(ગતાંકથી આગળ)

શ્રીરામ જયરામ જય જય રામ

ફરી પાછા રાજકોટ આવીએ. અહીં પણ કેટલાંક રસ પડે તેવાં સ્થળો છે. શિલ્પકળાથી ઉભરાતાં જૈન મંદિરો અને ભવ્ય રીતે સજાવેલાં હિંદુ મંદિરો પણ છે. રણછોડદાસજી મહારાજે સ્થાપેલું શ્રી રામજીનું મંદિર પણ રસ પડે ને પ્રેરણા મળે તેવું છે. રાત-દિવસ અહીં એકધારી રામનામની અખંડ ધૂન ચાલે છે, રોજ બપોરે, અહીં બસ્સો જેટલા સાધુબાવાઓ, ભિક્ષુકો અને યાચકોને શુદ્ધ અને સાત્ત્વિક ભોજન આપવામાં આવે છે; અને સાંજે પણ આશરે ૨૦૦ જેટલા જમે છે. ગરીબો અને જરૂરિયાતવાળાઓને વસ્ત્રો પણ આપવામાં આવે છે. એક નેત્ર-ચિકિત્સા કેન્દ્ર પણ અહીં ચલાવવામાં આવે છે. ભોજન, વસ્ત્ર અને દૃષ્ટિ આપવાની સેવાઓ અહીંની વિશિષ્ટતા છે. એક વાર આશ્રમના સ્થાપક શ્રીરણછોડદાસજી મહારાજે મોડી રાતે આશ્રમનો દરવાજો ખખડાવ્યો. પરંતુ ચોકીદારે તો મધરાતે કોઇ અજાણ્યાને પ્રવેશ આપવા ઇન્કાર કર્યો. એટલે તેઓ તો શાંતિથી પાછા ગયા અને પાસેના ઝાડ નીચે તેમણે ધાબળો પાથર્યો. ચોકીદારને પછીથી યાદ આવ્યું કે, આશ્રમમાં જે છબી છે, તે આ અજાણી વ્યક્તિને મળતી આવે છે; તેથી તેમની પાસે જઈ, તેમની પાકી ઓળખ કરી, તેમને અંદર લઇ આવ્યો. બંને જણ આપણી પ્રશંસાને પાત્ર છે.

આવો, જે કોઇ ભૂખ્યાં હોય તે અમારે આંગણે…

રાજકોટથી પચાસ કિલોમિટર દૂર વીરપુરમાં દોઢસો વર્ષ અગાઉ ભક્ત જલારામ અને વીરબાઇ પતિ-પત્ની રહેતાં હતાં. તેમની પાસે જમીનનો એક નાનોસરખો ટુકડો હતો. સોમનાથ, જૂનાગઢ અને ગિરનારના માર્ગે જતાં રસ્તામાં તેમનું ગામ વીરપુર આવેલું છે. જલારામ રોજ ગામના ઝાંપે ઊભા રહેતા અને પોતાનું આતિથ્ય સ્વીકારવા યાત્રીઓને વિનંતી કરતા. જે કોઇ આવે, તેને ભોજન કરાવવા પૂરતી આવક જમીનની ઊપજમાંથી મળી રહેતી. તેમની કીર્તિ દૂર દૂર સુધી પ્રસરી હતી. એક વાર મોડી રાત્રે, એક સાધુએ તેમનું બારણું ખખડાવ્યું અને એણે ભોજન તેમ જ આશ્રય માટે માંગણી કરી. તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. બીજે દિવસે વહેલી સવારે અતિથિને પ્રસ્થાન કરવાનું હતું. યજમાને તેને થોડા વધારે દિવસ વિશ્રામ કરવા વિનંતી કરી. યજમાનની ધર્મપત્ની તેની ચાકરી કરે તેવી શરતે અતિથિ રોકાવા સંમત થયા. અતિથિ તેને નજીકના તળાવે લઇ ગયા; અને તેને પોતાની લાકડી અને ભિક્ષાપાત્ર તેના હાથમાં આપી, પોતે પાછા ફરે ત્યાં સુધી ત્યાં રાહ જોવા કહ્યું, અને પછી તેઓ તળાવમાં ઊતર્યા અને અદ્દશ્ય થઇ ગયા. પોતાની પત્નીની વિકટ સ્થિતિ વિશે સાંભળતાં, જલારામ તળાવ પાસે ગયા અને તેઓ તરત જ સમજી ગયા કે અજાણ્યો અતિથિ અન્ય કોઇ નહીં, પણ છદ્મવેશે પધારેલા ભગવાન જ હતા, જે પોતે તેમની આતિથ્યભાવના, ભક્તિ અને નમ્રતાની કસોટી કરવા આવ્યા હતા. મહેમાન પાછા ફરે ત્યાં સુધી રાહ જોવા તેમણે પોતાની પત્નીને કહ્યું. હવે શું કરવું? પતિ-પતીએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને વિષ્ણુસ્વરૂપે તેમને દર્શન દીધાં. તેમની સેવાભાવનાથી ભગવાન પ્રસન્ન થયા અને તેમને જે વરદાન માગવું હોય તે માગવા કહ્યું. તેમણે તો ઈશ્વરની અચલ ભક્તિ જ માગી અને તમામ રીતે ભક્તોની સેવાનો લાભ મળતો રહે, તેવી વિનંતી કરી. ઈચ્છિત વરદાન આપી, પુનઃ આશિષ આપી ભગવાન અંતર્ધ્યાન થયા. તેઓએ ભગવાન રામચંદ્રની દૃઢ ભક્તિ કરી. જે ભિક્ષાપાત્ર અને લાકડી, તેમને પેલા અદૃશ્ય થઇ ગયેલા અતિથિએ સોંપ્યાં હતાં, તે આજે પણ તેમના ઘરમાં સચવાયેલાં છે. ભક્તોને માટેના ભોજનની અને સેવાની તમામ જરૂરી સામગ્રીનો અને પુરવઠાનો પ્રવાહ બધી બાજુથી ત્યાં વહી આવતો રહે છે.

એક વાર એક રાજા પોતાના શાહી રસાલા સાથે સોમનાથની યાત્રાએ જઇ રહ્યા હતા ત્યારે જલારામે તેમને પોતાની પરોણાગત સ્વીકારવા નિમંત્રણ આપ્યું. કોઇ રાજવીની આગતાસ્વાગતા કરવી એ કંઇ રમતવાત નથી. તેથી રાજાએ તેમની વાત ટાળવા પ્રયાસ કર્યો. પરંતુ જલારામે પોતાની વાત પકડી રાખી; અને રાજાએ તેમના નિમંત્રણનો સ્વીકાર કર્યો. રાજવીનું સ્વાગત થયું, પરોણાગત થઈ અને ભોજન પણ શાહી રીતે જ પીરસવામાં આવ્યું! ભોજન સુવર્ણ થાળમાં પિરસાયાં અને રસાલાની દરેક વ્યક્તિને તેના માન-મરતબા-મોભાસર અને રીત-રસમ મુજબ ભોજન અપાયાં અને પ્રાણીઓને સુધ્ધાં રોજિંદાં ચારાપાણી પૂરાં પાડવામાં આવ્યાં. આ રીતે જલારામની આતિથ્ય સત્કારની ભાવના આજે પણ ચાલુ જ છે. ગમે તેને ત્રણ રાત્રિ માટે વિશ્રામની સુવિધા મળે છે અને ભોજન તો હંમેશાં છૂટથી નિ:શુલ્ક મળી રહે છે.

જૂનાગઢ પ્રતિ :

રાજકોટથી જૂનાગઢની સીધી બસ છે, જૂનાગઢનો અર્થ ‘જૂનો-ગઢ’ ‘જીર્ણ-દુર્ગ’ થાય છે. એ સમયના સૌરાષ્ટ્રનાં મોટાં રાજ્યોમાંનું એ એક હતું. દેશી રાજ્યોના એકીકરણ સમયે જૂનાગઢના નવાબ ખુલ્લા પડી ગયા. ભારતીય પ્રદેશથી ઘેરાયેલા હોવા છતાં નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનું પસંદ કર્યું, અને ત્યાં નાસી છૂટ્યા. કૂતરાઓના શોખ માટે તે જાણીતા હતા. તેમના પાળીતા કૂતરાઓની સંખ્યા છસ્સો જેટલી હતી. તેઓ કૂતરાઓનાં લગ્નોત્સવ પણ યોજતા અને આ પ્રાણીઓના લગ્નોત્સવમાં વિશિષ્ટ અને પ્રતિષ્ઠિત લોકોને નિમંત્રણ પાઠવતા. દીવાન શાહનવાઝ ભૂત્તોની પાકિસ્તાનમાં ભળી જવાની બૂરી મૂરાદ પારખીને જુનાગઢની પ્રજાએ આરઝી હુકૂમતનું નિર્માણ કરી જુનાગઢ રાજ્યમાં પ્રવેશ કર્યો અને જૂનાગઢ તેના જૂના સ્થાને રહ્યું.

(ક્રમશ:)

ભાષાંતરકાર: શ્રી સી.એ.દવે

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.