સ્વામી અચલાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા અને ૧૯૩૮થી ૧૯૪૭, તેમની મહાસમાધિ સુધી તેઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. તેઓ કેદારબાબા નામે વધારે સુપરિચિત છે. નવ માસ સુધી સ્વામી વિવેકાનંદના ગાઢ સંપર્કમાં રહેવાની તેમને તક મળી હતી. તેમનાં આ રસપ્રદ સંસ્મરણોમાંથી સ્વામી વિવેકાનંદના મહાન જીવનનાં કેટલાંક અજાણ્યાં પાસાં ઊપસી આવે છે. ‘વેદાંત કેસરી’માંથી અનુદિત આ સંસ્મરણો અમે વાચકોના લાભાર્થે ધારાવાહિકરૂપે રજૂ કરી રહ્યા છીએ.

(સપ્ટેમ્બરના અંકથી આગળ)

સ્વામીજીનો અગાધ પ્રેમ

સ્વામીજીના અમારા ઉપરના અગાધ પ્રેમને હું વર્ણવી શક્યો નથી. જો હું એમના પ્રેમનું માપ કાઢવાનો પ્રયત્ન કરું તો હું મૂર્ખ ઠર્યો કહેવાઉં. પ્રેમ એ અનુભૂતિનો વિષય છે, જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહિ. જેઓ સ્વામીજીના પ્રેમના પાત્ર બનેલા તે ખરેખર ભાગ્યશાળી ગણાય. આવા પ્રેમનો તો મેં ક્યારેય અનુભવ કરેલો નહિ. મેં એવું સાંભળેલું કે મહાત્માના જીવનમાં બે વિરોધી ભાવો અથવા વિચારોનો સમન્વય જોવામાં આવે છે, જે મેં સ્વામીજીના જ જીવનમાં જોયું. એક બાજુ તેઓ પ્રેમની ધનમૂર્તિ હતા તો બીજી બાજુએ તેઓ એટલા જ સખત સ્વભાવના પણ બની શકતા. જ્યારે તેઓ કોમળ (પ્રેમના) ભાવમાં હોય ત્યારે તેઓ બધાને આનંદિત કરી દેતા અને અમે તેમનો બાલસહજ આનંદિત સ્વભાવ જોઈને આશ્ચર્યચકિત થઈ જતાં. પરંતુ તેઓ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે બીકના માર્યા કોઈ જ તેમની પાસે જતા નહિ. અરે! ખુદ સ્વામી બ્રહ્માનંદજી પણ તેમની પાસે જવાની હિંમત કરતા નહિ.

સ્વામીજીનો પ્રેમ માનવજાતિ પૂરતો જ સીમિત નહોતો. પરંતુ તેમાં ગાય, બકરી અને બીજાં પ્રાણીઓનો પણ સમાવેશ થઈ જતો. તેના થોડા દાખલા આપું. સ્વામીજીની નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમનું મન તો ઉચ્ચ જગતમાં જ વિહરતું, જેથી દાક્તરો ખૂબ જ ચિંતિત રહેતા. તેઓએ સ્વામી બ્રહ્માનંદજીને સ્વામીજીના મનને નીચલા સ્તરે લાવવા માટે કોઈ પાળેલા પ્રાણી લઈ આવવા સૂચવ્યું. તેથી સ્વામી બ્રહ્માનંદજી એક ગાય, બકરી, કૂતરો, બતક અને એવાં કેટલાંક બીજાં પાળેલાં પ્રાણીઓ મઠ માટે લાવ્યા. સ્વામીજીએ બકરીને ‘મટરું’ નામ આપ્યું. તેમને તે બકરી એવી ગમતી કે તેઓ તેના ચહેરા સામે એકધારું જોઈ રહેતા. જ્યારે પણ સ્વામીજી ‘મટરુ’ને બોલાવે કે તુરત જ તે તેમના તરફ ગમે તેટલી દૂર હોય તો પણ દોડી જતી. એ બકરી એવી તો ભાગ્યશાળી હતી કે, તે સ્વામીજીના ખોળામાં જ મસ્તક મૂકી મૃત્યુ પામેલી. સ્વામીજીના ‘બાઘા’ અને ‘સિંહ’ નામના બે કૂતરાઓ પણ હતા. તેઓ પણ સ્વામીજી સામે એકીટશે જોઈ રહેતા. એક વખત ‘બાઘા’એ કંઈક ભૂલ કરતાં સ્વામીજીએ તેને નદીની પેલે પાર કાઢી મૂક્યો. પરંતુ થોડી જ વારમાં બાઘો ભાડાની એક નાવમાં કૂદતો કૂદતો બેલુરુમઠ પાછો આવી ગયો. ગાય, ઘેટું તેમ જ બતક પ્રત્યે પણ સ્વામીજી એવા જ લાગણીશીલ હતા. તેમની સાથે તેઓ એવી આત્મીયતાથી રમતા કે તે પ્રાણીઓ સ્વામીજીને આધીન બની ગયેલાં. કૂલીઓ, મજૂરો તેમજ નોકરો સાથે પણ સ્વામીજીનો સંબંધ પ્રેમપૂર્ણ તેમજ કરુણાસભર હતો. કેટલાક સેંથાલી મજૂરો મઠના મેદાનને સમતલ કરી રહ્યા હતા. સ્વામીજી આ લોકો સાથે ભળી જઈને વાતો કરતા અને તે લોકોની જરૂરિયાત તથા એવા બીજા સમાચારો જાણવા પ્રયત્ન કરતા અને તેમની સાથે એટલી આત્મીયતાથી વાતો કરતા કે તે લોકો સ્વામીજીને પોતાના જ સ્વજન જાણી તેમની પાસે પોતાનાં હૃદય ઠાલવતા.

મઠમાં નવો નવો દાખલ થયો તે વખતે જ હું માંદો પડ્યો. એક દિવસ સ્વામીજી દાડમ ખાઈ રહ્યા હતા ત્યાં અચાનક જ એમને મારી યાદ આવી અને તેમણે તરત જ દાડમનો બાકી રહેલો ભાગ મને મોકલી આપ્યો. જ્યારે પણ તેમને સારાં ફળ કે ખાવાની ચીજવસ્તુ મળતી ત્યારે શિષ્યોમાં તે વહેંચીને જ ખાતા.

સ્વામીજી પોતાની પાસે આશ્રય લેવા આવનાર દરેકને આશ્રય આપતા. તેઓ હંમેશાં તે લોકોના ખરાબ ગુણો ન જોતા સારા ગુણો જ જોતા. જ્યારે પણ તેઓ કોઈ વ્યક્તિમાં થોડી પણ સારપ જોતા તો તેને મોટી બનાવવાનો પ્રયત્ન કરતા. અને જેણે કંઈ સારું કર્યું હોય તેની ખૂબ જ પ્રશંસા કરતા. પરિણામે તે વ્યક્તિ ખૂબ જ ખંત અને આનંદથી કામમાં લાગી જતી.

સ્વામીજીનાં પ્રેમ અને મહાનતાને યોગ્ય રીતે વર્ણવવા હું ખરેખર શક્તિમાન નથી. પરંતુ, એટલું તો કહીશ જ કે, સ્વામીજી ખરેખર પ્રેમની ઘનમૂર્તિ હતા. એક વખત સ્વામીજી નિર્ભયાનંદજી (સ્વામીજીના સેવક) સ્વામીજીને પંખો નાખતાં નાખતાં જ તેમની છાતી પર સૂઈ ગયા. રખેને પોતાના સેવકની ઊંઘ ઊડી જાય તેમ ધારીને સ્વામીજી પણ હાલ્યા- ચાલ્યા વિના લાંબા સમય સુધી એમ જ પડ્યા રહ્યા; સ્વામી નિર્ભયાનંદજીના ઊઠ્યા બાદ સ્વામીજી પથારીમાંથી ઊભા થયા તેઓ પોતાના શિષ્યોને ‘બાબા’ કહીને બોલાવતા. (શાબ્દિક અર્થ : ‘પિતાજી’ પરંતુ લાડથી કે પ્રેમથી બોલાવતા તેનો અર્થ ‘પુત્ર’ કે ‘બેટા’ પણ થઈ શકે) સ્વામીજીની સાથે રહેવામાં કેવો અનિર્વચનીય આનંદ અમે અનુભવતા! એક વખત એમણે મને કહ્યું, ‘મને ઊંઘ આવે તે માટે તું મને કંઈક મદદરૂપ થઈશ? તું માગીશ તે હું તને આપીશ.’

એ વખતે એમને બહુ ઊંઘ આવતી નહીં; તદુપરાંત તેમને શારીરિક પીડા પણ થતી હતી. તેમણે મને એમ પણ કહેલું કે, ‘મોટા થયા પછી ક્યારેય હું ચાર કલાકથી વધારે ઊંઘી શકતો નથી.’

સ્વામીજી જ્યારે ગુસ્સામાં હોય ત્યારે પણ ધ્યાન ખેંચે એવી બાબત એ હતી કે, એક જ ક્ષણમાં એમનો ગુસ્સો ગાયબ થઈ જતો અને ફરીથી તેઓ એકદમ સહજતાથી અને પ્રેમથી વર્તતા. કોઈ એવું કહી પણ શકે નહિ કે, થોડી વાર પહેલાં જ તેઓ ગુસ્સે થયેલા. એક વખત કોઈ કારણસર સ્વામી નિર્ભયાનંદજી ઉપર તેઓ ગુસ્સે થતાં, હાથમાં લાકડી લઈને જ્યાં સુધી પોતે એકદમ જ થાકીને બેસી ગયા નહિ ત્યાં સુધી તેમની પાછળ દોડ્યા. એકદમ જ એમનો ગુસ્સો ઓસરી ગયો. બીજા એક પ્રસંગે અમે લોકો વરસાદનું પાણી પીવાના ઉપયોગમાં લઈ શકાય તે માટે બાટલામાં એકઠું કરી રહ્યા હતા. કોઈ કારણસર સ્વામીજીએ બે બ્રહ્મચારીઓને ખિજાવાનું શરૂ કર્યું. હું તો ભયથી ધ્રૂજવા જ માંડ્યો; અને મારા હાથમાંથી પાણીની બાટલી નીચે પડી ગઈ. થોડી જ વારમાં સ્વામીજીનો ભાવ બદલાઈ ગયો અને તેમનો ગુસ્સો ઊતરી ગયો. તેમણે મને કહ્યું, ‘બેટા, તું ડરી ગયો? મારા ઓરડામાં જઈ, દવા લઈને થોડી વાર આરામ કર.’ સ્વામીજી પોતાના શિષ્યોને તાલીમ આપતા અને તેમના ભલા માટે પ્રાર્થના પણ કરતા. હું એક પ્રસંગ વર્ણવું : પંદર દિવસની રજામાં હું વારાણસી આશ્રમથી આવેલો. ત્યાં સેવાશ્રમમાં પૂરતા કાર્યકરો ન હોવાથી મને પાછો બોલાવવામાં આવ્યો. એ વખતે હું માંદગીમાંથી ઊઠ્યો હોવાથી સ્વામીજીએ જ્યારે મારા વારાણસી પાછા ફરવા વિષે સાંભળ્યું કે તરત જ તેઓ બોલ્યા, ‘પહેલાં તેને એકદમ જ સાજો થઈ જવા દો. પછી સેવાશ્રમ માટે સખત કામ પણ તે કરી શકશે.’ મારા ભલા માટે સ્વામીજી મને તેમની પોતાની સાથે થોડો વધુ સમય રાખવા માગતા હતા. (ક્રમશ:)

ભાષાંતર : કુ. સીમા માંડવિયા

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.