જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને ફરી આવી ગઈ દિવાળી! દિવાળી એટલે દીપાવલી – દીપોત્સવી – દીવાઓનો ઉત્સવ. અમાવાસ્યાની રાતને આપણે અસંખ્ય દીપો પ્રગટાવી ઝગમગતા પ્રકાશમાં પલટાવી દેશું અને હવે તો કેટલાય પ્રકારની ઈલેક્ટ્રીક લાઈટો ઉપલબ્ધ છે! આ બધાથી આપણે અમાસની રાતને દિવસમાં પલટાવી દેશું. એ તો સરસ વાત છે. પણ પ્રશ્ન થાય છે આપણા સૌના અંતરમાં અત્યારે જે અજ્ઞાનરૂપી, મોહરૂપી, સ્વાર્થપરાયણતારૂપી અંધકાર છવાયેલો છે, તેનું શું?

આ સંદર્ભમાં ગાંધીજીએ ૨૩-૧૧-૧૯૪૭ના ‘હરિજનબંધુ’માં સાચી રોશની વિષે લખ્યું હતું તે કેટલું પ્રાસંગિક છે! તેમણે લખ્યું હતું : ‘અફસોસ!.. આજે હિંદમાં રામરાજ્ય નથી, તો પછી આપણે દિવાળીની ઉજવણી કઈ રીતે કરી શકીએ? રામના વિજયની ઉજવણી તેણે જ કરવાની હોય જેના દિલમાં રામ વસેલો હોય. કેમ કે માણસોનાં દિલને અથવા આત્માને અજવાળવાને એક ઈશ્વર જ સમર્થ છે અને એ અજવાળાની જ કિંમત છે… ટોળેટોળાં માણસો એ જલાવેલા દીવાની રોશની જોવાને જાય છે. પરંતુ આજે આપણને માણસના દિલમાં પ્રેમનું અજવાળું પ્રગટાવવાની જરૂર છે. રામ અને રાવણ દૈવી અને આસુરી સંપત્તિ વચ્ચે માણસના દિલમાં ચાલતા આવેલા સનાતન દ્વંદ્વયુદ્ધનાં પ્રતીક છે અને તેથી અજવાળું એ દિલમાં પ્રગટ થવું જોઈએ.’ માટે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ : “પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ.”

આજે આપણે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. વિશ્વમાં યુદ્ધનાં કાળાં વાદળો છવાઈ રહ્યાં છે. આપણા દેશમાં – સમાજમાં અમાવાસ્યાની રાત્રિનો અંધકાર વ્યાપી રહ્યો છે. એક તરફ તો ઘોર કાળાબજાર, માનવીય અને નૈતિક મૂલ્યોનો સંપૂર્ણ હ્રાસ, તો બીજી તરફ સાંપ્રદાયિકતાનો જુવાળ. વધતી જતી મોંઘવારીની ભીંસમાં સપડાઈને મધ્યમ વર્ગ પણ ગરીબોની જેમ ત્રાહિ-ત્રાહિ કરી રહ્યો છે. આજે ૪૩ વર્ષોની સ્વતંત્રતા પછી પણ દેશમાં ૬૦ ટકાથી વધુ લોકો નિરક્ષર છે, અને જેઓ શિક્ષિત છે તેઓ બેકાર છે! અને શિક્ષણનું પણ કેવું ભયંકર અવમૂલ્યન થયું છે! આવી કારમી પરિસ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ શોધવા આપણે હૃદયપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરીએ, “પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ.”

આજથી ૯૬ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશની કારમી પરિસ્થિતિનો ચિતાર આપતો પત્ર લખ્યો હતો તે આજે પણ કેટલો બધો પ્રાસંગિક છે! ૧૮૯૪માં શિકાગોથી તેમણે મદ્રાસના નવયુવક આલાસિંગાને પત્રમાં લખ્યું હતું – “આપણે પ્રાર્થના કરીએ કે, ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ.’ એટલે અંધકારમાંથી પ્રકાશનું કિરણ આવશે અને આપણને દોરી જવા માટે એક હાથ આગળ લંબાશે. હું તમારે માટે નિત્ય પ્રાર્થના કરું છું અને તમારે મારા માટે અવશ્ય પ્રાર્થના કરવી. ગરીબાઈ, પુરોહિતોની ચાલબાજી અને સામાજિક અત્યાચારો દ્વારા સખત ઝકડાઈ રહેલા, ભારતવર્ષના લાખો પદદલિત લોકો માટે આપણે દરેકે અહર્નિશ પ્રાર્થના કરવી જોઈએ. એમને માટે અહર્નિશ પ્રાર્થના કરજો. કુલીન અને ધનિક લોકો કરતાં આવા લોકોને ધર્મનો ઉપદેશ આપવાની હું વધુ પરવા કરું છું. હું નથી કોઈ તત્ત્વજ્ઞાની કે નથી કોઈ ફિલસૂફ કે નથી કોઈ સંત. કેવળ એક ગરીબ છું, ને હું ગરીબને ચાહું છું. હું તો જોઈ રહ્યો છું કે, આ દેશના લોકો પોતાના ગરીબ-ભાઈઓને શી રીતે બોલાવે છે અને કેટલા બધા લોકો એમને માટે લાગણી ધરાવે છે! ભારતવર્ષમાં આના કરતાં કેવી જુદી જ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે! ગરીબાઈ અને અજ્ઞાનમાં સદાને માટે ગરક થઈ ગયેલાં વીસ કરોડ જેટલાં નરનારીઓ માટે ત્યાં કોણ લાગણી ધરાવે છે? આમાંથી રસ્તો ક્યાં છે? એ ગરીબો માટે લાગણી કોણ ધરાવે છે? તેઓ બિચારાં જ્ઞાનનો પ્રકાશ કે કેળવણી પામી શક્યાં નથી. તે લોકોને જ્ઞાનનો પ્રકાશ કોણ આપશે? એમને ભણાવવા માટે બારણેબારણે કોણ ભટકશે? આ ગરીબ માનવીઓને જ તમે ઈશ્વર સમજો. તમે એમના વિશે વિચાર કરો, એમને માટે જ કાર્ય કરો, એમને માટે સતત પ્રાર્થના કરો.

પરમેશ્વર તમને માર્ગ સુઝાડશે. ગરીબ લોકો માટે જેનું હૃદય દ્રવે તેને હું ‘મહાત્મા’ કહું છું, નહિ તો એ ‘દુરાત્મા’ છે. એમના ભલા માટે સતત પ્રાર્થના કરવાનો દૃઢ સંકલ્પ આપણે એકસાથે જ કરીએ. કોઈની સહાનુભૂતિ વગર કે પાછળ મુદ્દલ આંસુ સાર્યા વગર, કશી પ્રસિદ્ધિ પામ્યા વગર, તદૃન અજ્ઞાતપણે કદાચ આપણું મૃત્યુ થાય, તો પણ આપણે વહેતો મૂકેલો એક પણ વિચાર નિષ્ફળ જવાનો નથી. વહેલો કે મોડો એ વિચાર અવશ્ય ફળીભૂત થવાનો છે. મારું હૃદય એટલું બધું ભરાઈ આવ્યું છે કે, મારી લાગણીને હું વ્યક્ત કરી શકતો નથી. તમે એ જાણો છો; તમે એની કલ્પના કરી શકશો. જ્યાં સુધી લાખો મનુષ્યો ભૂખમરા અને અજ્ઞાનની દશામાં જીવે છે ત્યાં સુધી એ ગરીબોના ભોગે શિક્ષણ પામીને જે માણસ તેમના પ્રત્યે જરા પણ ધ્યાન આપતો નથી એવા દરેકેદરેકને હું દેશદ્રોહી ગણું છું! ગરીબોને પીસીને પોતાનો તમામ પૈસો કમાનારા, ફુલફટાક થઈને દમામભેર ફરનારા લોકો જ્યાં સુધી ભૂખ્યા જંગલીઓની કોટિમાં આવી રહેલા આ વીસ કરોડ લોકો માટે કશું કરતા નથી, ત્યાં સુધી એવા લોકોને હું અધમ કહીશ. મારા ભાઈઓ! આપણે ગરીબ છીએ. આપણે કશી વિસાતમાં નથી, પરંતુ આવા લોકો જ હંમેશાં મહાન પરમેશ્વરને હાથે નિમિત્ત બની રહ્યા છે. ઈશ્વર તમારું સૌનું કલ્યાણ કરો.” આ દિવાળી પ્રસંગે આપણે સ્વામીજીના આ વિચારોને વિશેષરૂપે સ્મરીએ અને પ્રાર્થના કરીએ : “હે પ્રભુ, પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ.”

આ દિવાળી પ્રસંગે ‘તમસો મા જ્યોતિર્ગમય’ના વેદભાખ્યા સંદેશના ધ્વનિને સાંભળીએ : ‘ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા.’

આ વર્ષે દીપાવલીના દિવસે આપણે દીપ જરૂર પ્રગટાવીએ, પણ અંતરના અજવાળા માટે પ્રભુને પ્રાર્થના કરવાનું ન ભૂલીએ –

‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ.’

Total Views: 733

2 Comments

  1. Mukesh Sarvaiya October 24, 2022 at 4:26 pm - Reply

    Very nice 👌

  2. Shakti Kishorbhai Gohel October 24, 2022 at 7:01 am - Reply

    😇 🙏

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.