ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ચાલાકી કરશો નહિ. એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે-અર્થાત્ ઈશ્વર પ્રત્યે-નજર કરો. એ સહાય અચૂક આવી મળશે. મારા હૃદય પર આ બોજો ધારણ કરીને અને મગજમાં આ વિચાર રાખીને બાર બાર વર્ષો સુધી હું ભટક્યો છું. કહેવાતા ધનિકો અને મોટા માણસોને ઘેર ઘેર ધક્કા ખાધા છે. સહાયની શોધમાં લોહીનીંગળતા હૃદયે, અર્ધી દુનિયા ઓળંગીને હું આ પરદેશની ભૂમિ ઉપર આવેલો છું. ઈશ્વર મહાન છે; હું જાણું છું કે તે મને સહાય કરશે. આ ભૂમિમાં ટાઢથી કે ભૂખથી ભલે મારું મૃત્યુ થાય; પણ યુવાનો! ગરીબ, અજ્ઞાન અને દલિતો માટેનો આ જંગ અને સહાનુભૂતિની ભાવના હું તમને વારસામાં સોપું છું. અત્યારે આ પળે જ ભગવાન પાર્થસારથિના મંદિરમાં જાઓ અને જે ગોકુળના દીન અને નમ્ર ગોવાળિયાઓના મિત્ર હતા, જેણે અંત્યજ ગુહકને ભેટતાં જરા પણ આંચકો ખાધો ન હતો અને જેણે બુદ્ધાવતારમાં ભદ્ર કુળના કુલીનોનાં આમંત્રણને ઠેલીને એક વેશ્યાનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને તેને તારી હતી, એવા પ્રભુ આગળ તમારું શિર નમાવો. તથા જેમના માટે એ પ્રભુ વારંવાર અવતાર ધારણ કરે છે અને જેમને એ સૌથી વિશેષ ચાહે છે એવા ગરીબ, અધમ અને દિલતો માટે મહાન બલિદાન, સમસ્ત જીવનનું બલિદાન આપો! દિનપ્રતિદિન અધમ અવસ્થામાં ઊતરતા જતા આ ત્રીસ કરોડ લોકોની મુક્તિ માટે તમારું આખું જીવન સમર્પણ કરવાનું વ્રત લો.
એ એક દિવસનું કાર્ય નથી; અને એનો માર્ગ ભયંકર મુશ્કેલીઓથી ભરેલો છે. પણ આપણે જાણીએ છીએ કે ભગવાન પાર્થસારથિ આપણા સારથિ થવાને તૈયાર છે અને તેના નામથી અને તેનામાં અખૂટ શ્રદ્ધા રાખીને, યુગોથી ભારત ઉપર જમા થયેલા વિપત્તિઓના ડુંગરને સળગાવી મૂકો; એ બળીને ભસ્મ થઈ જશે. તો બંધુઓ! આવો ને તે પરિસ્થિતિનો સામનો કરો. એ કાર્ય વિરાટ છે અને આપણે ઘણા નિર્બળ છીએ. પણ આપણે જ્યોતિના પુત્રો છીએ, પરમેશ્વરનાં સંતાનો છીએ. પ્રભુની જય હો! આપણે સફળ થશું જ. જંગમાં સેંકડો ખપી જશે, પણ બીજા સેંકડો એ કાર્યને હાથ ધરવા તૈયાર થઈ જશે. સફળતા પ્રાપ્ત કર્યા વગર કદાચ મારું મૃત્યુ થાય, તો પણ બીજો એ કાર્ય હાથ ધરશે. રોગ તમે પારખ્યો છે ને ઔષધનો તમને ખ્યાલ છે, માત્ર શ્રદ્ધા રાખો. કહેવાતા ધનિકો અને મોટા માણસો પ્રત્યે મીટ માંડો નહિ. હૃદયહીન બુદ્ધિજીવી લેખકો અને તેમના ઠંડે કલેજે લખેલા છાપાના લેખોની પરવા કરો નહિ. શ્રદ્ધા અને સહાનુભૂતિ-જ્વલંત શ્રદ્ધા અને જ્વલંત સહાનુભૂતિની જરૂર છે. જીવન કંઈ નથી, મૃત્યુ કંઈ નથી, ભૂખ ને ટાઢ પણ કંઈ જ નથી. પ્રભુનો જયજયકાર હો! આગળ ધપો, પ્રભુ આપણો સેનાપતિ છે. કોણ પડ્યું તે જોવા પાછું વળીને નહિ જુઓ; આગળને આગળ ધસો. બંધુઓ! આમ ને આ જ રીતે આપણે આગેકૂચ કરીશું. એક જણ પડશે તો બીજો એનું કાર્ય ઉપાડી લેશે.
– સ્વામી વિવેકાનંદ
(સ્વામી વિવેકાનંદના પત્રો ભાગ ૧ અને ૨ પૃ.સં. ૮-૧૦)
One Comment
Leave A Comment
Your Content Goes Here
Jythakur jyma jyswamiji Maharaj tamaro sada jy Thao swamiji etlij prarthna ke aapna tej nu matra ekj bindu nu Dan kri amne saune krutarth kro tamaro sada jy Thao