અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લા ક્રેસેન્ટા નામક સ્થળ નજીક રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સેન્ટરનું સંચાલન સ્વામી પરમાનંદ કરતા હતા. આ કેન્દ્ર સાથે સંલગ્ન આનંદ આશ્રમમાં, અમેરિકન રાષ્ટ્રીયતા ધરાવતાં સંન્યાસિની ભગિની દેવમાતા (લારા ગ્લેન) રહેતાં હતાં. તેમણે ૧૯૦૮થી ૧૯૧૦ બે વર્ષ ભારતમાં ગાળ્યાં હતાં.

અહીં રજૂ કરેલો તેમનો આ લેખ શ્રીરામકૃષ્ણ પરમહંસની જન્મશતાબ્દી નિમિત્તે, “વેદાંત – કેસરી”ના અંકમાં પ્રકાશિત થયો હતો, તેમાં તેમણે સૌ પ્રથમ વાર ઠાકુર (શ્રીરામકૃષ્ણદેવ) વિષેના પોતાના અત્યંત અંગત અનુભવો રજૂ કર્યા છે. એમનું આ વકતવ્ય એટલું પવિત્ર, પ્રામાણિક અને હૃદયસ્પર્શી છે કે આ વિશ્વમાં વસતાં અસંખ્ય-ભક્તવૃંદને આ લેખમાંથી પ્રતીતિ થશે કે, દક્ષિણેશ્વરના ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસ ઇતિહાસની અગમ્ય ગર્તામાં વિલીન થઈ ગયેલું એવું અસ્તિત્વમાત્ર નથી પરંતુ વર્તમાનના ધબકતા ગર્ભમાં પણ એટલું જ જીવંતપણે ધબકી રહેતું ચેતનામય અસ્તિત્વ છે. જેનો આજે પણ પ્રત્યક્ષ અનુભવ થઈ શકે તેવી જીવંત ઉપસ્થિતિ છે. દક્ષિણેશ્વરના આ સંત હજુયે આપણી વચ્ચોવચ્ચ જીવે છે. આતુર નયનોની તૃષા છિપાવવા તેઓ સદાય તત્પર રહે છે.

શ્રીરામકૃષ્ણે નરેન (સ્વામી વિવેકાનંદ)ને કહ્યું હતું કે, ઈશ્વરને મળવાની આપણી તાલાવેલી જો તીવ્ર હોય, તો તેઓ જરૂર પ્રત્યક્ષ દર્શન આપે છે, વાતચીત પણ કરે છે – એ માટે જરૂર તો છે માત્ર હૃદયની ઊંડી ઈશ્વરેષ્ણાની. ભગની દેવમાતા ભારપૂર્વક કહે છે કે, જેમ ઈશ્વર દર્શન આપે છે તેમ તેમનાં અવતારી સ્વરૂપોનું પણ પ્રત્યક્ષ દર્શન કરી શકાય છે – જરૂર છે તીવ્ર લગનની.

દિવસ અસ્ત થવાની તૈયારીમાં છે. મારા અંતર પર સંધ્યાના અજવાળાનું શાંત વાતાવરણ છવાઈ ગયું છે. ધીમે ધીમે સંધ્યાના ઓળા ચોતરફ વિસ્તરવા લાગ્યા છે. આજે રામકૃષ્ણ મિશનના એક સક્રિય સભ્ય તરીકેના સેવાકાર્યમાં જોડાયાને ત્રીસ વર્ષનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. આજે જે કંઈ હું લખી રહી છું તે કદીયે શાબ્દિક સ્વરૂપે પ્રગટ ન કરવાનો મનોમન મેં નિશ્ચય કર્યો હતો. જે અનુભૂતિઓ પૂર્ણપણે વૈયક્તિક હોય, જે એક વ્યક્તિ સિવાય, અન્ય કોઈનીય પાસે કદીયે રજૂ ન થઈ શકે, તેને છાપેલાં પાનાં ઉપર મૂકતાં હું ખચકાટ અનુભવી રહી છું. આ અનુભવો એટલા તો પવિત્ર હોય છે કે તેને કદીયે વ્યક્ત કરી શકાય નહિ. આમ છતાં, જે ઉલ્લેખનીય રહસ્ય મહાન વિભૂતિઓ સાથે વણાયેલું હોય છે તેને છુપાવીને પણ રાખી શકાતું નથી. કારણ એ તો સૌના કલ્યાણ અર્થે હોય છે, કોઈ એકાદ વ્યક્તિ તેના ઉપર પોતાનો એકાધિકાર જમાવી રાખી શકે નહિ.

આજે મને એક પત્રની યાદ આવે છે. તેમાં સંત પૉલ વિષે કહેવામાં આવ્યું હતું, કોઈ અજાણ ખ્રિસ્તી મહિલાએ તેના મિત્ર પર એ પત્ર લખ્યો હતો. તેમાં તેણે સંત પૉલના આગમનની કેવી આતુરતાપૂર્વક ગામની ભાગોળે ઊભા રહીને રાહ જોઈ હતી, તેમ જણાવ્યું હતું. જ્યારે નાઝરીનના એ સંત પૉલને તેણે જોયા; ત્યારે તેનાં સ્વપ્ન ચૂરચૂર થઈ ગયાં હતાં. તેને તો એવી જ અપેક્ષા હતી કે સંત કોઈ ભવ્ય અશ્વ ઉપર સવાર થઈને શહેરમાં પ્રવેશ કરશે. તેમનો સીનો અત્યંત રુઆબદાર અને ચહેરો દેદીપ્યમાન હશે. પણ વાસ્તવમાં તેણે શું જોયું? માનવીઓની મેદની વચ્ચેથી નાનકડો, વાંકો વળી ગયેલો દેહ ધીમે ધીમે ડગ માંડતો આવી રહ્યો હતો! પોપટિયું નાક, ત્રાંસી આંખો અને વાંકા ધનુષ્યની કમાન જેવા પગ જોઈને તે હતાશ થઈ ગઈ. પણ ખરેખર, તે સંત પૉલ જ હતા.

આ પત્ર લખનાર વ્યક્તિનું નામોનિશાન આજે કાળના ખપ્પરમાં વિલુપ્ત થઈ ગયું છે, પણ તેણે આલેખેલું મહાન સંત પૉલનું શબ્દચિત્ર લાખો માનવીઓના હૃદયમાં અંકિત થઈ ગયું છે.

એ જ રીતે, કદાચ રામકૃષ્ણ પરમહંસને દિવ્ય સ્વરૂપે નિહાળનાર આ દેવમાતા પણ કાળના ખપ્પરમાં ક્યાંય લુપ્ત થઈ જશે, પણ પરમહંસનું પરમ તેજતત્વ, શાશ્વત્કાળને માટે આ સૃષ્ટિ પર ટકી રહેશે.

આજે આ લેખ લખવાનું કાર્ય, જે હું કરી રહી છું. તે કરવાનું મેં જાતે પસંદ કરેલું નથી. પરંતુ મારી અંદર રહેલી કોઈ દૈવી શક્તિ અને બહારથી પણ કોઈક શક્તિ જાણે મને તેમ કરવાની ફરજ પાડી રહી છે. વર્ષો સુધી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષપદે રહેલા સ્વામી શિવાનંદજીએ પણ એમના એક પત્રમાં મને આ લેખ લખવા માટે અત્યંત આગ્રહ કર્યો છે. પત્ર આ મુજબ છે :

‘પ્રિય ભગિની દેવમાતા, તમારો ૨૦મી નો પત્ર વાંચીને આનંદ થયો. તમે આ કાર્યમાં જોડાયાં તેને ત્રીસ વર્ષો પૂરાં થયાં. નિ:સ્વાર્થભાવે તમે જે નિષ્ઠાપૂર્ણ સેવા કરી છે તેની ઝાંખી તમારા પત્રમાં મળે છે અને તમે આપેલા અદ્ભુત ફાળાથી હૈયું પુલકિત થઈ જાય છે. આજે પણ શરીર નિર્બળ બન્યું હોવા છતાં તમે તમારા વધુ ને વધુ પ્રબળ બની રહેલા આત્મા સહિત તમારું સેવાકાર્ય ચાલુ જ રાખ્યું છે એ જોતાં હું તો એમ જ કહીશ કે, આ કાર્યમાં જોડાયાને તમને ત્રીસ વર્ષ પૂરાં થયાં છે એમ નહિ, પણ તમારું સમગ્ર અસ્તિત્વ જ એમાં ઓતપ્રોત બન્યું છે. મહાન પ્રવૃત્તિઓના પ્રણેતાઓ નવેસરથી જન્મ ધારણ કરતા નથી, પણ તેઓ તો આંદોલનના જન્મ સાથે જ આવતા હોય છે. તેમનો જન્મ થતાં પહેલાં જ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ જતી હોય છે. પછી તો જેમ નાટકનો પડદો ઉચકાતાં, પાત્રો પ્રવેશીને પોતાનો પાઠ ભજવવા લાગે છે તેમ વિવિધ રાષ્ટ્ર અને અનેકવિધ પરિસ્થિતિમાં એક પછી એક આવીને પોતાનું કાર્ય કરવા લાગે છે. તમે પણ આવું જ એક પાત્ર છો. હું તો માનું જ છું કે, તમારો રામકૃષ્ણ મિશન સાથેનો સંપર્ક પરમહંસદેવની દિવ્ય ઇચ્છાનું જ પરિણામ છે. તમારા ઉપર એમની અસીમ કૃપા છે. જ્યાં સુધી આ પૃથ્વીના પટ પર તેમનું પવિત્ર નામ રટાતું રહેશે, ત્યાં લગી તમે પણ જીવિત રહેશો.”

જેઓ દિવ્ય અનુભૂતિઓની વાતો કરતા હોય છે, તેઓનો આશય કોઈ નવું સાહિત્યસર્જન કરવાનો હોતો નથી. તેઓ તો એવું જ ઇચ્છતા હોય છે કે, મહાન વિભૂતિઓની સ્મૃતિ માનવ હૃદયમાં સદાકાળ જાગૃત રહે. મારા પણ આ દિવ્ય અનુભવો આલેખવા પાછળ કંઈક આવો જ હેતુ છે. મને જે દર્શન થયાં તે કોઈ માનસિક ભ્રમણાઓ ન હતી, કે મનની કોઈ ક્ષુલ્લક કલ્પનાઓ પણ નહોતી, કે નહોતાં કોઈ દિવા-સ્વપ્નો. મને જે પ્રત્યક્ષ દેખાતા હતા તે કોઈ પ્રેતાત્માઓ પણ નહોતા. તેમની ઉપસ્થિતિમાં હું તેમના હૃદયનો ધબકાર સાંભળી શકતી હતી, જાણે કોઈ જીવંત અસ્તિત્વ સામે ખડું હતું, જેની ઉષ્મા અને આત્મા મન પર છવાઈ ગઈ હતી. જ્યારે તેઓ મારી સમક્ષ ઉપસ્થિત થતા ત્યારે મારી ભીતર કોઈ અગોચર ઉજાસ પથરાઈ જતો. કોઈ દિવ્ય ઝગમગતો તેજપુંજ મારા સમગ્ર આંતરચેતસમાં ઉભરાવા લાગતો. મારા અણુએ અણુમાં જાણે તેઓ પ્રસરી જતા હતા. મારું હૃદય અને મન તેમના દિવ્ય પ્રકાશથી ભરાઈ જતાં. કોઈ વાર તેમનાં દર્શન થાય તે પહેલાં, માત્ર એક તેજપુંજ જ દૃષ્ટિગોચર થતો જાણે તેમની છડી પોકારતાં આગળ ચાલતો હોય! તો ઘણી વાર તેમની આકૃતિ અને તેજ-આત્મા એકરૂપ બનીને એકસાથે પ્રગટ થતી. પરંતુ જ્યારે તે અદૃશ્ય બની જતી ત્યાર પછી કલાકો સુધી તેની અસર મારા મન:પ્રદેશ પર છવાયેલી રહેતી. ઘણી વાર તો દિવસો સુધી હું એમના ધ્યાનમાં લીન બની જતી.

મને લાગે છે કે, આપણા પ્રાચીન ઋષિમુનિઓએ અને મધ્યકાલીન યુરોપના જાણીતા રહસ્યવાદીઓએ પોતાના દિવ્ય સાક્ષાત્કારોની વાતો આધ્યાત્મિક અનુભૂતિઓને પોતાના પૂરતી જ ગોપનીપ રાખી હોત તો માનવજાત ખરેખર એટલી જ દરિદ્ર બની હોત. અરે, અદના ભક્તજનની પ્રતીતિમાંથી પણ ક્યારેક બહુ મૂલ્ય સત્ય સાંપડી જતું હોય છે. તેના વડે અન્યની શ્રદ્ધા દૃઢ બને છે, અને ભક્તને આ શ્રદ્ધા જ અધ્યાત્મ પંથે આગળ વધવા માટે પ્રેરણા અને જોશ પૂરું પાડે છે.

હવે જ્યારે સૂર્યાસ્ત થવાની વેળા આવી ચૂકી છે ત્યારે હું વર્ષોનું મૌન તોડી રહી છું – મારા આધ્યાત્મિક અનુભવો આજે હું સૌની સાથે વહેંચવા ઇચ્છું છું, જેથી કરીને, મનુષ્યના ઉદ્ધાર અર્થે જેઓ આ ધરતી પર અવતર્યા હતા તે, પરમ આત્માઓમાં પણ પરમોચ્ચ એવા શ્રીરામકૃષ્ણ પરમહંસની પરમ કૃપા અને દિવ્ય જ્યોતિનો શ્રદ્ધાળુઓને અનુભવ થાય અને તેમની કૃપાના તેઓ પણ અધિકારી બને.

શ્રી શ્રીમા (શારદામણિદેવી) શ્રીરામકૃષ્ણદેવની અનુપસ્થિતિ પછી પણ ઘણાં વર્ષો જીવ્યાં હતાં. જ્યારે શ્રીરામકૃષ્ણે દેહત્યાગ કર્યો ત્યારે શ્રી શ્રીમા લૌકિક આચાર અનુસાર ઘરેણાં કાઢી નાખીને, કિનારી વગરની સાડી પહેરવા માટે કિનારીવાળી સાડી કાઢી નાખવા પ્રવૃત્ત થયાં કે, શ્રીરામકૃષ્ણ તેમની સન્મુખ પ્રગટ થઈને, ઠપકાભર્યા સૂરે કહેવા લાગ્યા, “તમે આ શું કરો છો? શું હું મૃત્યુ પામ્યો છું, એવું તમે માનો છો?” તરત જ શ્રીમાએ પોતાનાં કંકણ ફરીથી ધારણ કર્યાં અને કિનારીવાળી સાડી ફરીથી શરીર ફરતી વીંટી લીધી. તેમનું વૈધવ્ય સદાને માટે વિરમી ગયું. શ્રીરામકૃષ્ણદેવની જીવંત ઉપસ્થિતિનો અનુભવ સામાન્ય જનને પણ થાય છે. એવા કેટલાંક અનુભવોની વાત હું તમને કરવા ઇચ્છું છું.

હું ન્યુયોર્કની ધમાલભરી જિંદગી ત્યજીને બોસ્ટનના શાંત વાતાવરણમાં રહેવા ગઈ હતી. મારો મોટા ભાગનો સમય શાંતિ અને એકાંતમાં પસાર કરી રહી હતી. એક બપોરની આ વાત છે. હું મારા દીવાનખાનામાં એકલી બેઠી હતી, અને મારા દિશાશૂન્ય ભવિષ્યની ચિંતામાં શૂન્યમનસ્ક બની ગઈ હતી. ત્યાં તો બે આકૃતિઓ મારી સમક્ષ ઉપસ્થિત થઈ, એકના ચહેરા ઉપર અલૌકિક સ્મિત ફરકતું હતું. તેના સમગ્ર સ્વરૂપમાંથી અનોખી આભા ચોતરફ પ્રસરી રહી હતી. ધીરગંભીર સ્વરે તેણે કહ્યું, “ગ્લાનિ ન કર. તારે મારું ઘણું કાર્ય કરવાનું છે.” ત્યાર પછી બંને આકૃતિઓ અદૃશ્ય બની ગઈ પરંતુ તેની અસર મારા પર દિવસો સુધી છવાઈ રહી.

વસંત ઋતુના આરંભમાં હું ન્યુયોર્ક પાછી ફરી અને વેદાંત સોસાયટીની સભ્ય બની ગઈ. મને પ્રકાશન વિભાગનું કામ સોંપવામાં આવ્યું હતું. એ સમયે પુસ્તકોનું પ્રકાશન ખૂબ ઝડપથી થઈ રહ્યું હતું. મારો સંપૂર્ણ સમય આ કામગીરીમાં જ વ્યતીત થતો હતો. એને માટે મારે મારા અને અધ્યક્ષશ્રી સાથે અવારનવાર ચર્ચાવિચારણા અર્થે સંપર્ક કરવો પડતો હતો.

એક દિવસ બપોરે તેમણે મને કોઈ પ્રકાશન અંગે વાતચીત કરવા માટે તેમના ખાનગી અભ્યાસ ખંડમાં બોલાવી. જેવો મેં તેમના ઓરડામાં પગ મૂક્યો કે, મારી નજર ભીંત પર લગાડેલી એક તસવીર પર પડી, અને હું સ્તબ્ધ બનીને ઊભી રહી ગઈ. આ એ જ તસવીર હતી જેને મેં બોસ્ટન મુકામે પ્રત્યક્ષ નિહાળી હતી. હું ઝડપથી તાપણી પાસે ગઈ અને તેમને પૂછ્યું, “આ કોનો ફોટો છે?” એમણે શાંતિથી જવાબ આપ્યો, “એ મારા ગુરુ શ્રીરામકૃષ્ણ છે.”

એક વર્ષ વીતી ગયું. શ્રીરામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ હતો. ન્યુયોર્કની સોસાયટીમાં આ દિવસ બહુ સાદગીપૂર્વક ભાવથી ઉજવાતો હતો. જે પચાસ-સાઠ સભ્યો ત્યાં હાજર હતા, તેમાંથી ભાગ્યે જ કોઈએ આગલા દિવસની સાંજથી જન્મદિવસની સાંજ સુધી અન્નજળ લીધાં હશે. આમ કરવા પાછળ કોઈ આત્મપીડનની વૃત્તિ નહોતી પણ આત્માને વધુ મોકળાશ મળે એ જ તેનો આશય હતો. આખો દિવસ અમે ભોંય પર કશું જ પાથર્યા વિના, બેઠાં બેઠાં પ્રાર્થના, ધ્યાન અને મનનચિંતન તેમ જ પવિત્ર પુસ્તકોનું શ્રવણ કરતાં રહ્યાં. વચ્ચે થોડી ક્ષણોનો વિરામ પડતો પણ ભાગ્યે જ કોઈ કશી વાતચીત કરતું હતું. ચોતરફ નીરવ શાંતિ હતી.

વાતાવરણમાં અગમ્ય ઉષ્મા છવાયેલી હતી. દરેકના હૃદયમાં પવિત્ર શાંતિ વ્યાપેલી હતી. પ્રાર્થનાનો અંતિમ સમય આવી પહોંચ્યો. અમને કહેવામાં આવ્યું કે, આ સમયે જે કોઈ ઇચ્છા મનમાં રહે તે પૂરી થશે. પણ મને કશું જ ઇચ્છવા જેવું યાદ ન આવ્યું. મારા મનમાં કોઈ જ ઇચ્છા ન હતી. હા, એક સિવાય – અને તે શ્રીરામકૃષ્ણને ફરી નિહાળવાની ઇચ્છા.

ઓરડાની અંદર પ્રગાઢ શાંતિ છવાયેલી હતી. મને મારી ભીતરથી જાણે કોઈકે આંખો ખોલવાની પ્રેરણા કરી અને મારી આંખો ખૂલી ગઈ. સામે વેદી ઉપર જન્મદિવસની ઉજવણી નિમિત્તે આણેલા ફૂલના ગુચ્છાઓ વચ્ચે જાજવલ્યમાન જીવંત પ્રકાશપુંજ એ જ શ્રીશ્રીરામકૃષ્ણ ઉપસ્થિત હતા કે જેમનાં મેં બોસ્ટનમાં દર્શન કર્યાં હતાં! પરંતુ તેમાં થોડોક ફેર હતો. આ વખતે તેમનો દેહ શ્વેત વસ્ત્રથી આવરેલો હતો અને વસ્ત્ર અને દેહ બંને તેજોમય હતાં તેમ જ એટલાં પારદર્શી હતાં કે તેમની પાછળ પડી રહેલાં ફૂલોની રેખાઓ પણ હું નિહાળી શક્તી હતી. મુખ પર અગાઉ જોયેલું તેવું જ સ્મિત હતું. ચહેરા પરથી અગાઉ જેવી જ શક્તિનો સ્રોત પ્રકાશમય જ્યોતિ બનીને ચોતરફ પ્રસરી રહ્યો હતો. એ જ શાંત આશીર્વાદપૂર્ણ મુખમુદ્રા હતી, જે અગાઉ જોયેલી; હસ્તકમળ કૃપા વરસાવતી મુદ્રામાં હતાં. થોડી ક્ષણ એ પ્રસન્ન મુખમુદ્રાવાળી આકૃતિ મારી સન્મુખ ઊભી રહી અને પછી ક્ષણમાં તેઓ અલોપ થઈ ગયા. મેં ચોતરફ નજર ફેરવી. બધાં જ નેત્ર બંધ કરીને બેઠાં હતાં. તો શું કોઈએ જ આ જોયું નહિ હોય?

(ક્રમશ:)

ભાષાંતર : સુહાસિની ભૂટા

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.