(ગતાંકથી આગળ)

ક:         તો શું ભારતના મોટા મોટા માણસોએ તેમને સાંભળ્યા ખરા?

બ:        રવીન્દ્રનાથ ટાગોર તેમને વિશે શું કહે છે, તે સાંભળો :

અ:        ‘ભારતમાં આધુનિક સમયમાં કેવળ વિવેકાનંદે જ કોઈ વિધિ નિષેધથી બંધાયેલો ન હોય તેવો મહાન વિધાયક ઉપદેશ આપ્યો છે. સમગ્ર રાષ્ટ્રમાં સૌને સંબોધીને એમણે કહ્યું : ‘તમારામાંના દરેકમાં બ્રહ્મની – ઈશ્વરની શક્તિ છે. દરિદ્રમાં રહેલો નારાયણ તમારી પાસે એની સેવા કરાવવા માગે છે.’

બ:        અને હવે બોલે છે. પોંડીચેરીના ઋષિ શ્રીઅરવિંદ :

અ:        ‘જુઓ, પોતાની માતૃભૂમિના અને એનાં સંતાનોના અંતરાત્મામાં વિવેકાનંદ હજુય જીવે છે. જો કોઈ શક્તિસંપન્ન આત્મા હોય, તો તે વિવેકાનંદ હતા; તેઓ મનુષ્યોમાં સિંહ સમા હતા. એમનો જબરદસ્ત પ્રભાવ હજુય આપણને કામ કરતો જણાય છે. એનાથી ભારતના આત્મામાં કંઈક સિંહ જેવું વીરત્વ, કંઈક ભવ્ય, કંઈક અંત:સ્ફૂરણ, કંઈક ઊર્ધ્વગામી કોઈ ને કોઈ રીતે ન પ્રગટ્યું હોય એવું ખાલી સ્થાન ખાતરીપૂર્વક આપણે ખોળી શકતા નથી.

ક:         પણ વિજ્ઞાનના આ જમાનામાં આ ધર્મવચનોની કોને પડી છે? આજે એની કોને ગરજ છે?

સ્વા. વિ. : આજે દરેક સ્થળે વિજ્ઞાન અને એનો હથોડો, બધા દ્વૈતવાદી ધર્મોનાં માટીનાં વાસણોના ભૂક્કા ઉડાડતાં ઝિકાઈ રહ્યાં છે. પહેલી વાત તો એ છે કે આપણે ભારતમાં ઘૂસતા આવા મોજાને રોકવું પડશે. એટલા માટે દરેકને અદ્વૈતનો ઉપદેશ આપો, કે જેથી આધુનિક વિજ્ઞાનના આંચકા સામે ધર્મ ખડો રહી શકે. આજે યુરોપમાં ભૌતિકવાદ ફેલાય છે. એમાંથી પશ્ચિમને બચાવવાનું કામ આ અદ્વૈતની-અભેદની ફિલસૂકી કરશે.

ક:         આ નવી નવાઈની અદ્વૈત ફિલસૂફી તે વળી કઈ છે? અમે તો ફક્ત એટલું જાણીએ છીએ કે, “જગત ત્રણેય કાળમાં નથી.”

સ્વા. વિ. : પ્રત્યેક આત્મામાં દિવ્ય શક્તિ ભીતરની દિવ્ય શક્તિ પ્રકટ કરવી એ જ જીવનનો ઉદ્દેશ છે. એને કાં તો કર્મ દ્વારા, ભક્તિ દ્વારા, જ્ઞાન દ્વારા કે મનના સંયમ દ્વારા, આમાંથી કોઈ એક દ્વારા કે એ બધાં દ્વારા પ્રકટ કરો અને મુક્ત થઈ જાઓ. આ જ ધર્મનું સર્વસ્વ છે.

ક :        આપણને આ ફિલસૂફી શા કામની? આપણે તો દેવને ફૂલો ચડાવવાં, નાળિયેર વધેરવાં, મુંડન કરાવવું, ગંગાસ્નાન કરવું, વગેરે જેવા પરંપરાગત ધર્મ તરફ પાછા વળવું જોઈએ એ જ આપણે માટે વધુ સારું છે.

સ્વા. વિ. : માનવમાં રહેલી દિવ્યતાનું પ્રકટીકરણ એ જ ધર્મ. મંદિરો અને ધર્મગ્રંથો, ગિરજાઘરો અને મતવાદો તો ગૌણ છે.

અ :       હાર્વર્ડના વિદ્વાનોએ તેમને આ અદ્વૈત ફિલસૂફીનો આધુનિક સંસ્કૃતિ સભ્યતા સાથે સંબંધ દર્શાવવા કહ્યું તો તેમણે જવાબ આપ્યો :

સ્વા. વિ. : ધનસંપત્તિનો સંચય કરવો એ કંઈ સંસ્કૃતિ ન કહેવાય. જો એમ હોત તો રોમ, ગ્રીસ અને બેબીલોન ઇજિયન સાગર તળે દટાઈ ગયાં ન હોત. માનવમાં રહેલી દિવ્યતાનું પ્રકટીકરણ જ સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિ જ સૌથી મહાન છે કે જેમાં વધારેમાં વધારે બુદ્ધો અને ઈશુઓ ઉત્પન્ન થતા હોય અને એટલા જ માટે કંઈ કેટલાય મરી ગયા છતાં આ શાંતસૌમ્ય હિન્દુ હજુય વિજયવન્તો થઈને જીવી રહ્યો છે!

ક:         બીજા ધર્મો શું વેદાંતને સ્વીકારશે કે?

સ્વા. વિ. : આ વેદાંતને સમજ્યા વગર તો ખ્રિસ્તીઓ પણ પોતાના નવા કરારને સમજી શકવાના નથી! વેદાંત તો બધા ધર્મોની ઉપપત્તિ છે. હું એવા ધર્મનો ઉપદેશ આપવા આવ્યો છું કે બૌદ્ધધર્મ જેનું બળવાખોર બાળક છે અને ખ્રિસ્તીધર્મ જેનો દૂરગામી પડઘો છે.

ક:         ઓહો, તો તો પછી તે પરંપરાગત હિન્દુ ધર્મના જ રખેવાળ હોવા સિવાય બીજું કશું જ નથી!

બ:        પણ તેઓ ક્યારેય જુદા હિન્દુ ધર્મ વિશે બોલ્યા જ નથી. તેમના ગુરુદેવે જેની સાધના કરી હતી તેવા ધર્મસમન્વયની વિશ્વને માટે આવશ્યક્તા ઊભી થઈ છે. તેમણે તો પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસનો જ સંદેશ ઉપદેશ્યો છે.

સ્વા. વિ. : બંધુઓ, તમે મારા હૈયાના એક બીજા ઊંડામાં ઊંડા તારને ઝણઝણાવી મૂક્યો છે, અને તે છે મારા ઉપદેશકનો, મારા ગુરુદેવનો, મારા વીરોત્તમ, મારા આદર્શ, મારા ઈશ્વર, મારા જીવતર શ્રીરામકૃષ્ણ પરમહંસનો નિર્દેશ! મેં વિચાર, વાણી કે કર્મ દ્વારા જો કંઈ પણ મેળવ્યું હોય, મારા હોઠમાંથી પડેલા કોઈ શબ્દ આ જગતમાં ક્યારેય કોઈની સહાય કરી હોય, તો એ માટે મારો કશો જ દાવો નથી. એ બધું તેમનું જ છે. તેમનું પોતાનું જીવન જ એક સર્વધર્મની મહાસભા સમું હતું.

અ:        હૃદય અને મસ્તિષ્કની આવી વિશિષ્ટ ગુણસમૃદ્ધિ હોવા છતાં વિવેકાનંદ નિરભિમાની અને શિશુ સમાન નિર્દોષ અને નિર્દંશ હતા. તેમને માટે જગત હતું નહિ, કેવળ ઈશ્વર જ હતો. આધ્યાત્મિક દુષ્કાળનો ભોગ બનેલી આ ધરતીના પટ પર સમૃદ્ધિ ઊપજ થાય એટલા માટે પોતાના ગુરુદેવના ઉપદેશ રૂપી બીજને ચારે તરફ વેરતા રહીને એક અનિકેત પરિવ્રાજકનું જીવન જીવવાનું તેમના ભાગ્યમાં હતું.

બ:        તેમની પાસે શંકરાચાર્યની બુદ્ધિ હતી અને બુદ્ધનું હૈયું હતું.

અ:        તેમની પાસે ચૈતન્યની ભક્તિ હતી અને સ્વયં શિવનું ધ્યાન હતું.

બ:        તેઓ મૂર્તિમંત શક્તિ હતા અને કર્મઠતા એ તેમનો માનવજાત માટેનો સંદેશ હતો.

અ:        તેમણે યુદ્ધવીર નેપોલિયનને વંદન કર્યું હતું.

બ:        તેમને મતે સદ્‌ગુણ એ શૌર્યવીર્યનો સમાનાર્થી શબ્દ હતો.

સ્વા. વિ. : મેં વેદાંત સિવાય કશું કહ્યું નથી, અને ઉપનિષદો સિવાય કશું ઉદ્ધૃત કર્યું નથી!

ક:         પણ ઉપનિષદો તો ભેળસેળનાં અડાબીડ જંગલ જેવાં છે અને એનું તત્ત્વજ્ઞાન તો સમજવું મુશ્કેલ છે તો પછી એને મ્લેચ્છ ભૂમિ પર મ્લેચ્છોને કેમ કહી શકાય? હિન્દુ ધર્મ તો આખરે ભક્તિ, પ્રાર્થના અને કર્મસ્વીકારનો ધર્મ છે. આપણા જેવા દુર્બળો અને પાપીઓ માટે તો એ ઈશ્વરની કૃપા એ એકમાત્ર રસ્તો છે. આ વિશે તેમણે શું કહ્યું છે?

સ્વા. વિ. : ઉપનિષદો પાને પાને મને પોકારતાં કરી રહ્યાં છે : ‘શક્તિ, શક્તિ!’ આ એક મહાન બાબત યાદ રાખવાની છે. મારા જીવનમાં હું આ એક મોટામાં મોટો પાઠ શીખ્યો છું અને એ કહે છે : ‘શક્તિ શક્તિ.’ ઓ માનવો! નિર્બળ બનશો નહિ. માનવ પૂછે છે : “શું માનવસહજ નિર્બળતાઓની હસ્તી નથી?” તો ઉપનિષદો કહે છે : “હા, છે ખરી, પણ વધારે નિર્બળતા પેલી નિર્બળતાને શું ધોઈ શકશે કે? તમે કીચડથી કીચડને ધોવાનો પ્રયત્ન કરશો ખરા? એક પાપ બીજા પાપને ધોઈ શકે ખરું? એક નિર્બળતા બીજીને ધોઈ શકે કે? ઓ માનવો, ઉપનિષદો કહે છે કે, ‘શક્તિ’ માટે ખડા થાઓ અને મજબૂત બનો.”

અ:        અને તેઓ શારીરિક રીતે સશક્ત, બૌદ્ધિક રીતે તેજસ્વી અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ નરનારીઓને ઝંખતા હતા. “માનવનું નિર્માણ એ મારું ધર્મકાર્ય છે. હું માનવતાનું નિર્માણ કરનાર ધર્મને ઝંખું છું, માનવનિર્માણ કરતી કેળવણીને હું ઝંખું છું.” – આ તેમનું સૂત્ર હતું.

સ્વા. વિ. : આપણે ભાષણો ઘણાં કર્યાં, મંડળો ઘણાં ઊભાં કર્યાં; છાપાંય ઘણાં કાઢ્યાં. પણ આપણો હાથ ઝાલીને ઊંચે લાવનાર માણસ ક્યાં? ક્યાં છે આપણા ઉપર સહાનુભૂતિ ધરાવનાર માણસ? આપણને એ માણસની જરૂર છે.

ક:         તેમના માનવનિર્માણના ધર્મકાર્યને તેમના દેશવાસીઓએ આવકાર્યું કે? તેમના સ્વપ્નના માણસો ક્યારેય આવ્યા કે નહિ?

સ્વા. વિ. : પણ લોકો વખાણે કે ન વખાણે; આ યુવાનોને સંગઠિત કરવા જ મેં જન્મ લીધો છે. નગરે નગરના સેંકડો કરતાંય વધારે યુવકો મારી સાથે હાથ મિલાવવા તત્પર છે અને હું નિમ્નતમ અને તદ્દન પદદલિત લોકોને બારણે, સુવિધા, નીતિમત્તા, ધર્મ અને શિક્ષણ પહોંચાડવા માટે દુર્ઘર્ષ તરંગોની પેઠે મોકલવા માગું છું. કાં તો હું આ કરીશ અને કાં તો હું મરીશ.

બ :       અને આ પયગંબરી વાણીમાંથી પ્રસ્કફૂટિત શક્તિએ ભારતના વીર નેતાઓએ તે ઉપલબ્ધિનાં ઉચ્ચતમ શિખરો સર કરવાનાં બીજ વાવ્યાં અને ભારતવર્ષને તરબોળ કરી દીધો! સ્વામી વિવેકાનંદ વિશે નેતાજી સુભાષચંદ્રે જે કહ્યું છે, તે શું તમે સાંભળ્યું નથી?

અ:        અત્યારે જો તેઓ જીવતા હોત તો હું તેમનાં ચરણોમાં બેઠો હોત.

બ:        અને નેહરુને શું લાગ્યું?

અ:        ભારતના ભૂતકાલીન આદર્શોમાં પ્રતિષ્ઠિત અને ભારતના વારસા માટે અપાર ગૌરવ ધરાવતા હોવા છતાં વિવેકાનંદ જીવનની સમસ્યાઓને સમજવામાં અર્વાચીન હતા. ભારતના અતીત અને વર્તમાન વચ્ચે તેઓ એક સેતુ સમા હતા. તેમના આગમને ઉત્સાહ અને આત્મશ્રદ્ધા ખોઈ બેઠેલા હિન્દુ સમાજમાં નવું જોર આણ્યું અને તેનામાં સ્વાવલંબનની ભાવના પ્રગટાવીને કેટલેક અંશે ભૂતકાળમાં પાછો પ્રતિષ્ઠિત કર્યો.

બ:        પણ કોઈ પયગંબર કંઈ એક જ રાષ્ટ્ર કે એક જ પ્રજા માટે ક્યારેય આવતા નથી. તો તેમણે પોતાના વૈશ્વિક સંદેશ વિશે શું કશું કહ્યું નથી?

સ્વા. વિ. : યાદ રાખો, મારું ધર્મકૃત્ય રાષ્ટ્રના નિર્માણનું અને જગતમાં એક આંદોલન જગાવી જવાનું છે. હું જેટલો ભારતનો છું તેટલો જ જગતનો પણ છું.

ક:         ભારતની બહારના લોકોએ તેમને માન્યતા આપી હતી કે નહિ?

બ:        બ્રિટિશ સમાચારપત્રોની પૂર્તિઓ દ્વારા વિવેકાનંદના શબ્દો ટૉલ્સ્ટોયના ટેબલ સુધી પહોંચ્યા. એમણે રાતઉજાગરા વેઠીને વિવેકાનંદનાં લખાણો વાંચ્યાં. સાંભળો એ ટૉલ્સ્ટોયને :

અ:        હું વિવેકાનંદને ફરીથી વાંચી રહ્યો હતો. જીવનસિદ્ધાન્તોની આવી સાચી, સમૃદ્ધ અને સ્પષ્ટ વિભાવનામાંથી અત્યાર સુધી માનવજાત પાછી હઠી છે પણ એને આંબી શકી નથી – પાર કરી શકી નથી.

સ્વા. વિ. : આપણા બધાની ભીતર રહેલી દિવ્યતાને પિછાણવી, એ જ જીવનનો ઉદ્દેશ છે. બુદ્ધ અને ઈશુની નકલખોરી ન કરો પણ સાચેસાચ બુદ્ધ અને ઈશુ જેવા થાઓ. ધર્મ તો હોવામાં–થવામાં જ રહેલો છે. બુદ્ધ અને ઈશુ તો એ અપાર સાગરનાં મોજાં માત્ર છે કે જે ‘હું છું.’

ક:         પણ આ વિશ્વ તો સત્તાલાલસા અને લોભથી એટલું બધું ઘેરાયેલું છે કે આ રહસ્યમય પયગંબરને મન દઈને સાંભળી જ ન શકે.

અ:        હા, જગત જો આ પયગંબરને અવગણશે, તો તે પોતાનો વિનાશ જ નોતરશે! પહેલું વિશ્વયુદ્ધ આવ્યું અને એણે આખા યુરોપને એક વિશાળ સ્મશાનભૂમિમાં પલટાવી નાખ્યું.

બ:        બીજું વિશ્વયુદ્ધ આવ્યું અને આપણી ધરતીમાતા ઉપર અણુબોમ્બ ઝિકાયો! અને એ અખિલ વિશ્વના સંપૂર્ણ વિનાશની અંધકારમય ઝાંખી કરાવી ગયું.

ક:         અને હવે આજે રાષ્ટ્રોના અરસપરસના સંઘર્ષો આણવિક આગ ઓકતા ત્રીજા વિશ્વયુદ્ધની ગવાહી આપી રહ્યા છે અને આ વખતે તો સમગ્ર સંસ્કૃત્તિનો ધ્વંસ થઈ જવાનો છે. તમારા પયગંબરે આ બાબતમાં શું કહ્યું છે?

અ:        સાંભળો, આજથી નેવું વરસ પહેલાં આ બાબતમાં શું કહ્યું છે, તે સચેત બનીને સાંભળો.

સ્વા. વિ. : જો પાયામાં આધ્યાત્મિકતા નહિ હોય તો આવતાં પચાસ વર્ષોમાં આખીય પશ્ચિમી સંસ્કૃતિ છિન્નવિચ્છિન્ન થઈ જશે. તલવારને જોરે માનવજાતને વશમાં રાખવાનો પ્રયત્ન હતાશાજનક અને તદ્દન નાકામિયાબ જ નીવડે છે. તમે જોઈ શકશો કે જે કેન્દ્રોમાંથી સરમુખત્યારીની બળજબરી સરકારના વિચારો ઊઠ્યા છે તે જ કેન્દ્રોની સર્વ પ્રથમ અવનતિ, સર્વ પ્રથમ ભ્રષ્ટતા છિન્નભિન્ન થયાં છે. ભૌતિક તાકાતના પ્રકટીકરણનું કેન્દ્ર બનેલ યુરોપ જો પોતાની પરિસ્થિતિનું પરિવર્તન કરવામાં મન નહિ પરોવે અને એના આજના જીવનના પાયાને સ્થાને આધ્યાત્મિકતાના પાયાનું આરોપણ નહિ કરે તો હવે પછી પચાસ વરસોમાં તે ધૂળ ચાટતું થઈ જશે. આવે વખતે યુરોપને બચાવનાર ઉપનિષદોનો ધર્મ જ હશે.

અ:        આ એમણે નેવું વરસ પહેલાં ભાખ્યું હતું, પણ યુરોપે એને દાદ આપી નહિ અને દુ:ખી થયું.

ક:         તો પછી બીજાં રાષ્ટ્રોએ તમારા આ પયગંબરની વાણી પર લક્ષ આપ્યું હતું વળી?

સ્વા. વિ. : સત્ય કંઈ પ્રાચીન કે અર્વાચીન સમાજની ઉપાસના કરતું નથી. ઉપાસના તો સમાજે સત્યની કરવાની હોય છે. કાં તો સમાજ સત્યને પૂજે-ઉપાસે અને કાં તો મરી જાય! ભારતીય દર્શન અને આધ્યાત્મિકતાના વિચારો એક વાર ફરીથી ચોતરફ ફેલાવા જ જોઈએ અને એણે વિશ્વવિજય કરવો જોઈએ.

ક:         વાહ, વાહ આશ્ચર્ય, એના શબ્દો તો જાણે મેઘગર્જના! પણ જે ભારતમાં લાખો લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે, એવા ભારતના વિચારોને આમ વખાણવાનો ભલા શો અર્થ છે? ભારતના વારસાની અને ભારતની સભ્યતાને સંસ્કૃતિની મોટી મોટી વાતો કર્યા પહેલાં આપણે પણ શું પશ્ચિમના જેવી ભૌતિક સમૃદ્ધિ હાંસલ ન કરવી જોઈએ?

સ્વા. વિ. : હું અપૂર્વ અભિમાન ધરાવનારાઓ માંહેનો એક છું. પણ મારે સ્પષ્ટ રીતે કહી દેવું જોઈએ કે એ બધું મારા પોતાના લીધે નહિ, પણ મારા પૂર્વજોને કારણે હતું. ઉતાવળ કરશો નહિ, કોઈની પણ નકલખોરી કરશો નહિ. આપણે આ બીજો મહાન પાઠ યાદ રાખવો જોઈએ કે નકલખોરી એ કોઈ સંસ્કૃતિ નથી.

ક:         તમારા આ પેગંબરનાં વચનો અન્ય રાષ્ટ્રોએ લક્ષમાં લીધાં ખરાં કે?

બ:        આ રહ્યા રશિયન વિચારક વાય. ચેલીશેવ!

અ:        ઘણાં વર્ષો વીતી જશે, ઘણી પેઢીઓ આવશે ને જશે, વિવેકાનંદ અને તેમનો સમય દૂરનો ભૂતકાળ બની રહેશે; પણ પોતાના જનસમાજના ભાવિને વધુ સુંદર બનાવવાનાં પોતાના સમગ્ર જીવન દરમિયાન સ્વપ્નાં સેવનાર આ માનવની સ્મૃતિઓ કદીય ઝાંખી પડવાની નથી. ક્રૂરતા અને અન્યાયનો અત્યંત ભોગ બનીને દુ:ખી થયેલા લોકોને બચાવવા માટે તેમણે પોતાના સમકાલીન દેશપ્રેમીઓને અને વધુમાં આખા ભારતને આગળ ધપવા જાગૃત કરી દીધા!

સ્વા. વિ. : વિચારો અને કાર્યોની સ્વતંત્રતા જ જીવનવિકાસ અને જીવનસ્વાથ્યની એકમાત્ર શરત છે. જ્યાં એ ન હોય તો ત્યાં માનવ, વંશ અને રાષ્ટ્ર નીચે જ પડવાનાં. બધા જ સ્વતંત્રતા તરફ ધપી રહ્યા છે. આપણે બધા જ સ્વાતંત્ર્યની યાત્રા કરી રહ્યા છીએ. બધા સામાજિક ક્રાન્તિકારીઓ, ઓછામાં ઓછા તેમના નેતાઓ પોતાની સામ્યવાદી કે સમાનતાવાદી વિચારસરણીઓના પાયામાં આધ્યાત્મિકતાની આવશ્યકતા માટે મથી રહ્યા છે અને આ આધ્યાત્મિક પાયો કેવળ વેદાંતમાં જ છે. મારાં પ્રવચનો સાંભળવા અવારનવાર આવતા કેટલાય નેતાઓએ મને કહ્યું છે કે બધા વિષયોની નવી વ્યવસ્થા તેમને પાયામાં વેદાંતની જરૂર છે.

ક:         આશ્ચર્ય! અરે, શું સમાજવાદીઓ અને વિદેશીઓ પણ વેદાંત સ્વીકારી રહ્યા છે?

બ:        ચીનના સુવિખ્યાત ચિંતક હ્યુઆંગ ગ્ઝીન ચાંઉ વિવેકાનંદ વિષે આમ કહે છે :

અ:        વિવેકાનંદ આધુનિક ચીનના અતિ આદરણીય તત્ત્વજ્ઞ અને એક મહાન સમાજપુરુષ તરીકે અહીં સુવિખ્યાત છે. તેમના તાત્વિક અને સામાજિક વિચારોએ તેમ જ તેમના એક વીરને છાજે એવા દેશપ્રેમે ફક્ત ભારતના જ સ્વાતંત્ર્ય આંદોલનને આગળ ધપવાની પ્રેરણા પૂરી પાડી નથી; પણ અન્ય દેશોમાં પણ ભારે પ્રભાવ પાડ્યો છે.

ક:         નવાઈની વાત! આવું તો ભારતનો મોટામાં મોટો વિવેકાનંદાનુયાયી પણ કબૂલી ન શકે! અને છતાં… છતાં આપણે બધું ખૂબ સારી રીતે જાણીએ છીએ.

બ:        થોભો, થોભો, ઇતિહાસ હજુ હવે શરૂ થાય છે. પયગંબરનું સ્વપ્ર સાચું પડતું જાય છે. આધ્યાત્મિકતા અને વેદાંતના વિચારોની શક્તિ દ્વારા ભારત વિશ્વભર પર વિજય કરી રહ્યું છે. પ્રાચ્યવિદ્યાના સુવિખ્યાત વિદ્વાન પ્રોફેસર બાશામ વિવેકાનંદ વિશે શું કહે છે, તે સાંભળો :

અ:        પશ્ચિમ તરફ પૂર્વના વળતા હુમલાની ઉપક્રમદીક્ષા વિવેકાનંદે આપી હતી. પણ આ હુમલો ભારતની શાંતિ અને આધ્યાત્મિકતાનો મૈત્રીભર્યો હુમલો છે.

ક:         વાહ રે, પણ ભારતના આ ડિગ્રી મેળવીને પોતાના જ રાષ્ટ્ર પ્રત્યે ઘૃણા વધારનારા, વ્યસનોમાં ડૂબેલા અને પશ્ચિમની નકલખોરી કરનારા યુવાનો દ્વારા શું તેમનાં આ સ્વપ્નાં સાકાર થશે ખરાં?

સ્વા. વિ. : હજારો લોકોના ભોગે શિક્ષિત થઈને પણ જે તેમના તરફ જરા પણ ધ્યાન આપતો નથી તેવા દરેક માણસને હું દેશદ્રોહી માનું છું. પણ મને મારા દેશના યુવાનોમાં શ્રદ્ધા છે. એક દિવસ તેઓ આવશે અને મને સંમુખ બનીને ઘેરી વળશે. આ હું સૂર્યપ્રકાશની પેઠે સ્પષ્ટ જોઈ રહ્યો છું.

અ:        હા, સેંકડો યુવાનો એમને અનુસર્યા અને વધસ્તંભે મર્યા. સેંકડોએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું અને આજે લાખો ભારતીય યુવાનો એ પેગંબરને પ્રતિસાદ આપવા આવે છે. આજે ભારતમાં રાષ્ટ્રિય યુવ-દિન વિવેકાનંદના સંદેશથી ગુંજી રહ્યો છે. એ છે આપણા રાષ્ટ્રિય વીર, આપણા નેતા, આપણા ઉદ્ધારક. અર્વાચીન ભારતના આ યુવાન પેગંબરની પ્રેરક ભવિષ્યવાણી આજે ભારતમાં પડઘાઈ રહી છે.

સ્વા. વિ. : ભારત ઉન્નત થશે, પણ રક્તમાંસની શક્તિથી નહિ; પણ આત્માની શક્તિથી ઉન્નત થશે. વિનાશનો ધ્વજધારી થઈને નહિ પણ શાંતિ અને પ્રેમનો ધ્વજધારી બનીને ઉન્નત થશે. ભારતના રાષ્ટ્રિય આદર્શો ત્યાગ અને સેવા છે. એ બે નહેરોમાં અને તીવ્રતાથી આગળ ધપાવો. પછી બાકીનું બધું તો એની મેળે આવી મળશે. હું ભવિષ્ય તરફ જોતો નથી અને મને એની પરવા પણ નથી. પણ એક દૃશ્ય હું દીવા જેવું મારી સામે નિહાળી રહ્યો છું કે, આ પ્રાચીન માતૃભૂમિ ફરી એક વાર જાગી ઊઠી છે. પોતાના સિંહાસનને ધ્રુજાવતી, ફરી યૌવન પ્રાપ્ત કરતી, અપૂર્વ ઓજસ્વિની બનીને એ જાગી ઊઠી છે! એ સમસ્ત વિશ્વને માટે શાંતિ અને આશીર્વાદના અવાજમાં આજે નાન્દી પુકારી રહો!

બ:        એ સમય આવી પહોંચ્યો છે. ભારત આજે કોઈ કલ્યાણકારી મહાકાયની પેઠે વિશ્વ પર પોતાનો વિક્રાન્ત પગ મૂકી રહ્યું છે.

અ:        આજે ભારત પોતાના પયગંબરની ભવિષ્યવાણીને સાકાર કરી રહ્યું છે અને આખું વિશ્વ વિવેકાનંદને આધુનિક સમયના ઈશ્વરી દૂત તરીકે માન આપી રહ્યું છે.

ક:         અવિશ્વસનીય! હા, હા, એ તો સાચું કે આ પયગંબરને વિશ્વમાં તો બધે ઠેકાણે માનસન્માન મળ્યાં પણ પોતાના દેશમાં જ ન મળ્યાં!

અ, બ, ક :         હે મહોપદેશક, હે પયગમ્બર, હે પથપ્રદર્શક! જય હો જય હો તમારી. તમે લોકોત્તર દેશમાંથી અહીં અમને ગુલામીમાંથી સ્વતંત્રતા તરફ દોરી જવા પધાર્યા; ઊંડા અંધારમાંથી પરમ તેજ તરફ લઈ જવા પધાર્યા; અમને મૃત્યુમાંથી અમરતા તરફ લઈ જવા પધાર્યા.

(સમૂહગાન)

असतो मा सद् गमय ।

तमसो मा ज्योतिर्गमय ।

मृत्यो र्मा अमृतंगमय ।

ભાષાન્તરકાર : કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.