શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદોમાંના એક હતા, અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. ભક્તો અને સંન્યાસીઓની સાથે થયેલા તેમના ધર્માલાપ બંગાળી પુસ્તક ‘શિવાનંદ વાણી’માં સંગૃહીત કરવામાં આવ્યા છે. આ પુસ્તકનું ભાષાંતર ટૂંક સમયમાં જ પ્રગટ થશે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.

(બેલુરમઠ-શનિવાર ૩જી સપ્ટેમ્બર-૧૯૨૭) ભક્ત :- શ્રી ઠાકુર દીક્ષા પણ આપતા કે?

શ્રી મહાપુરુષ મહારાજ :- હા, આપતા, પણ બહુ થોડાને. તેમની દીક્ષા તો સામાન્ય ‘કાનફૂકિયા’ દીક્ષા ન હતી. તે તો સ્પર્શ માત્રથી કોઈકમાં ચૈતન્ય જાગૃત કરી દેતા, તો કોઈકની જીભ પર બીજ મંત્ર લખી કુંડલિની જાગૃત કરી દેતા. અને વળી કોઈના મનને ફેરવી નાખતા. તેઓ તો જગદ્‌ગુરુ હતા. તેમની તો વાત જ નિરાળી! “જગદ્‌ગુરુ મંત્ર આપે અંતકરણમાં અને મનુષ્ય-ગુરુ મંત્ર આપે કાનમાં.” તેઓ ભક્તના હૃદયમાં ઈશ્વરીય શક્તિ અને ભાવ ઉદ્દીપિત કરી દેતા તથા અધિકારભેદ પ્રમાણે સાધકો પાસે અલગ અલગ પ્રકારની સાધના કરાવતા. તેઓ બધાને એક જ પ્રકારનો ઉપદેશ ન આપતા. એમની પાસે તો સાધનાની વિવિધતા હતી, જેની જે માર્ગ સાધના કરવાની અભિરુચિ હોય, તેને તેઓ તે જ માર્ગે આગળ વધવા સહાયક થતા.

જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ હવે મને ખ્યાલ આવે છે કે, તેમણે વિવિધ પ્રકારની સાધના શા માટે કરેલી! ‘બધા ધર્મો સત્ય છે, અને બધા ધર્મો દ્વારા એ જ પરમ પુરુષ સન્યસ્વરૂપ ભગવાનની પ્રાપ્તિ થાય.’ – આ નૂતન સત્યના આવિષ્કાર અને તેની અનુભૂતિ માટે જ તેમણે સર્વ ધર્મની સાધના કરી હતી તેવું નથી, પરંતુ તે સાધના પાછળ ગૂઢ રહસ્ય રહેલું છે. આ બધા ધર્મને ઉદ્‌બુદ્ધ કરવા માટે તેઓએ આ વિવિધ ધર્મોની સાધના કરી હતી, તેથી જ તો અત્યારે બધા ધર્મોમાં એક નવીન જાગૃતિ આવી છે અને પ્રત્યેક સંપ્રદાયના લોકો શ્રી શ્રીઠાકુરના જીવનને આદર્શરૂપ માને છે, કેટલાયે ખ્રિસ્તીઓ તેમને ઈસુખ્રિસ્ત સમજીને તેમને પૂજે છે. આ બધું કોઈ પ્રચારનું ફળ નથી તેમ માનજો. તેમનો કોણ પ્રચાર કરી શકે, બોલો? સત્યસ્વરૂપને કોણ પ્રકાશિત કરી શકે? તેથી તો ગીતામાં છે – “न तद् भासयते सूर्यो न शशांको न पावक: ।” (ગીતા ૧૫:૬) ‘તે બ્રહ્મસ્વરૂપને ન સૂર્ય પ્રકાશિત કરી શકે, ન ચંદ્ર, ન અગ્નિ.’ તમને જાણીને આશ્ચર્ય થશે કે, આજકાલ ઘણાં મુસ્લિમ સ્ત્રી-પુરુષો શ્રી શ્રીઠાકુરને ખુદાના પયગંબર મહમદ સમજીને વંદે છે, ભજે છે. હું એક વર્ષે નીલગિરિ પર્વત (ઉતાકામંડ) ગયો હતો. ત્યાંના ભક્તોએ કુન્નુરમાં એક બંગલો ભાડે રાખી અમારી રહેવાની વ્યવસ્થા કરી હતી. અમે ત્યાં આવ્યા છીએ જાણી મુંબઈના એક મુસ્લિમ ડૉક્ટર સપરિવાર કુન્નુર આવી પહોંચ્યા. પરિચય પૂછતાં જાણ્યું કે, તેઓ મુંબઈના એક સુપ્રસિદ્ધ ડૉક્ટર છે, વિલાયત જઈ આવ્યા છે, સારી એવી પ્રેક્ટીસ ધરાવે છે. તેમની સાથે તેમનાં પત્ની અને બે સુંદર બાળકો હતાં. સામાન્ય બેચાર વાતો પછી ડૉક્ટરે મને કહ્યું, “અમે આપનાં દર્શન માટે આવ્યા છીએ. મારી પત્ની ખાસ ઇચ્છાપૂર્વક આપને મળવા આવી છે અને એને આપની સાથે વાતચીત કરવી છે.” એમ કહીને એ બાજુના ખંડમાં જતા રહ્યા. તે પછી એમની પત્નીએ ખૂબ ભક્તિપૂર્વક પ્રણામ કર્યાં અને અંત:કરણની ઘણી વાતો કરી. તેઓ બાલ્યાવસ્થાથી જ શ્રીકૃષ્ણનાં ભક્ત હતા. શ્રીકૃષ્ણને બાલગોપાલ ભાવથી ભજતાં અને વચ્ચે એમનાં દર્શન પણ થતાં હતાં. ત્યાર પછી શ્રી શ્રીરામકૃષ્ણદેવનું જીવનચરિત્ર અને ઉપદેશાદિ વાંચી શ્રી શ્રીકુર પ્રત્યે એમને અત્યંત ભક્તિ ઊપજી હતી. તેમની ધારણા હતી કે, તેમના ઈષ્ટદેવ જ શ્રીરામકૃષ્ણરૂપે જગતમાં અવતર્યા છે. મેં જોયું કે, એમને શ્રી શ્રીઠાકુર પ્રત્યે અસીમ ભક્તિ છે. ખૂબ સાધનભજન કરે છે. શ્રી શ્રીઠાકુરે પણ એમના ઉપર અનેક રીતે કૃપા કરી છે. અંતે વિદાય લેતાં ઘૂંટણિયે પડી પ્રણામ કરીને કહ્યું કે, “મારા માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપો. આપ શ્રીરામકૃષ્ણદેવ સાથે રહ્યા છો, એમની કૃપાના પાત્ર બન્યા છો. આપે જે હાથે શ્રી શ્રીરામકૃષ્ણદેવનો સ્પર્શ કર્યો છે તે હાથ મારા માથા પર મૂકો.” અને રડ્યાં પણ કેટલું! મને તો મનમાં થયું કે, ધન્ય પ્રભુ! ધન્ય તમારો મહિમા! તમને કોણ સમજી શકે? તે પળે શિવ-મહિમ્ન સ્તોત્રનો આ શ્લોક યાદ આવી ગયો. –

तव तत्त्वं न जानामि कीदृशोऽसि महेश्वर ।
यादृशोऽसि महादेव तादृशाय नमो नमः ॥

‘હે મહેશ્વર, તમારું સ્વરૂપ કેવું – તમારું તત્ત્વ શું તે હું જાણતો નથી. હે મહાદેવ! તમારું જે રૂપ હોય તે રૂપને મારાં વારંવાર પ્રણામ.’

આ શબ્દો શ્રીરામકૃષ્ણદેવ માટે પણ એટલા જ લાગુ પડે છે. તેમને કોણ સમજી શકે? શ્રીઠાકુરના બીજા પણ અનેક મુસલમાન ભક્તો જોયા છે. આવા એક ભક્તને કાટુપાયમાં જોયા. ખૂબ સ્વાભિમાની માણસ, સરકારે તેમને ખાનબહાદુરનો ઈલકાબ આપેલો. તેઓ સૂફી સંપ્રદાયના હતા. છતાં શ્રીઠાકુર ઉપર તેમની અત્યંત શ્રદ્ધા ભક્તિ હતી, ત્યાં ઠાકુરનો એક નાનોસરખો આશ્રમ છે. આ ખાનબહાદુર અને સ્થાનિક કલેક્ટર – તેઓ પણ મુસલમાન – આવા બીજા ચાર પાંચ સજ્જનોએ મળીને આ આશ્રમ સ્થાપેલો. અમે ત્રણચાર દિવસ ત્યાં રોકાયા હતા. લગભગ જોતો કે, સવારે કે સાંજે તે ખાનબહાદુર શ્રી ઠાકુરના મંદિરના સભામંડપના એક ખૂણામાં ખૂબ દીનહીન ભાવે બેસીને એકનજરે શ્રીઠાકુર તરફ જોઈ રહ્યા છે. તેમની માન્યતા હતી કે, તેમના પયગંબર મહમ્મદ જ આ વખતે શ્રીરામકૃષ્ણરૂપે જગતના કલ્યાણ માટે પધાર્યા છે. આ પ્રમાણે કેટલીય રીતે કેટલાય લોકો પર શ્રી ઠાકુરે કૃપા કરી છે. તે આપણી અલ્પ બુદ્ધિ માટે અગમ્ય છે.

એક ભક્ત :- મહારાજ, અમે તો સંસારમાં પૂરેપૂરા આસક્ત છીએ. સાધન ભજન તો દૂરની વાત, તેમનું માત્ર સ્મરણ-મનન પણ કરી શક્તા નથી. અમારી શી ગતિ થશે?

મહારાજ:- ભાઈ, સાધનભજન ના કરી શકો, પણ તેમનું નામસ્મરણ, તેમનું ભજન કીર્તન તો કરી શકો. સંસાર તો તમને અહોરાત્ર બાંધી રાખતો નથીને? જો કશું પણ કરી ના શકો તો શું થશે? જો તમે આ બધું ના કરી શકો તો તેમના પ્રત્યે હૃદયમાં એક આકર્ષણ ઊભું કરો. કોઈ પણ ઉપાયે તેમના તરફ પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ. હૃદયમાં તેમના પ્રત્યેનું થોડુંક પણ આકર્ષણ ના હોય તો ચાલે? જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી કશું પણ થાય નહિ. શ્રી ઠાકુર જેમ કહેતા, “જ્યાં સુધી બાળક ચૂસણી ચૂસ્યા કરે ત્યાં સુધી માને ભૂલીને રમ્યા કરે અને ત્યાં સુધી મા પણ ઘરનું આમ તેમ કામ કર્યા કરે. પરંતુ જે ક્ષણે બાળક ચૂસણી ફેંકીને ‘મા, મા,’ કહીને રડવાનું શરૂ કરે કે તરત જ મા હાથમાંનું બધું કામકાજ ફેંકીને દોડતી બાળકને ખોળામાં લઈ લે.” તમે પણ જ્યાં સુધી આ સંસારરૂપી ચૂસણી લઈને ઈશ્વરને ભૂલીને રહો ત્યાં સુધી તેમનું દર્શન થાય નહિ. આવો દુર્લભ માનવ જન્મ મેળવીને જો વેડફી નાખો તે ઘણું મોટું દુર્ભાગ્ય! શ્રીઠાકુર પ્રાય: આ ઉપદેશાત્મક ગીત ગાતા, : “મન રે કૃષિકાજ જાનોના એમન માનવ જમીન રઈલો પતિત, આબાદ કરલે ફલતો સોના” “રે મન, તું ખેતીકામ જાણે નહિ અને આ માનવભૂમિ પડતર રહી જાય છે. તે વાવ્યું હોત તો સોનું ઊગત, (ઈશ્વર પ્રાપ્તિ થાત).” આ જ ગીતમાં આગળ કહ્યું છે – ‘અધ કિમ્વા શતાબ્દાન્તે બાજાપ્ત હોબે જાનોના, એખન આપન એકનારે (મનરે) ચૂંટિયે ફસલ કેટેલે ના.’ (હે મન, આજે કે સો વર્ષ પછી તો સરકાર (ઈશ્વર) દ્વારા જપ્ત થઈ જશે.-હવે એકનિષ્ઠ બનીને જેટલી લણણી થાય તેટલી કરી લે.) – જીવનનો અંત થશે. આ ગીતમાં એમના ઉપદેશનો સાર છે. તેથી જ તો શ્રીઠાકુર સંસારના બહુ જીવોના કલ્યાણ માટે આવાં ગીતો ગાતા

ભક્ત :- અમે તો શ્રીઠાકુરને જરા પણ સમજી શકતા નથી. એના કરતાં તમારી પાસે આવીએ તો સારું લાગે છે. થોડા દિવસ ના જોઈએ તો મન આકુળવ્યાકુળ થાય છે, તેથી આવીએ છીએ. હરહંમેશ તમારી યાદ આવે છે, મળવાનું મન થાય છે. આ સિવાય બીજું કશું થતું નથી.

મહારાજ : અમે તો શ્રીઠાકુર સિવાય બીજું કશું જાણતા નથી. અંદર-બહાર સર્વત્ર તેઓ જ વ્યાપી રહેલા છે. તેઓ અમારું “All in all” સર્વસ્વ છે. આ જ વાત મનમાં રાખવી કે, અમે તેમનાં સંતાન છીએ તેમના જ પદાશ્રિત છીએ. અમારું સ્મરણ એ એમનું-ઠાકુરનું-જ સ્મરણ છે.

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.