(ગતાંકથી આગળ)

સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન ઊભો થાય છે : એક અવતાર અને બીજા અવતારમાં ભેદ કેવી રીતે સંભવી શકે? એક જ પરમ દિવ્ય સત્તા શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી ચૈતન્ય, શ્રીરામકૃષ્ણ રૂપો ધારણ કરે છે. તો પછી તેમનામાં મોટાનાનાનો ભેદ કઈ રીતે થઈ શકે?

આ શંકાનું સુંદર સમાધાન કરતાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે કહ્યું હતું – “હું એક ઉદાહરણ આપીશ. એટલું બધું ઉપયુક્ત ન હોવા છતાં હું તેને આપની સમક્ષ રાખીશ કારણ કે તે આ પ્રશ્નનો ઉકેલ ઘણે અંશે કરે છે. એક વ્યક્તિ જુદી-જુદી ભૂમિકાઓમાં અભિનય કરે છે અને તે સમૂહના શ્રેષ્ઠ અભિનેતા તરીકે ઘોષિત કરવામાં આવે છે. પણ છતાં આપણે કહી શકીએ કે એક વિશેષ ભૂમિકામાં, એક વિશેષ અભિનયમાં તે સર્વોત્તમ હતો, સર્વશ્રેષ્ઠ હતો. આનો શો અર્થ થયો? એનો અર્થ એ કે એ વિશેષ ભૂમિકામાં તે પોતાની અન્તર્નિહિત કળાનું પ્રદર્શન કરવાની શ્રેષ્ઠ તક મેળવે છે, પણ બીજી ભૂમિકાઓમાં તેને એ તક ન મળી. માટે આપણે કહીએ છીએ – “આ ભૂમિકામાં તે સર્વશ્રેષ્ઠ છે”

દેશ તથા કાળની જરૂરિયાતો પ્રમાણે ઈશ્વર જુદી-જુદી અવતારલીલા કરે છે. આ વખતે વર્તમાન યુગના પ્રયોજન માટે ભગવાને શ્રીરામકૃષ્ણ રૂપે જે નરલીલા કરી છે તે અપૂર્વ છે. આ વખતની ભૂમિકામાં તેમણે પૂર્વના બધા અવતારની શ્રેષ્ઠ ભૂમિકાઓનું સમ્મિલિત પ્રદર્શન કર્યું છે. તેની સાથે વર્તમાન યુગના વિશેષ પ્રયોજન માટે વિશેષ પ્રકારની લીલાનું પણ પ્રદર્શન કર્યું છે, જે અપૂર્વે જ નહિ, કલ્પનાતીત પણ છે. શ્રીરામની સત્યનિષ્ઠા, શ્રીકૃષ્ણનો પ્રેમભાવ, બુદ્ધનો ત્યાગ, આદિ શંકરાચાર્યનો અદ્વૈતભાવ, શ્રીગૌરાંગ મહાપ્રભુનો ઈસામસીહનો સેવાભાવ મહાભાવ, વગેરે ભાવપુષ્પો શ્રીરામકૃષ્ણદેવની લીલામાં એકસાથે ખીલી ઊઠ્યાં છે.

ભગવાન શ્રીરામે સત્યના પાલન માટે ચૌદ વર્ષ કઠોર વનવાસ ભોગવ્યો. તેમના વિષે આ ઉક્તિ પ્રસિદ્ધ છે :

રઘુકુલ રીતિ સદા ચલી આઈ ।
પ્રાણ જાય અરુ બચન ન જાઈ ॥

શ્રીરામકૃષ્ણદેવે પણ સત્યનું પાલન સોળે આના કર્યું હતું, એટલું જ નહિ. સત્ય-જાણે કે તેમના મસ્તક પર એવી રીતે સવાર થઈ ગયું હતું કે તેમને અસત્યના માર્ગે જવાથી રોકતું હતું. તેમણે પોતે કહ્યું હતું – “જગન્માતાનાં ચરણકમળોમાં પુષ્પો અર્પીને જ્યારે હું બધું ત્યજવા લાગ્યો ત્યારે મેં કહ્યું, ‘મા આ લો તમારી શુચિતા આ લો તમારો અધર્મ, આ લો તમારું પાપ આ લો તમારું પુણ્ય, આ લો તમારું ભલું આ લો તમારું બૂરું, અને મને શુદ્ધ ભક્તિ આપો. ‘પણ, ‘આ લો તમારું સત્ય અને આ લો તમારુ અસત્ય’ એમ હું કહી ન શક્યો”

બાળપણમાં સત્યના ખાતર તેમણે પાલન બ્રાહ્મણેતર જાતિની ધની લુહારણ પાસેથી પોતાની પહેલી ભીક્ષા લેવા માટે પોતાના પરિવારવાળાઓનો વિરોધ સહન કર્યો હતો. એક દિવસે શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વર મંદિરની પાસે રહેતા શંભુચંદ્ર મલ્લિકની પાસે ગયા હતા. તેમનું એક દવાખાનું પણ હતું. ત્યાં ગયા પછી તેમને પેટમાં પીડા થવા લાગી. શંભુબાબુએ તેમને કહ્યું – “મારી પાસે આની દવા છે જતી વખતે આ ગોળીઓ લઈ જજો, તમારા પેટની પીડા દૂર થઈ જશે.” થોડીવાર પછી જ્યારે તેઓ વાતચીત કરીને પાછા જવા લાગ્યા ત્યારે આ વાતને ભૂલી ગયા. દસ-વીસ ડગલાં ગયા પછી તેમને દવાની વાત યાદ આવી, એટલે તેઓ તરત જ પાછા ફર્યા. પણ ત્યાં સુધીમાં શંભુબાબુ ચાલ્યા ગયા હતા. એટલે તેમના કમ્પાઉન્ડર પાસેથી દવાની ગોળીઓ લઈને મંદિરની તરફ પાછા જવા માંડ્યા, પણ રસ્તા સુધી આવ્યા પછી કોણ જાણે કેમ તેમના પગ રસ્તા ઉપર જઈને પાસેથી ગટરની તરફ જ ખેંચાવા લાગ્યા. ઘણા પ્રયત્ન કર્યો છતાં જ્યારે તેમના પગે રસ્તા ઉપર ચાલવાનો ઈન્કાર કરી દીધો ત્યારે નછૂટકે તેઓ રસ્તા ઉપર બેસી ગયા અને આનું કારણ વિચારવા લાગ્યા. અચાનક તેમના મનમાં વિચાર આવ્યો, “અરે હા! શંભુએ તો કહ્યું હતું કે ‘મારી’ પાસેથી દવા લઈ જજો. પણ એમ ન કરીને તેને બતાવ્યા વગર હું તેના કમ્પાઉન્ડર પાસેથી દવા લઈ આવ્યો છું, માટે જ જગન્માતા મને અહીંથી જવા દેતી નથી. આવી રીતે દવા લઈ જવાથી તો ચોરી અને અસત્ય બન્ને દોષ થાય છે. આ વિચાર આવવાથી તેઓ તરત જ દવાખાને પાછા ફર્યા. કમ્પાઉન્ડર પણ એટલા સમયમાં ચાલ્યો ગયો હતો. એટલે તેમણે બારીમાંથી જ દવાની ગોળીઓ અંદર નાખીને મોટેથી કહ્યું, “આ તમારી ગોળીઓ નાખી દીધી છે.” આમ કહીને ચાલવા માંડ્યા. હવે તેમના પગ ઠીક ચાલી રહ્યા હતા અને રસ્તો પણ ઠીક દેખાતો હતો. આવી જાતનાં કેટલાંય દૃષ્ટાન્ત તેમના જીવનચરિત્રમાં જોવા મળે છે, જે પુરવાર કરે છે સત્ય જ તેમના મસ્તક પર સવાર હતું.

ભગવાન શ્રીરામની જેમ ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો પોતાનાં માતા-પિતા પ્રત્યે અત્યધિક આદર અને સ્નેહ હતો. વૃન્દાવનમાં જ્યારે તેઓ તીર્થયાત્રા માટે ગયા હતા ત્યારે એવું નક્કી થયું કે તેઓ ત્યાં જ રહી જશે. પણ જેવો તેમને વિચાર આવ્યો કે કલકત્તામાં દક્ષિણેશ્વરમાં મંદિરમાં તેમની ગર્ભધારિણી મા ચંદ્રામણિદેવી તેમના વગર દુ:ખી થશે, કે તરત જ તેમણે પોતાનો નિર્ણય બદલાવ્યો અને કલકત્તા પાછા ફર્યા. વેદાન્ત સાધના વખતે તેમના ગુરુ તોતાપુરીએ જ્યારે કહ્યું કે સંન્યાસ લેવો જરૂરી છે ત્યારે એક જ શરતે સંન્યાસ દીક્ષા લેવા તૈયાર થયા કે ગુપ્ત રીતે થાય જેથી તેમની ગર્ભધારિણી માને દુ:ખ ન થાય.

શ્રીરામકૃષ્ણદેવની ગદાધરના રૂપે બાળલીલા શ્રીકૃષ્ણની બાળલીલાલની પુનરાવૃત્તિ હતી કામારપુકુર ગ્રામની વૃદ્ધ સ્ત્રીઓ, ખાસ કરીને ધર્મદાસ લાહાની પુત્રી પ્રસન્નમયી બાળક ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ અનુભવીને તેને પોતાના પુત્રથી પણ વધુ સ્નેહ કરતી હતી અને ઓછી ઉમરવાળી મહિલાઓ તેને ભગવાન શ્રીકૃષ્ણના અંશરૂપે માનીને તેની સાથે સખાભાવથી વર્તતી હતી.

ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને સિંહાસન પર બેસાડીને સમ્પૂર્ણ ભારતને એકતાના સૂત્રમાં બાંધીને મહાભારતનું ગઠન કર્યું હતું. શ્રીરામકૃષ્ણદેવના અન્તરંગ પાર્ષદ સ્વામી શિવાનંદજી કહેતા કે આ વખતે શ્રીરામકૃષ્ણદેવ સંસારની બ્રહ્મકુંડલિની શક્તિને જાગ્રત કરીને આવ્યા હતા. આથી ભારતવર્ષમાં જ નહિ, સમ્પૂર્ણ વિશ્વમાં એક નવી આધ્યાત્મિક ચેતના આવી છે.

ભગવાન બુદ્ધના જીવનની વિશેષતા હતી તેમનો ‘ત્યાગ’. શ્રીમા સારદાદેવી કહેતા કે શ્રીરામકૃષ્ણદેવની વિશેષ મહત્તા હતી તેમના ‘ત્યાગ’માં, સ્વામીજી તેમને ત્યાગીઓના બાદશાહ કહેતા. કાંચનત્યાગ શ્રીરામકૃષ્ણદેવના રોમે રોમે એવી રીતે વસી ગયો હતો કે પૈસાનો જ નહિ કોઈ ધાતુનો પણ સ્પર્શ થઈ જવાથી તેમને જાણે વીંછી ડંખ જેવી પીડા થતી અને તેમનો શ્વાસ બંધ થઈ જતો. સ્વામીજીને આ વાત પર વિશ્વાસ ન આવવાથી પરીક્ષા કરવા માટે એક દિવસ તેમણે શ્રીરામકૃષ્ણદેવની ગેરહાજરીમાં તેમની પથારીની નીચે એક સિક્કો રાખી દીધો અને શું થાય છે તે જોવા ઓરડામાં એક ખૂણે ઊભા રહ્યા. થોડીવાર પછી શ્રીરામકૃષ્ણદેવ પોતાના ઓરડામાં પાછા ફર્યા અને પથારીમાં બેસતાં જ ચોકીને ઊભા થઈ ગયા. જાણે વીંછીના ડંખ જેવી વેદના થઈ! શું થયું છે એ જોવા જ્યારે ભક્તોએ પથારી ખંખેરી ત્યારે સિક્કો ખણખણ અવાજ સાથે નીચે પડ્યો. શ્રીરામકૃષ્ણદેવ બધું સમજી ગયા અને પાસે ઊભેલા સ્વામીજીને હસતાં-હસતાં કહ્યું – “ઠીક છે, બેટા તે ઠીક કર્યું ગુરુની બરાબર ચકાસણી કરીને પછી તેને ગ્રહણ કરવા.”

આ જ રીતે તેમના ત્યાગની પરીક્ષા તેમના એક અન્તરંગ શિષ્ય સ્વામી યોગાનંદજીએ કરી હતી. એકવાર તેઓ દક્ષિણેશ્વરમાં રાતના શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં વિશ્રામ માટે રહ્યા હતા. મધરાતે તેમની ઊંઘ ઊડી ગઇ. ઊઠીને જોયું તો શ્રીરામકૃષ્ણદેવ તેમની પથારીમાં નહોતા. તેમના મનમાં સન્દેહ આવ્યો, “તો શું તેઓ નોબતખાનામાં પોતાની પત્ની પાસે સુવા ચાલ્યા ગયા છે?” સંન્દેહ-નિવારણ માટે તેઓ છુપાઈને નોબતખાનાના દ્વાર તરફ જોવા લાગ્યા. પણ થોડીવાર પછી શ્રીરામકૃષ્ણદેવને પંચવટી તરફથી આવતા જોઈને લજ્જિત થઈ ગયા. શ્રીરામકૃષ્ણદેવ તેમનો ચેહરો જોઈને બધું સમજી ગયા અને આશ્વાસન દેતાં કહ્યું, – ‘ભલે, ભલે, સાધુને દિવસે જોવો, રાતે જોવો અને પછી તેના પર વિશ્વાસ કરવો!’ આ જ રીતે મથુરબાબુ વગેરે ઘણી વ્યક્તિઓએ શ્રીરામકૃષ્ણદેવના કામ-ત્યાગની પરીક્ષા જુદી-જુદી રીતે લીધી હતી. શ્રીરામકૃષ્ણદેવ બધી સ્ત્રીઓને, પોતાની ધર્મપત્નીને પણ માતૃભાવથી જોતા. પોતાની ધર્મપત્ની મા શારદામણિ દેવીની તેમણે ફલહારિણી કાળીપૂજાની રાતે જગન્માતા રૂપે ષોડશી પૂજા કરી હતી.

ઈશુ ખ્રિસ્ત લોકોનાં પાપગ્રહણ કરીને ક્રોસ પર ચડ્યા હતા. શ્રીરામકૃષ્ણદેવને લોકોના પાપ ગ્રહણ કરીને ગળામાં ભયાનક કેન્સરનો રોગ થઈ ગયો હતો. તે ક્રોસ પર ચડવા જેવું જ હતું. ગળામાં ભયાનક પીડા છતાં કરુણાવશ તેમણે જીવનની છેલ્લી ઘડી સુધી ઉપદેશ બંધ ન કર્યો એટલું જ નહિ લોકોનાં પાપ ગ્રહણ કરીને પણ તેમને ‘પાપી’ માનવાનો ઈન્કાર જ ક્યા કર્યો અને કહ્યું, નરમાં નારાયણ વસે છે, તેમની સેવા કરો. ઈશુ ખ્રિસ્તે પોતાના જીવનકાળ દરમિયાન થોડા રોગીઓને ચમત્કારથી સાજા કર્યા હતા અને પોતાના પાડોશીઓની સેવા કરવાનો ઉપદેશ લોકોને આપ્યો હતો. શ્રીરામકૃષ્ણદેવે ‘શિવજ્ઞાનથી જીવસેવા’નો મંત્ર આપ્યો અને તેનું પાલન જીવનમાં કર્યું. તેઓ જ્યારે તીર્થદર્શન માટે મથુરાબાબુ સાથે જતા હતા ત્યારે દેવધરની પાસે રહેતા નિમ્નવર્ગના લોકોની ગરીબી જોઈ તેમનું હૃદય પીગળી ગયું અને જ્યાં સુધી મથુરબાબુએ તેમને તેલ, વસ્ત્ર અને ભરપેટ ભોજન ન આપ્યું ત્યાં સુધી તેમણે તીર્થયાત્રા માટે આગળ વધવાનો ઈન્કાર કરી દીધો. તેમના સેવાધર્મના આદર્શથી અનુપ્રાણિત થઈને જ સ્વામીજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.

ઈસ્લામ ધર્મની વિશેષતા છે સામાજિક સામ્ય. એકવાર પંચવટીની નીચે ધ્યાન કરતી વખતે શ્રીરામકૃષ્ણે જોયું કે એક દાઢીવાળો મુસલમાન એક જ રકાબીમાંથી બધાંને જાતિના ભેદભાવ વગર ભાત પીરસી રહ્યો છે. શ્રીરામકૃષ્ણે પણ તેમાંથી ભાત ગ્રહણ કર્યો. પોતાના ઉચ્ચકુળના અભિમાનનો ત્યાગ કરવા માટે તેઓ દક્ષિણેશ્વર મંદિરના પાસે રહેતા એક ભંગીના ઘરે દરરોજ રાતે જતા અને તેનું જાજરૂ પોતાના લાંબા વાળથી સાફ કરતા.

અદ્વૈતજ્ઞાનના સૌથી મોટા પ્રવર્તક આદિ શંકરાચાર્ય હતા. નિર્વિકલ્પ સમાધિ એટલે કે અદ્વૈતજ્ઞાનની ઉચ્ચત્તમ આધ્યાત્મિક સ્થિતિ ઉપલબ્ધ કરી હતી. શ્રીરામકૃષ્ણદેવે તોતાપુરી પાસે અદ્વૈતજ્ઞાનની સાધના કરતી વખતે ત્રણ દિવસોમાંજ નિર્વિકલ્પ સમાધિની ઉપલબ્ધિ કરી હતી. એટલું જ નહિ, આ પછી છ મહિના સુધી તેઓ આ અવસ્થામાં રહ્યાં હતા. જગન્માતાની ઈચ્છાથી આશ્ચર્યજનક રીતે તેમનો દેહ જળવાઈ રહ્યો. આ પછી જગન્માતાનો તેમને આદેશ મળ્યો – “તું ભાવમુખે રહે”, ત્યારે તેમનું મન આ જગતમાં પાછું કર્યું.”

શ્રીચૈતન્ય મહાપ્રભુનો મહાભાવ શ્રીરામકૃષ્ણદેવની દેહમાં પ્રકટ થયો હતો. શ્રીચૈતન્ય મહાપ્રભુની જેમ તેઓ કીર્તનાનંદમાં મગ્ન રહેતા અને વારંવાર સમાધિઅવસ્થામાં ચાલ્યા જતા. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્તે એકવાર તેમને કહ્યું હતું – “મને લાગે છે કે ત્રણે (મહાપુરુષો) એક જ! ઈશુ ખ્રિસ્ત, ચૈતન્યદેવ અને આપ એક જ વ્યક્તિ.” આના જવાબમાં શ્રીરામકૃષ્ણદેવે કહ્યું “એક, એક! એક નહિ તો બીજું શું! ઈશ્વર! જુઓ છો ને જાણે આની ઉપર આમ કરીને રહ્યા છે.” એમ કહીને તેમણે પોતાના શરીર પર આંગળી મૂકી જાણે બતાવ્યું કે ઈશ્વરે જ પોતાનું શરીર લઈને અવતાર લીધો છે. સ્વામીજીએ પણ એકવાર કહ્યું હતું. – “ઠાકુર (શ્રીરામકૃષ્ણ) કેટલીય વાર બોલ્યા છે, હું અદ્વૈત ચૈતન્ય નિત્યાનંદ, એક આધારમાં (શરીરમાં) ત્રણેય” (ક્રમશ:)

સંદર્ભ સૂચિ

(૭) ‘પ્રબુદ્ધ ભારત’ જુલાઈ ૧૯૭૩

(૮) શ્રીરામકૃષ્ણ કથામૃત – ભાગ – ૩ પૃ. સં. ૧૫૩.

(૯) શ્રીરામકૃષ્ણ કથામૃત – ભાગ – ૩ પૃ.સં. ૩૪૪.

Total Views: 223

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.