકૃષ્ણ પરમહંસે એમના સંશયનું નિવારણ કર્યું અને ત્યાર પછી તેઓ દેશદર્શને નીકળ્યા. દેશદર્શન દરમ્યાન મુસલમાનના ઘરનો તેમ ખ્રિસ્તી લોકોના ઘરનો પણ રોટલો એમણે ખાધો, ગરીબના ઘરનો રોટલો ખાધો અને રાજમહેલોમાં પણ જમ્યા. સજ્જન-દુર્જન, મહાત્મા-દુરાત્મા બધી જાતના લોકો એમણે જોઈ લીધા.

આમ, દેશની અને સમાજની સંપૂર્ણ સ્થિતિ જોઈ લીધા પછી પોતાનો આત્મવિશ્વાસ એમણે દૃઢ કર્યો. દેશની દુ:સ્થિતિ જોઈને એમનામાં નાસ્તિકતાનો ઉદય ન થયો. ઊલટું, આપણને ફોલી ખાનારી વિદ્યા જ્યાંથી આવી ત્યાં જઈને પોતાના આત્મતેજ તથા બ્રહ્મતેજથી એમણે દુનિયાને આશ્ચર્યચક્તિ કરી દીધા. કોઈ પણ સિફારસ કે સંસ્થાનું બળ એમની પાછળ ન હતું. કેવળ પોતાની જ શક્તિથી એમણે વિદેશની યાત્રા કરી અને ‘દુનિયાના કોઈ પણ ધર્મ કરતાં ભારતનો ધર્મ ઓછો મહાન નથી. કોઈ પણ સંસ્કૃતિ કરતાં ભારતીય સંસ્કૃતિ ઊતરતી નથી. બલ્કે શ્રેષ્ઠ જ છે અને તેની પાસેથી દુનિયાને શીખવા જેવું ઘણું છે’ એ એમણે દુનિયાના મન પર ઠસાવી દીધું.

આનું પરિણામ એ આવ્યું કે, વિદેશના કેટલાક લોકો એમના શિષ્ય બન્યા. આ લોકોએ એમનાં ચરણોમાં બેસી એમનો ઉપદેશ પણ લીધો. સ્વામીજીએ પશ્ચિમમાં જે કીર્તિ મેળવી, એના પડઘા ભારત સુધી પહોંચ્યા. અને પરિણામે આપણા લોકોમાં પોતાની સંસ્કૃતિ વિશે વિશ્વાસ પેદા થયો.

આટલું જ કરીને સ્વામીજી અટક્યા નહીં. દેશભરમાં એમણે અદ્વૈતાશ્રમ અને સેવાશ્રમ જેવી સંસ્થાઓ સ્થાપી અને સંન્યાસાશ્રમને નવી રીતે પુનર્જીવિત કર્યો.

સ્વામીજીના આ કામનું મહત્ત્વ સમજી લેવા માટે આપણે અહીં ‘વર્ણ’ અને ‘આશ્રમ’ નામની ભારતીય જીવનવ્યવસ્થા વિશે ફરી વાર વિચાર કરવો જોઈએ.

ગીતાએ ‘જાતિધર્મ’ અને ‘કુલધર્મ’ને શાશ્વત કહ્યા છે. વર્ણધર્મ ત્યાર પછી આવ્યો. વર્ણવ્યવસ્થા સાથે આશ્રમવ્યવસ્થા પણ ચાલી. ભગવદ્‌ગીતામાં ચાર વર્ણોનો ઉલ્લેખ વિસ્તારથી આવે છે, પણ આશ્રમનો ઉલ્લેખ નહીં જેવો છે. બલ્કે પૂરી ગીતામાં ચાર આશ્રમનો પુરસ્કાર ક્યાંય મળતો નથી, એમ જ કહેવું પડે. અગ્નિ ઉપાસના છોડીને જે સંન્યાસ લેવાય છે એનો સહેજ ઉલ્લેખ ગીતામાં મળે છે ખરો પણ ગીતાના ભગવાને સંન્યાસ ‘આશ્રમ’ને બદલે સંન્યાસ ‘યોગ’નો જ પુરસ્કાર કરેલો છે. કેટલું આશ્ચર્ય કે આખી ગીતામાં ‘આશ્રમ’ શબ્દ પણ નથી.

વેદવિદ્યાના આગ્રહી જે ‘પૂર્વ-મીમાંસાવાદી’ હતા તેમણે તો સંન્યાસ આશ્રમનો સ્વીકાર જ કદી કર્યો ન હતો. ઊલટું, સંન્યાસાશ્રમને એમણે ચોખ્ખું ગાંડપણ જ માન્યું હતું. બીજા લોકોએ સિદ્ધાંત તરીકે સંન્યાસાશ્રમને સારો કહ્યો હશે, કદાચ. પણ મધ્યકાલીન શાસ્ત્રકારોએ તો સંન્યાસ આશ્રમ ‘કલિવજર્ય’ છે, એટલે કલિયુગમાં ‘ચાલવાનો નથી, ન ચાલવો જોઈએ’ એમ કહીને એને કોરે જ મૂકી દીધો.

પછી બૌદ્ધ જાગૃતિના દિવસ આવ્યા અને બૌદ્ધોએ તથા જૈનોએ શ્રમણ-સંસ્કૃતિ શરૂ કરી. ત્યારે શંકરાચાર્યે વિચાર કર્યો કે, સંન્યાસ આશ્રમ કલિ-વર્જિત થયો હોય તો પણ, એ ફરી ચલાવવા જેવો છે, એને ફરી ચલાવવો જ જોઈએ. એમણે હિન્દુ ધર્મને સંગઠિત કર્યો અને દેશમાં જુદી જુદી જગ્યાએ સંન્યાસીઓના દસ મઠ અથવા અખાડા સ્થાપ્યા. શંકરાચાર્યની આ વ્યવસ્થા આજે પણ માન્યપણે ચાલે છે. પણ પહેલાં જેવું તેજ એનામાં રહ્યું નથી. પછીના સંતોએ તો ભક્તિમાર્ગનો અને જ્ઞાનમાર્ગનો પુરસ્કાર કરીને સંન્યાસ આશ્રમનું મહત્ત્વ જ ઓછું કરી નાખ્યું. એટલું જ નહીં પરંતુ, એને લગભગ ઉપેક્ષિત પણ કરી મૂક્યો. ત્યાર પછી સંન્યાસીઓની પંરપરા ચાલી ખરી, પણ ‘પરંપરા’ કહેડાવવા પૂરતી જ.

આગળ જતાં, દેશમાં જાગૃતિ આણવા માટે પરિવ્રાજકોની જરૂર છે, એ સર્વ પ્રથમ લાગ્યું સ્વામી વિવેકાનંદને જ. અને એમણે આ આશ્રમને ફરીથી એક નવું રૂપ આપ્યું. એમણે એક નવી જ પ્રણાલી શરૂ કરી. એમણે કહ્યું કે સંન્યાસીઓ રહે અદ્વૈતાશ્રમમાં, પણ કામ કરે સેવાશ્રમો મારફત. સ્વામી વિવેકાનંદે ‘કર્મપ્રવણ સેવાપરાયણ સંન્યાસાશ્રમ’ ચલાવ્યો એમ જ કહેવું જોઈએ. નવા સંન્યાસીઓને એમણે કહ્યું કે, સંન્યાસાશ્રમમાં રહી આપણે બાગમાં શાકભાજી પણ ઉગાવવાપણું છે અને સાથે સાથે મંદિરમાં જઈને ધ્યાન પણ કરવું છે. આપણે નૈતિક સૈનિકો પણ થવાનું છે અને સેવક પણ બનવાનું છે. આવી રીતે નવા સંન્યાસીઓ મારફતે સ્વામીજીએ સંપૂર્ણ સમાજ બદલવાનું પોતાનું યુગકાર્ય શરૂ કર્યું.

વિવેકાનંદ પાસેથી પ્રેરણા લીધા પછી રવીન્દ્રનાથે શાન્તિનિકેતનમાં બ્રહ્મચર્યાશ્રમની સ્થાપના કરી. શ્રી અરવિંદે પોંડિચેરીમાં પોતાનો એક આશ્રમ સ્થાપ્યો અને ગાંધીજીએ સત્યાગ્રહાશ્રમ ચલાવ્યો (વિનોબાએ ગયાં બાર વરસમાં છ નવા આશ્રમો સ્થાપ્યા છે). ખરું જોતાં આ બધા આશ્રમો એટલે આપણા આધ્યાત્મિક-સામાજિક જીવનનાં પ્રયોગાલયો જ છે. વિજ્ઞાન માટે જે પ્રમાણે પ્રયોગશાળાની જરૂર હોય છે તે જ પ્રમાણે સમાજના વિકાસ અને ઉત્થાન માટે આશ્રમોની જરૂર છે.

સ્વામી વિવેકાનંદનું હૃદય ખરેખર ઓળખવું હોય તો એમણે લખેલા ખાનગી કાગળો વાંચવા જોઈએ (એ એકત્ર થયેલા મળે છે). સ્વામી વિવેકાનંદને સમજવા માટે બે ગ્રંથો ખૂબ ઉપયોગી છે. એક તો એમના પત્રનો સંગ્રહ, અને બીજો ભગિની નિવેદિતાએ લખેલો “The Master as I saw him.” ભગિની નિવેદિતાની આ ચોપડીમાં સ્વામી વિવેકાનંદના જીવનની ‘જ્વલંત મશાલ’ જોવા મળે છે.

વિવેકાનંદનું જીવન બહુ જલદી પૂરું થયું. ચાળીસ વરસ પૂરાં કર્યા પહેલાં જ તેઓ ઈહલોક છોડી ગયા. પણ આટલી નાની અવધિમાં એમણે અતિશય ત્વરાથી પોતાનું ભારતવ્યાપી કામ કર્યું; તેમનું જીવન બધી રીતે એક કૃતાર્થ જીવન હતું.

જ્યારે મહાપુરુષોનો વિચાર કરીએ છીએ ત્યારે માના પેટમાંથી એમનો જન્મ ક્યારે થયો એનું ઝાઝું મહત્ત્વ હોતું નથી. આપણે એ વિચારવું જોઈએ કે એમણે તમારા-અમારા હૃદયમાં ક્યારે જન્મ લીધો? મારા પૂરતું હું કહી શકું કે, સ્વામીજીએ મને નાસ્તિકતાથી ઉગાર્યો. ઈશ્વર વિશેનો અવિશ્વાસ જાહેરપણે વ્યક્ત કરવાના એ મારા દિવસો હતા. માણસના જીવનમાં એવી જાતના દિવસોનું આવવું પણ કો’ક વાર જરૂરી છે, આવી જાતની નાસ્તિકતા મારામાં ઊગી ન હોય તો હું કેવળ પરંપરાનો ઉપાસક અને રૂઢિવાદી આસ્તિક જ બનીને રહી ગયો હોત. તે દિવસો આવ્યા અને ચાલી પણ ગયા.

ઈશ્વર ઉપરની મારી શ્રદ્ધા ફરી જગાડી તે પ્રથમ ન્યાયમૂર્તિ રાનડેનાં ધર્મપ્રવચનોએ અને પછી સ્વામી વિવેકાનંદે. મારો ઉદ્ધાર કરનારા, મારા હૃદયને જાગૃત કરીને આગળ લઈ જનારા યુગપુરુષ તે સ્વામી વિવેકાનંદ જ હતા. એમની તેજસ્વી વાણીએ મને જાગૃત કર્યો.

આપણા યુગનું આ મહાન કાર્ય કરનારા સ્વામી વિવેકાનંદ એકલા જ નહોતા. ત્રણ આત્માઓએ મળીને આ કાર્ય કર્યું છે. શ્રીરામકૃષ્ણદેવે આપણને વેદાન્તના અધ્યાત્મનો મર્મ આપ્યો. સ્વામી વિવેકાનંદે આ અધ્યાત્મનો વિનિયોગ માનવસેવા માટે કરી બતાવ્યો. ભગિની નિવેદિતાએ એનું સમાજશાસ્ત્ર આપણને આપ્યું. આ ત્રિમૂર્તિનો એકત્ર વિચાર આપણે કરવો જોઈએ. ત્રણેયનું સાહિત્ય એકત્ર વાંચવું જોઈએ. એ એકસાથે વાંચવાથી જ તે વખતના એમના કાર્યની – માનવકાર્યની યથાર્થ કલ્પના આજના લોકોને મળી શકશે.

શ્રીરામકૃષ્ણ અત્યંત કુશળ ગુરુ હતા. કોઈ ખાસ શિષ્યને, એને અનુકૂળ સાધના-ઉપાસના સમજાવતી વખતે તેઓ પોતાના બીજા શિષ્યને ત્યાં હાજર પણ રહેવા ન દેતા. પરમહંસના ગયા બાદ પોતાના બધા ગુરુભાઈઓને સાથે લઈને ચાલવાનું અને એમનું એક આધ્યાત્મિક કુટુંબ બનાવવાનું કામ સ્વામી વિવેકાનંદે કર્યું.

ચાર ચાર વાર લગ્ન કરનારા ગૃહસ્થો પણ ઘણી વાર નિપુત્રિક હોય છે. પણ સંન્યાસીઓની પરંપરા કદી જ નિપુત્રિક રહી નથી. આપણા આ ભારતદેશમાં સંન્યાસીઓની પરંપરા અખંડ ચાલતી આવી છે.

હિન્દુ ધર્મની જાગૃતિ સાથે સ્વામી વિવેકાનંદે બીજા પ્રધાન ધર્મો આગળ આદર સાથે માથું નમાવ્યું એ ભારતીય સમાજના હિતની દૃષ્ટિએ અતિશય મહત્ત્વની વાત છે. ઇસ્લામ, યહૂદી, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન બધા જ ધર્મોને એમણે પોતાની શ્રદ્ધા અર્પણ કરી છે. જે ધર્મનો જે વિશેષ દિવસ આવે તે દિવસે એમણે પોતાના આશ્રમની ઉપાસનામાં ફેરફાર કર્યો છે. ક્રિસ્મસને દિવસે રામકૃષ્ણ પરમહંસની છબીમાં ઈસુ ખ્રિસ્તને જોવો એ સ્વામી વિવેકાનંદની નવી સાધના છે. રામકૃષ્ણ પરમહંસે ખ્રિસ્તી, ઇસ્લામી, વગેરે સાધનાઓ પોતે સ્વીકારી અજમાવી અનુભવે કહ્યું છે કે, ‘બધા ધર્મો ખરા છે.’ આ જ અનુભવનો પ્રચાર પોતાની સંસ્થાઓ દ્વારા સ્વામી વિવેકાનંદ પછી મહાત્મા ગાંધીજીએ પોતાની આશ્રમની પ્રાર્થનામાં બધા ધર્મોની પ્રાર્થના એકત્ર કરી સર્વ-ધર્મ-સમભાવ ચલાવ્યો. હવે આપણે કહેવા લાગ્યા છીએ કે સર્વ-ધર્મભાવથી પણ આગળ જઈ ‘સર્વ-ધર્મ-મમભાવ’ દૃઢ કરવાનો છે. આજે દુનિયામાં બધા ધર્મોમાં એક જાતનું ‘શીતયુદ્ધ’ ચાલી રહ્યું છે. આફ્રિકાના કેટલાક ભાગમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચે મૌન સંઘર્ષ અથવા સ્પર્ધા અને જબરદસ્ત હરીફાઈ ચાલુ છે. ત્યાં જઈને સમન્વય દ્વારા શાંતિ સ્થાપવાનું કામ ભારત કરશે? એક જ ગ્રંથ, એક જ પ્રેષિત અને એક જ પ્રકારની સાધના જે લોકો માને છે તે લોકોનો આખરે એક પંથ બને છે. વ્યાપક ધર્મ તો બધા જ પેગંબરોની વાણીનો આદરપૂર્વક સ્વીકાર કરે છે.

સ્વામીજી કેવળ દાર્શનિક તત્ત્વજ્ઞાની ન હતા. સંગીતના પણ તેઓ સારા જાણકાર હતા. ગાયનવાદન તો જાણતા જ હતા. તે સિવાય કુસ્તી પણ સારી પેઠે જાણતા હતા. દસ દસ વરસના પ્રયત્ને જે કામ બીજા લોકો દ્વારા થઈ ન શક્યું હોય તે કામ એમણે એક એક વર્ષમાં પાર પાડ્યું. તેથી જ હું કહું છું કે, સ્વામી વિવેકાનંદ સાચા અર્થમાં યુગપુરુષ હતા. માત્ર ભારતના જ યુગપુરુષ નહીં, આખી દુનિયાના યુગપુરુષ તેઓ હતા. એમના જીવનથી, એમના કાર્ય પાસેથી અને એમના સાહિત્ય પાસેથી આજે પણ આપણે પ્રેરણા લેવી જોઈએ અને એમનું શરૂ કરેલું યુગકાર્ય આગળ ચલાવવું જોઈએ.

(કાલેલકર ગ્રંથાવલી-૮ પા. નં. ૫૩૯-૫૪૪)

નવજીવન ટ્રસ્ટના સૌજન્યથી

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.