શ્રી તોતાપુરીએ શ્રીરામકૃષ્ણ પાસેથી વિદાય લીધી ત્યાર પછીનો આ પ્રસંગ છે. એમ કહેવાય છે કે, જ્યારે શ્રીરામકૃષ્ણે ઈશ્વર સાથેની એકરૂપતાનો મહાન આનંદ માણ્યો હતો ત્યાર પછીના દિવસોમાં તેમણે પોતાની ચેતનાને પૃથ્વી પર પાછી ફરવા દીધી હતી. તેમણે બે ખલાસીઓને એકબીજા પ્રત્યેના ધિક્કારને કારણે ઝઘડતા જોયા અને તેમના પરસ્પરના આ ધિક્કારને કારણે એમનું હૃદય દ્રવી ઊઠ્યું હતું; અને તેઓ ચીસ પાડી ઊઠ્યા હતા. વિશ્વનાં દુ:ખો તેમને પીડા આપી રહ્યાં હતાં. તેમની નવજાગૃત ચેતનામાં વિશ્વનાં દુ:ખો અંકિત થઈ જતાં હતાં.

આજે જ્યારે સમસ્ત માનવજાત ધિક્કારને વશ થઈ ગઈ હોય એમ જણાય છે, અને જ્યારે યુદ્ધ લડાય છે અથવા યુદ્ધના ભણકારા ચારે બાજુ સાંભળવા મળે છે; અને તે પણ રાષ્ટ્રો વચ્ચે, પ્રજાઓ વચ્ચે અને વર્ગો વચ્ચે; ત્યારે શ્રીરામકૃષ્ણ કેવા અનુભવમાંથી પસાર થયા હોત અને તેમણે કેવું દુ:ખ અનુભવ્યું હોત!

પણ જિંદગીમાં બધાં દુ:ખોથી પર રહેવાની શક્તિ પરમહંસ પાસે હતી. ઘણા યોગીઓ જિંદગીના પ્રવાહથી પોતાની જાતને વિખૂટી પાડી દે છે. પરંતુ દુ:ખોથી દૂર રહેવાના એ માર્ગને શ્રીરામકૃષ્ણે સ્વીકાર્યો નહિ અને એનું કારણ હતું એમનો સમસ્ત માનવજાત માટેનો પ્રેમ. બધાં દુ:ખોની વચ્ચે, આ પ્રેમને કારણે એમણે જાણ્યું કે, જીવ શિવ છે. જે કોઈ ઈશ્વરને ચાહે છે, તેણે દુ:ખમાં એને ભૂલો અને અતિરેકોની વચ્ચે પણ ઈશ્વર સાથે એકરૂપતા સાધવી જોઈએ.

સ્વામી વિવેકાનંદને ઈશ્વરના અનંત, અસીમ સ્વરૂપ માટે મોટું આકર્ષણ હતું. પણ આપણે બધાં જાણીએ છીએ કે, શ્રીરામકૃષ્ણે તેમના આ મહાન શિષ્યને તે માર્ગે જવા ન દીધા. તેઓ વિવેકાનંદને માનવસેવામાં લગાડવા માગતા હતા. તેઓના આદર્શને અનુસરતા, તમે પણ એ આદર્શ ચરિતાર્થ કરવા શક્તિમાન બન્યા છો. આપનું રામકૃષ્ણ મિશન આપના મિશનના ચિહ્ન – હંસની માફક તેની પાંખો વડે દુ:ખમાં આવી પડેલાઓને સહાય પૂરી પાડે છે. આપ તેઓને ભાઈઓ સમજીને તેમની મદદ કરો છો. આપે આપના ગુરુના અર્થપૂર્ણ આદેશોનો અમલ કર્યો છે : “જો તમારે મનની શાંતિ જોઈતી હોય તો બીજાઓની સેવા કરો! જો તમે ઈશ્વરને શોધવા ઈચ્છતા હો તો માનવ માત્રની સેવા કરો!”

અનંતની પ્રાપ્તિનો સેતુ

જો વિશ્વના ઘણા ધર્મો નબળા પડ્યા હોય અને તેઓ ભૂંસાઈ ગયા હોય તો તેનું કારણ એ છે કે, આ ધર્મો ઉપરના આદેશને ભૂલી ગયા છે. આ ધર્મો માનવીને જ ભૂલી ગયા છે અને તેવી જ રીતે માનવ આ ધર્મોને પણ ભૂલી જાય છે. ઈશ્વર વિના માનવીએ પોતાની જાતને સહાય કરવાનું શીખી લીધું છે. બિથોવન યુરોપના મહાન કલાકાર અને ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા. જે લોકો ઈશ્વરને સહાય માટે વિનંતી કરતા હતા તેઓને ઉદ્દેશીને બિથોવને કહ્યું : “ઓ માનવ, તું તારી જાતને મદદ કર.” ઈશ્વરની વિરુદ્ધ જઈને પણ તેણે પોતાની જાતને સહાય કરવાનું શીખી લીધું છે. માનવ ઈશ્વર અને દેવોને એકસરખાં માને છે. મહદ્ અંશે આ દેવો કચડાયેલા જનસમુદાયની વિરુદ્ધ કામ કરે છે. તેમ જ સત્તાકેન્દ્રની ગણિકાઓ અથવા દાસીઓ તરીકે કામ કરે છે. કેથેલિક ચર્ચ યુરોપનું સૌથી વધુ શક્તિશાળી ચર્ચ છે. આ ચર્ચે એવો નિયમ બનાવ્યો છે કે, જો સત્તાસ્થાને આવેલ વ્યક્તિ ચર્ચના ખાસ હક જાળવે તો તે વ્યક્તિની સાથે રહેવું; તેનો વિરોધ કરવો નહિ. બળપ્રયોગ વડે જે અન્યાય આચરવામાં આવે છે તેની સાથે આ ચર્ચો ભળે છે. કચડાયેલા લોકો જ્યારે અન્યાયી બળ સામે બળવો પોકારે છે ત્યારે ચર્ચને આશ્ચર્ય ન થવું જોઈએ. કારણ કે લોકો ચર્ચ અને બળ વચ્ચે કોઈ ભેદ જોતા નથી. ચર્ચ જે અન્યાય આચરે છે તેમાંથી લોકો પોતાની જાતને મુક્ત કરવા ઈચ્છે છે. જ્યારે અન્યાયને કારણે ખૂબ જ રોષે ભરાયેલા લોકો પોતાની જાતને ઈશ્વરીય સહાયથી વંચિત માનતા હોય અથવા પોતાની જાતને ઈશ્વરની વિરુદ્ધ માનતા હોય તો પણ આવા લોકોને જીવતાજાગતા ઈશ્વર તરીકે ગણવા જોઈએ. જે લોકો અન્યાય સામે લડે છે, જે લોકો પ્રકાશ તરફ પ્રયાણ કરે તે બધા લોકોએ “જીવ એ શિવ છે” એમ માનીને ચાલવું જોઈએ…… અને આપણે પણ આ સત્યને સ્વીકારવું જોઈએ.

આજે આપણે એક ડામાડોળ વિશ્વમાં જીવી રહ્યા છીએ. ખરેખર, જનસમુદાય હંમેશાં કચડાયેલો રહ્યો છે. આજ દિવસ સુધી પોતાના ઉપર ગુજારાતા સાર્વત્રિક જુલમનું એ લોકોને જ્ઞાન પણ ન હતું, તેના વિષે તેઓ સભાન પણ ન હતા. આધુનિક સંદેશાવ્યવહારનાં સાધનોને કારણે અને આંતરરાષ્ટ્રીય ભ્રાતૃભાવની ભાવનાને જે વેગ મળ્યો છે તેના કારણે આ જનસમુદાયને શોષણ અને જુલમનો ખ્યાલ આવ્યો છે, જે લોકો આ ગુલામીની જંજીરોને તોડવા માટે અને વધુ ન્યાયી અને વધુ માનવીય વ્યવસ્થા ઊભી કરવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે તેવા લોકો પ્રત્યે આપણે બેદરકાર રહી શકીએ નહિ.

ખાસ કરીને પશ્ચિમના જગતમાં જીવતા તમારા મિત્રો કે જેઓ મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા ધરાવતા નથી તે લોકો માટે તો આવી બેદરકારી સેવવી તે ક્ષમ્ય જ નથી. આપણા માટે દરેક ક્ષણ અતિ કીમતી છે. મનુષ્યના દુ:ખનું મોજું ભરતીની માફક આપણા ઉપર છવાઈ ગયું છે. આપણે આ દુ:ખી માનવબંધુઓને માટે તત્કાળ સહાય પૂરી પાડવી જોઈએ. જો આપણી સમક્ષ મૃત્યુ પછી અનંત જિંદગીઓ પડેલી હોય, તો પણ આમાંની દરેક જિંદગી એક જીવંત વસ્તુ છે અને આમાંની એવી દરેક જિંદગીને તેના જન્મના સમયને અનુરૂપ અને માનવીય સંદર્ભને અનુરૂપ તેની ફરજો અને નિયમો હોય છે.

દરેક વ્યક્તિ વર્તમાનમાં જે કંઈ સારું કરવા માટે શક્તિમાન છે તે તેણે અવશ્ય કરવું જ જોઈએ. પોતાના સમયમાં આચરવામાં આવતા અન્યાય સામે પોતાની પૂરી શક્તિથી લડવાનો તે વ્યક્તિએ ઈન્કાર ન કરવો જોઈએ. જ્યારે કચડાયેલા લોકોની તત્કાળ સહાય કરવાની હોય ત્યારે શ્રીરામકૃષ્ણના પશ્ચિમના અનુયાયી તરીકે હું એમ માનું છું કે, પોતાના સ્વયંના મોક્ષ માટે કોઈ પણ વ્યક્તિએ કર્મના માર્ગનો ત્યાગ ન કરવો જોઈએ. વર્તમાન વિશ્વનાં દુ:ખોથી દૂર રહેવાના હેતુથી જ્યારે સ્વામી વિવેકાનંદના એક ગુરુભાઈએ ધ્યાનની મધુરતામાં રસ લેવાનો પ્રયત્ન કર્યો, ત્યારે સ્વામી વિવેકાનંદ સાત્ત્વિક ગુસ્સાથી બોલી ઊઠ્યા : “વેદાંતનું વાચન અને ધ્યાન આવતી જિંદગી પર મુલતવી રાખ! બીજાંઓની સેવામાં તારા આ શરીરને પવિત્ર થવા દે!” અને તેમની આ શાશ્વત પ્રાર્થના : “બધી પ્રજાઓના ગરીબ લોકો, કમનસીબ લોકો અને તેથી પણ વધારે અનિષ્ટ આચરનારાઓની સેવા કરી શકું અને તેમની સેવા કરવા માટે હું ફરીફરી જન્મું અને અસંખ્ય દુ:ખો સહન કરું એમ ઈચ્છું છું!”

ઈશ્વરને ચાહનારાઓ એક કેવી અતિ સામાન્ય ભૂલ કરી બેસે છે! તેઓ માને છે કે, સાંસારિક માણસો સાથેના તેમના વ્યવહારને કારણે તેઓનો ઈશ્વર માટેનો પ્રેમ ઘટે છે અને તેમના આત્માનું અવમૂલ્યન થાય છે. જ્યારે બને છે આનાથી ઊલટું જ. એથી તો આત્માની ઉન્નતિ થાય છે. કારણ કે તે અનંત ઈશ્વર સાથે તાદાત્મ્ય અનુભવે છે. આ ઈશ્વર પવિત્ર ગંગાની માફક અસંખ્ય સ્વરૂપોમાં હંમેશાં ગતિશીલ રહે છે.

આવી રીતે કાર્ય કરતા અને આ સિદ્ધાંતોને વળગી રહીને તમે દરેક સ્વરૂપમાં રહેલા આ જીવંત ઈશ્વરની સેવા કરજો; અને યાદ રાખજો કે, તમારે આ સર્વશક્તિમાન ઈશ્વરની હાજરી કદી ભૂલવાની નથી. આ સર્વશક્તિમાન ઈશ્વરમાં એકબીજાથી વિરુદ્ધ એવાં અસંખ્ય સ્વરૂપો સંવાદિતા જુએ છે, જોવા મળે છે. સ્વામી વિવેકાનંદ વારંવાર પોતાના ગુરુભાઈઓને કહેતા કે, તેઓએ બે પ્રતિજ્ઞા કરી હતી. એક, “સત્યને પામવું”, અને બીજી, “માનવમાત્રની સેવા કરવી”..…. માણસ પોતાની સ્વતંત્રતા અને ગૌરવ પોતાની મેળે જાળવી શકે તેમાં સહાયભૂત થવું…. જે લોકો ખૂબ જ બહાદુરીપૂર્વક પોતાની જાતે, એકલા પોતાની સ્વતંત્રતા અને ગૌરવ જાળવવાનો પ્રયત્ન કરે છે એ લોકોને પણ આપણે સહાય કરી છૂટીએ, એ લોકોના આ પ્રયત્નોમાં આપણે સહકાર આપીએ. આવી રીતે, સમય જતાં પરસ્પર વૈમનસ્ય ધરાવનાર પરિબળો વચ્ચેના સુમેળમાં સહકાર આપવાનું આપણા માટે શક્ય બનશે.

આ સંક્ટગ્રસ્ત વિશ્વમાં તમે સર્વોપરી સુમેળના એવા ધારકો છો કે, જેમાં પરસ્પર-વિરોધી પરિબળો એકરૂપ થઈ જશે. આજે અવ્યવસ્થાથી ભરેલી આ પરિસ્થિતિમાં જ્યારે લોકો અજ્ઞાનવશ એકબીજાના વિરોધી છે ત્યારે શાંતિ, વ્યવસ્થા અને એકતા માટે પ્રયત્ન કરવા એ તમારું કર્તવ્યકર્મ છે, તમારો વિશિષ્ટ અધિકાર છે અને તમારી પવિત્ર ફરજ છે. શ્રીરામકૃષ્ણની માફ્ક તમારે વટવૃક્ષ બનવું જોઈએ કે જેની છાયા નીચે જિંદગીના સંઘર્ષથી થાકેલી અસંખ્ય વ્યક્તિઓ શાંતિ માટે આવે. તમે એ લોકોને એવું સુમેળ અને સમાધાન આપો કે, જે તર્ક અને પ્રેમનું ફળ છે. આપણે બરાબર જાણીએ છીએ કે, દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિઓ પણ ઊંધે રસ્તે ચડી ગયેલી હોય છે. એ લોકોને ખ્યાલ નથી હોતો કે, તેઓ શું કરે છે! સ્વતંત્ર થયેલા રશિયાના લોકોના મહાન નેતા લેનિન અધમ પ્રકારના અત્યાચારના ભોગ બન્યા હતા. પોતાના મિત્રોની વેર લેવાની વૃત્તિને તેમણે શાંત પાડી અને બુદ્ધિપૂર્વકનાં સ્મિત સાથે તેમણે કહ્યું હતું : “શું કરીએ આ દરેક વ્યક્તિ પોતાની સમજ પ્રમાણે વર્તે છે.”

આ વિશ્વની કમનસીબી તેની સમજના અભાવને કારણે છે. તો આપણે આ વિશ્વને સમજ આપીએ. આ વિશ્વને એવું જ્ઞાન આપીએ કે, તે ખુદ પોતાને તેમજ બીજાને હાનિ ન પહોંચાડે. જે વ્યક્તિ પોતાના પાડોશીને હાનિ પહોંચાડે છે તે એ નથી જાણતી કે, તેમ કરવામાં તે પોતાને જ નુકસાન કરે છે. વિક્ટર હ્યુગો યુરોપના મહાન કવિ હતા. જે લોકો તેમને હાનિ પહોંચાડવાનું ઈચ્છતા હતા તેમના વિષે તેઓ આ સુંદર શબ્દો બોલ્યા અને એ શબ્દો ભારતીય તત્ત્વજ્ઞાનને મળતા આવે છે :

“અરે! ક્યો મૂર્ખ એવું વિચારે કે હું અને તું ભિન્ન છીએ!”

એ શ્રીરામકૃષ્ણના વ્યક્તિત્વનો સર્વોચ્ચ ચમત્કાર હતો કે તેમના માટે ‘હું’ અને ‘તું’ માં કોઈ ભેદ ન હતો. તેમના હૃદયમાં માત્ર સમસ્ત વિશ્વ પ્રતિબિંબિત નહોતું થતું પરંતુ તેઓ પોતાના હૃદયમાં સમસ્ત વિશ્વ સાથે તાદાત્મ્ય અનુભવતા હતા. તેમણે પુરવાર કર્યું કે ઈશ્વરને તેની સાર્વત્રિકતા તેમ જ વિવિધતામાં આ પૃથ્વી પર પણ પામી શકાય છે….. “જીવ શિવ છે” અને શ્રીરામકૃષ્ણ આપણા સૌમાં, માનવમાત્રમાં દિવ્ય ચેતનારૂપે કાર્ય કરી રહ્યા છે.

ભાષાંતરકાર : શ્રી સી. એમ. દવે

(’પ્રબુદ્ધ ભારત’ (ફેબ્રુ. ૧૯૩૬)માંથી સાભાર)

Total Views: 137

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.