(ગતાંકથી આગળ)

શ્રીરામકૃષ્ણ જ્યોતના વાચકો, શ્રીરામકૃષ્ણદેવના ભક્તો તથા અનુયાયીઓને સ્વામીજીના જીવનથી પરિચિત કરવાના ન હોય. જીવનનું ગંભીરતાથી ચિંતન કરનાર ચિંતક જીવનને જ્યારે સર્વગ્રાહી દૃષ્ટિથી મૂલવે છે ત્યારે તે કેળવણી વિશે પણ અનિવાર્યપણે વિચારે છે.

મહાત્મા ગાંધી જ્યારે એમ કહે, ‘મારું જીવન એ જ મારો સંદેશ છે’ ત્યારે એમના જીવનમાં ‘કેળવણી’ વિષેનું એક પાસું પૂર્ણપણે વિકસિત થયેલું ચોક્કસ જોવા મળશે. એમની કેળવણીની ફિલસૂફીમાં ગાંધીજીનું જીવન-કવન પ્રતિબિંબિત થતું હશે. એમના દ્વારા દેશ અને દુનિયાને ‘પાયાની કેળવણી’ની ભેટ મળશે.

રવીન્દ્રનાથ ટાગોર કવિ, કલાકાર, દેશભક્ત, લેખક અને સમાજસુધારક. એમની કેળવણીની ફિલસૂફીમાં ટાગોરનાં ઉપર કહ્યાં એ પાસાં આપણને અચૂક જોવા મળે. શાંતિ નિકેતન અને વિશ્વભારતીમાં ટાગોરની કેળવણીની ફિલસૂફી ઉપર મોટા પાયે પ્રયોગો થાય.

પૂર્વના કે પશ્ચિમના કેળવણીકારોની કેળવણીની ફિલસૂફીમાં આ બધા મહાનુભાવોના જીવનનો નિચોડ, અનુભવો કે તાત્પર્યનાં આપણને દર્શન થાય છે.

શહેરી સંસ્કૃતિ કે સભ્યતાને ઇશ્વરની ‘મહાન ભૂલ’ ગણાવતો રૂસો શહેરોને ‘જીવતાં કબ્રસ્તાન’ માનતો. રૂસો પ્રકૃતિની ગોદમાં પોતાનું બધું જ પાગલપણ ભૂલી જાય અને કંઈક તદૃન નવું જ મૌલિક ચિંતન રજૂ કરે અને પ્રજાને પ્રકૃતિવાદી રૂસોની-શિક્ષણ ફિલસૂફી મળે..

લોકશાહીના પુરસ્કર્તા, સમાજાભિમુખ શિક્ષણના આગ્રહી, પ્રગતિશીલ વિચારક જહોન ડ્યૂઈના જીવનના ધબકાર એમની વ્યવહારવાદી ફિલસૂફીમાં અચૂક સાંભળવા મળે.

એ રીતે જોઈએ તો, કેળવણીની કોઈ પણ પ્રકારની ફિલસૂફીમાં કેળવણીકાર-શિક્ષણશાસ્ત્રીનું જીવન પ્રતિબિંબિત થતું હોય છે.

સ્વામીજીના જીવનમાં હિમાલયના સર્વોચ્ચ શિખરની ઊંચાઈ છે, મહાસાગરનું અતલ ઊંડાણ છે, અવકાશની અનંતતા છે. તો એમણે રજૂ કરેલ શિક્ષણ વિષયક વિચારોમાં આપણને એ જ ઊંચાઈ, એ જ ઊંડાણ અને એ જ અનંતતાનાં દર્શન થશે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ-રાજકોટ દ્વારા પ્રકાશિત ‘કેળવણી’ નામની પુસ્તિકામાં પ્રકાશક નીચે મુજબ જણાવે છે.

‘કેળવણી ઉપર એમણે (સ્વામીજી) કોઈ સળંગસમગ્ર પુસ્તક આપ્યું નથી એ ખરું, પરંતુ વિવિધ સંજોગોમાં એમણે રજૂ કરેલ આ વિષયના વિચારો એવા સમર્થ છે કે, ભારતીય કેળવણીના ઈતિહાસમાં એક ‘પ્રસ્થાન’ના પુરસ્કર્તા તરીકે એમનું સ્થાન વિશિષ્ઠ બન્યું છે. પ્રકીર્ણ વિચાર બિંદુઓને સાંકળીને એક સુરેખ આકૃતિ ઊભી કરવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે.’

કેળવણી વિશેના સ્વામીજીના આ વિચારોને આપણે એ રીતે ગોઠવવાના છે કે એમાંથી સ્વામીજીની કેળવણીની ફિલસૂફી સાકાર બને. પ્રથમ પ્રકરણમાં આપણે કેળવણીની ફિલસૂફીના વ્યાપ બાબત જે વાત કરી છે એ જ મુદ્દાઓને આધારે આપણે આગળ વધવાનું છે. સ્વામીજીની કેળવણીની ફિલસૂફીને પવિત્ર ધારામાં સ્નાન કરવાનું છે.

વ્યાખ્યાઓ

કેળવણી વિશે આપણને અનેક વ્યાખ્યાઓ જોવા મળે. સમય-સમયના અંતરે વ્યાખ્યાઓ બદલાતી પણ જાય. વ્યક્તિગત તફાવતને લીધે બધી જ વ્યાખ્યાઓ એકસરખી ન પણ હોય. સમાજની જરૂરિયાત ફરતી જાય, સમાજની જીવનદૃષ્ટિ બદલાતી જાય, સમાજની અપેક્ષાઓમાં આમૂલ ફેરફાર થાય તો વ્યાખ્યાઓની સંકલ્પના બદલાવા લાગે. આપણે થોડી વ્યાખ્યાઓ જોઈએ.

◆ માનવને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય – યાજ્ઞવલ્ક્ય

◆ તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન Sound mind in sound body – એરિસ્ટોટલ

◆ માનવની જન્મજાત શક્તિઓનો કુદરતી, સુસંગત અને પ્રાગતિક વિકાસ. natural, harmonious and progressive development. – પેસ્ટેલોજી

◆ બાળક અને માણસનાં શરીર, મન તથા આત્મામાં જે કાંઈ શ્રેષ્ઠ છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ ગણું છું. By education, I mean, an allround drawing out of the best in man – body, mind and soul. – ગાંધીજી

◆ માનવની સંપૂર્ણ વ્યક્તિગતાનું પ્રકટીકરણ એટલે શિક્ષણ. Education is the manifestation of the perfection already in man. – વિવેકાનંદજી

યાજ્ઞવલ્કયની પ્રથમ વ્યાખ્યામાં ચારિત્ર્યવાન વ્યક્તિ અને તેનું સમાજમાં પ્રદાન: આ બે બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અંગ્રેજીમાં “Individually developed and socially effective’ કહેવામાં આવતી વ્યક્તિનો વૈયક્તિક અને સામાજિક વિકાસ જે કરે તેને શિક્ષણ કહેવામાં આવે છે.

એરિસ્ટોટલ શિક્ષણ દ્વારા શારીરિક અને માનસિક વિકાસની વાત કરે છે. માંદલા શરીરમાં તંદુરસ્ત મન સંભવી જ શકે નહીં. સુદૃઢ શરીરમાં જ સુદૃઢ મનની સંભાવના છે. શિક્ષણનું કામ સુદૃઢ શરીરમાં સુદૃઢ મનનું ઘડતર કરવાનું છે.

પેસ્ટેલોજીએ જન્મજાત શક્તિઓના વિકાસની વાત કરી છે પણ ત્રણ વિશેષણો આગળ જોડ્યાં છે. કુદરતી, સુસંગત-સંવાદી અને પ્રાગતિક વિકાસ. શિક્ષણનું કામ બાળકનો વિકાસ કુદરતી રીતે થાય તે જોવાનું છે. સાથે સાથે શરીર, મન, હૃદય સુસંગત રીતે – સંવાદી રીતે વિકસે એનો પણ ખ્યાલ રાખવાનો છે. કુદરતી વિકાસ, સુસંવાદી વિકાસ પણ પ્રાગતિક હોવો જોઈએ, એ નિ:શંક છે.

ગાંધીજીએ બાળકના શરીર, મન તથા આત્મામાં રહેલ શ્રેષ્ઠ તત્ત્વને બહાર લાવે તેને કેળવણી કહી. અહીં બાળકના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. ગાંધીજીએ શિક્ષણ વિશેના પોતાના વિચારોમાં બાળકના સામાજિક વિકાસ પર ભાર મૂક્યો છે. એમણે કહ્યું, “વ્યક્તિનો પૂર્ણ વિકાસ સમાજથી દૂર રહીને થઈ શકે નહીં. વ્યક્તિ અને સમાજ પરસ્પરાવલંબી છે.”

“મનુષ્યમાં પ્રથમથી જ રહેલ પૂર્ણત્વનું પ્રકટીકરણ એટલે કેળવણી.” મનુષ્યમાં જ્ઞાન મૂળથી જ રહેલું છે, કોઈ પણ જ્ઞાન બહારથી આવતું નથી. ‘મનુષ્ય જ્ઞાન મેળવે છે’ એમ જ્યારે આપણે કહીએ છીએ તેને ચોક્કસ માનસશાસ્ત્રીય ભાષામાં એમ કહી શકાય કે, તે ‘ઢાંકણ દૂર કરે છે’ અથવા આવરણ ખસેડે છે. આવરણ દૂર કરવાની આ પ્રક્રિયા દ્વારા જ્ઞાનપ્રાપ્તિમાં આગળ વધાય છે. ચકમકમાં રહેલ અગ્નિની પેઠે મનુષ્યના મનમાં જ્ઞાન રહેલું છે; બહારથી આવતું સૂચન એ જ્ઞાનને બહાર લાવવામાં ઘર્ષણનું કાર્ય કરે છે. બહારનો શિક્ષક કેવળ સૂચન આપે છે. અંદરના શિક્ષકને આ સૂચન પ્રેરણા આપે છે. કોઈ છોડવાને ઉગાડવાના કાર્યમાં તમે જેટલી સહાય આપી શકો તેનાથી વિશેષ સહાય બાળકને શીખવવાના કાર્યમાં આપી શકાય નહીં. છોડ પોતે જ પોતાની પ્રકૃતિનો વિકાસ કરે છે; બાળક પણ પોતે જ પોતાને શીખવે છે. પોતે તેને શીખવી રહ્યો છે, એવું માનીને શિક્ષક બધો ખેલ બગાડી મારે છે.’

ઉપરની વ્યાખ્યા ઉપરાંત એમણે અન્ય જગ્યાએ કેળવણી વિષે કહ્યું છે :

◆ માનવજાતના ભલા માટે મનુષ્યની ઈચ્છા શક્તિનું વ્યવસ્થિત નિયમન કરી તેને યોગ્ય માર્ગે વાળે તે કેળવણી.

◆ જ્ઞાન અને કૌશલ્યને કેળવીને લોકોમાં પડકાર ઝીલવાની તાકાત ઊભી કરે અને જેના વડે લોકોની હિંમત, નિ:સ્વાર્થપણું અને ચારિત્ર્ય સુદૃઢ બને એનું નામ કેળવણી.

◆ ધર્મ એ કેળવણીનું કેન્દ્રબિંદુ છે.

સ્વામીજીની કેળવણી વિશેની વ્યાખ્યા મહાત્મા ગાંધીની કેળવણીની વ્યાખ્યાની ખૂબ જ નજીક છે. ટૂંકમાં, એ બાબત સૌથી વધુ અગત્યની છે..

ઉદ્દેશો

કોઈ પણ કેળવણીકાર – શિક્ષણશાસ્ત્રી પોતાની કેળવણીની ફિલસૂફી પ્રજા પાસે મૂકે છે ત્યારે તેના ઉદ્દેશો ક્યા છે એ પ્રથમથી જ સ્પષ્ટ કરે છે. ઉદ્દેશો એ સાધ્ય છે. આ ઉદ્દેશોમાં અમુક લાંબા ગાળે સિદ્ધ કરી શકાય એવા હોય છે તો અમુક ટૂંકા ગાળાના હોય છે. કેળવણી અને જીવન બન્ને પરસ્પર સંકળાયેલાં છે એટલે ઉદ્દેશોને વ્યક્તિના, સમાજના અને રાષ્ટ્રના જીવન સાથે સીધો સંબંધ છે. સ્વામીજીએ બતાવેલ કેળવણીના ઉદ્દેશો નીચે પ્રમાણે છે.

◆ ‘માનવસેવા એજ પ્રભુ સેવા’ની ભાવના વિદ્યાર્થીઓમાં જગાડવી.

◆ મનુષ્યને સાચો મનુષ્ય બનાવતું કેળવણીનું ધ્યેય

◆ ચારિત્ર્ય વિકાસની કેળવણી.

◆ જીવનનું ઘડતર કરતી કેળવણી.

માનવસેવા

સ્વામીજીની કેળવણીની ફિલસૂફીના પાયામાં અદ્વૈતવાદ છે. જીવમાત્ર પ્રભુનો અંશ છે એ ભાવના પડેલી છે અને એ જ ભાવનાથી કેળવણી દ્વારા માનવસેવાની ભાવના જગાડવી એ શિક્ષકનું કર્તવ્ય છે. સ્વામીજી કહે છે: “શું તમે નથી જાણતા કે, પ્રત્યેક આત્મા એ પ્રભુનો આત્મા છે? મનુષ્ય માત્રને પરમાત્મા સ્વરૂપ સમજો. તમે તો માત્ર એની સેવા કરી શકો. કેવળ ઈશ્વરપૂજા સમજીને તમે એ કાર્ય કરો.”

માનવ ઘડતર

સ્વામીજી પોતાના પ્રવચનમાં એક જગ્યાએ કહે છે, ‘કેળવણી માત્રનો ઉદ્દેશ મનુષ્યને ખરો મનુષ્ય બનાવવાનો છે. માનવને એના વિકાસને પંથે ચડાવવો એ જ કેળવણીનું લક્ષ્ય છે. જે શિક્ષણથી મનુષ્યની ઈચ્છાશક્તિનો પ્રવાહ સંયમિત બને અને ફળદાયી બને તેને જ સાચું શિક્ષણ કહેવાય.’

ચારિત્ર્ય વિકાસ

ચારિત્ર્ય એટલે વૃત્તિઓનો સમૂહ, માનસિક વલણોનો સરવાળો. આ સર્વ સંમિશ્રિત અસરોનું પરિણામ એ જ “ચારિત્ર્ય”. સ્વામીજી કહે છે, ‘મનુષ્યના ચારિત્ર્ય ઘડતરમાં સુખ અને દુ:ખ બંને તત્ત્વો સમાન હિસ્સો ધરાવે છે, કોઈ કિસ્સામાં તો સુખ કરતાં દુ:ખ મનુષ્યનું ચારિત્ર્ય ગઠન કરવામાં સારો શિક્ષક સાબિત થયો છે. મોટા ભાગના મહાપુરુષોનું જીવનઘડતર સુખ કરતાં દુ:ખથી વધુ થયું છે.’ સ્વામીજીની વાણી વધુ ધારદાર બને છે. “મોજશોખને ખોળે ઊછરીને, ગુલાબની પથારીમાં પડ્યા પડ્યા, આંસુનું એક ટીપુંયે પાડ્યા વિના ભલા કોણ મહાન થઈ શક્યું છે? જ્યારે હૈયામાં વેદના ઊપડે છે, જ્યારે ગમગીનીના વાયરાઓ ચારે બાજુ પોતાની ઝાપટો લગાવે છે. અને પ્રકાશનું એક કિરણ પણ ક્યાંયે દેખાતું નથી, જ્યારે હિંમત અને આશા પણ આપણે ગુમાવી બેઠા હોઈએ ત્યારે ભયંકર આંતરિક ઝંઝાવાતની વચ્ચે પેલી આત્મજ્યોતિ પ્રકાશી ઊઠે છે.’ કેળવણીનું કામ વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય નિર્માણ કરવાનું છે. વિદ્યાર્થીઓમાં સંસ્કાર ઘડતર કરવાનું છે. વિદ્યાર્થીઓ હંમેશાં શુભનું ચિંતન કરતા થાય એ જોવાનું છે.

જીવન ઘડતર

સ્વામીજીના મત મુજબ કેળવણીનું કામ મનુષ્યને ‘નૃસિંહ’ બનાવવાનું છે. તેઓ કહે છે, ‘સાધારણ જનસમુદાયને જીવન-સંગ્રામમાં લડવા માટે જે કેળવણી મદદરૂપ ન થાય, જે કેળવણી અંતરાત્માને જાગૃત ન કરે એ કેળવણી કેળવણી નથી. જે કેળવણી મનુષ્યમાં પરોપકારની ભાવનાનું સિંચન ન કરી શકે તેને શું આપણે કેળવણી કહીશું?’ મનુષ્યના જીવન ઘડતરમાં શ્રદ્ધા કેન્દ્રસ્થાને છે એમ જણાવી સ્વામીજી કહે છે, “આપણામાં સાચી શ્રદ્ધાનો પુન: પ્રચાર કરવો જોઈએ. આપણી આત્મશ્રદ્ધાને આપણે પુનર્જાગૃત કરવી જોઈએ. પશ્ચિમના દેશોમાં જે કંઈ ભૌતિક સિદ્ધિઓ આપણે જોઈએ છીએ એ આ જ શ્રદ્ધા છે. એ લોકોને પોતાના બાહુબળમાં શ્રદ્ધા છે. આપણને જો આત્મશક્તિમાં શ્રદ્ધા હોય તો કેટલું બધું વિશેષ કાર્ય થઈ શકે?’ કેળવણીનું કામ બચપણથી જ બાળકોમાં આત્મશ્રદ્ધા જાગૃત કરવાનું છે, જે કેળવણી આત્મશ્રદ્ધા જગાડવામાં નિષ્ફળ જાય છે તે કેળવણી, કેળવણી નથી.

ઉદ્દેશો – વર્તમાન સમય સાથે સુસંગતતા

સ્વામીજીએ બતાવેલા કેળવણીના ઉદ્દેશો અત્યારના જમાના સાથે સુસંગત કેટલા એ પ્રશ્ન સૌને થાય એ સ્વાભાવિક છે.

દેશ અને દુનિયામાં હરસમયે અને હરેક ક્ષેત્રમાં એક બાબત તો નિશ્ચિત છે કે, કેળવણી દ્વારા વિદ્યાર્થીઓમાં માનવ સેવાની ભાવના જગાડવી. આઝાદી પછીના ગાળામાં સરકારે જેટલાં શિક્ષણપંચો બેસાડ્યાં એ બધાંમાં ગરીબ, પછાત, ત્યજાયેલા કે ઉપેક્ષિત સમાજના લોકોનો ઉત્કર્ષ અને તેમની સેવા એ સમયની તાતી જરૂર માનવામાં આવી છે.

“Service to humanity is service to God” કે દરિદ્રનારાયણની સેવાની વાત આજે શિક્ષણજગતે સમજવા જેવી છે.

‘હું માનવી માનવ થાઉં તો ઘણું.’ કેળવણીનું કામ મનુષ્યને સાચો માનવ બનાવવાનું છે. ભર બપોરે, સખત તડકામાં હાથમાં સળગતું ફાનસ લઈ કંઈક શોધતા ઓલિયાને કોઈએ પૂછ્યું, “આવા તાપમાં સળગતું ફાનસ લઈ શું શોધો છો?’ પેલા ઓલિયાએ કહ્યું, ‘માણસ શોધું છું.’ સિમેન્ટ કોંક્રીટના આ અડાબીડ જંગલમાં માણસાઈવાળો માણસ ક્યાંક ગૂમ થયો છે. શિક્ષકે બાળકોને સાચા અર્થમાં માનવ બનાવવાના છે. વર્તમાન સમયમાં આ ઉદ્દેશ પણ એટલો જ સમયોચિત ગણાય.

ચારિત્ર્ય વિકાસ બાબત શિક્ષણના ક્ષેત્રે અરાજકતા જ પ્રસરી રહી છે અથવા તો ચારિત્ર્ય વિશેના આપણા ખ્યાલો બદલાઈ ગયા છે. “If Character is lost everything is lost” આ સૂત્ર સાચું હોય તો ચારિત્ર્ય તરફ તદ્દન ઉપેક્ષા સેવતો શિક્ષણ સમાજ પતનને જ નોતરે એ નિર્વિવાદ છે. આજે જીવનના દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર જે રીતે ફૂલ્યોફાલ્યો છે એ ઉપરથી આપણે કહી શકીએ કે, ચારિત્ર્ય તરફ કેળવણીએ દુર્લક્ષ્ય જ કર્યું છે. મૂલ્યનિષ્ઠ શિક્ષણની વાતો ચારિત્ર્યહીન લોકો શી રીતે કરી શકે?

જે કેળવણી નરને નરસિંહ ન બનાવે તે કેળવણી સત્ત્વહીન છે. જે કેળવણી મનુષ્યમાં શ્રદ્ધાનો દીપ ન પ્રગટાવે એ કેળવણી પ્રાણહીન છે. વર્તમાન સમયમાં મનુષ્યમાં હિંમત, સત્ય માટે તાલાવેલી, પ્રામાણિકતા જેવા ગુણો ખરી કેળવણી જ આપી શકે.

એ રીતે, સ્વામીજીએ બતાવેલા કેળવણીના ઉદ્દેશો અને તેની સુસંગતતા એ તર્કબદ્ધ તો છે જ, સાથોસાથ જમાનાની તીવ્ર માગ પણ છે.

(ક્રમશ:)

Total Views: 606

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.