(ગતાંકથી આગળ)

ગરવો ગઢ ગિરનાર

હવે ગિરનાર પર્વત તરફ :- ગિરનારનો અર્થ થાય છે ગિરિનગર., પર્વત પરનું નગર. હિંદુઓ અને જૈનોનું એ પવિત્ર ધામ છે. બીજો એક નજીકનો ડુંગર મુસલમાન માટે પવિત્ર છે. ગિરનાર પર્વત ૪૦૦૦ ફૂટ ઊંચો છે. તેના શિખરો પર કેટલાંક મંદિરો છે. આપણે તળેટીથી શરૂઆત કરીશું. તળેટીમાં એક મોટા ખડક પર અશોકના અને અન્ય રાજાઓના શિલાલેખો છે. યોગ્ય ઢાંકણો અને છાપરાં વડે તેની જાળવણી અને માવજત કરવામાં આવી છે. અમે, મેં અને મિત્ર ભરતે, સવારે સવા આઠ વાગ્યે પર્વત પર ચડવાની શરૂઆત કરી. નવેમ્બરની ૧૫મી તારીખ હતી. વહેલી સવારે ઊપડવાનું સલાહભરેલું હતું. ટેકા માટેની લાકડીઓ, ૨૫ પૈસા લેખે એક ભાડે મળતી હતી. કારણ કે થોડી વારમાં, ચડનારને તેની જરૂરત લાગે. તળેટીમાં હનુમાનજીનું એક નાનકડું મંદિર આવેલું છે. નવાઈ લાગે, પણ તેની બંને બાજુએ ભગવાન રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદજીની છબીઓ છે. દરવાજે જ હનુમાનજીને પ્રાર્થીને, ધીમેથી મક્કમપણે અમે ઊપડ્યા. મનમાં ઈષ્ટનાં નામનો જાપ કરવાથી, ચડાણ વખતે લાગતો થાક, અમુક પ્રમાણમાં ઓછો લાગે છે. સહયાત્રીઓનો ‘જય ગિરનાર’ નાદ સ્ફૂર્તિ વધારે છે. ચડાણ સીધું અને કપરું છે. થોડે થોડે અંતરે નાસ્તો અને પાણી મળી રહે છે. અડધો કલાક ડુંગર ખૂંદતાં ખૂંદતાં, પાંચેક મિનિટ થોભીને, આજુબાજુનું દૃશ્ય જોવું વધારે સારું પડે અડધા ચડાણે પહોંચતાં એક મોટો, પહોળો અને વિસ્તીર્ણ, એકાદ માઈલ કરતાં ઊંચો ખડક જોવા મળે છે. થાકેલા યાત્રી માટે નાહિંમત કરનારું આ દૃશ્ય છે. અને નિષ્ઠા ધરાવતા યાત્રી માટે પડકારરૂપ આ રાક્ષસી કદની શિલા જોતાં જ, ભભૂત ચોળેલા, ચીંથરેહાલ પહેરવેશવાળા એક સાધુ તો ખરેખર પાછા જ ફરી ગયા.

લગભગ ચાર હજાર પગથિયાં ચડ્યા પછી, આકર્ષણનું પ્રથમ કેન્દ્ર આવેલું છે. આરસપહાણથી બાંધેલાં, ભવ્ય અને ઘણા પરિશ્રમપૂર્વક કોતરેલાં જૈન મંદિરોનું ઝુંડ જોવા મળે છે. આ મંદિર કલાકારીગરીની અજાયબી જેવાં અને સંખ્યામાં બે ડઝન કરતાં પણ વધારે છે. આવાં ભવ્ય બાંધકામો કરવા માટે તેના બાંધનારાઓ શેનાથી પ્રેરાયા હશે? તેમનો ધાર્મિક ઉત્સાહ જ હશે, જૈન સાધુઓની બંધુભાવનાએ જ પ્રેરણા આપી હશે. રાજવીઓના આશ્રય અને આર્થિક મદદ વડે આ પ્રેરણાનું રૂપાંતર આવા કલાના શાશ્વત અને ઉત્તમ નમૂનાઓમાં થયું હશે. બારીક અને ઝીણવટભરી કોતરણી, એવી ભવ્ય રીતે સુઅંકિત અને સુશોભિત છે કે કોઈ પણને લાગણી સહેજે થાય કે, અહીં વધારે પડતા ઉડાઉપણે ખર્ચ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ એમાંના કેટલાંકની અવારનવાર મુલાકાત લે છે, તો કેટલાંકની ઉપેક્ષા પણ થાય છે. કારણ કે યાત્રીઓ માટે નિરાંતે મુલાકાત લેવાનો કંટાળો ઊપજે, તેટલી મોટી સંખ્યામાં સ્થાપત્યકલાના નમૂનાઓ અહીં છે.

ઊંચે ને ઊંચે – આખરે અમે આ મહાકાય – ગિરનારના શિખર પર પહોંચ્યા. પાંચ હજાર પગથિયાં પગ નીચેથી પસાર થયાં. થાકેલા ને સૂઝી ગયેલા પગે અમે મા અંબાજીના મંદિરમાં પ્રવેશ્યા. ખરેખર, કોઈને પણ એમ જ લાગે કે, પોતે માનાં ચરણોમાં જ છે. આટલા ઊંચા ને આકરા ચડાણ પછી માનું દર્શન શાંતિદાયક અને આહ્લાદક બની રહે છે. પગ પણ આગળ ચાલવા વિરોધ કરે ત્યારે કોઈને પણ નાછૂટકે ફરિયાદ કરવાનું મન થઈ જાય કે, “હે, મા! ન પહોંચી શકાય તેવા સ્થળે, તે કાં રહેવાનું પસંદ કર્યું? ઠીક એ તો, જેવી તારી ઈચ્છા! અને તો જ તારાં સંતાનો તને દુર્ગા, અનધિગમ્ય મા કહીને બોલાવેને? તારાં બાળકોની તોફાની મુખમુદ્રા પ્રતિ, તારા સુંદર હોઠ મધુરતાથી મરક મરક થાય છે.”

અમે માની પ્રાર્થના કરી. બપોર વેળા થઈ. અમે ભૂખ્યા અને થાકેલા હતા. માના સ્થાનકે આવ્યા છીએ તો ભોજન કરવું જ જોઈએ. મારા મિત્ર એ સમજીને જ સાથે નાસ્તો લઈ આવ્યા હતા. રસ્તાની બાજુએ ચાની દુકાનો છે. અમે, રસ્તા પરના ખુલ્લા આશ્રય સ્થાનની પરસાળમાં બેઠા, પેટ ભર્યું અને દુ:ખતા પગને રાહત થઈ. મારા સાથીદારના વ્રતનો આજે આખરી દિવસ હતો અને આ મંગલ પ્રસંગે મા અંબાને પ્રાર્થનાનું સદ્ભાગ્ય તેમને સાંપડ્યું.

આગળ ઉપર વધુ ત્રણ પવિત્ર ધામો છે. ગુરુ ગોરખનાથ, કમંડલકુંડ અને દત્તાત્રેયનું મંદિર. સ્વામી વિવેકાનંદ પોતાના વિહારના સમયે થોડા દિવસ કમંડલુ કુંડ રહ્યા હતા. આ ત્રણ સ્થળોની મુલાકાત લેવા યાત્રીને વધુ બે હજાર પગથિયાં ખૂંદવાં પડે છે. મારા દુ:ખતા પગ માટે એ વધુ પડતું હતું, તેથી અમે અંબાજીના શિખર પર ઊભા રહી, સર્વશક્તિમાનના દૂતોને મનોમન પ્રાર્થી વંદન કર્યાં. મધ્યાહ્ન સમયે અમે નીચે ઊતરવાની શરૂઆત કરી. અમારાં મોઢાં પશ્ચિમ તરફ હતાં. સૂરજના સળગતા અગનગોળાનાં દઝાડતાં કિરણો અમારાં મોઢાં પર દયાવિહીન બની પડતાં હતાં.

સામાન્ય રીતે ચડવા કરતાં તો ઊતરવાનું સહેલું છે, એમ માનવામાં આવે છે. અહીં એવું નથી. દુ:ખતા પગ નિ:સહાય રીતે પ્રતિકાર કરી રહ્યા હતા અને ગોઠણ વાળવાનું પણ એક કસોટી જેવું હતું.

લાકડીના ટેકેટેકે, ધીમે ધીમે ધીમે થોડી થોડી વારે ઊભા રહેતા રહેતા, અને ગોઠણેથી પગ વાળ્યા વગર, પગ ધીમેથી નીચે મૂકતાં મૂકતાં અમે ઊતરવાનું ચાલુ રાખ્યું. મારો સહયાત્રી યુવાન તો ઘેટાના ચંચળ બચ્ચાની જેમ આગળ ઠેકતો જતો અને જાણે કે મારા જેવા લંગડાતા ઘેટાની રાહ જોતો હતો. ખડકોની તિરાડોમાંથી પાણીનાં ઝરણાં નીકળતાં હતાં, દરેક વિરામ – સ્થળે પીવાનું ઠંડુ પાણી મળી રહે છે. અમારી સાથે શરીરની પ્રક્રિયાને ઠંડી પાડવા, તરસ છિપાવવા માટે શેરડીનો ઠંડો રસ હતો. પગથિયાંની બંને બાજુએ, થોડે થોડે અંતરે ભિક્ષુકો જોવા મળતા. તેમાંના મોટા ભાગના અંધ હતા. બધાને માર્ગદર્શન માટે દોરી જનારા હોતા નથી. વાંકાચૂંકા કેડા પર માત્ર લાકડીની સહાય અને પગના સ્પર્શજ્ઞાનથી, કેવી રીતે તેઓ ચાલી શકતા હશે, એ એક આશ્ચર્ય છે.

ત્રણેક વાગ્યે અમે તળેટી પર પાછા આવી ગયા હતા. આશાસ્પદ ભાવિ યાત્રીઓને માટે બે શબ્દ : વહેલી સવારે પાંચેક વાગ્યે ઊપડવું. વળી, થોડો નાસ્તો અને ભગવાનને સાથે રાખવા, ઉતાવળ કરવી નહિ. ભારે, સ્થૂળ શરીરવાળાએ અને નબળા હૃદયવાળાએ આ જોખમ ખેડવું નહિ. ‘ડોળી’ – (ગોફણ જેવા આકારના યુક્તિપૂર્ણ સાધન)નો ઉપયોગ તમે કરી શકો. તમે પલોંઠી વાળી તેનાં પાટિયાં પર બેસી જાઓ અને બે ખડતલ ઊંચકનારા તમને એક વળીને આધારે લટકાવી ઊંચકી જશે. કદાવર હોવાની તમારે આ કિંમત ચૂકવવી પડે છે. જો તમારે તમામ સ્થળોની મુલાકાત લેવી હોય તો, ઉપર જ રાત રોકાણની યોજના કરવી, આખરી મુકામે યાત્રીઓ માટે રાત્રિ રોકાવાની જગ્યાઓ છે.

(ક્રમશ:)

ભાષાંતર : શ્રી સી. એમ. દવે

Total Views: 138

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.