બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વિદ્વાન સંન્યાસી હતા. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વચિંતન’ વિદ્વાનોમાં બહોળો આદર પામ્યો છે. આ ગ્રંથનો પુનર્જન્મમીમાંસાને આવરી લેતો ભાગ અમે ધારાવાહિકરૂપે રજૂ કરીએ છીએ.

वासांसि जीर्णानि यथाविहाय नवानि गृहणाति नरोडपराणि ।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥

(ગીતા-૨-૨૨)

“જેવી રીતે મનુષ્ય ફાટ્યાંતૂટ્યાં કપડાં ઉતારીને બીજાં નવાં કપડાં પહેરી લે છે, તેવી જ રીતે, આ શરીરધારી આત્મા પણ જૂનાંપુરાણાં શરીરો છોડીને બીજાં નવાં શરીરોમાં પ્રવેશ કરે છે.”

ઉપરના શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા છે કે, આ દેખાતું શરીર નાશ પામતાં એવું ન સમજવું જોઈએ કે, બધુંય ખલાસ થઈ ગયું. જો આ શરીરનો નાશ થઈ જાય તો શરીરધારી આત્માને ફરીથી એક નવું શરીર મળી જાય છે. જેવી રીતે માણસ પોતાનાં ફાટેલાં-તૂટેલાં કપડાં છોડીને નવાં ધારણ કરી લે છે તેવી જ રીતે, આ દેહનો સ્વામી આત્મા આ શરીર જૂનું થઈ જતાં એને છોડી દે છે અને એક નવું શરીર ધારણ કરે છે.

ભગવાન કૃષ્ણનો આ તર્ક દેહાસક્તિને દૂર કરવા માટે છે. મનુષ્ય જે સહજભાવથી જૂનાં-જીર્ણશીર્ણ કપડાં બદલીને નવાં કપડાં પહેરી લે છે, એવા જ સહજભાવથી દેહી-દેહાભિમાની આત્મા પોતાનાં અત્યારનાં એટલે જૂનાં થઈ ગયેલાં શરીરોને છોડીને નવાં શરીરો ધારણ કરી લે છે. અહીં તાત્પર્ય છે ‘સહજભાવનું.’ માણસ જૂનાં કપડાં ઉતારવામાં કંઈ શોક કરતો નથી; પછી જૂનાં શરીરો છોડતી વખતે જ ભલા શા માટે શોક કરે? કારણ કે શરીરો તો આત્મા માટે વસ્ત્રો જેવાં જ છે, એવો આ શ્લોકનો આશય છે.

શ્રીભગવાન અર્જુનને જાણે કે એવું કહેવા માગે છે કે, હે અર્જુન! તું ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય વગેરેને માટે જે શોક કરી રહ્યો છે, તે યોગ્ય નથી. જો તું આત્માની દૃષ્ટિથી નિહાળે, તો એમાં ન તો કશું પરિવર્તન છે કે ન તો એમાં કોઈ મારવા-મરવાની ક્રિયા. અને જો તું એ લોકો તરફ શરીરની દૃષ્ટિએ જોતો હોય, તો એમનું આ શરીર નાશ પામતાં એમને નવું શરીર તો મળી જ જવાનું છે. દુર્યોધન વગેરે બાંધવોના મોતના મોઢામાં જવાની વાત વિચારીને જો તું દુ:ખી થતો હોય તો એ દુ:ખ પણ નકામું જ છે. એક તો, રણભૂમિમાં વીરગતિ પામીને તેઓ સ્વર્ગ જ મેળવશે અને બીજું, તેઓ ફરી વખત નવાં શરીરો ધારણ કરીને જન્મ લેશે. અર્જુન! શું તું જીવનને બસ આટલું જ માને છે કે, એક દિવસ એક જીવ પેદા થયો, થોડો સમય સંસારમાં રહ્યો અને છેવટે કાળનો કોળિયો બની ગયો? શું જીવનની ગાથા બસ આટલામાં જ સમાપ્ત થઈ ચૂકી? અરે, ના, ના, અર્જુન! જીવન તો શાશ્વત છે. આત્મા જ યથાર્થ જીવન છે. જીવન અને આત્મા બંને પર્યાયવાચી શબ્દો છે. જેવી રીતે આત્મા અવિનાશી અને શાશ્વત છે. તેવી રીતે જ જીવન પણ છે. ભલેને એક શરીર નાશ પામે, પણ ફરીથી જીવને નવું શરીર મળી જાય છે.

અહીં શરીરની નશ્વરતાની સરખામણીએ દેહી-શરીરાભિમાની આત્માની અવિનશ્વરતા પ્રદર્શિત કરવામાં આવી છે. અહીં વળી પુનર્જન્મના સિદ્ધાંતનો સંકેત પણ કરવામાં આવ્યો છે – એવું દર્શાવવામાં આવ્યું છે કે, જીવન કંઈ ફક્ત એક જ સાંકડા ઘેરાવામાં બંધાયેલું નથી; પણ જીવન તો અનેક જન્મોની અનંત શૃંખલા છે. આવો, હવે આપણે પુનર્જન્મના સિદ્ધાંત પર થોડો વિચાર કરી લઈએ.

પુનર્જન્મનો સિદ્ધાંત

ભારતભૂમિમાં ઉત્પન્ન થયેલા બધા જ દાર્શનિક મનવાદોની પોતાની એક એવી આગવી ખાસિયત રહી છે કે, જે આખા વિશ્વના કોઈ પણ ભૂમિખંડમાં પેદા થયેલા મતવાદોમાં જોવા મળતી નથી. આ ખાસિયત એ છે કે, આ બધા જ ભારતીય મતવાદોએ પુનર્જન્મ ઉપર વિશ્વાસ કર્યો છે. અહીં આપણે લોકાયત અથવા ચાર્વાક-દર્શનને ‘દર્શન’ની શ્રેણીમાં લેતા નથી. વિશ્વના પ્રાચીનતમ સાહિત્ય ઋગ્વેદમાં આપણને જન્મપરંપરાનો ઉલ્લેખ સાંપડે છે. એથી સાબિત થાય છે કે, જ્યારથી દાર્શનિક ચિંતનનાં કિરણો ભારતના હૃદયાકાશમાં ફેલાયાં, ત્યારથી માંડીને પુનર્જન્મનો સિદ્ધાંત સુદૃઢરૂપે સ્વીકારાયો છે અને પોષાયો છે. પુનર્જન્મ પર વિશ્વાસ રાખનારા આ બધા જ ભારતીય મતવાદોને ‘હિન્દુધર્મ’ના વ્યાપક નામાભિધાનની અંદર મૂકી શકાય. ભલે પછી તે સનાતની હોય કે જૈન, બોદ્ધ હોય કે શીખ, વેદાંત હોય કે શાકત, શૈવ હોય કે ગાણપત્ય, આર્યસમાજી હોય કે બ્રાહ્મણ બહારના ધર્મો, જેવા કે ખ્રિસ્તીધર્મ અને ઇસ્લામધર્મ વગેરે પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતા નથી. પરંતુ પુનર્જન્મનો સિદ્ધાંત ઘણો યુક્તિપૂર્ણ અને તર્કસંગત છે. આપણે આપણા આ વિવેચનમાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમપ્રમાણના આધાર પર એ જ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીશું. આ સિદ્ધાંત અખિલ વિશ્વને હિંદુધર્મે કરેલું મોટું પ્રદાન છે. અન્ય બહારના ધર્મો, જીવનની જે સમસ્યાઓનું સુયોગ્ય સમાધાન નથી આપી શકતા, તે સમસ્યાઓનો ઉકેલ, આ પુનર્જન્મના અને કર્મના સિદ્ધાંતને જોરે હિંદુધર્મ પૂરેપૂરા તર્ક સાથે રજૂ કરે છે. વળી, આગળના પૃથક્કરણથી આપણે જોઈશું અને અનુભવીશું કે, આ તર્કોમાં પૂરેપૂરી વૈજ્ઞાનિકતા અને સંગતતા છે.

પુનર્જન્મનો સિદ્ધાંત આ તર્ક પર ખડો થયેલો છે કે કંઈ ફક્ત એક જ જન્મ આ જગતમાં વ્યાપેલી વિષમતાની મીમાંસા કરી શકતો નથી. જો આપણે આ જ જીવનને સર્વસંપૂર્ણ માની લઈએ, તો માણસ-માણસ વચ્ચે અરસપરસ જે ભેદ જોવામાં આવે છે, એનો ખુલાસો કેમ થઈ શકે? કોઈ ભલો હોય છે તો કોઈ બૂરો; કોઈ કદરૂપો તો કોઈક રૂપાળો; કોઈ રોગી તો કોઈક નીરોગી; કોઈક ધનિક તો કોઈક નિર્ધન; આ વિષમતાનું કારણ શું? આના ઉત્તરમાં જો એમ કહેવામાં આવે કે, ‘જેવું ઈશ્વરને ગમ્યું, તેવું તેમણે બનાવ્યું. તો એ કંઈ કોઈ વૈજ્ઞાનિક ઉત્તર ન ગણાય. આમાં તો ઈશ્વર ઉપર પક્ષપાત અને વિષમદૃષ્ટિનો દોષ લાગી જાય છે. આપણે જો ઈશ્વરને સૃષ્ટિના સર્જનહાર માનતા હોઈએ તો સાથોસાથ એને ન્યાયી, કરુણામય એવાં સંબોધનોય કરીએ છીએ, તો આવો ઈશ્વર કેટલાક ઉપર અન્યાય ભલા કેવી રીતે કરી શકે? એટલે આ તો કંઈ સમાધાન જ ન થયું. આ જ જીવનને સર્વસંપૂર્ણ માની લેવાથી દોષ ઉત્પન્ન થાય છે. હિન્દુ ધર્મ સિવાયના વિશ્વના ઈતર ધર્મો આ સમસ્યાનો જે ઉત્તર આપે છે, એની પાછળ કોઈ તર્કયુક્તિનુંય બળ નથી અને કોઈ અનુભૂતિનુંય બળ નથી. વિજ્ઞાનની પાસે પણ આ કોયડાનો કશો ઉકેલ નથી.

ડાર્વિનનો ક્રમવિકાસવાદ : કાલ્પનિક પ્રશ્નોત્તર

પુનર્જન્મનો સિદ્ધાંત આ ધારણાથી પ્રેરિત થાય છે કે, જીવનપ્રવાહનું એક વિશિષ્ટ લક્ષ્ય હોય છે અને એ લક્ષ્યને પામવા માટે જ જીવોને જીવનક્રમમાંથી પસાર થવું પડે છે. બીજા ધર્મો જીવનના લક્ષ્યના વિષયમાં જે ધારણા સેવે છે, એ માનવની બુદ્ધિવૃત્તિને સંતોષ આપી શકતી નથી. એકમાત્ર હિન્દુધર્મ જ માનવજીવનના પ્રયોજનની બુદ્ધિસંમત વ્યાખ્યા રજૂ કરે છે અને કહે છે કે, જીવનક્રમનું એક વિશિષ્ટ લક્ષ્ય છે. પહેલાંનું વિજ્ઞાન પણ ભૌતિકવાદીઓની પેઠે આ જીવનને આકસ્મિક માનતું હતું. એ પણ આ જીવનની પાછળના કોઈ લક્ષ્યને કે ઉદ્દેશ્યને જોઈ શક્યું ન હતું; પણ આજે એ વિજ્ઞાન કોઈ પણ ઘટનાને આકસ્મિક ગણતું નથી. જો કોઈ વાત કે ઘટના કેવળ “આકસ્મિક’ દેખાય તો તે ફક્ત એટલા માટે જ એવી દેખાય છે કે, આપણે એની પાછળ છુપાયેલા નિયમને જાણવા અસમર્થ છીએ. વિજ્ઞાનના કેશમાં ‘આકસ્મિકતા’નો આજે બસ ફક્ત આટલો જ અર્થ છે. એ જ રીતે, આજનું વિજ્ઞાન, જીવનને નિરુદ્દેશ્ય પણ નથી માનતું. જ્યારે ચાર્લ્સ ડાર્વિને ક્રમવિકાસના સિદ્ધાંતની ઘોષણા કરી હતી, ત્યારે જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં ભારે ખળભળાટ થઈ ઊઠ્યો હતો. એમણે પોતાની આ ‘Theory of Evolution’ એટલે કે ક્રમવિકાસના સિદ્ધાંત દ્વારા જીવનનો ક્રમ સમજાવવાનો પ્રયાસ કર્યો. એમણે આ જીવનપ્રવાહનું સૂક્ષ્મ અધ્યયન કર્યું અને એમાં એક ક્રમ જોયો. એમણે ઘોષણા કરી કે, વિશ્વમાં જેટલી યોનિઓ (Species) જોવામાં આવે છે, તે બધી જ એક ક્રમમાં બંધાયેલી છે અને આ ક્રમને એમણે ‘વિકાસનો ક્રમ’ (Process of Evolution)ના નામે દર્શાવ્યો. ખૂબ સ્થળ નજરે જો એમના આ ક્રમવિકાસની ચર્ચા કરીએ તો કંઈક આ પ્રકારનો હશે :

(૧) જીવનપ્રવાહનો પ્રારંભ ‘અમીબા’ (જીવાણુ કોશ)થી થાય છે.

(૨) આ જીવનપ્રવાહ જુદી જુદી યોનિઓનો વિકાસ કરતો કરતો મનુષ્યયોનિ સુધી જાય છે.

(૩) જીવનપ્રવાહનાં એક યોનિમાંથી બીજી યોનિમાં જવાનાં બે કારણો પ્રતીત થાય છે – એક તો Survival of The Fittest (બલિષ્ઠ અતિજીવિતા) એટલે કે જે સૌથી વધુ યોગ્ય હોય તે જ બચે અને બીજું, ‘Natural Selection’ – (પ્રાકૃતિક નિર્વાચન) અથવા ‘Sexual Selection’ (યૌન નિર્વાચન – પસંદગી).

આપણે અહીં aberration – નિયમભંગનો ઉલ્લેખ છોડી દઈએ, તો પણ કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. એક કલ્પના કરો કે, આપણે વિકાસવાદીને આવા પ્રશ્નો પૂછી રહ્યા છીએ અને તે આપણને એના ઉત્તરો આપી રહ્યા છે :

પ્રશ્ન : વિકાસવાદીશ્રી, આપે કહ્યું કે જીવનપ્રવાહ જુદી જુદી યોનિઓનો વિકાસ કરતો કરતો મનુષ્યયોનિ સુધી પહોંચે છે, તો શું પછી તે ત્યાં જ રોકાઈ રહે છે કે એનાથી પણ આગળ વધે છે?

વિકાસવાદી : એનો કોઈ સ્પષ્ટ ઉત્તર મારી પાસે નથી.

પ્રશ્ન : ઠીક, તો આપ આ જીવનપ્રવાહનું કોઈ એવું લક્ષ્ય માનો છો ખરા, કે જેને પ્રાપ્ત કરવા માટે આ આખોય વિકાસક્રમ કાર્ય કરી રહ્યો હોય?

વિકાસવાદી :- એવું તો કંઈ જણાતું નથી.

પ્રશ્ન : ચેતના (Consciousness) વિશે આપની શી ધારણા છે?

વિકાસવાદી : વિકાસના ક્રમમાં ક્યાંક કોઈક એવી પરિસ્થિતિઓ આવે છે કે જ્યારે ચેતના આકસ્મિક રીતે આપોઆપ ઉત્પન્ન થઈ જાય છે એટલે એ આકસ્મિક છે.

પ્રશ્ન : આપ મનુષ્યના પુનર્જન્મમાં વિશ્વાસ કરો છો ખરા કે?

વિકાસવાદી : નહિ.

પ્રશ્ન : બુદ્ધ, ઈસુ, વગેરે જે કોઈ મહામાનવો જોવામાં આવે છે, તે બધા તો સામાન્ય માણસોથી ખૂબ ઉપરની કક્ષાએ પહોંચેલા દેખાય છે. તો શું આપને આપના સિદ્ધાંતની દૃષ્ટિએ આ અંતરનું કોઈ કારણ જણાય છે ખરું?

વિકાસવાદી : નહિ.

પ્રશ્ન : માણસ માણસ વચ્ચે જે ભેદો અને વિષમતાઓ દેખાય છે, એને આપ કેવી રીતે સમજાવશો?

વિકાસવાદી : એનો કોઈ સ્પષ્ટ અને સમાધાનકારક ઉત્તર મારી પાસે નથી.

પ્રશ્ન : જો આપ એમ માનતા હો કે, બધી યોનિઓ વિકાસક્રમમાં બંધાયેલી છે, તો પછી માણસ પણ વિકાસક્રમના નિયમો અને સિદ્ધાંતોથી બંધાયેલો જ રહેવાનો. એનો અર્થ તો એ થયો કે, માણસ પ્રકૃતિ દ્વારા બંધાયેલો છે અને એ પોતાની ઈચ્છાથી કશું જ કરી શકતો નથી.

વિકાસવાદી : હા જ તો; બધી જ યોનિઓ વિકાસક્રમના હાથમાં યંત્ર જેવી જ છે. કુદરતના હાથની કઠપૂતળી જેવી જ છે. મનુષ્ય પણ એનો અપવાદ નથી.

પ્રશ્ન : ઠીક, તો પછી જેમ આપ ક્રમવિકાસની વાત સ્વીકારો છે, તેમ ક્રમસંકોચની વાત સ્વીકારો છો ખરા કે?

વિકાસવાદી : નહિ.

પ્રશ્ન : હવે એક છેલ્લો પ્રશ્ન. અમીબાથી માંડીને મનુષ્ય સુધીની આપ કુલ કેટલી યોનિઓ માનો છો?

વિકાસવાદી : આ માનવાનો સવાલ નથી. આ તો શોધખોળનો સવાલ છે. હજુ તો હું શોધખોળમાં લાગેલો જ છું. આપ આ પ્રશ્ન મારા પછી આવનારા જીવશાસ્ત્રીઓને પૂછજો. એ લોકો વધારે સાચો ઉત્તર આપી શકશે.

પરંતુ, આજનું આ વીસમી સદીનું વિજ્ઞાન પણ આમાંથી ઘણાબધા પ્રશ્નોનો સમાધાનકારક ઉત્તર આપી શક્યું નથી. વળી, ડાર્વિનની દૃષ્ટિથી હમણાં જે ઉત્તરો આપવામાં આવ્યા છે, એમાંના ઘણાખરા ઉત્તરો વિજ્ઞાનની ધારણાની દૃષ્ટિએ કેવા ખોટા છે, એ તો આપણે હમણાં જ જોઈશું. પણ ‘કર્મવાદ’ અને ‘પુનર્જન્મવાદ’ એવા બે એટલા શક્તિશાળી હિન્દુ સિદ્ધાંતો છે કે જે ઉપલા બધા જ પ્રશ્નોના સમાધાનકારક ઉત્તર આપી શકે છે. વિજ્ઞાનની પ્રયોગશાળામાં ભલેને આ બન્ને સિદ્ધાંતોનો પ્રયોગ ન થયો હોય, છતાં પુનર્જન્મની અનેક ઘટનાઓ, ભૂતકાળ અને ભવિષ્યના ગાઢ અંધકારમય પડદામાં એક બાકોરું તો અવશ્ય પાડી દે છે. આ બંને સિદ્ધાંતોની પુષ્ટિ કરતા તર્કો અટકાય છે. આ બધા જ પ્રશ્નો એકબીજા સાથે સંકળાયેલા હોવાને લીધે બધાને એકીસાથે જ આપણી ચર્ચામાં સાંકળી લઈશું.

પુનર્જન્મની ઘટનાઓ : પરામનોવિજ્ઞાન

હિન્દુદર્શન જીવનપ્રવાહને અનાદિ અને અનંત માને છે. જીવન એક વહેતી નદી જેવું છે. આપણે એક સ્થળે ઊભા રહીને કોઈ નદીને જોતા હોઈએ તો એનો કેટલો ભાગ જોઈ શકીએ છીએ? સંભવત: લગભગ સો ગજની લંબાઈ જ ફક્ત નિહાળી શકીએ. એની આગળનો કે પાછળનો ભાગ જોઈ શકતા નથી. પણ એનો અર્થ કંઈ એવો તો ન જ થાય કે, નદી ફક્ત સો ગજ જ લાંબી છે! જ્યાંથી નદીનું દેખાવું શરૂ થાય છે, એની પહેલાંના ભાગમાં નદી તો એની એ જ છે પણ આપણી આંખો એ ભાગને જોઈ શકતી નથી. એવી જ રીતે, જ્યાં સુધી નદી દેખાય છે, એના પછીના ભાગમાં પણ નદી તો એની એ જ છે. પણ આંખો એની દૃષ્ટિશક્તિની મર્યાદાને કારણે આગળના એ ભાગને નિહાળી શકતી નથી. આ જીવન પણ એવી જ રીતે સતત વહેતી સરિતા સમાન જ છે. જે દિવસે આપણે ઉત્પન્ન થયા, એની પહેલાંના ભાગને તેમ જ જે દિવસે આપણે મૃત્યુને ખોળે અદૃશ્ય થઈ જઈએ છીએ, તો પછીના ભાગને આપણે જોઈ શકતા નથી. પણ એનું તાત્પર્ય એવું તો નથી જ કે, વર્તમાન જીવનની પહેલાં આ જીવન હતું જ નહિ. અથવા તો વર્તમાન જીવન પછી જીવન રહેશે નહિ. આપણી દૃષ્ટિશક્તિની પરિચ્છિન્નતાને લીધે આપણે ભૂતકાલીન અને ભવિષ્યકાલીન જીવનને જોઈ શક્યા નથી. દૃષ્ટિશક્તિની આ પરિચ્છિન્નતા, દેહ અને મનના પડદાને કારણે ઉત્પન્ન થાય છે. જે લોકો આ પડદાને થોડો ઊંચો કરી શકે છે, તેઓ જીવનની નિત્યતા નિહાળી શકે છે. એમને માટે કાળના ત્રણેય ભેદો સમાપ્ત થઈ જાય છે. કોઈ કોઈકના જીવનમાં આ પડદો એની મેળે જ થોડો સમય હટી જાય છે અને તેઓ ભૂતકાલીન જીવનને જોવા સમર્થ બની જાય છે. આપે એવી કેટલીય ઘટનાઓ સાંભળી અને વાંચી હશે કે, જેમાં એક નાનકડો છોકરો કે નાનકડી બાલિકા પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરવા લાગે છે અને તપાસ-ખોજ કરતાં એ વાતો સાચી સાબિત થાય છે. વળી, આવી ઘટનાઓ કેવળ કંઈ એકલા ભારતમાં જ થતી હોતી નથી; પણ જેઓ પુનર્જન્મના સિદ્ધાંતને નથી માનતા તેવા રશિયા, અમેરિકા, ઈંગ્લેન્ડ અને યુરોપના બીજા અનેક દેશોમાં પણ આવી ઘટનાઓ બનતી જાણી છે. જો જીવનમાં નિત્યતા ન જ હોય તો એ બાળક કે બાલિકાની વાતો સાચી કેમ ઠરે? આજકાલ જે લોકો, ‘પેરાસાઈકોલોજી’ (પરામનોવિજ્ઞાન)માં વધારે રસ લે છે, તે લોકો આવી ઘટનાઓને ‘એક્સ્ટ્રા સેન્સરી પર્સેપ્શન’ (ઇન્દ્રિયાતિરિક્ત દર્શન)નું નામ આપીને ઓળખે છે. પણ ખાલી નામકરણ કંઈ કોઈ વસ્તુનું સ્પષ્ટીકરણ કરી દેતું નથી. જો એમ જ માની લઈએ કે, આવી ઘટના Extra-Sensory Perception (એક્સ્ટ્રા સેન્સરી પર્સેપ્શન)નું પરિણામ છે, તો એ પ્રશ્ન ઊભો થાય કે, તો પછી ફક્ત એ જ બાલક કે ફક્ત એ જ બાલિકાની બાબતમાં જ એ ઘટના કેમ બની? વળી, એ જ ઘટના ફરી વખત કોઈ બીજાની બાબતમાં કેમ બનતી નથી? આ પ્રશ્નોના કોઈ સમાધાનકારી ખુલાસા મળતા નથી. એટલે એ સ્વીકાર્યા વગર તો છૂટકો જ નથી કે જીવન નિત્ય છે.

વિકાસવાદની સમીક્ષા

અને વળી, હિન્દુદર્શન જીવનપ્રવાહને નિત્ય માને છે. એટલા માટે એ કહે છે કે, આ જીવનપ્રવાહની ગતિ વર્તુળાકાર હોય છે. એક વર્તુળને વિશે એમ દર્શાવી શકાતું નથી કે, એની શરૂઆત ક્યાંથી થઈ અને એનો છેડો ક્યાં આવ્યો. જીવવિજ્ઞાન જરા જુદી જુદી રીતે આ જ વાત તરફ આંગળી ચીધે છે. જ્યારે વિકાસવાદી કહે છે કે, વિકાસનો પ્રવાહ ‘અમીબા’થી શરૂ થઈને સીધો મનુષ્ય સુધી ચાલ્યો આવ્યો અને એ રીતે ચાલતો રહેવાનો, તો વિજ્ઞાનની દૃષ્ટિએ આ કથનમાં એક દોષ છે. વિજ્ઞાન કહે છે કે, સીધી લીટીમાં કોઈ ગતિ હોતી નથી. વિજ્ઞાનનો સિદ્ધાંત એ છે કે, સરળ રેખાને જો અનંત દૂર સુધી ફેલાવવામાં આવે, એ સરળ રેખા રહેશે નહિ; પણ વર્તુળનું રૂપ જ લઈ લેશે. આ વાત તો એક રીતે હિન્દુ વિકાસક્રમના સિદ્ધાંતને જ પુષ્ટ કરવા તરફ ઢળે છે. બીજી વાત આપણા મનમાં એક તર્ક ઊભો કરે છે, તે એ કે ‘વિકાસ’ એમ કહેવાથી જ ‘સંકોચ’નો બોધ થાય છે. જો આપણે Evolution (ક્રમવિકાસ)નો સ્વીકાર કરીએ, તો આપણે Involution (ક્રમસંકોચ)નો પણ સ્વીકાર કરવો પડે. જ્યારે આપણે કહીએ કે, ‘અમીબા’થી જીવપ્રવાહ ક્રમવિકસિત થાય છે, તો એ પણ માનવું પડશે કે, ‘અમીબા’માં કંઈક ક્રમસંકુચિત હતું તો ખરું કે જેનો વિકાસ, વિકાસવાદીના કહેવા પ્રમાણે થાય છે. પણ જીવશાસ્ત્રીઓ એ બતાવી શકતા નથી કે ‘અમીબા’માં આવીને સંકુચિત થઈ ગયેલું આ ‘કંઈક’ છે શું? અને સંકોચની ધારણા વગર તો વિકાસની ધારણા બની શકતી નથી! કેવળ વિકાસને સ્વીકારીને સંકોચને ન સ્વીકારવાની વાતો તો અવૈજ્ઞાનિક જ છે.

ત્રીજી વાત, જે વિજ્ઞાન આપણને કહે છે તે એ છે કે, શૂન્યમાંથી તો કશું જ જન્મતું નથી. જ્યારે જીવશાસ્ત્રી કહે છે કે, ચેતના (Consciousness) અચાનક જ, વિકાસક્રમની કેટલીક પરિસ્થિતિઓ ઊભી થવાને લીધે એકાએક જ ઉત્પન્ન થઈ જાય છે, તો વિજ્ઞાનની દૃષ્ટિએ એ પણ ખોટું છે. જો આ ચેતના પહેલેથી જ જીવનક્રમમાં વિદ્યમાન ન હોય તો કોઈ પણ રીતે એ જન્મી ન શકે, વિકાસક્રમમાં પાછળથી ભલે ગમે ત્યારે એ ચેતના પ્રગટ થાય, પણ પ્રારંભમાં હાજર તો હોવી જ જોઈએ. હા, પહેલાં એ અપ્રગટ હોય અને કેટલીક પરિસ્થિતિઓએ મળીને એને પ્રગટ કરી દીધી હોય, એમ બને. તાત્પર્ય એ છે કે, પરિસ્થિતિઓ કંઈ જબરદસ્તીથી કોઈ નવું તત્ત્વ, કોઈ મૌલિક તત્ત્વ સર્જી શકતી નથી. એ તો ફક્ત છુપાયેલા, અપ્રગટ તત્ત્વને માત્ર પ્રગટ જ કરી શકે છે અને ચેતના તો જીવનનું મૌલિક તત્ત્વ છે. એટલે એ તો પ્રારંભમાં હોવી જ જોઈએ. (ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 245

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.