પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તેમની શૈલી આકર્ષક છે. તેઓ-શ્રીનાં કેટલાંક પ્રવચનો ‘માનસ મન્થન’ નામના ગ્રંથમાં સંકલિત થયાં છે. રૈયાણી ટ્રસ્ટ, મુંબઈ દ્વારા પ્રકાશિત આ ગ્રંથના થોડા અંશો શ્રીરામનવમીના પ્રસંગે અહીં આપવામાં આવે છે.
ગોસ્વામી તુલસીદાસ રામચરિતમાનસને એક સરોવરની ઉપમા આપે છે. જ્યારે આપણે એક નદી કે સરોવર પાસે જઈએ છીએ ત્યારે દરેક વ્યક્તિની દૃષ્ટિ એક જ હોતી નથી. કોઈ ત્યાં સ્નાન કરવા માટે જાય છે, તો કોઈ પાણી પીવા માટે જાય છે, ત્રીજો માણસ કપડાં ધોવા જાય છે, તો ચોથો માણસ તેના ઊંડા પાણીમાં ડૂબકી મારવા જાય છે. તુલસીદાસજી આ ચાર ઘાટોની કલ્પના દ્વારા આપણને બધાને માનસ સરોવરમાં આવવા માટે આમંત્રણ આપે છે.
તુલસીદાસજી કહે છે કે, આપણા શ્રીરામનું ચરિત્ર દિવ્ય જળથી ભરેલા સરોવર સમાન છે. જ્યારે કોઈ વ્યક્તિ સ્નાન કરવા માટે સરોવર પાસે જશે ત્યારે પ્રથમ તેની નજર પાણી ઉપર જશે કે, સરોવરનું પાણી સ્વચ્છ છે કે નહિ. જો પાણી સ્વચ્છ નહિ હોય તો તેને ન્હાવાની ઇચ્છા થશે નહિ. જે વ્યક્તિ પાણી પીવા માટે જશે તેની દૃષ્ટિ ફક્ત સ્વચ્છતા પર કેન્દ્રિત રહેશે નહિ, તે એ પણ જોશે કે પાણી પીવામાં મીઠું અને શીતળ છે કે નહિ, પરંતુ જે વ્યક્તિ તરવા માટે જશે તેની દૃષ્ટિ ફક્ત સ્વચ્છતા, મીઠાશ અને શીતળતા પર રહેશે નહિં, તે એ પણ જોશે કે પાણીની ઊંડાઈ છે કે નહિ.
ગોસ્વામી તુલસીદાસજીનો સંકેત એવો છે કે, જે ચારિત્ર્યવાન અને ધાર્મિક પ્રવૃત્તિવાળા લોકો છે; તેઓ આવે અને ભગવાન શ્રીરામચંદ્રજીના ચરિત્રની સ્વચ્છતામાં પોતાનું ચરિત્ર સ્વચ્છ બનાવે. તેઓ કહે છે કે-
લીલા સગુન જો કહહિં બખાની ।
સોઈ સ્વચ્છતા કરઈ મલ હાની ॥ (૧/૩૫/૫)
જે લોકો સગુણ ઉપાસક છે, સાકારવાદી છે તેમને માટે શ્રીરામના ચરિત્રની શુદ્ધતા અને પવિત્રતા એ જ પાણીની સ્વચ્છતા છે. જે લોકો જ્ઞાની છે, તરવૈયા છે, ઊંડાઈમાં જવા ઇચ્છે છે તેઓને ગોસ્વામીજી નિમંત્રણ આપે છે કે –
રઘુપતિ મહિમા અગુન અબાધા ।
બરનબ સોઈ બર બારિ અગાધા ॥ ૧/૩૬/૨
સમાજમાં પુરાણકાળથી ઘણો જૂનો વિવાદ ચાલ્યો આવે છે કે, ઈશ્વર નિર્ગુણ-નિરાકાર છે કે સગુણ-સાકાર? કોઈ લોકો કહે છે કે, કબીર, દાદૂ, વગેરે નિર્ગુણ-નિરાકારવાદી હતા અને તુલસીદાસ, સુરદાસ, વગેરે સંતો સગુણ-સાકારવાદી હતા. હું આની સાથે સહમત થતો નથી. તુલસીદાસજી કોઈ એક જ વાદને માનનારા ન હતા. તેઓ નિર્ગુણવાદ અને સગુણવાદ બંનેનો સ્વીકાર કરે છે. તેમને કોઈએ પૂછ્યું કે, ‘આપ નિર્ગુણનો સ્વીકાર કરો છો કે સગુણનો?’ ત્યારે તુલસીદાસજીએ ભાવનાથી ભરેલા શબ્દોમાં જવાબ આપ્યો –
તેઓ બોલ્યા – “જો આપણા ઘરમાં બે મહેમાનો આવી જાય તો શું એ જરૂરી છે કે એક મહેમાનને બહાર કાઢી મૂકીએ અને બીજાને ઘરમાં રોકી રાખીએ?”
તુલસીદાસજી કહે છે કે – ‘હું નિર્ગુણ અને સગુણ બંનેનું સ્વાગત કરું છું અને બંનેને રહેવા માટે બે ઓરડા પણ સુવ્યવસ્થિત કરી આપું છું.’
હિય નિર્ગુન, નયનનિ સગુન,
ઘણી મોટી વાત તુલસીદાસજીએ એક નાનકડા વાક્યમાં કહી દીધી. તેમણે કહ્યું કે, ‘ઈશ્વર મારા હૃદયમાં નિર્ગુણ-નિરાકાર રૂપે છે, પરંતુ મારી આંખોમાં તે સગુણ-સાકાર રૂપે છે. નિર્ગુણ-નિરાકારની વાતનો અસ્વીકાર કોઈ કેવી રીતે કરી શકે?’ અંતર્યામી રૂપે ઈશ્વર હૃદયમાં બેઠેલા જ છે, પરંતુ નિર્ગુણ-નિરાકારનું અંતર્યામીપણું આંખોને કેવી રીતે સંતોષ આપી શકે? આંખો તો ત્યારે જ સંતોષ પામે જ્યારે ઈશ્વર પ્રત્યક્ષ નજરે પડે – જ્યારે તે ઈશ્વરના રૂપ-માધુર્યનું દર્શન થાય.
તુલસીદાસજી કહે છે કે, ‘મેં બંનેને બે અલગ સ્થાન આપી દીધાં છે, છતાં પણ તે બંનેને ઓરડા આપવાની બાબતમાં પક્ષપાત હોઈ શકે છે. એકને સુંદર ઓરડો આપ્યો તો બીજાને સાધારણ ઓરડામાં ઉતારો આપ્યો.
કોઈએ ગોસ્વામીજીને પૂછ્યું કે, ‘મહારાજ, આપે શ્રેષ્ઠ સ્થાન કોને આપ્યું?’ હવે પ્રશ્ન ઊભો થાય છે કે શ્રેષ્ઠ સ્થાન ક્યું? હૃદય શ્રેષ્ઠ છે કે નેત્રો શ્રેષ્ઠ છે? હવે આ બાબતનો નિર્ણય કોણ કરી શકશે? ત્યારે તુલસીદાસજી એક બીજી મધુર વાત કહે છે કે, ‘ભાઈ, મેં તો સૌથી સુંદર ઓરડો એક ત્રીજાને દઈ દીધેલો છે’ –
હિય નિર્ગુન, નયનનિ સગુન, રસના રામ સુનામ ।
મનહું પુરટ સંપુટ લસત, તુલસી લલિત લલામ ॥
હૃદયમાં નિર્ગુણ નિરાકારને રાખેલ છે અને નેત્રોમાં સગુણ-સાકારને અને જીભ પર રામનું શુભ નામ રાખ્યું છે.
દિવ્ય રત્નો સોનાની પેટીમાં રાખવામાં આવે છે. નિર્ગુણ અને સગુણ એ બંને આ પેટીના બે વિભાગ છે અને તેમની વચ્ચે રાખેલું રામનામ છે. હવે એવો વિવાદ ઉપસ્થિત થાય કે અમુક વ્યક્તિ નિર્ગુણ છે કે સગુણ તો આપણે શું કરીએ છીએ? આપણે તે વ્યક્તિનું નામ લઈને સાદ પાડીએ છીએ ત્યારે તે વ્યક્તિ આપણી સમક્ષ હાજર થઈને પોતાનો પરિચય આપે છે.
આ પ્રકારે તુલસીદાસજી કહે છે, “તમે રામનામ લઈને સાદ પાડો, રામ જેવા રૂપમાં હશે, તમારી સામે આવીને પોતાનો પરિચય આપશે. અગર તેઓ નિર્ગુણ હશે તો નિર્ગુણરૂપે આવીને પોતાનું અસ્તિત્વ પ્રકટ કરશે અને જો તેઓ સગુણ હશે તો સગુણ રૂપે તમારી સામે આવશે.”
તેઓ કહે છે કે – ‘રામચરિત માનસ’માં જે શ્રીરામનો નિર્ગુણ મહિમા છે તે તેમના ગૂઢ તત્ત્વનો મહિમા બતાવે છે. રામનો સગુણ-સાકાર મહિમા તેમની લીલા બતાવે છે. તે રામના ગુણોની નિર્મળતા બતાવે છે.’
રઘુપતિ મહિમા અગુન અબાધા ।
બરનબ સોઈ બરબારિ અગાધા ॥
અહીં તુલસીદાસજીએ ઘણી જ્ઞાનપૂર્ણ વાત કહી છે. દા. ત., જે વ્યક્તિ પાણીની સ્વચ્છતા પર નજર નાખે છે તેનું ધ્યાન કદાચ પાણીની ઊંડાઈ પર જતું નથી. પરંતુ આપ સારી રીતે જાણો છો કે પાણીની સ્વચ્છતાને તેની ઊંડાઈ સાથે ઘણો ગાઢ સંબંધ છે. પાણી જેટલું ઊંડું હશે તેટલું જ તે સ્વચ્છ હશે અને ઊંડાઈનો અભાવ હશે તો સ્વચ્છતા એટલી જ મર્યાદિત હશે, આપ એક નાનકડા વાસણમાં પાણી ભરો અને તેમાં ગંદુ વસ્ત્ર બોળો, તો આપનું વસ્ત્ર ભલે સાફ થઈ જશે પરંતુ પછીથી જોશો તો પાણી ગંદુ થઈ ગયેલું દેખાશે.
આ ઉપરથી તુલસીદાસજી એમ કહેવા માગે છે કે, જો આપણે રામને ફક્ત વ્યક્તિ અથવા સગુણ માની લઈશું તો આપણા મનની સ્વચ્છતા થશે પરંતુ રામ પોતે મેલા થઈ જશે. આ કારણથી સગુણ રામને નિર્ગુણ થવું જરૂરી છે. આમ થવાથી તેમના નિર્ગુણની ઊંડાઈ બની રહેશે અને ત્યારે જ તેમના સગુણ સ્વરૂપની સ્વચ્છતા જળવાઈ રહેશે. અગર નિર્ગુણની ઊંડાઈને આપણે ભૂલી જઈશું તો સગુણની સ્વચ્છતા રહેશે નહિ.
તુલસીદાસજીના રામમાં નિર્ગુણની ઊંડાઈ છે અને સગુણની સ્વચ્છતા પણ છે. જે જ્ઞાની તરવૈયા છે તેઓ ઊંડાઈના પ્રેમી છે. જે કર્મ (આચરણ)ના હિમાયતી છે તેઓ સ્વચ્છતાના પ્રેમી છે. પરંતુ જળપાન કરનારા ભક્તો પાણીની મીઠાશ અને શીતળતા બંને ઇચ્છે છે. એમને માટે તુલસીદાસજી કહે છે કે –
પ્રેમ ભગતિ જો બરિન ન જાઈ ।
સોઈ મધુરતા સુસીતલતાઈ ॥
રામચરિતમાનસમાં પ્રેમ અને ભક્તિનું નિરૂપણ થયું છે તે ગ્રંથનું માધુર્ય અને મૃદુતા બતાવે છે. તેના દ્વારા ગોસ્વામીજીએ જ્ઞાનીજન અને ભક્તજન વચ્ચે રહેલું અંતર પ્રકટ કરી બતાવ્યું છે. જ્ઞાની જ્ઞાનગંગામાં ડૂબકી મારે છે અને ભક્ત ગંગાનું પ્રેમરૂપી જળ પીએ છે. આમ, બે ઉપાય બતાવ્યા છે. ભગવાનમાં પોતાની જાતને ડુબાવી દેવી-સમર્પણ કરી દેવું અથવા ભગવાનને પોતાને આપણામાં સમાવી દેવા, હૃદય ભગવાનમય બનાવી દેવું. જ્ઞાની ભગવાનમાં સમાઈ જાય છે અને ભક્ત ભગવાનને પોતાનામાં સમાવી લે છે. આ બંને ભગવાન-પ્રાપ્તિના માર્ગો છે.
આ પ્રમાણે તુલસીદાસજી નિમંત્રણ આપે છે કે જે જ્ઞાનીજન છે તે શ્રીરામના ચરિત્રની ઊંડાઈ-ગહનતા જુએ અને જે ભક્તજન છે તે રામના ચરિત્રનું માધુર્ય અને શીતળતાના આનંદને પ્રાપ્ત કરે. જે ચરિત્રવાદી છે તે રામના ચારિત્ર્યની શુદ્ધિ અને નિર્મળતા પર નજર નાખે.
તુલસીદાસજીને પૂછવામાં આવ્યું કે, ‘આપે દર્શાવેલો માનસ સરોવરનો ચોથો ઘાટ ક્યાંથી ક્યાંથી આવ્યો? આપે રામના ચરિત્રમાંથી શું લીધું? ઊંડાઈ લીધી, સ્વચ્છતા લીધી, મધુરતા લીધી કે શીતળતા લીધી?’
ત્યારે તુલસીદાસજી કહે છે, “મેં રામચરિત્રમાંથી કશું લીધું નથી.” ત્યારે શું બન્યું છે? તો તુલસીદાસજી કહે છે કે –
‘બીજાએ રામના ચરિત્રમાંથી પ્રાપ્ત કર્યું છે પરંતુ મેં તો આપ્યું છે.’
તમે શું આપ્યું છે?
ત્યારે તુલસીદાસજી કહે છે, “પાણીના જેટલા ગુણ છે તે બધા શ્રીરામમાં રહેલા હતા પરંતુ પાણીનો એક ગુણ રામમાં ન હતો. તેમનું ચરિત્ર જળ સમાન ઊંડું, સ્વચ્છ, મધુર અને શીતળ તો હતું પરંતુ તેમાં અલ્પતાની ઊણપ હતી. પાણી જો હલકું હોય તો તે તેનો એક ગુણ ગણાય છે. તેનાથી પાણી સુપાચ્ય બને છે. પરંતુ ચરિત્રને અગર હલકું કહેવામાં આવે તો તે નિંદાને પાત્ર કહેવાય છે.”
આ તુલસીદાસજી કહે છે કે – ‘રામના ચરિત્રમાં બીજું બધું હતું, પરંતુ હલકાપણું હતું નહિ અને મારા તુલસીદાસના ચરિત્રમાં બધું હલકાપણું હતું, બીજું કશું ન હતું.’ તેથી મેં ભગવાનને કહ્યું કે, ‘હે પ્રભુ, આપના ચરિત્રમાં અગર મારું હલકાપણું જોડાઈ જાય તો આપનું ચરિત્ર સાર્થક બની જાય. એટલા માટે મેં ભગવાનને મારું હલકાપણું (દીનતા) અર્પણ કર્યું.’
તુલસીદાસજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, શ્રીરામનું મહત્ત્વ એ બાબતમાં નથી કે તેઓ કેટલા મહાન છે, પરંતુ એક સાધારણ વ્યક્તિને તેઓ કેટલી મહાન બનાવે છે એમાં છે.
Your Content Goes Here