સુશિક્ષિત યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો. તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો. તમારી, મારી કે સ્વંય મારા ગુરુની પણ નામના કીર્તિની ખેવના ન રાખો! વત્સો! વીર, ઉદાર અને સુચરિત યુવાનો! આપણી ભાવનાને, આપણી યોજનાને સફળ બનાવો. કાર્ય આગળ ધપાવવા માટે ચક્રને તમારા ખભાઓનો ટેકો આપો! નામના, કીર્તિ કે એવી કોઈ નકામી વસ્તુની આશાથી તમારી ગતિને રોકશો નહિ. સ્વાર્થને ફેંકી દઈને કામમાં લાગી જાઓ. યાદ રાખજો કે “ઘાસનાં તણખલાંને એકત્ર કરીને બનાવેલું દોરડું મદમત્ત હાથીને પણ બાંધી શકે છે.’ પ્રભુના આશીર્વાદ તમારા સૌની ઉપર છે! ઈશ્વરની શક્તિનો તમારા સૌમાં અવિર્ભાવ થાઓ; હું તો માનું છું કે એ શક્તિ તમારા સૌમાં રહેલી જ છે. વેદો કહે છે, “ઊઠો, જાગો અને લક્ષ્ય-સિદ્ધિ કર્યા વિના જંપો નહિ.’ ઊઠો, ઊઠો, દીર્ઘ રાત્રિ પૂરી થવા આવી છે. દિવસ ઉગવાની તૈયારી છે, ભરતી છે, ભરતીનું મોજું ઊંચે ચડ્યું છે, એના પ્રચંડ ધસારાને રોકવાની કોઈની પણ તાકાત નથી. વીરતા બતાવો, મારા નવયુવક! વીરતા બતાવો, પ્રેમની ભાવના કેળવો, શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, અને ભયને તિલાંજલિ આપો! ભય એ જ મોટામાં મોટું પાપ છે.

ભવિષ્યમાં મહાન કાર્યો કરવાનાં છે; ભાવિમાં જે બનવાનું છે તેની સરખામણીમાં આ અલ્પ સફળતાનું મૂલ્ય કેટલું? માનો, અરે માનો કે આદેશ થઈ ચૂક્યો છે, ઈશ્વરીય આજ્ઞા નીકળી ચૂકી છે કે ભારતનું ઉત્થાન અવશ્ય થશે અને ભારતની જનતા અને ગરીબ પ્રજા સુખી થવાનાં છે. આનંદિત થાઓ કે કાર્યના નિમિત્ત બનવા માટે પરમેશ્વરે તમારી વરણી કરી છે. આધ્યાત્મિકતાનું પૂર ચડવા લાગ્યું છે. હું જોઈ રહ્યો છું કે નિર્બંધ, અફાટ અને સર્વગ્રાસી એ પૂર ભારતભૂમિ ઉપર ધસી રહ્યું છે. એકેએક જણ આગળ આવી જાય; દરેકેદરેક શુભ સંકલ્પ એ વેગમાં ભળશે અને દરેકેદરેક જણ પોતાના હાથથી એના વહનનો માર્ગ સરળ કરતો જશે. જય હો પરમેશ્વરનો!…..

મને કશી મદદની જરૂર નથી. એક ફંડ એકઠું કરવાનો પ્રયાસ કરો અને તેમાંથી થોડાંએક જાદુઈ ફાનસ, નકશા, પૃથ્વીના ગોળા વગેરે ચીજો તેમજ થોડાંએક રસાયણો ખરીદ કરો. દરરોજ સાંજે ગરીબ તેમ જ નીચલા વર્ગના લોકોને એકત્ર કરો; ભંગીઓને સુદ્ધાં. અને પહેલાં તો તેમની સમક્ષ ધર્મ વિશે પ્રવચન આપો; અને ત્યાર બાદ મેજિક-લેન્ટર્ન તેમ જ અન્ય સાધનો દ્વારા, એ લોકોની ભાષામાં જ એમને ખગોળ, ભૂગોળ આદિ વિષયોનું જ્ઞાન આપો. ઉત્સાહથી થનગનતા યુવકોની એક ટુકડીને તાલીમ આપીને તૈયાર કરો. એમનામાં તમારી ધગશ પ્રગટાવો અને ઉત્તરોત્તર તેનું ક્ષેમ કરતાં કરતાં એ સંઘનો વિસ્તાર કરતા રહો. બને તેટલું ઉત્તમ કાર્ય કરો. “બધુંય પાણી ખૂટી જશે ત્યારે નદી ઓળંગીશું,’ એમ વાટ જોતા બેસી ન રહો.

– સ્વામી વિવેકાનંદ

(‘સ્વામી વિવેકાનંદના પત્રો’ પૃ.સં. ૪૦-૪૧)

Total Views: 281

One Comment

  1. Rasendra August 3, 2022 at 11:36 am - Reply

    જોશ અને ઉત્સાહના પ્રતીક સમાન યુવાનોને, ચીર યુવાનસ્વામીનો પૌરુષમય સંદેશ.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.