(ગતાંકથી આગળ)
ભક્તકવિ નરસિંહ મહેતા
આ જૂનાગઢ, પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે રસનું કેન્દ્ર છે. નરસિંહ મહેતા, ગાંધીજીના પ્રિય અને વિખ્યાત ‘વૈષ્ણવ જન તો તેને’ આ ભજનના એ ગાયક રચયિતાના જીવનથી આ સ્થળ પ્રસિદ્ધ બન્યું છે. નરસિંહે ઘણાં ભક્તિગીતોની રચના કરી છે; અને આજે પણ ઘણા ઉત્સાહપૂર્વક અને આધ્યાત્મિક ભાવપૂર્ણ રીતે ભક્તો, એ ભજનો ગાય છે. નરસિંહ મહેતા પાંચસો વર્ષ પૂર્વે થઇ ગયા. એ બંગાળમાં થઇ ગયેલા રામપ્રસાદના સમકાલીન હતા. નરસિંહ મહેતા કૃષ્ણભક્ત હતા. તેઓ જે સ્થળે રહેતા, કૃષ્ણની ભક્તિ કરતા, ભજનકીર્તન કરતા અને જ્યાં તેમને પરમાનંદરૂપ રાસલીલાનું દર્શન થયું હતું, ત્યાં હાલ કૃષ્ણનું મંદિર છે. આગળના ભૂમિ ભાગમાં નરસિંહને રાસલીલાનું દર્શન થયું હતું, તે જગ્યાએ વર્તુળ પણ છે; ત્યાં આજે પણ આધ્યાત્મિક વાતાવરણની અનુભૂતિ થાય છે. વૃંદાવનની કુંજગલીઓના અવિનાશી, બંસીધરનાં સુમધુર દિવ્ય ભક્તિગીતોના, આ ગાયકના જીવનપ્રસંગોનું નિરૂપણ કરતાં ચિત્રોનું સંગ્રહાલય બીજી બાજુએ આવેલું છે.
એક વાર કેટલાક યાત્રાળુઓ, દ્વારકા જઇ રહ્યા હતા. માર્ગે તેઓ દ્વારકાથી સોએક માઇલ દૂર હતા. એ સમયમાં ધોરી માર્ગ પર થતી લુંટફાટ રોજિંદી હતી. યાત્રાળુઓ પાસે થોડા પૈસા પણ હતા. તેઓએ તપાસ કરી કે કોઇ વ્યક્તિ જૂનાગઢમાં મળી જાય, જે ત્યાં જ પૈસા રોકડા મળી જાય તેવી વ્યવસ્થા કરી આપે. કોઇએ ટીખળ કરવા, નરસિંહ તરફ આંગળી ચીંધી. નરસિંહે આવી કોઇ વ્યવસ્થા હોવા સંબંધી-ઇન્કાર કર્યો; છતાં યાત્રાળુઓ તો હઠાગ્રહી રહ્યા. એમાંથી છુટકારો ન મળતાં નરસિંહે તો સાતસો રૂપિયા સ્વીકાર્યા અને એક હૂંડી દ્વારકાધીશ શેઠને ઉદ્દેશીને, ગીતરૂપે લખી આપી “હે દ્વારકાનાથ! તારી અને તારા ભક્તની લાજ રાખજે, આ હૂંડી સ્વીકારવા કૃપા કરજે અને તેના નાણાં ચૂકવજે.” યાત્રાળુઓ દ્વારકા પહોંચ્યા અને શેઠની તપાસ કરવા લાગ્યા. કોઇ તેમને કશું માર્ગદર્શન આપી શક્યું નહિ. નિરાશ થઇ, તેઓ મંદિરથી બે માઇલ દૂર દામોદર શેરી આગળ ઊભા ઊભા રાહ જોઇ રહ્યા હતા. એવામાં જ એક ચાલાક અને પ્રતિભાશાળી દેખાતા શેઠ દેખાયા અને તેમને પુછ્યુ કે તેઓ જ નરસિંહ મહેતાએ મોકલેલા વ્યાપારીઓ હતા અને તેઓ પાસે તેણે મોકલેલી કોઇ હૂંડી હતી કે કેમ? તેઓએ રસીદ રજૂ કરી. તુર્ત જ શેઠે એ રસીદ લઇને રકમ ચૂકવી આપી અને પછી અદૃશ્ય થઇ ગયા. યાત્રાળુઓએ દ્વારકાધીશનાં દર્શન કર્યાં. પાછા જઇ તેમને મદદરૂપ થવા બદલ તેમનો આભાર માન્યો. નરસિંહ મહેતા તેમના પગમાં પડ્યા અને ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કરનારાઓને, તેમનાં સદ્ભાગ્ય બદલ ધન્યવાદ આપ્યા.
નરસિંહ મહેતા, ત્યારે હલકી ગણાતી જાતિના લોકોના મિત્ર હોવાથી, સવર્ણોએ તેમનો બહિષ્કાર કર્યો હતો. વિવાહ એક એવો પ્રસંગ છે કે જ્યારે સમાજ, પોતાની નિષેધાજ્ઞાના ઉલ્લંઘનનો બદલો લે છે. મહેતાની પુત્રી કુંવરબાઇના વિવાહ કરવાના હતા. ઘણા સમયે આખરે તેને સ્વીકારવા એક યુવાન તૈયાર થયો, પરંતુ તેનાં સગાસંબંધીઓએ ઘણીબધી મોજશોખની ને કીમતી વસ્તુઓની એક લાંબી યાદી રજૂ કરી, પણ લક્ષ્મી અને નારાયણે સ્વયં તેમણે હાજર થઇને એ માગણી મુજબની બધી વસ્તુઓ પૂરી પાડી. મહેતાના મુનીમરૂપે થઇને ભગવાન એ બધી વસ્તુઓ લઇ વરપક્ષના લોકો પાસે ગયા અને સ્વયં તેમણે જ પોતાના એ ભક્તની પુત્રીનાં લગ્ન પૂરા પાડ્યાં. એ જ પ્રમાણે તેમના પુત્રના વિવાહ સમયે પણ કન્યાપક્ષે એવી માગણી કરી કે વરઘોડામાં (જાનમાં) પ્રતિષ્ઠિત ઉમરાવો પણ સામેલ હોવા જોઇએ. મહેતાએ ભગવાનને વિનવણી કરી. નિશ્ચિત સમયે, સજીધજીને, શેઠિયાઓનું એક જૂથ, વરરાજા સાથે યજ્ઞકુંડ સુધી સામેલ થયું. આ રીતે શ્રીકૃષ્ણને ખુદને જ મહેતાનાં સગાં-સંબંધીઓનો સ્વાંગ સજવો પડ્યો. વારુ, જો ભગવાન પોતાની કૃપાદૃષ્ટિ માટે કોઇ કિંમત નિશ્ચિત કરે તો, ભક્ત પણ તેના વિશેષ દાયિત્વની યાચના કરે છે. હા, એ બાબત પારસ્પરિક અને સંપૂર્ણ સ્વાર્પણની છે. મહેતા હંમેશાં ભગવાનનાં કીર્તન કરતા કરતા સ્નાન કરવા માટે, નદીથી બનેલા નાના તળાવ જેવા, દામોદર કુંડે જતા. આ કુંડ, યમુના જેવો જ પવિત્ર મનાય છે. તેના કાંઠે શિવનું એક મંદિર છે. થોડે દૂર એક ગુફા છે, એમાં એક વાર પુરાણ પ્રસિદ્ધ મુચકૂંદ દીર્ઘકાલીન નિદ્રા માટે, તેને કોઇ ખલેલ ન પહોંચે તેવા દૈવી વરદાન સાથે, પ્રવેશેલા હતા. કાલયવનથી ભાગી છૂટેલા શ્રીકૃષ્ણ આ ગૂફામાં આવવા લલચાયા. કાલયવને, ત્યાં કોઇને ગાઢ નિદ્રામાં સૂઇ રહેલા જોઇને એ જ પોતાનો નાસતો ભાગતો દુશ્મન છે, એમ માનીને મુચકૂંદને એક લાતનો પ્રહાર કરી દીધો. અને ત્યાં તો અરે! નિદ્રાધીન મુચકૂંદે જાગીને, પોતાની નિદ્રામાં ખલેલ પહોંચાડનાર પર દૃષ્ટિ નાખીને, આ સજાપાત્ર અપરાધીને બાળીને ભસ્મ કરી નાખ્યો! બાદમાં શ્રીકૃષ્ણે, મુચકૂંદ સામે હાજર થઇ, તેને આશીર્વાદ આપ્યા.
રાજાપરિવારની સ્ત્રીઓ, મહેતાનાં ભજનોથી પ્રભાવિત થઇ હતી અને તેઓ તેમની મંડળીમાં પણ સામેલ થતી. રાજા રા’માંડલિકને આથી પોતે નિંદાને પાત્ર બને છે એવું લાગ્યું અને એથી અપરાધીને સજા કરવાના આશયથી તેણે મહેતાની આકરી કસોટી કરી. રાજમંદીરની કૃષ્ણ-મૂર્તિને ફૂલમાળા પહેરાવી, દરવાજા બરોબર બંધ કરાવ્યા. કાળજીપૂર્વક તાળાં મરાવ્યાં, અને મહેતાને દૈવી પ્રતાપ દ્વારા, એ ફૂલમાળા મેળવવા જણાવ્યું. જે રીતે કહેવામાં આવ્યું હતું તે રીતે, રાજવીનાં આશ્ચર્ય અને નિરાશા વચ્ચે, કૃષ્ણની ડોકમાં પહેરાવાયેલી ફૂલમાળા, તેના ભક્તની ડોકને વિભૂષિત કરતી જોવા મળી! રા’માંડલિક, શ્રીકૃષ્ણના આ પરમ ઉપાસક-ભક્તનો અનુયાયી બની ગયો.
એક વાર નરસિંહ મહેતાને, કેટલાક સાધુઓની પરોણાગત કરવા પૈસાની સખત જરૂર પડી. તેઓ, ઉછીના પૈસા લેવા એક શાહુકાર પાસે ગયા. શાહુકારે કેટલાક ઇર્ષ્યાળુ લોકોની ચઢવણીથી, મહેતા પાસે, તેનો પ્રિય કેદાર રાગ ગીરવી મૂકવા કહ્યું. આ રાગ તો મહેતાને મન અતિપ્રિય હતો, એ રાગના સુમધુર સૂરના ગાયન દ્વારા તો તેઓ પોતાની ઇષ્ટ સુંદરવર નટવેરને, પોતાની સમક્ષ હાજરાહજૂર કરી શકતા! લાચાર બનીને તેમણે એ રાગ ધીરાણે મૂક્યો. પોતાના વહાલા ગોપાલનાં દર્શન માટે આતુરતાથી ઝંખતા, તેમણે અંત:કરણથી એક ભજન ગાયું અને કૃષ્ણને, પોતાને કરજના સિત્તેર રૂપિયા આપી દેવાની વિનવણી કરી. નરસિંહના સંદેશવાહકના સ્વાંગમાં, શ્રીકૃષ્ણે ઉછીની રકમ લેણદારને પરત કરીને, તેનો કરારપત્ર પરત મેળવી આપ્યો. હકીકતે ભગવાન માટેના અનન્ય પ્રેમથી પ્રેરિત નરસિંહ મહેતાને નિમિત્ત બનાવીને ભગવાને અસંખ્ય સ્થળે પોતાની લીલા કરી છે, અને નરસિંહના દિવ્ય સૂરોથી અનેક આત્માઓ આત્મિક પ્રકાશ પામ્યા છે. આ બધું ચમત્કાર જેવું લાગે, એ અદ્ભુત છે. છતાં એ અસત્ય પણ નથી કારણ કે શ્રદ્ધાળુ અને આસ્તિક લોકો, જે હોય તે સાંભળી શકે છે, તે અધમ નાસ્તિકોને માટે અગ્રાહ્ય હોઇ શકે કે ન સમજી શકાય તેવું પણ હોય છે.
(ક્રમશ:)
ભાષાંતરકાર શ્રી સી. એ. દવે
Your Content Goes Here