સ્વામી ભજનાનંદજી રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સદસ્ય છે. આઠ વર્ષો સુધી (૧૯૭૯-૮૬) તેઓ પ્રબુદ્ધ ભારતના સહસંપાદક હતા, ૧૯૮૭થી તેઓ રામકૃષ્ણ મઠના ‘પ્રોબેશનર્સ ટ્રેનિંગ સેન્ટર’ ના આચાર્ય છે. અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ (એપ્રિલ ૧૯૮૦)માં તેમનો આ લેખ સંપાદકીયના રૂપમાં પ્રગટ થયો હતો, તેમાંથી સાભાર લેવામાં આવ્યો છે.

ભાગ્યે જ કોઈ એવો મનુષ્ય હશે કે જેણે પોતાના જીવન દરમિયાન કોઈ ને કોઈ સમયે પ્રાર્થના ન કરી હોય! જ્યારે કોઈ નાનું બાળક ભૂખ્યું થાય અથવા તો એ અસ્વસ્થ બને ત્યારે રડવા માંડે છે. પરંતુ એ બાળકની માતા માટે તો એ રુદન અસ્પષ્ટ સ્વરૂપની પ્રાર્થના જ અને એટલે એ તરત જ બાળક પાસે દોડી જાય છે. અને બાળકને તેની જરૂરિયાત પૂરી પાડે છે. એક રીતે કહીએ તો, મનુષ્યની દરેકે દરેક ઈચ્છા એ એક પ્રકારની અવ્યક્ત પ્રાર્થના જ છે. આ અર્થમાં તો એક નાસ્તિક કે એક ભૌતિકવાદી પણ પ્રાર્થના જ કરે છે. અલબત્ત, આ કિસ્સામાં તે પોતાની જાતને પ્રાર્થના કરે છે.

પ્રાર્થનાને બે જૂથમાં વહેંચી શકાય : ઐહિક અને આધ્યાત્મિક, ઐહિક પ્રાર્થના સાંસારિક વાસનાઓ અને જરૂરિયાતોની પરિતૃપ્તિ માટે થાય છે. જીવન અનિશ્ચિતતાઓથી ભરપૂર છે. અને પ્રત્યેક મનુષ્યના જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે છે કે, જ્યારે તેને એમ લાગે છે કે, તે એવાં પરિબળોની પકડમાં આવી ગયો છે કે જેના પર તેનો પોતાનો કોઈ કાબૂ નથી. એવા લાખો લોકો છે કે, જેઓ તેમની પોતાની સામે ભય અને નિરાશા આવીને ઊભેલાં જુએ છે તથા દુ:ખો અને મુશ્કેલીઓની વચમાં પોતાની જાતને ઘેરાયેલી જુએ છે, ત્યારે પ્રાર્થના દ્વારા ઈશ્વર તરફ વળે છે.

આવી પ્રાર્થનાઓના પ્રત્યુત્તર મળે છે કે કેમ? અને જો મળતો હોય તો કર્મના નિયમ સાથે એ સુસંગત છે કે કેમ એ બધા પ્રશ્નોના ઊંડાણમાં જવાની અહીં જરૂર નથી. કારણ કે અહીં આપણો હેતુ તો બીજા પ્રકારની એટલે કે આધ્યાત્મિક પ્રાર્થના, કે જે એક સાધના તરીકે કરવામાં આવે છે, તે છે.

આધ્યાત્મિક પ્રાર્થના

નૈતિક શુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસની પ્રાપ્તિમાં દૈવી મદદ માટે વિનંતી કરવી એ જ આધ્યાત્મિક પ્રાર્થનાનો મહત્ત્વનો ઉદ્દેશ છે. સાચો ભક્ત ક્ષણિક એવા ભૌતિક સુખ માટે પ્રાર્થના કરતો નથી પરંતુ તે તો આધ્યાત્મિક પંથના પ્રકાશ માટે પ્રાર્થના કરે છે. આત્યંતિક ચેતનાની પ્રાપ્તિ માટે મથતા સાધક માટે પ્રાર્થના પ્રથમ પગથિયારૂપ છે.

જેઓ ઈશ્વરના મૂર્ત સ્વરૂપમાં નથી માનતા અથવા જેમને પ્રાર્થનાના પ્રભાવમાં શ્રદ્ધા નથી તેમને માટે પણ એ જ સલાહભર્યું છે કે, તેઓ બીજા માટે પ્રાર્થના કરે, જેથી દ્વેષ, અદેખાઈ અને સ્વાર્થના વિચારો કે જે તેમની પોતાની આધ્યાત્મિક પ્રગતિ માટે હાનિકારક છે, તેમાંથી તેઓ મુક્ત થઈ શકે. આ અર્થમાં પ્રાર્થના બીજાઓ પ્રત્યે સારા વિચારોનું વહન કરીને પોતાની જાતને શુદ્ધ કરવા માટેનો એક માર્ગ છે. તમામ વ્યક્તિગત માનસ એ એક વિશ્વમાનસના અંશરૂપે જ છે તેથી પ્રાર્થનાભર્યા આવા વિચારો બીજાઓને મદદરૂપ નીવડશે. આ રીતે, મનુષ્ય બીજાઓની મૌન સેવા કરી શકશે, જે માનસિક કર્મયોગનો એક પ્રકાર જ છે.

વિશ્વના તમામ મહાન ધર્મો પ્રાર્થનાનો ઉપદેશ કરે છે. આ સૌમાં ખ્રિસ્તી ધર્મ એને અસાધારણ મહત્ત્વ આપે છે. જિસસ ક્રાઈસ્ટ પોતે કલાકોના કલાકો સુધી પ્રાર્થના કરતા અને એમના અનુયાયીઓને પણ એમણે એ જ ઉપદેશ આપ્યો કે, “સતત ધ્યાન રાખો અને પ્રાર્થના કરો.” એમના એક આગેવાન શિષ્ય સંત પૉલની અંત:કરણપૂર્વકની સલાહ ઘણી જાણીતી છે : “સતત પ્રાર્થના કરો.” ત્રીજા સૈકામાં એલેક્ઝાન્ડ્રીઆમાં થઈ ગયેલા ખ્રિસ્તી ધર્મના મહાન વિદ્વાન ઓરિજને કહ્યું છે કે, દુન્યવી પદાર્થો માટે પ્રાર્થના કરવી એ તો ઈશ્વરની આજ્ઞાનો અનાદર કરવા બરાબર છે. સંત ઑગસ્ટાઈન તો ભારપૂર્વક કહે છે કે, પ્રાર્થના એ કંઈ ઈશ્વરને સૂચના આપવા માટે નથી, એ તો મનુષ્યને ઉન્નત બનાવવા માટે છે; મનુષ્યે જે અભિલાષા સેવવાની છે. ઈશ્વર માટેની અભિલાષા – તે તરફ તેને વાળવા માટે છે. સંત થૉમસ એકવીનસના કહેવા પ્રમાણે પ્રાર્થના એ તો માત્ર મનુષ્યની શ્રદ્ધા અને ઈશ્વરના પ્રેમ વિષેના ચિંતન સાથે સંબંધ ધરાવે છે. મેઈસ્ટર એકવર્ટ દરેક પ્રાર્થનાને ઈશ્વરના સનાતન દુરંદેશીપણાના અંશરૂપ ગણાવે છે. અવિલાની સંત ટેરેસાની દ્રષ્ટિએ પ્રાર્થના એ તો પ્રભુની આત્મા ઉપર વરસતી અસીમ આધ્યાત્મિક કૃપાનું એકમાત્ર દ્વાર છે.

વૈદિક યુગ દરમિયાન એક સમય એવો હતો કે જ્યારે હિંદુધર્મમાં લોકોના જીવનમાં પ્રાર્થનાનું પ્રભુત્વ હતું, પરંતુ સમય જતાં પ્રજામાં એનું લગભગ સંપૂર્ણ સ્થાન ધ્યાન અને જ્ઞાનની શોધે લઈ લીધું. જો કે સામાન્ય લોકો તો હજુયે પ્રાર્થના કરતા હતા. તેમ છતાં, મહાન ગુરુઓએ (ઉપદેશકોએ) પ્રાર્થનાને એક સાધના તરીકે ગણવા ઉપર ભાગ્યે જ ભાર મૂક્યો. એમ કહી શકાય કે, આજના યુગમાં શ્રીરામકૃષ્ણે તેને (પ્રાર્થનાને) એક સાધનાના રૂપમાં સજીવન કરી. શ્રીરામકૃષ્ણ કથામૃત (ધ ગૉસ્પેલ ઑફ શ્રીરામકૃષ્ણ) પુસ્તકમાં આપણને શ્રીરામકૃષ્ણદેવે વિવિધ પ્રસંગોએ પ્રાર્થનાની ભલામણ કરી છે. એક વખત એક ભક્તે તેમને પ્રશ્ન કર્યો, “તો પછી ગુરુદેવ, ઉપાય શો છે?” શ્રીરામકૃષ્ણે પ્રત્યુત્તર આપ્યો, “પ્રાર્થના અને સત્સંગ.” સત્સંગથી થતા લાભો સમજાવીને શ્રીઠાકુરે આગળ જણાવ્યું બીજો પણ એક ઉપાય છે : અંત:કરણપૂર્વક પ્રભુને પ્રાર્થના કરવી. પ્રભુ આપણો પોતાનો જ છે. આપણે એને કહેવું જોઈએ, “પ્રભુ, તારું મૂળ સ્વરૂપ શું છે? તારે મને દર્શન દેવાં જ પડશે. નહિં તો પછી મારું સર્જન તેં શા માટે કર્યું?”

બીજા કોઈ એક દિવસે એ પુસ્તકના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્તે એમને કહ્યું, “કેટલાક લોકોને પ્રભુ સંપૂર્ણ આધ્યાત્મિક ચેતના પ્રદાન કરે છે અને બીજાઓને તો એ અજ્ઞાન દશામાં જ રાખે છે.” શ્રીઠાકુરે એમને સુધારતાં તરત જ જણાવ્યું કે, ‘ના, ઈશ્વરને અંતરથી આતુર થઈને પ્રાર્થના કરવા જોઈએ. સાચા અંતરથી હોય તો ઈશ્વર પ્રાર્થના જરૂર જરૂર સાંભળે.’

આ દ્વારા શ્રીરામકૃષ્ણ એમ કહેવા માંગતા હતા કે અંત:કરણપૂર્વકની પ્રાર્થના દ્વારા પ્રભુની કૃપાથી દરેક મનુષ્ય પોતાની જન્મજાત મર્યાદાઓ ઉપર જીત મેળવીને આધ્યાત્મિક અનુભૂતિ મેળવી શકે છે.

શ્રીરામકૃષ્ણનાં દિવ્ય લીલાસહચારિણી શ્રીશારદાદેવી પણ પોતાના ઉપદેશોમાં પ્રાર્થનાના મહત્ત્વ ઉપર ઘણો ભાર મૂકે છે. શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યોમાંના સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી શિવાનંદ મહારાજ (મહાપુરુષ મહારાજ) ઈશ્વરની સતત પ્રાર્થનાને એક મહત્ત્વના આધ્યાત્મિક અભ્યાસ તરીકે ઉપદેશે છે.

બે રાજમાર્ગો

હિંદુ ધર્મનું એક આગવું લક્ષણ એ છે કે, તે મોક્ષ માટેના બે મહત્ત્વના રાજમાર્ગ માનવજાત સમક્ષ રજૂ કરે છે : જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ. સનાતન કાળથી પ્રત્યક્ષ રીતે વિરોધાભાસી દેખાતા એવા આ બંને માર્ગોનું આ ધર્મની અંદર સહ અસ્તિત્વ છે અને તેને લીધે એને ગતિશીલતા અને કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂળ થવાના ગુણો પ્રાપ્ત થયા છે.

અંતિમ તત્ત્વ તરફ લઈ જતી માનવચેતનાની મૂળભૂત રીતે ભિન્ન એવી બે દિશાઓની ભૂમિકા આ બંને રાજમાર્ગો રજૂ કરે છે. જ્ઞાનમાર્ગમાં અંતિમ વ્યક્તિનિરપેક્ષ અને નિર્ગુણ સત્ય દર્શાવવામાં આવ્યું છે. જ્યારે ભક્તિમાર્ગમાં એ સત્યને કાં તો વ્યક્તિગત ને સાકાર સગુણ અથવા નિરાકાર સગુણસ્વરૂપનું દર્શાવવામાં આવ્યું છે. વળી, જ્ઞાનમાર્ગ સ્વપ્રયત્ન ઉપર ભાર મૂકે છે, જ્યારે ભક્તિમાર્ગ એ દિવ્ય કૃપાનો માર્ગ છે. બીજું, જ્ઞાનમાર્ગમાં આત્મલક્ષિતા છે : અંતિમ સત્યના સાચા આત્મ સ્વરૂપની એ શોધ છે. ભક્તિમાર્ગમાં વિષયલક્ષિતા છે : એક ઉચ્ચતમ વિષય તરીકે ઈશ્વરના સાચા સ્વરૂપને પામવાનો અને તેની સાથે વાસ્તવિક સંબંધ સ્થાપિત કરવાનો એ એક પ્રયત્ન છે. માર્ટીન બ્યુબર કહે છે એ પ્રમાણે, ભક્તિમાર્ગ આત્મા અને ઈશ્વર વચ્ચે “હું અને તું” નો સંબંધ સાધે છે. અદ્વૈત તત્ત્વજ્ઞાનમાં જે “તત્ ત્વમ્ અસિ” એમ સ્પષ્ટ ખુલાસો દર્શાવવામાં આવ્યો છે તે મુજબ જ્ઞાનમાર્ગ “હું અને તે” નો સંબંધ સાધે છે; પરંતુ આ સંબંધ પણ ભ્રામક છે. કારણ કે આ જ્ઞાનમાર્ગ નો એક સંબંધ નહિ પણ “સ્વ” ના મૂળ સ્વરૂપને પ્રસ્થાપિત કરે છે.

‘હું અને તું’ ના સંબંધને ત્રણ રીતે વ્યક્ત કરી શકાય : પ્રાર્થના, પૂજા અને ધ્યાન. ભક્તિમાર્ગની આ ત્રણ અતિ મહત્ત્વની શાખાઓ છે અને એ ત્રણ ક્રમિક પ્રક્રિયાઓનું નિરૂપણ કરે છે.

પ્રાર્થના, પૂજા, ધ્યાન

હિંદુ ધર્મમાં ‘પ્રાર્થના’ એ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ માગણી અથવા યાચના એવો જ હંમેશા કરવામાં આવે છે. અને તેથી તેને મર્યાદિત મહત્ત્વ આપવામાં આવ્યું છે. વાસનાઓની પકડમાંથી પોતાને મુક્ત કરાવવા તથા અજ્ઞાન અંધકારમાંથી પાછા વાળીને સત્યના પ્રકાશપંથે લઈ જવા મદદ કરવા ઈશ્વરને કરાતી વિનંતી, એવો એનો અર્થ થાય. ઉન્નત ચેતના તરફના તલસાટનું એ પ્રથમ પગથિયું છે કે, જેમાં સાધક પોતાની મર્યાદાઓને સ્પષ્ટપણે ઓળખીને દૈવી શક્તિ અને પ્રકાશ આગળ પોતાનું અંતર ખોલે છે અને એને પરિણામે જ ઈશ્વરની આત્મા તરફની ગતિ થાય છે.

ઈશ્વરને કાંઈક અર્પણ કરવું એનું નામ પૂજા. પછી તે ભૌતિક પદાર્થ હોય કે પોતાનાં શરીર, મન અથવા પ્રાણ હોય. વૈદિક યજ્ઞ એટલે “દેવતોદ્દેશેન દ્રવ્યત્યાગ:” દેવોના પ્રીત્યર્થે ભૌતિક પદાર્થોનો ત્યાગ. પૂજા મનુષ્યની પ્રવૃત્તિઓને અહમાંથી દિવ્યતા તરફ વાળે છે અને આત્માને બાહ્ય પદાર્થોથી અલગ પાડી દે છે. આ રીતે જોતાં પ્રથમત: એ આત્માની ઈશ્વર તરફની ગતિ પણ છે.

આમ, બંને પ્રકારની ગતિઓને પરિણામે આત્મા ઈશ્વરની વધારે ને વધારે નજીક સરે છે અને ઈશ્વર તરફના આ અભિગમને જ આપણે ધ્યાન અથવા ચિંતનના અર્થમાં સમજીએ છીએ. વેદાંતની પરિભાષામાં ધ્યાનનો અર્થ થાય ઉપાસના, જેનો શબ્દાર્થ થાય – “ની પાસે બેસવું” એટલે કે ઈશ્વરની પાસે બેસવું.

તદનુસાર પ્રાર્થના પૂજા અને ધ્યાન જતા એ આત્મા અને ઈશ્વર વચ્ચેના સંબંધના વિકસતા જતા ત્રણ તબક્કા રજૂ કરે છે. આધ્યાત્મિક શરૂઆત માનવી ઈશ્વર પાસેથી કૃપાયાચના કરીને કરે છે. બીજા તબક્કે તે સામેથી કંઈક અર્પણ કરતો થાય છે. અને તેમ કરતાં છેવટે તે ઈશ્વરની નિકટ પહોંચવામાં સફળ થાય છે. આ ત્રણ પગથિયાં સાધકની ચેતનાના ક્રમિક રૂપાંતરના ત્રણ તબક્કા પણ દર્શાવે છે. ‘સર્મન ઓન માઉન્ટ’ બાઈબલમાંના ધ “ગિરિપ્રવચન”માં જ્યારે ઈસુ ખ્રિસ્ત યાચના કરવાની, વિનંતી કરવાની અને દ્વાર ખખડાવવાની વાત કરે છે ત્યારે તેઓ અનુક્રમે આ પ્રાર્થના, પૂજા અને ધ્યાનના ત્રણ તબક્કાઓનો જ નિર્દેશ કરે છે.

વૈદિક હિંદુ ધર્મના ઈતિહાસમાં આ ત્રણ વલણો અથવા તબક્કાઓના વિકાસ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. વેદોના ચાર વિભાગ કરવામાં આવ્યા છે : મંત્ર, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. આધુનિક વિદ્વાનોના મત અનુસાર વિભાગોની રચના એક પછી એક એમ જુદા જુદા ચાર સમયે કરવામાં આવી હતી. મંત્રવાળા ભાગમાં સૂક્તો, સ્તુતિઓ અને પ્રાર્થનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્રાહ્મણગ્રંથો કર્મકાંડ અને પૂજાની ધાર્મિક વિધિઓનું વર્ણન કરે છે. આરણ્યકોમાં ધ્યાનના વિવિધ પ્રકારોની ચર્ચા છે. ઉપનિષદમાં પણ ધ્યાનનું જ વર્ણન છે, પરંતુ મુખ્યત્વે તે ઋષિઓને થયેલી પ્રત્યક્ષ અનુભૂતિની નોંધ છે.

વૈદિક સંસ્કૃતિના હ્રાસની સાથે સાથે મંત્ર વિભાગે લોકો ઉપરની પકડ ગુમાવી દીધી અને ધીરે ધીરે પ્રાર્થનાએ સાધના તરીકેનું મહત્ત્વ ગુમાવી દીધું. પ્રાચીન ભારતમાં એક સમયે જે એક અગત્યની આધ્યાત્મિક સાધના હતી અને જે બહોળા પ્રમાણમાં વિસ્તરાયેલી હતી તે પ્રાર્થનામાંથી વસ્તુત: ગાયત્રી જ એકમાત્ર પ્રાર્થના આજે જીવંત રહી છે. વૈદિક કર્મકાંડનું સ્થાન નવા કર્મકાંડે લીધું. કાળક્રમે આરણ્યક ગ્રંથોમાં વર્ણવાયેલ ધ્યાન પણ ભુલાઈ ગયું અને વિવિધ દેવતાઓનાં નવા પ્રકારનાં ધ્યાને તથા પતંજલિએ વર્ણવેલા યોગે તેમનાં સ્થાન લઈ લીધાં છે. એકાગ્રતા એ ધીમે ધીમે આધ્યાત્મિક સાધનાની મહત્ત્વની કસોટી તથા સ્વરૂપ બની ગયાં. (ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી વાલ્મિક દેસાઈ

સંદર્ભ સૂચિ

૧. મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ : શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ – ૧ (૧૯૮૨) પૃ. સં. ૩૬ અને ૨૩૯

Total Views: 229

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.