શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.

આ લેખ હાર્વર્ડ યુનિવર્સિટી ને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીની વેદાંત સોસાયટીઓના ઉપક્રમે તા. ૨૮ મે, ૧૯૮૫ના રોજ હાર્વર્ડ યુનિવર્સિટીના ઈમર્સન હોલમાં તેમણે આપેલાં વ્યાખ્યાનોની વિડિયો ટેપ પર આધારિત છે. અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રકાશિત અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (જાન્યુ. અને ફેબ્રુ. ૧૯૯૦)માંથી આ લેખ સાભાર લેવામાં આવેલ છે.

હાર્વર્ડ યુનિવર્સિટીની અને એમ.આઈ.ટી.ની બન્ને વેદાન્ત સોસાયટીઓએ હાર્વર્ડ યુનિવર્સિટીના આ ઈમર્સન હોલમાં આપ સૌને સંબોધવાનું મને નિમંત્રણ આપ્યું છે, તે બદલ હું તે બંનેનો ખૂબ ઋણી છું. કાળા પાટિયા પર લખ્યું છે તે પ્રમાણે, આજનો વિષય છે : ‘સ્વામી વિવેકાનંદ ને માનવીય ઉત્કૃષ્ટતા.’ કોઈ પણ શિક્ષણ સંસ્થા માટે માનવીય ઉત્કૃષ્ટતાનો વિષય અતિ પ્રેરણાદાયક છે. કેમ કે માનવીય ઉત્કૃષ્ટતાની ટુકડીઓ તૈયાર કરવા સિવાય શિક્ષણ બીજું છે શું? અને આ વિષય સાથે સ્વામી વિવેકાનંદ (૧૮૬૩-૧૯૦૨)નું નામ ભેળવવાથી એ વધારે રસદાયક બને છે. કારણ કે સર્વાંગી માનવીય ઉત્કૃષ્ટતાના તેઓ પોતે એક અસાધારણ દૃષ્ટાંત રૂપ હતા, અને અત્યારે આપની સમક્ષ હું તેની જ રજૂઆત કરવા પ્રયત્ન કરું છું.

સ્વામી વિવેકાનંદ : સમગ્ર માનવીય શક્તિનો સંવાદ

માનવીય ઉત્કૃષ્ટતા એ પદ પર હું ખાસ ભાર મૂકું છું. કારણ કે અત્યાર સુધી તો દેશ, અભ્યાસ ક્ષેત્ર, ધર્મ કે પ્રદેશ પૂરતી મર્યાદિત ઉત્કૃષ્ટતા આપણે જોતા આવ્યા છીએ; જુદી જુદી સાંસ્કૃતિક ભૂમિકાઓ આપણને જુદા જુદા પ્રકારની ઉત્કૃષ્ટતા પૂરી પાડે છે. પરંતુ સ્વામી વિવેકાનંદ તો કોઈક અદ્વિતીય વસ્તુ આપણને આપે છે. માત્ર ભારતીય ઉત્કૃષ્ટતા કે પાશ્ચાત્ય જ નહીં પણ આપણે જેને માનવીય ઉત્કૃષ્ટતા કહીએ તે અને રોમાં રોલાં જેવા સ્વામીજીની જીવનકથાના સમભાવી વિવેચનાત્મક લેખક સહિતના સ્વામી વિવેકાનંદ વિશેના અનેક લેખકોએ સ્વામીની મહત્તાના આ સર્વગ્રાહી ગુણ ઉપર ભાર મૂક્યો છે. ‘લાઈફ ઓફ વિવેકાનંદ એન્ડ ધ યુનિવર્સલ ગોસ્પેલ’ (પૃ-૩૧૦) એ રોમાંરોલાંની કૃતિમાંના શબ્દો હું ટાંકું છું :

“વિવેકાનંદની સર્જનાત્મક પ્રજ્ઞાને સમત્વ અને સંવાદ એમ બે શબ્દોમાં વ્યક્ત કરી શકાય. અધ્યાત્મના બધા પંથો એમણે અપનાવ્યા હતા: સંપૂર્ણતયા ચારે યોગમાર્ગો ત્યાગ અને સેવા, કલા અને વિજ્ઞાન, ધર્મ અને આધ્યાત્મિકતાના શિખરથી વ્યાવહારિકતાના શિખર સુધીનું કર્મ વગેરે જે જે માર્ગો તેઓ પ્રબોધતા તેમને મર્યાદાઓ હતી. પરંતુ તેઓ પોતે એ સર્વમાંથી આરપાર નીકળી ગયા હતા. અને તે સર્વને તેમણે અપનાવ્યા હતા. ચતુરશ્વ રથે આરુઢની માફક સત્યના ચારેય માર્ગોની લગામ એ ધારણ કરતા હતા. અને એકી સાથે તેઓ સઘળે માર્ગે એકત્વ તરફ ગમન કરતા. સમગ્ર માનવ શક્તિના સંવાદનું તેઓ મૂર્તિમંત સ્વરુપ હતા!”

આ એક અનન્ય સાધારણ અંજલિ છે : સમગ્ર માનવ શક્તિનો સંવાદ. પૂર્વ અને પશ્ચિમનું જે કંઈ ઉત્તમ છે તે બધું સ્વામીજી પોતાની જાતમાં ધારણ કરતા હતા. લંડનમાં ૧૯૬૧માં મેં આપેલા એક વ્યાખ્યાનનો વિષય છે, ‘પૂર્વ અને પશ્ચિમનું સ્વામી વિવેકાનંદમાં મિલન’; ‘ઈટર્નલ વેલ્યુઝ ફોર એ ચેન્જિંગ સોસાયટી’ નામના ચાર ભાગમાં પ્રકટ મારા પુસ્તકના બીજા ભાગમાં (પ્રકા. ભારતીય વિદ્યાભવન, મુંબઈ) એ સંગ્રહીત થયેલું છે. પંથ, જાતિ, ભાષા અને ધર્મની મર્યાદાઓને અતિક્રમી જાય એવી ઉત્કૃષ્ટતા મનુષ્ય જેના દ્વારા પ્રાપ્ત કરે એવી કેળવણી કઈ છે? સ્વામી વિવેકાનંદના જીવનમાં એ કેળવણી આપણને પ્રાપ્ત થાય છે. આવી અદ્ભુત मानवीय ઉત્કૃષ્ટતા તેમણે શી રીતે સાધી? જીવનચરિત્ર તરીકે ઓળખાતા સાહિત્યપ્રકારના સૌંદર્ય ભણી એ પ્રશ્ન આપણને લઈ જાય છે. આપણે એ મહાપુરુષોનાં ચરિત્રો વાંચીએ છીએ ત્યારે પોતાનું વ્યક્તિત્વ તેમણે શી રીતે વિકસાવ્યું અને એમની ગરિમાને ઘડતાં પરિબળો ક્યાં હતાં? તે આપણને જાણવા મળે છે. સ્વામી વિવેકાનંદની બાબતમાં આવાં સહાયક પરિબળો બે હતાં. પ્રથમત: ભારતીય અને દ્વિતીયત: અર્વાચીન. પાશ્ચાત્ય ભારતીય અસર પૂરતી વાત કરીએ તો, એ આવી એમના મહાન ગુરુ શ્રીરામકૃષ્ણ (૧૮૩૬-૧૮૮૬)ના અંતેવાસી શિષ્યત્વના કાળમાં. એમની આધ્યાત્મિક જાગૃતિનું ઊંડાણ અને માનવીય સહાનુભૂતિની વિશાળતા એમને શ્રીરામકૃષ્ણ પાસેથી પ્રાપ્ત થયાં. એમની તર્કસિદ્ધ બુદ્ધિ અને માનવનિષ્ઠા એમણે અર્વાચીન પાશ્ચાત્ય યુનિવર્સિટી શિક્ષણ પાસેથી પ્રાપ્ત કરી.

એશિયા સમસ્તને અસર પહોંચાડનાર પ્રાચીન હિન્દુ સંસ્કૃતિ તે એક, અને સમગ્ર પશ્ચિમને અસર પહોંચાડનાર પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ તે બીજી, એમ બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ વિશ્વમાં હતી એમ સ્વામીજીએ પછીથી કહ્યું હતું. એ બંનેએ વિશિષ્ટ પ્રકારના માનવગૌરવને પ્રસ્થાપિત કર્યું હતું. મનુષ્યસંસ્કૃતિના ઘડતરમાં આ બંનેએ વિશિષ્ટ ફાળો આપ્યો છે. આ બંને સંસ્કૃતિઓની પોતપોતાની આગવી વિશિષ્ટતા છે. પ્રાચીન ગ્રીકોએ અને પછીથી રોમનોએ, જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તે સઘળું સિદ્ધિસત્ત્વ વિસ્તૃત રૂપમાં અને તેમાં વિજ્ઞાનના ઉમેરણ સાથે, આપણને આજની પાશ્ચાત્ય સંસ્કૃતિમાં સાંપડે છે. જે રીતે સ્વામી વિવેકાનંદે પોતાની પ્રાચીન અને સનાતન ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાંથી ઉત્કૃષ્ટતાઓ ગ્રહણ કરીને આત્મસાત કરી હતી તે જ રીતે તેમણે પશ્ચિમની સંસ્કૃતિમાંની આપણને સાંપડતી સઘળી ઉત્કૃષ્ટતાઓ ગ્રહણ કરીને આત્મસાત કરી હતી. અને એમણે એક અદ્વિતીય શોધ કરી કે કોઈ સંસ્કૃતિ પૂર્ણ નથી; દરેક સંસ્કૃતિએ અમુક મૂલ્યો ઉપર જ ભાર મૂક્યો છે. અને તેમ કરીને બીજાં મૂલ્યોની ઉપેક્ષા કરી છે. અને વિશ્વની આ બધી ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ એક અખંડ માનવસંસ્કૃતિનાં વિવિધ પાસાં છે, અને તેથી પરસ્પરની પૂરક છે, નહીં કે છેદક. ૧૮૯૩માં ૨૯ વર્ષની વયે તેઓ આ દેશમાં આવ્યા, પશ્ચિમમાં અને ભારતમાં તેમણે પોતાનું મહાન કાર્ય આરંભ્યું અને ૩૯ વર્ષની વયે જગતમાંથી ચાલી નીકળ્યા ત્યાં સુધી એમણે એ કર્યું હતું.

પરંતુ આટલા ટૂંકા ગાળામાં ઉત્તમ ચારિત્ર્યની ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાનું અને બે પેટાખંડોમાં પુરુષો અને સ્ત્રીઓમાં મન અને વલણો પર પ્રબળ અસર પહોંચાડવાનું કાર્ય ભગીરથ હતું. ભારતના ઈતિહાસમાં ઈ. સ. પૂર્વના છઠ્ઠા સૈકામાં ભગવાન બુદ્ધનું દ્રષ્ટાંત છે; એમણે ૩૬ વર્ષની વયે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું; ૮૦ વર્ષની વયે પોતે નિર્વાણ પામ્યા ત્યાં સુધી લગભગ ઉત્તર ભારતના પહોંચાડનાર ઘણા વિસ્તારોમાં પ્રવાસ ખેડીને તેમણે હજારો લોકોને બોધ આપ્યો હતો. અને એમના સંદેશે ત્યાર પછીની થોડી સદીઓમાં ભારતવર્ષનું અને એશિયાના મોટા ભાગનું શાંતિપૂર્વક પરિવર્તન કર્યું હતું. વળી, આવું બીજું ઉદાહરણ આપણને આઠમી સદીમાં સાંપડે છે. શંકરાચાર્યનું માત્ર ૩૨ વર્ષનું આયુષ્ય; અને એ ટૂંકા કાળમાં ભારતવર્ષને શંકરાચાર્યે બૌદ્ધિક અને આધ્યાત્મિક રીતે ઢંઢોળી નાખ્યું હતું, અને આ અર્વાચીન યુગમાં ભારતે આ મહાન ગુરુ સ્વામી વિવેકાનંદ આપ્યા.

આજની દુનિયાને આપવા માટે સ્વામીજી પાસે ખાસ સંદેશો હતો ને એ માટે આ દેશમાં આવ્યા હતા. એમણે પોતે જ કહ્યું હતું કે, બુદ્ધની પાસે પૂર્વ માટે સંદેશ હતો અને મારી પાસે પશ્ચિમ માટે સંદેશ છે. અને ૧૮૯૭માં તેઓ ભારત પાછા પધાર્યા ત્યારે એમણે એ જ સંદેશો આપ્યો. પરંતુ જુદા ભાર સાથે. પશ્ચિમની એક બીજી ટૂંકી મુલાકાતને બાદ કરતાં, એમણે ૧૯૦૨માં દેહત્યાગ કર્યો ત્યાં સુધી પોતાના શેષ જીવનકાળમાં આ કાર્ય કર્યા કર્યું: પોતાના નિધનના ચાર વર્ષ પહેલાં પોતાના અમેરિકન મિત્રો અને શિષ્યો સાથે સ્વામીજી કાશ્મીરમાં હતા ત્યારે એમણે, અમેરિકન સ્વાતંત્ર્યની ઉજવણી નિમિત્તે એક કાવ્ય રચ્યું હતું: “ટુ ધ ફોર્થ ઓફ જુલાઈ.”

સ્વામીજીમાં અને એમના સંદેશમાં, પ્રકાશિત થતાં માનવીય ઉત્કૃષ્ટતાનાં મૂળ તત્ત્વો ક્યાં ક્યાં છે? આ બાબત આપણે બે દૃષ્ટિબિંદુઓથી વિચારી શકીએ. એક, મનુષ્યને સારી કેળવણી પ્રાપ્ત થતાં એના ચારિત્ર્યના દૃષ્ટિબિન્દુથી શિક્ષણનો હેતુ આપણને જ્ઞાન અને માહિતી પૂર્ણ પાડવાનો જ નથી પરંતુ આપણા ચારિત્ર્ય ઘડતરનો પણ છે, તે સમજાય તેવું છે. અહીં, આ યુનિવર્સિટીમાં વિલિયમ જેમ્સ નામના મહાન માનસશાસ્ત્રી હતા અને પછીથી બીજા માનસશાસ્ત્રી મેકડુગલ હતા. એમણે બંનેએ શરીર સ્વાસ્થ્ય અને તંદુરસ્તી, ચિંતનનું ઊંડાણ, શ્રદ્ધાની દૃઢતા, આત્મવિશ્વાસ, માનવતાવાદી સ્ફુરણા અને વ્યવહારદક્ષતા, સાચા શિક્ષણના ચારિત્ર્ય ઘડતર કરતાં આવાં ઘટકો પર ભાર મૂક્યો હતો. આ બધા એક પ્રકારની ચારિત્ર્ય-ઉત્કૃષ્ટતાનાં ઘટકો છે. ગ્રીક સંસ્કૃતિમાં વિવેક સાથે આનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વિલિયમ જેમ્સે ઘણાં પુસ્તકો લખ્યાં છે. જેમાંનું એક વિચારપ્રેરક પુસ્તક ‘વેરાયટીઝ ઓફ રિલિજિયસ એક્સપીર્યન્સ’ છે. મેકડુગલે લખેલા એક પુસ્તકનું શીર્ષક છે : ‘કેરેક્ટર એન્ડ ધ કોન્ડક્ટ ઓફ લાઈફ!’ એ સુંદર પુસ્તક છે. પરંતુ આજકાલ એ પ્રચલિત નથી જણાતું. આ સદીના વીસી અને ત્રીસીના દાયકાઓમાં એ ખૂબ વંચાતું પુસ્તક હતું. આધુનિક પાશ્ચાત્ય શિક્ષણે સ્વામી વિવેકાનંદને આ અદ્ભુત ચારિત્ર્ય ઉત્કૃષ્ટતા અર્પી હતી. પાછળથી જેને તેઓ પુરુષાતનનો ગ્રીક આદર્શ કહેતા તે તેમણે આના દ્વારા આત્મસાત કર્યો હતો. આ મૂલ્યો પર ગ્રીક લોકો ઘણો ભાર મૂકતાં. પુરુષાતનના આ ગ્રીક અને રોમન આદર્શ સાથે કાલપ્રવાહમાં જે બીજાં મૂલ્યો ભળ્યાં તેમાંથી આધુનિક પાશ્ચાત્ય ચારિત્ર્યપ્રકારો ઊતરી આવેલા છે. વ્યક્તિની ચોમેર મનુષ્ય અને પ્રકૃતિનું જે જગત છે, તેની સાથે નિપુણતાપૂર્વક કામ પાડવા માટેનું ચારિત્ર્ય-બળ આપતા શિક્ષણનો તે પ્રકાર છે.

શિક્ષણનું આ એક પાસું છે, પરંતુ શિક્ષણનું એક અન્ય પાસું પણ છે, જે માનવીના અંતરના ઊંડાણ પર ભાર મૂકે છે. યુદ્ધોતર વિશ્વમાં માનવજાત માટે ક્યા પ્રકારનું શિક્ષણ જરૂરનું છે તે વિશે નિરીક્ષણ-પરીક્ષણ કરવા યુનેસ્કોએ નિયુક્ત કરેલા પંચે આ બેઉ પાસાં અગત્યનાં ગણ્યાં છે. એ પંચના જે અધ્યક્ષ હતા, તે ફ્રાંસના શિક્ષણ મંત્રી એદ્‌વાર્દ ફોર હતા. પછીથી તેઓ ફ્રાંસના પ્રધાનમંત્રી પણ થયા હતા. પ્રચલિત શિક્ષણપ્રથાનો તેમજ યુદ્ધોતર કાળમાં નવી માનવવ્યવસ્થાની આવશ્યકતાઓનો અભ્યાસ કર્યા પછી એ પંચે પોતાનો અહેવાલ પેશ કર્યો હતો. એ અહેવાલનું શીર્ષક ‘લર્નિંગ ટુ બી’ (જીવનનું શિક્ષણ) મને સૌથી વિશેષ સ્પર્શી ગયું હતું. આજની ઘડી સુધી શિક્ષણ મૂળભૂત રીતે ‘લર્નિંગ ટુ ડુ’ (કામ કરવાનું શિક્ષણ) રહ્યું છે. પરંતુ વિલિયમ જેમ્સ અને મેકડુગલે જેનો સ્વીકાર કર્યો તે જ પંચ પણ કહે છે અને તે એ છે કે, યુદ્ધોત્તર શિક્ષણે ‘જીવનના શિક્ષણ’નો સમાવેશ કરવો જોઈએ. તમે શું છો? ‘તે સૂત્ર’ તમે શું કરો છો તેનાથી ઓછી અગત્યનું તો નથી જ. કમસે કમ તેના જેટલું અગત્યનું તો છે જ. આમ, જીવવું, આ પદ સાથે ‘કરવું’ એ પ્રચલિત પદ જોડી દેવાથી શિક્ષણમાં એક નવું પરિણામ ઉમેરાય છે. આજની કેળવણીમાં આપણે કઈ ક્ષમતાની આવશ્યક્તા ઝંખીએ છીએ?

શિક્ષણે વ્યક્તિને કાર્યકૌશલ આપવું જ જોઈએ; અને કાર્યકૌશલ એટલે જ્ઞાનનું કાર્યમાં રૂપાંતર.

(ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.