સાધકને પોતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વિતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા.

‘પુત્રો મારા છે’, ‘ધન મારું છે’ એમ કહી કહીને મૂઢ મનુષ્ય હેરાન થાય છે, પરંતુ પોતે જ પોતાનો નથી, ત્યાં પુત્ર કે ધન પોતાનું શાનું થઈ શકે?

જે મૂઢ મનુષ્ય પોતાની મૂઢતાને જાણે છે, તેને પંડિત કહી શકાય, અને જે મૂઢ પોતાને પંડિત માને છે, તેને મૂઢ કહી શકાય.

મૂઢ માનવી જીવતાં સુધી પણ પંડિતનો સમાગમ સેવે છતાં જેમ કડછી દાળના રસને જાણી શકાતી નથી, તેમ તે ધર્મને જાણી શકતો નથી.

ડાહ્યો મનુષ્ય બે ઘડી પણ પંડિતનો સમાગમ સેવે એટલામાં જ જેમ જીભ દાળના રસને જાણે છે, તેમ તે ધર્મને સત્વર જાણી જાય છે.

દુષ્ટ બુદ્ધિવાળા મનુષ્યો શત્રુની સાથે વર્તતા હોય તેમ પોતાના આત્મા સાથે વર્તે છે. તેઓ જેનાં ફળ કડવાં હોય છે, એવાં પાપકર્મો કરતા રહે છે.

જે કર્મ કર્યા પછી પસ્તાવું પડે અને જેનું પરિણામ આંસુવાળે મોઢે રોતાં રોતાં ભોગવવું પડે, તે કર્મ કરવું સારું નથી.

જે કર્મ પછી પસ્તાવું ન પડે અને જેનું પરિણામ પ્રસન્ન ચિત્તે આનંદ સાથે ભોગવવાનું આવે, તે કર્મ કરવું સારું છે.

પાપનું ફળ જ્યાં સુધી પાકતું નથી, ત્યાં સુધી મૂઢ માણસ પાપને મધ જેવું મીઠું માને છે; પરંતુ જ્યારે પાપનું ફળ પાકી જાય છે, ત્યારે એ મૂઢ દુ:ખ પામે છે.

Total Views: 177

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.