(કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઑફ મોડર્ન ઈંડિયન લેંગ્રેજીઝ્’ના વડા પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ (બંગાળી, સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત વિશેનો એક અવિસ્મરણીય આક૨ ગ્રંથ છે. પ્રભાવશાળી વક્તા અને વિપુલ લેખક, પ્રો. બસુએ સ્વામીજી અને સિસ્ટર નવોદિતા વિશે બીજાં કેટલાંક પુસ્તકો પણ લખ્યા છે. તેમના પુસ્તક ‘સહાસ્ય વિવેકાનંદ’માંથી થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)

‘અમે આનંદનાં-અમૃતનાં સંતાન’

“સ્વામીજી, આપ આટલા બધા હસો છો કેમ? આપ તો આધ્યાત્મિક પુરુષ છો ને!” આવો અણગમાભર્યો સવાલ અને તોછડાઈભર્યો કટાક્ષ સાંભળી સ્વામીજી તો વધુ જોરથી ખડખડાટ હસી પડ્યા: “અરે! આધ્યાત્મિક છું એટલે જ તો હસું છું અમે કંઈ પાપી નથી- અમે તો આનંદનાં, અમૃતનાં સંતાન!”

સ્વામી વિવેકાનંદનો હસતો-રમતો પ્રફુલ્લ પ્રસન્ન ચહેરો જોઈ પશ્ચિમના દેશના અનેક લોકોની આંખોમાં અને તેમના મનમાં એક વણપૂછ્યો સવાલ ચમકી ઊઠતો- “આમનો ચહેરો ભલા આધ્યાત્મિક મનુષ્યને લાયક અણિયાળો, પાતળો, લાંબો કેમ નથી? એમનો દેહ દુર્બળ અને બાંધો એકવડો કેમ નથી? આટલી હાસ્યાંતરભારી ચરબી કેમ?’ સ્વામીજી જવાબ દેતા, “આધ્યાત્મિક મનુષ્યો આનંદથી જાડા થાય છે, ભરાવદાર થાય- હું જાડો, ભરાવદાર છું તેથી હું આધ્યાત્મિક માણસ!” આમ કહેતા ત્યારે એમની બંને આખો મજાકમાં ચમકી ઊઠતી.

આ બંને જવાબ સ્વામીજીના જ. જ્યારે તેઓ કહેતા, “અમે આનંદનાં અમૃતનાં સંતાન” ત્યારે એ જવાબ એમના અંતરિયાળના ઊંડાણમાંથી આવતો અને જ્યારે આધ્યાત્મિકતા સાથે સ્થૂલત્વના જરૂરી સંબંધનું વિચિત્ર Logic તર્ક રજૂ કરતા ત્યારે તે જવાબનું ઉગમસ્થાન ચતુર અને મધુર બુદ્ધિ.

વિવેકાનંદ હસે છે. કહે છે: તમે બધા જ હસો. વળી પોતે રડીને કહે છે: ‘તમે રડો, તમે જાગો -જાગો મહાપ્રાણ! આ જગત દુ:ખમાં સળગીને રાખ થઈ જાય છે, તમને શું ઘારણ શોભે છે?’

‘રડવામાં વળી ડર શાનો ?- રડી ૨ડીને, તો આંખો સાફ થશે- દૂધ-માખણ ખાઈને, સાત મણ રૂની તળાઈ પર સૂઈને, એક ટીપુંય આંસુ સાર્યા વિના કોઈ કદી મહાન થયું છે? કોઈનો બ્રહ્મ કદી વિકસિત થયો છે?’

બ્રહ્મ જ્યારે વિકસિત થાય, ત્યારે એ મનુષ્યને રડાવે.

તેથી એક મહિલા રડતી હતી. એક સાંજે એણે સ્વામી વિવેકાનંદનુ ભાષણ સાંભળ્યું હતું. તે દિવસે વાત કરતાં કરતાં સ્વામીજીનો સ્વર વધુ મૃદુ અને પછી અતિશય મૃદુ થઈ ગયેલો-જાણે અતિ દૂરથી આવતો કોઈ એક અપિરિચિત સ્વર. એ સ્વરે અજ્ઞાત વેદનાની ચેતનાથી શ્રોતાઓને અભિભૂત કરી મૂક્યા હતા. ભાષણ પૂરું થયા પછી, ચાલ્યા જતા પહેલાં, વક્તાને વિદાય દેતી વેળા, વિદાય વચન કહેવાનું- આભાર વ્યક્ત કરવાનું પણ લોકો તે દિવસે ભૂલી ગયા હતા. બાજુના ઓરડામાં જઈ રડતા હતા. એ અજ્ઞેયવાદી મહિલાએ પોતાની બુદ્ધિની હારની શરમથી, પોતાની બોલીના ઉદ્‌બોધનની યાતનાથી કહ્યું :

“That man has given me eternal life. I never wish to hear him again.”

“એ માણસે મને અનંત જીવન બક્ષ્યું છે. હવે ફરીને હું એની વાત સાંભળવા નથી માંગતી.”

બ્રહ્મ વિકસિત થાય ત્યારે મનુષ્ય કેવળ રડે જ નહિ, હસે પણ.

તે માણસ સીડી લઈને વંડી પર ચડેલો. જેટલો એ ઉપર ચડતો જતો હતો, એટલો એ જાણે કંઈક પામતો જતો હતો- ભીંતની પેલે પાર જાણે કંઈક છે. અંતે એ વંડી પર ચડી ગયો. હવે એ કંઈક બોલશે, કહેશે કે પેલી તરફ શું છે? એ તરફ જ તો એ જોતો હતો! “હા..હા..હા..” એ માણસે જોયું અને પૃથ્વી ગજાવતું, ધરણી ધ્રુજાવતું ખડખડાટ હાસ્ય એ હસ્યો. “હા..હા..હા..” અને પછી બીજી બાજુ કૂદી પડ્યો. આ વાર્તા શ્રીરામકૃષ્ણની છે.

વંડીની પેલી તરફથી ખૂબ ઓછા લોકો ઉપર ચડીને પછી વળી પાછા આ બાજુ આવી શકે. જેઓ આવી શક્યા છે એમાંના એક છે શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ પણ એમાંના જ બીજા એક જણ હતા. હાસ્યના જ્વાળામુખીના મોંમાંથી તેઓ બહાર નીકળી આવ્યા છે. – એ જ હાસ્યની આગ ઉજાસ બની એમના સર્વાંગમાંથી ઝરી પડતી હતી.

(ક્રમશ:)

ભાષાંતરઃ ડો. સુકન્યા ઝવેરી

Total Views: 182

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.