કોઈ જ્ઞાનક્ષેત્ર પરત્વે, કોઈ માનવના ચિત્તતંત્રમાં ઉદ્ભવતી કોઈ વિશિષ્ટ (આ)કૃતિ, જ્યારે શાસ્ત્રકારો દ્વારા પહેલેથી જ સ્થાપિત થઈ ચૂકેલા માપદંડો સાથે વ્યવહારશ્રમ અને સંગતિ સાધીને મૌલિકતાથી મંડિત થઈ જાય છે, ત્યારે એ માનવ તે ક્ષેત્રના ‘પ્રસ્થાનકાર’ તરીકે પંકાય છે. અથવા તો ઘણી વાર એવુંય બને છે કે, માનવના ચિત્તતંત્રની આ (આ)કૃતિ, કાળાંતરે પોતે જ પોતાનું એક આગવું વ્યવહાર્ય અને સંગત સ્વરૂપ ધારણ કરી લે છે અને શસ્ત્રકારોને એને અનુસરવાની ફરજ પડે છે અને એમ એ પણ એક ‘પ્રસ્થાનકાર’ તરીકે સ્થાપિત થાય છે. આ બન્ને પ્રકારોમાંથી સ્વામી વિવેકાનંદ કેળવણીના ક્યા પ્રકારના ‘પ્રસ્થાનકાર’ હતા તે વિશે અંગુલિનિર્દેશ કરવાનો તો આ ધારાવાહી અભ્યાસ-લેખનો ઈરાદો છે જ પણ એની સાથોસાથ એક બીજો મહત્ત્વપૂર્ણ હેતુ પણ છે, અને તે આ છે:

સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ, ગાંધીજી, અરવિંદ, વગેરેએ પોતાનાં જે જે શિક્ષણદર્શનો આપ્યાં છે, તે ભારતના ભૂમિતલમાં અને ભારતની આબોહવામાં જ ઊગેલાં અને ઊછરેલાં હતાં, અને વળી ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાંનાં હતાં. નવાઈની વાત તો એ બની કે, સ્વાતંત્ર્ય મળ્યા પછી દુર્ભાગ્યે એ દર્શનો અને એની પ્રયોગાત્મક્તા અનપેક્ષિત રીતે ભુલાતાં-ભુસાતાં ચાલ્યાં અને એને સ્થાને વિદેશી વિચારવૃક્ષોને ભારતીય વાતાવરણની કશી પરવા કર્યા વગર કઢંગી અને ઊણી રીતે અહીં રોપી દેવાના પ્રયાસો થાય છે. ‘રાષ્ટ્રીય કેળવણી’ માટે આ જબરી સમસ્યા છે. આવી અણીને વખતે, વિવેકાનંદની કેળવણીની ફિલસૂફીમાં પડેલા સૂચિતાર્થો, શિક્ષણકારો અને શિક્ષણપ્રેમીઓને ઘણો પ્રકાશ આપી શકે તેમ છે. કેળવણીના કેન્દ્રમાં રહેવું જોઈતું એમણે પ્રબોધેલું તત્ત્વ, અન્ય આનુષંગિક કેળવણીપાસાંની એમણે યથાસ્થાને કરેલી ગોઠવણી, અન્યાન્ય કેળવણી પ્રસ્થાનોનું એમાં દેખાતું સમન્વિત સ્વરૂપ, વગેરે બાબતો આપણી રાષ્ટ્રીય કેળવીને સમજવામાં અને સુધારવામાં સારું ભાથું પૂરું પાડશે.

આટલા માટે, ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના આગળના અંકોમાં ‘માનવ મૂલ્ય અને શિક્ષણ’ એ અભ્યાસલેખના વિદ્વાન લેખકની કલમે લખાયેલો આ બીજો કેળવણી વિષયક લેખ રજૂ કરતાં આનંદ થાય છે.

સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી વિશે વિચારીએ એ પહેલાં ‘કેળવણી’ અને ‘ફિલસૂફી’ આ બે શબ્દોને સમજી લઈએ.

‘કેળવણી’ માટે અંગ્રેજીમાં શબ્દ છે- Education.

‘ફિલસૂફી’ માટે અંગ્રેજીમાં શબ્દ છે- Philosophy.

અંગ્રેજી Education શબ્દ મૂળ લેટિન ભાષામાંથી ઊતરી આવ્યો છે. Education શબ્દના અર્થ નીચે પ્રમાણે થાય છે.

– અધ્યાપન, તાલીમ.

– કેળવવું, શક્તિનો વિકાસ કરવો, સંસ્કરણ કરવું.

– સંવર્ધન કરવું, ઉછેરવું, દોરવું, રસ્તો બતાવવો.

‘કેળવણી’ શબ્દના ઉપરના અર્થો પરથી આપણે કહી શકીએ કે, “બાળકમાં રહેલ શ્રેષ્ઠ શક્તિને બહાર લાવે એનું નામ કેળવણી.”

કેળવણી એ માત્ર માહિતીનો ઢગલો નથી. કેળવણી એ માત્ર જ્ઞાનની ગાંસડી નથી.

કેળવણી તો છે વિવેકજ્યોત.

કેળવણી તો છે શ્રદ્ધાદીપ.

કેળવણી તો છે સંસ્કારદાત્રી.

ડૉ. રાધાકૃષ્ણ કમિશનના રિપોર્ટમાં કવિ ઈલિયટની કાવ્ય-કડી આપવામાં આવી છે, તે સૌએ સમજવા જેવી છે.

“Where is the wisdom?

We have lost in knowledge,

Where is the knowledge?

We have lost in information.

The cycles of heaven in twenty centuries, bring us farther from God and nearer to the dust.

ડૉ. ગુણવંત શાહ ‘શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ’ નામના પોતાના પુસ્તકમાં લખે છે, ‘ઉપર જણાવ્યા તેવા અનર્થોને લીધે શિક્ષણ પુસ્તકકેન્દ્રી, પરીક્ષાકેન્દ્રી અને શિક્ષકકેન્દ્રી બની ગયું છે. માહિતીરૂપી રાખના ઢગલામાંથી જ્ઞાનના અંગારા થોડા જ હાથ લાગે છે અને તે અંગારા પણ ડહાપણને અભાવે આપણને કોઈ વાર દઝાડે છે.’

એટલા માટે જ પ્રો. વાઈટહેડ લખે છે, “A merely well informed man is the most useless bore, on this god’s earth.”

માત્ર માહિતીનાં પોટલાં ઊંચકી ફરતા માનવને ક્યા પ્રાણી સાથે સરખાવી શકાય એ હું તો નહીં જ કહ્યું.

પ્રાચીન ગ્રીક-રોમન પ્રજાને મન કેળવણી બાળકને સુસંવાદી, સંતુલિત અને પુખ્ત બનાવવાની ક્રિયા હતી.

આપણે ત્યાં કેળવણીનો પર્યાય શિક્ષણ શબ્દ છે. शक् ધાતુ ઉપરથી બનેલો આ શબ્દ વિદ્યાર્થીમાં રહેલ અનેક ‘શક્યતાઓ’ ‘Potentialities’ તરફ અંગૂલિનિર્દેશ કરે છે.

કેળવણીના મુખ્ય બે પ્રકાર :

(૧) ઔપચારિક કેળવણી

(૨) અનૌપચારિક કેળવણી – જેની વિસ્તૃત ચર્ચા અહીં અપ્રસ્તુત છે.

ગ્રીક ભાષા પરથી આવેલો અંગ્રેજી શબ્દ “Philosophy” બે શબ્દનો બનેલો છે.

Philos = પ્રેમ, તૃષા, ઝંખના અને

Sophia = જ્ઞાન-ડહાપણ એટલે કે જ્ઞાન માટેની તૃષા, ઝંખના, આપણે ત્યાં ગુજરાતીમાં જ્ઞાનપિપાસા શબ્દપ્રયોગ જાણીતો છે. ગ્રીક તત્ત્વજ્ઞાનીઓએ ‘ફિલસૂફ’ની વ્યાખ્યા બહુ જ ટૂંકી છતાં સચોટ આપી છે. “જે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઝંખના છે એ ફિલસૂફ.” એરિસ્ટોટલે કહ્યું, “તત્ત્વજ્ઞાન એવું વિજ્ઞાન છે, જે પરમ તત્ત્વના યથાર્થ સ્વરૂપની ખોજ કરે છે.” પણ આપણે તો સંબંધ છે શિક્ષણની ફિલસૂફી સાથે. શિક્ષણની ફિલસૂફી એટલે શિક્ષણને તત્ત્વજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં મૂલવવું. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો, વિચારધારા, શિક્ષણમાં સમાવવામાં આવે એટલે શૈક્ષણિક ફિલસૂફી કહેવાય. તત્ત્વજ્ઞાનની સહાય વિના શિક્ષણના ઉદ્દેશો, શિક્ષણની પ્રક્રિયા, વગેરે અધૂરું ગણાય. શિક્ષણ દર્શન પરિભાષા કોશમાં શૈક્ષણિક ફિલસૂફી વિશે નીચે પ્રમાણે સમજાવવામાં આવ્યું છે. ‘એક રીતે જોઈએ તો શિક્ષણ દર્શન એ ઘણો પ્રાચીન વિષય છે. વળી, અન્ય રીતે જોવા જતાં ઘણો અદ્યતન પણ છે. હિબ્રુ સંતો દ્વારા જૂના કરાર, ભારતીય ઋષિ દ્વારા ઉપનિષદો તથા ભગવત્ ગીતામાં શિક્ષક, વિદ્યાર્થી, અધ્યયન, શિસ્ત તથા શિક્ષણનાં ધ્યેયો સંગ્રહિત છે. પ્લેટોનું રિપબ્લિક નામનું પુસ્તક આદર્શ સમાજ અને ન્યાય ઉ૫૨નો નિગૂઢ પ્રબંધ છે. શિક્ષણ દર્શનનો વ્યવસ્થિત અને અદ્યતન કહી શકાય તેવો અભ્યાસ જહોન ડ્યૂઈના “લોકશાહી અને શિક્ષણ” ગ્રંથ દ્વારા રજૂ થયો. જે રીતે દર્શનશાસ્ત્ર સમગ્ર વાસ્તવિકતાને સાધારણ અને વ્યવસ્થિત ઢબે સમજવાનો પ્રયત્ન કરે છે; તે રીતે શિક્ષણ દર્શન પણ શૈક્ષણિક ધ્યેયો અને નીતિઓને પથદર્શક બનતી અમૂર્ત ભાવનાઓના અર્થઘટન દ્વારા શિક્ષણને તેની અખિલાઈમાં સમજવા તત્પર છે.’

શિક્ષણ અને ફિલસૂફી

શિક્ષણ અને ફિલસૂફી વચ્ચે અભિન્ન સંબંધ છે. શિક્ષણ અને ફિલસૂફી એક જ સિક્કાની બે બાજુ છે. ફિલસૂફીનું કામ સિદ્ધાંતો, વિચારસરણી રજૂ કરવાનું છે. ત્યાર બાદ ફિલસૂફી નિષ્ક્રિય બની જાય છે. પછી શિક્ષણ સક્રિય બને છે. ફિલસૂફીએ આપેલા સિદ્ધાંતો એ વિચારસરણીને સમાજ પાસે પહોંચાડવાનું કામ શિક્ષણ કરે છે. John Adams આ બાબત સરસ રીતે રજૂ કરે છે. “Education is the dynamic side of philosophy.” શિક્ષણ એ ફિલસૂફીનું ક્રિયાત્મક પાસું છે. ફિલસૂફી એ ચિંતનાત્મક બાજુ છે, તો શિક્ષણ એ ક્રિયાત્મક બાજુ છે.

શૈક્ષણિક ફિલસૂફીનો વ્યાપ – ક્ષેત્ર

શૈક્ષણિક ફિલસૂફીના વ્યાપમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

– શિક્ષણના ઉદ્દેશો.

– પદ્ધતિ

– અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો.

– શિસ્ત.

– શિક્ષણ, શાળા, શિક્ષક – શિષ્ય સંબંધ

કોઈ પણ શિક્ષણશાસ્ત્રી જ્યારે પોતાની શિક્ષણની ફિલસૂફી સમાજ સામે રજૂ કરે ત્યારે સમગ્ર ફિલસૂફીને સમજવા માટે તેના વ્યાપ તરફ નજર દોડાવવી જોઈએ.

ઉદ્દેશો દ્વારા વર્તમાન, ભૂત અને ભવિષ્ય વિષે આપણે જાણી શકીએ છીએ. નિશ્ચિત ધ્યેયો પ્રાપ્ત કરવા ચોક્કસ માર્ગે શિક્ષણ જગતમાં આગળ વધી શકીએ છીએ.

ત્યાર બાદ અભ્યાસક્રમને નજર સમક્ષ રાખી અધ્યાપન કાર્ય સરળ અને અસરકારક બને એટલે કઈ પદ્ધતિનો વિનિયોગ કરવો જરૂરી છે એ નક્કી થાય છે. પ્રવચન પદ્ધતિ, પ્રકલ્પ પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ – આવી અનેક પદ્ધતિમાંથી અધ્યાપકને જે અનુકૂળ લાગે તે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે અધ્યયનમાં રસ ઉત્પન્ન થાય છે, અને ગ્રહણશક્તિ વેગીલી બને છે.

શિક્ષણની ફિલસૂફીમાં દરેક શિક્ષણશાસ્ત્રીના શિસ્ત વિષેના ખ્યાલો જુદા જુદા હોય છે. કોઈ કડક શિસ્તમાં માને છે તો કોઈ સ્વયંશિસ્તના આગ્રહી હોય છે; તો વળી કોઈ સામાજિક શિસ્તમાં માને છે. પણ શિસ્ત વિના વિદ્યાર્થીજીવન નકામું છે એ બાબત બધા જ એકમત ધરાવે છે. શિસ્ત વિનાનું જીવન એ સઢ વિનાના વહાણ જેવું છે.

શાળા, શાળાનું પર્યાવરણ, આચાર્ય, શિક્ષક અને શિષ્યો – શિક્ષણની ફિલસૂફીના સત્યને ટકાવી રાખનારાં આ મુખ્ય પરિબળો છે. શિક્ષણની ફિલસૂફીની આ આધારશિલા છે. ખરું કહું તો શિક્ષણની ફિલસૂફીનું એ કેન્દ્રબિંદુ છે.

કેળવણી, ફિલસૂફી, કેળવણી – ફિલસૂફીનો સંબંધ અને કેળવણી ફિલસૂફીનો વ્યાપ : આને આધારે હવે આપણે સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી વિશે વિચારીશું.

(ક્રમશ:)

Total Views: 599

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.