પ્રથમ અવસ્થામાં નિર્જન જગ્યાએ બેસી મનને સ્થિર કરવું. તેમ ન કરીએ તો ઘણું ઘણું દેખીએ-સાંભળીએ તેથી મન ચંચળ થઈ જાય. જેમ દૂધ ને પાણી ભેળાં રાખીએ તો ભળી જાય, પણ દૂધમાંથી માખણ કાઢીએ તો માખણ પાણીમાં મળી ન જાય, તે પાણી ઉપર તરે તે પ્રમાણે જેનું મન સ્થિર થઈ ગયું છે તે ગમે તે ઠેકાણે બેસી હંમેશાં ભગવાનનું ધ્યાન ધરી શકે.

ધ્યાન કરવું તો મનમાં, વનમાં અગર ખૂણામાં.

એકાંતવાસમાં ન જઈએ તો ભારે રોગ મટે કેવી રીતે?

સન્રિપાતનો રોગ થયો હોય અને જે ઘરમાં રોગીને રાખ્યો હોય ત્યાં આંબલીનું અથાણું ને પાણીનો કૂજો હોય તો પછી શું કહેવું? પુરુષોના સંબંધમાં સ્ત્રીઓ આંબલીના અથાણા જેવી છે અને ભોગવાસના પાણીના કૂજા જેવી છે. તેથી કાંઈ રોગ જાય? કેટલાક દિવસ તો તેમનાથી દૂર જઈ નિર્જન જગ્યામાં બેસી સાધન ભજન કરવું જોઈએ. પછી રોગ મટી જાય એટલે પાછા ઘરમાં રહીએ તો પણ ધાસ્તી નહીં.

શરૂઆતમાં એકાંતમાં બેસીને ધ્યાન કરવાની જરૂર છે. પછી જ્યારે ધ્યાનની પાકી ટેવ પડી જાય ત્યારે ગમે તે ઠેકાણે ધ્યાન કરી શકાય. જેમ નાના છોડની આસપાસ વાડ કરી લઈ તેને બહુ કાળજીથી ઉછેરવો પડે છે. નહીં તો ગાય કે બકરાં આવી તેને ખાઈ જાય. એ છોડ વધીને મોટું ઝાડ થાય ત્યારે દસબાર બકરાં કે ગાયો એને થડે બાંધીએ તો પણ કાંઈ કરી શકે નહીં.

સહનશીલતા સમાન બીજો એકે ગુણ નથી, જે સહે તે જ રહે. જે ન સહે તે મરે. બધા અક્ષરો એક એક પણ ‘સ’ ત્રણ શ, ષ અને સ. (એટલે કે ‘સ’ નામ સહન કરવાનું છે, ત્રણ વાર તેનું ઉચ્ચારણ કરવાથી સહન કરવાના ઉપદેશની તેમણે દૃઢતા સમજાવી છે.)

આ દુર્લભ મનુષ્યદેહ મળ્યા છતાં જે ભગવાનનાં દર્શન ન કરી શકે તેનો જન્મ જ વૃથા.

વકીલને જોઈ કેસ ને કોર્ટ યાદ આવે છે. ને દાક્તર કે વૈદ્યને જોઈને રોગ ને ઓસડની વાત યાદ આવે. તેવી જ રીતે, સાધુ અને ભક્તોને જોઈને ભગવાન ઉપર ભાવ જાગે.

દરિયામાં ઘણાં રત્નો છે. એક ડૂબકી મારવાથી રત્ન ન મળે તો એમ ન ધારવું કે દરિયામાં રત્ન નથી. તે પ્રમાણે, થોડીક સાધના કર્યા પછી ઈશ્વરનાં દર્શન ન થાય તો નિરાશ થવું નહીં, ધીરજ રાખીને સાધના કર્યા કરવી. વખત આવ્યે તમારા ઉપર ભગવાનની કૃપા થશે.

(શ્રીરામકૃષ્ણ ઉપદેશ (૧૯૮૩) પૃ.સં. ૩૮-૪૧)

Total Views: 204

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.