શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ (ભાગ બીજો)
સાધક ભાવ
લે. સ્વામી સારદાનંદ
અનુવાદક : ડૉ. પ્રજ્ઞાબહેન શાહ
પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
મૂલ્ય : કાચું પૂંઠું : રૂ. ૧૮-૦૦ પાકું પૂંઠું : રૂ. ૨૧-૦૦
ચતુર્થ સંસ્કરણ, એપ્રિલ ૧૯૯૦

સૂર્યપ્રભવ રઘુવંશ વિશે લખવું એ તરાપા વડે સાગર તરવા જેવું દુષ્કર છે એમ કહેતી વખતે, મહાકવિ કાલિદાસ પોતાની વિનમ્રતા વ્યક્ત કરે છે. પરંતુ સ્વામી શ્રી સારદાનંદ પ્રણીત ‘શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ’નો પરિચય કરાવનારે તો એ ગ્રંથના મહાવિષય, સર્વલીલાના કર્તા અને એ ગ્રંથકર્તાની તુલનાએ પોતાની અલ્પતાનો એકરાર કરવો જ રહ્યો.

આ ગ્રંથના વિવિધ ભાગો વાંચતાં આપણને ગીતામાં શ્રીકૃષ્ણે આપેલા કોલની યાદ આવે છે : ‘જ્યારે જ્યારે જગતમાં ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે, ધર્મ સંસ્થાપન માટે હું યુગે યુગે જન્મ ધારણ કરું છું.’ બે અઢી સદીથી થયેલો પશ્ચિમની ધર્મસંસ્કૃતિનો ભારતનો સંપર્ક ઓગણીસમી સદીના મધ્યાહ્ને એક વિશેષ વળાંકે પહોંચ્યો હતો. પોતાનાં ધર્મસંસ્કૃતિને તિરસ્કારતો એક નવો વર્ગ ભારતમાં ઝડપથી ઊભો થવા લાગ્યો હતો. બરાબર એ સમયે જ, ધર્મસંસ્કૃતિની એ ગ્લાનિને દૂર કરનાર વ્યક્તિ પોતાના એ ભાવિ કાર્ય માટેની સાધના કરી રહી હતી. બ્રિટિશ રાણીનું રાજ ભારતમાં સ્થપાય તેની પૂર્વસંધ્યાએ ઈ.સ. ૧૮૫૫થી એ સાધનાકાળનો નમ્ર આરંભ થયો. પૂરેપૂરું એક તપ એટલે કે બાર વર્ષ એ સાધનાકાર્ય ચાલ્યું. શ્રીરામકૃષ્ણનું એ સાધનાકાર્ય કેવળ એ યુગને અનુરૂપ હતું. એટલું જ નહીં પરંતુ, એ સર્વકાળને અને સર્વ દેશને માટે પણ અનુરૂપ છે એમ જગતના જુદા જુદા ચિંતકોએ કહ્યું છે. શ્રી સારદાનંદપ્રણીત ‘શ્રીરામકૃષ્ણ લીલા-પ્રસંગ’ના બીજા ભાગમાં શ્રીરામકૃષ્ણના સાધકભાવનું નિરૂપણ લેખકે શિષ્યની, ભક્તની દૃષ્ટિથી કર્યું છે એમ કહેવામાં પૂરું સત્ય નથી. વિવિધ ધર્મસંપ્રદાયોનાં આ શાસ્ત્રોના અને એ ધર્મોના સંસ્થાપકોનાં જીવનચરિત્રોનાં ઊંડા અધ્યયનથી પ્રાપ્ત થયેલી તુલનાત્મક દૃષ્ટિથી અને ખુદ ગુરુ પાસેથી જ પ્રાપ્ત થયેલી કસોટીની સરાણે ચડાવેલી વાતને જ પ્રમાણ માનવાની તર્કદૃષ્ટિથી આ ગ્રંથનું અદ્‌ભુત સર્જન લેખકે કરેલું છે.

યુગાવતારનું કાર્ય જેમને માટે નિર્માયું હોય તે વ્યક્તિનાં લક્ષણો જન્મ પહેલાંથી દેખાવા લાગતાં હોય છે અને એ મુજબ શ્રીરામકૃષ્ણ બાબત પણ બન્યું હતું એમ આ ગ્રંથના પ્રથમ ભાગમાં દર્શાવવામાં આવ્યું છે. તે છતાં, મનુષ્યરૂપે અવતરેલી દરેક વ્યક્તિને મનુષ્યધર્મનું પાલન સહજ છે. એટલે જ તો શ્રીરામચંદ્રને અને શ્રીકૃષ્ણને તાલીમ લેવી પડી હતી. એ જ રીતે, બધા ધર્મોની એકતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે કરવાનાં કાર્ય માટે જેમનો જન્મ થયો હતો તે શ્રીરામકૃષ્ણને માટે પણ વિવિધ ધર્મોની અને સંપ્રદાયોની સાધના કરવી આવશ્યક થઈ પડે છે. ‘ચોસઠ દહાડે ચૌદ વિદ્યા’ શ્રીકૃષ્ણ શીખ્યા હતા એમ પ્રેમાનંદે લખ્યા અનુસાર કોઈ પણ પ્રકારની સાધનામાં શ્રીરામકૃષ્ણને લાંબો સમય વિતાવવો પડ્યો ન હતો.

વળી, એમની સાધનાની એક બીજી વિશેષતા પણ નોંધપાત્ર છે. સામાન્ય સંજોગોમાં સાધકને ગુરુની શોધ કરવી પડતી હોય છે ત્યારે શ્રીરામકૃષ્ણને એમના ‘ગુરુ’ઓ સામેથી આવી મળ્યા હતા! એમણે શાળાનું શિક્ષણ નહિવત્ લીધેલું હતું, એ શાસ્ત્રજ્ઞાનથી વંચિત હતા અને દક્ષિણેશ્વરમાં મોટાભાઈની સાથે આવ્યા ત્યારે પોતાનો જુદો ચોકો કરી જાતે રાંધી ખાતા હતા. ‘ચોખાકેળાં’ની વિદ્યા શીખવી એમને ગમતી ન હતી, કોઈની નોકરી કરીને એ પોતાના આત્માને વેચવા માગતા ન હતા એટલે કાલિમંદિરના સ્થાપકોથી એ પોતાની જાતને દૂર રાખતા હતા. પણ સૂરજ કંઈ છાબડે ઢાંક્યો રહે કે? મથુરબાબુની ચકોર દૃષ્ટિએ એ રત્નને પારખી લીધું અને જાણે કે, કાલિએ જ ત્યાં બોલાવેલા શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયે ઘણું સાચવી લીધું; માતાજીના વેશકાર તરીકેની નોકરીમાં મામાને સહાય કરવાની હૃદયે હા પાડી (એ પોતે ત્યાં નોકરી માટે જ આવ્યો હતો) અને, શ્રીરામકૃષ્ણે આમ કાલિમંદિરમાં પ્રવેશ કર્યો. (પૃ.૬૦) ભક્તિની ચિનગારી એમના હૃદયમાં ચંપાઈ અને, એ જ્યોત પ્રગટીને હૃદયને નરદેહે સાક્ષાત્ વિષ્ણુ જેવી દેખાઈ (પૃ.૭૦) મંત્ર, તંત્ર, સ્તુતિ, આહ્વાન, ધ્યાન, મુદ્રા : આમાંનું કશું જ શ્રીરામકૃષ્ણ જાણતા ન હતા. એમણે પોતાની જાતને માને સમર્પિત કરી દીધી હતી અને એ અનન્ય ભક્તિપૂર્વક માનું દર્શન માગી રહ્યા હતા. આકરી સાધના છતાં દર્શન ન થતાં આખરે એક દહાડે, દર્શન વિનાના વૃથા જીવનનો અંત લાવવાના હેતુથી ખડગ હાથમાં લીધું, એવે વખતે અચાનક જ માનાં દર્શન પામ્યા અને બેહોશ થઈને ઢળી પડ્યા. (પૃ. ૮૦-૮૧)

માનું આ કૃપાદર્શન શ્રીરામકૃષ્ણે કોઈ વિધિવિધાનને કે શીખને અનુસરીને કર્યું ન હતું. શ્રીરામકૃષ્ણની અનુરાગભક્તિની પ્રબળતાથી મા રીઝ્યાં હતાં. આ કૃપા પ્રાપ્ત કરતાં શ્રીરામકૃષ્ણને પણ ચાર વર્ષ લાગ્યાં હતાં.

ઈ.સ. ૧૮૬૧ના આરંભમાં ભૈરવી બ્રાહ્મણીનું દક્ષિણેશ્વરમાં આગમન થયું, એ આગમન શ્રીરામકૃષ્ણ માટે જ નિર્માયું હતું. બ્રાહ્મણીને હોડીમાંથી ઊતરતાં જોતાં શ્રીરામકૃષ્ણે હૃદયને તેમને પોતાની પાસે બોલાવવા કહ્યું ત્યારે હૃદયે કહ્યું, ‘અજાણી બાઈ, એમ બોલાવતાંની સાથે આવે ખરી?’ ઉત્તરમાં ઠાકુર બોલ્યા હતા : ‘મારું નામ દઈને બોલાવીશ એટલે તરત આવશે.’ (પૃ. ૧૨૩) અને ભૈરવી તરત જ આવ્યાં ને શ્રીરામકૃષ્ણને જોતાંવેંત તેમણે ઉદ્‌ગાર કર્યો કે, ‘તું ગંગાકાંઠે છે એમ જાણી તને શોધતી ફરતી હતી. આટલે દહાડે મળ્યો!’ (પૃ. ૧૨૪)

વૈધિક સાધનાનો આરંભ શ્રીરામકૃષ્ણે કરી દીધો. પરંતુ શ્રી જગદંબાનાં પ્રથમ દર્શન અને આ સાધનારંભ વચ્ચેનો કાળ ખૂબ તોફાનીકાળ હતો. માનાં નિત્યદર્શન માટેની ઠાકુરની તાલાવેલી, એ દર્શન માટેના અનેકવિધ પ્રયાસો અને તેની ઠાકુરનાં શરીર-મન પર અસર અને આટલા પ્રયાસો છતાંય માનાં નિત્યદર્શનની અપ્રાપ્તિથી મનનું વીંધાઈ જવું : એમના મનની સ્થિતિ કુરુક્ષેત્ર કરતાંયે ખરાબ હતી. બરાબર આ સમયે જે બ્રાહ્મણીનું આગમન ત્યાં થયું (પૃ. ૧૩૩). બ્રાહ્મણીને નાવમાંથી ઊતરતાં જોતાવેંત શ્રીરામકૃષ્ણ હૃદયને તેમને પોતાની પાસે બોલાવવાનું કહેતાં હૃદય, સ્વાભાવિકપણે જ, આનાકાની કરવા લાગ્યો. પરંતુ પોતાના ત્યાં આવવાના પ્રયોજનને જાણતાં બ્રાહ્મણી તરત જ શ્રીરામકૃષણ સમીપ આવ્યાં. એ પ્રયોજન હતું શ્રીરામકૃષ્ણની વૈધિક સાધનાનું. વિવિધ પ્રકારની તંત્ર સાધના શ્રીરામકૃષ્ણે બ્રાહ્મણીના માર્ગદર્શન નીચે કરી પરંતુ તે દરેક ત્રણ ત્રણ દિવસમાં જ સિદ્ધ થતી. (પૃ. ૧૪૮) વિશેષ વાત તો એ છે કે, તંત્રસાધના માટે આવશ્યક ગણાયેલાં પાંચ પ્રકારમાંના કેટલાંક તત્ત્વોનો ત્યાગ કરી શ્રીરામકૃષ્ણ માંસ, મદિરા, મૈથુનથી અલિપ્ત જ રહેલા. (પૃ. ૧૪૮) એમની કુંડલિની શક્તિની પૂર્ણ જાગૃતિ થઈ અને ‘પોતાને અંદર-બહાર જ્ઞાનાગ્નિથી વ્યાપ્ત થયેલા દીઠા.’ (પૃ. ૧૪૯)

આમ, ઠાકુરની સાધના વેગથી આગળ વધવા લાગી. તંત્રસાધના પછી વૈષ્ણવ તંત્રાનુસાર શાંત, દાસ્ય, સખ્ય, વગેરે ભક્તિમાર્ગને ઠાકુર અનુસરવા લાગ્યા. (પૃ. ૧૫૬) પછી જટાધારીના માર્ગદર્શન હેઠળ શ્રીરામની વાત્સલ્યભાવે આરાધના કરી. (પૃ. ૧૬૬) પરંતુ ભક્તિનો વિશિષ્ટ પ્રકાર મધુર ભાવની સાધનાનો છે. પ્રસ્તુત ગ્રંથના અધ્યાય ૧૩માં સ્વામી સારદાનંદે જગતના વિવિધ ધર્મોમાં વ્યક્તાવ્યક્ત રૂપે રહેલા મધુર ભાવની ઊંડાણપૂર્વક, વિશદ આલોચના કરી છે અને અધ્યાય ૧૪મામાં તેમણે ઠાકુરની તે પ્રકારની સાધનાનું અદ્‌ભુત દર્શન કરાવ્યું છે. બંને અધ્યાયમાં સ્વામીજીની કલમ સોળે કળાએ ખીલી ઊઠે છે. શ્રીરામકૃષ્ણની દ્વૈત-સાધના અહીં ચરમ સીમાએ પહોંચે છે.

પછી આવે છે અદ્વૈત સાધના. ૧૮૬૫ની આસપાસ સંન્યાસી તોતાપુરી દક્ષિણેશ્વર આવે છે. ‘સાધુ ચલતા ભલા’ એ કહેતી અનુસાર એ સંન્યાસી કોઈ સ્થળે ત્રણ દિવસથી વધારે રોકાતા નહિ. ભૈરવીની માફક તોતાપુરી સ્વયં જ ત્યાં આવી ચડે છે. પરંતુ પોતાના આવવાના પ્રયોજનની જાણ ભૈરવીને હતી તેમ તોતાપુરીને ન હતી. પરંતુ કાલીવાડીમાં અન્યમનસ્ક બેઠેલા, છતાં તપથી તગતગતા અને ભાવથી ઉજમાળા વદનવાળા ઠાકુરને જોઈ તેમને લાગ્યું કે, ‘આ કોઈ સાધારણ માણસ નથી. વેદાંતસાધનાનો આવો ઉત્તમ અધિકારી ભાગ્યે જ જોવા મળે.’ (પૃ. ૨૦૩) એમણે જ ઠાકુરનું ઝીણી નજરે અવલોકન કરી તેમને પૂછ્યું : ‘તમે વેદાંતસાધના કરશો?’ ઠાકુરનો ઉત્તર લાક્ષણિક હતો : ‘શું કરવું તે શું ના કરવું એ હું કશું જાણું નહીં. મારી મા બધું જાણે, તેઓ હુકમ કરે તો કરીશ.’ (પૃ. ૨૦૪). Let thy will be done, not mine, o Lord! તે આજ કે બીજું કંઈ? અને અદ્વૈતની, નિર્વિકલ્પ સમાધિની, સાધના આરંભાઈ. પરંતુ, ચિત્ત આગળથી માની મૂર્તિ ખસે ત્યારે જ એ સમાધિ ભણી આગળ વધી શકાય. ગીતાના ચોથા અધ્યાયના અંતિમ શ્લોકમાં કહ્યા પ્રમાણે ઠાકુરે ‘જ્ઞાનને ખડગ રૂપે કલ્પી એ મૂર્તિના ટુકડા કરી નાખ્યા’ (પૃ. ૨૦૮). ગુરુને જે સ્થિતિ પામતાં ચાળીસ વરસ લાગ્યાં હતાં તે સ્થિતિએ એમનો શિષ્ય ત્રણ દિવસમાં પહોંચી ગયો! અને વિદાય લેતાં પહેલાં ગુરુ પણ શિષ્ય પાસેથી માની કૃપાનો પ્રસાદ પામી, પોતાના આધ્યાત્મિક વિકાસમાં એક પગથિયું ચડીને ગયા. અલબત્ત, શ્રીરામકૃષ્ણ તો ભાવમુખે જ રહ્યા હતા. માની પણ તેવી જ ઇચ્છા હતી. કારણ, તેની પાછળ માનો વિશિષ્ટ ઉદ્દેશ રહેલો હતો. (પૃ. ૨૧૪)

મા-નિર્મિત એ ઉદ્દેશ, ઠાકુરને ઈસ્લામ ધર્મની સાધનાને માર્ગે લઈ જાય છે અને અન્ય ગુરુઓની માફક સૂફી ગોવિંદરાય જાતે જ દક્ષિણેશ્વર આવે છે. (પૃ. ૨૧૮) અલ્લાહ મંત્રના જાપથી ત્રણ દિવસમાં ‘એ મંત્રની સાધનાનું પૂરેપૂરું ફળ’ ઠાકુરે પ્રાપ્ત કર્યું (પૃ. ૨૧૯). પછી શંભુચરણ મલ્લિકની સહાયથી ઈસુ ખ્રિસ્ત અને એમણે પ્રવર્તાવેલા ખ્રિસ્તી ધર્મ વિશે માહિતી મેળવી. ત્રણ દિવસની સાધનાને અંતે એમને ઈસુની પાવક મૂર્તિનાં દર્શન થયાં અને ‘ઈસુ શ્રીરામકૃષ્ણને આલિંગન કરીને એમના શરીરમાં ભળી ગયા’ (પૃ. ૨૬૦). એ જ રીતે, ઠાકુર જૈન ધર્મ અને શીખ ધર્મથી પણ પરિચિત થઈ ગયા. (પૃ. ૨૬૨)

આમ, સર્વ સાધનામાં સિદ્ધ થઈને, ભાવમુખે રહેતા ‘શ્રીરામકૃષ્ણને ખાતરીપૂર્વક સમજાઈ ગયું કે પોતે અવતારી પુરુષ છે.’ (પૃ. ૨૬૩). વળી, એમનું વિશિષ્ટ અવતારપ્રયોજન એ હતું કે, પોતે જ્યાં લગી ‘સઘળા મતોની સાધના કરી નહીં, ત્યાં લગી પોતે કેમે કર્યે શાંત થઈ શક્યા નહીં.’ (પૃ. ૨૬૩). એમની આ બધી અદ્‌ભુત સાધના સમસ્ત જગત પર નવો આધ્યાત્મિક પ્રકાશ પાથરવા માટેની હેતુથી થઈ હતી.

પરંતુ આ પુસ્તકનો ઉત્તમ અધ્યાય છે ‘ષોડશી પૂજા’નો. એ શ્રીરામકૃષ્ણના દાંપત્યની અને આધ્યાત્મિક જીવનની પરાકાષ્ટાનું અનન્ય નિરૂપણ છે. જગતના ઇતિહાસમાં કદી ક્યાંય ન જોવા મળેલું એવું ઉદાત્ત એ દાંપત્ય છે. હા, એ એથીય વિશેષ છે; આ પૂજા પછી ઠાકુર દેવીસ્વરૂપિણી માને આત્મનિવેદન કરે છે. ‘પોતાની સાધનાનાં ફળ, જપ માળા, વગેરે સર્વસ્વ શ્રી દેવીનાં પાદપદ્મમાં ચિરકાળને માટે વિસર્જિત કરીને મંત્રોચ્ચારણ કરતા એમને પ્રણામ કરી રહ્યા.’ (પૃ. ૨૫૬). આ ઘટના કલ્પનાતીત છે.

ગ્રંથને અંતે આપેલા પરિશિષ્ટમાં પણ શ્રી સારદાનંદે શ્રીરામકૃષ્ણ વિશે તથા એમના પરિચયમાં આવેલ શ્રી કેશવચંદ્ર સેન જેવી વ્યક્તિઓ વિશે અગત્યની માહિતી આપી છે. વચ્ચેના અધ્યાયોમાં શ્રીરામકૃષ્ણનું કામારપુકુર જવું, શ્રીમાનું દક્ષિણેશ્વર આવવું, વહાલાંની વિદાય, વગેરે બાબતોનું નિરૂપણ છે.

શ્રીરામકૃષ્ણ સમા યુગાવતારને પણ સાધના કરવી પડે ને તે આ શા હેતુથી તે લેખકે સરસ રીતે સમજાવ્યું છે. સ્વામી સારદાનંદ ઠાકુરના પટ શિષ્યોમાંના એક હોવા છતાં – કે કદાચ તેથી જ ઘેરી ગુરુભક્તિથી નહીં પણ તર્કબુદ્ધિથી, વિવિધ શાસ્ત્રોના પરિપ્રેક્ષ્યમાં અને વિવિધ સાધકોની તુલનાએ સાધક તરીકે શ્રીરામકૃષ્ણની વિશિષ્ટતાનું ઉપનિષદો અને ગીતાની ભાષાના જેવી ભવ્યદાત્ત ભાષામાં લોકો સમક્ષ ધરી લોકસેવાનું ઉત્તમ કાર્ય કરી ગયા છે. મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંત જ્ઞાનેશ્વરે ગીતાના બારમા અધ્યાયના અંતિમ શ્લોકના અનુવાદમાં -જો કે જ્ઞાનેશ્વરી માત્ર અનુવાદ નથી – વાપરેલા શબ્દો ‘યે ધારા અમૃતધર્મ’ (આ ધારા અમૃત ધર્મ) આ ગ્રંથને માટે સર્વથા ઉચિત છે. આ અમૃતધારાના પાનની સુવિધા કરી આપવા બદલ પ્રકાશક અને અનુવાદકને ધન્યવાદ.

-દુષ્યત પંડ્યા

Total Views: 193

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.