ગુરુ-શિષ્ય સંબંધ, શાળા, શિસ્ત અને રામકૃષ્ણ મિશન સંચાલિત શિક્ષણ સંસ્થાઓ :

‘શિક્ષણ સાધના’ નામના આચાર્ય ક્ષિતિમોહન સેનનાં વ્યાખ્યાનોના પુસ્તકમાં ગુરુ-શિષ્ય સંબંધ અને ગુરુ તેમ જ શિષ્યનાં લક્ષણો સુંદર રીતે બતાવ્યાં છે. ગૌતમીય તંત્રમાં ગુરુનાં લક્ષણો નીચે પ્રમાણે આપ્યાં છે.

सुंदरः सुमुखः स्वच्छः सुलभो बहुतत्त्वविद् ।

ગુરુ સુંદર હોય, ચહેરામાં નહીં, પરંતુ અંતરમાં. તેની વાણી મધુર હોય, પોતે સ્વચ્છ હોય, સુલભ હોય એટલે કે શિષ્યો તેમની પાસે સહેલાઈથી જઈ શકે તેવા હોય. અનેક તત્ત્વોને જાણનારા હોય, નહિ કે કૂપમંડુક. પોતાનું કલ્યાણ ઇચ્છનારે આવા ગુરુઓની સ્તુતિ કરવી જોઈએ, તેમને નમન કરવું જોઈએ. હવે શિષ્યનાં લક્ષણ જોઈએ.

शिष्यः कुलीनः शुद्धात्मा पुरुषार्थपरायणः ।

अधीतवेदकुशलः पितृमातृहिते रतः ॥

શિષ્ય કુલીન, શુદ્ધાત્મા, પુરુષાર્થ પરાયણ, વેદવિદ્યામાં કુશળ, પિતા-માતાના પ્રેમમાં મગ્ન. આ ઉપરાંત અન્ય શ્લોકોમાં શિષ્યને ધર્મનો જાણકાર અને આચરનાર, ગુરુની સેવામાં મગ્ન, શાસ્ત્રના અર્થ અને તત્વને જાણકાર અને જિતેન્દ્રિય કહ્યો છે.”

એની લાયકાતનાં લક્ષણોમાં જાતિભેદને સ્થાન નથી. તેનામાં સત્યશોધકવૃત્તિ હોવી જોઈએ.

ગૌતમીય તંત્રમાં બતાવેલાં ગુરુ-શિષ્યનાં લક્ષણો ઉપરથી ગુરુ અને શિષ્ય બંનેનાં ચિત્રો સ્પષ્ટ ઊપસે છે. હવે સ્વામીજીએ ગુરુ-શિષ્ય વિશે શું કહ્યું છે તે જોઈએ – “શાસ્ત્રના મર્મનું જ્ઞાન એ જ સાચા ગુરુનું લક્ષણ છે. આમ જુઓ તો સમગ્ર વિશ્વ શાસ્ત્રોનું અધ્યયન કરે છે. પણ એ બધું શબ્દો, વાક્યરચના વ્યુત્પત્તિ – ભાષાસંશોધન જ છે. મારે મન તો એ ધર્મનાં સૂકાં ભઠ હાડકાં જ માત્ર છે. જે ગુરુ માત્ર શબ્દવૈભવમાં જ રાચે છે તે ભીતરનો આત્મા ગુમાવી બેસે છે. ગુરુ માટે બીજી ખૂબ જ આવશ્યક શરત છે, ચારિત્ર્યશુદ્ધિ. ગુરુ સંપૂર્ણપણે પવિત્ર હશે તો જ એના શબ્દોની કિંમત થશે. ત્રીજી છે ઉદ્દેશ્ય સંબંધી. ગુરુએ નિ:સ્વાર્થભાવે, ધન કે કીર્તિની લાલસા વગર અધ્યાપન કાર્ય કરવું જોઈએ.

આદર્શ શિષ્ય માટેની પહેલી શરત એ છે કે સત્યના સાક્ષાત્કાર માટે એણે બધી જ વાસનાઓનો ત્યાગ કરવો જોઈએ. શિષ્યે આંતરબહિર પ્રકૃતિ પર કાબૂ મેળવવો જોઈએ. સખત મહેનત અને અભ્યાસ દ્વારા તે કુદરતનાં બળોને પણ પડકારી શકે એવી શક્તિ કેળવવી જોઈએ. આ ઉપરાંત શિષ્યે તિતિક્ષાની મહાન શક્તિ પણ કેળવવી જોઈએ. મુક્તિની તીવ્ર ઝંખના એણે સેવવી જોઈએ. તેણે જડવાદના પડછાયાથી હંમેશાં દૂર રહેવું જોઈએ.”

ગૌતમીય તંત્રમાં બતાવેલાં ગુરુ-શિષ્યનાં લક્ષણો અને સ્વામીજીએ બતાવેલાં ગુરુ-શિષ્યનાં લક્ષણોમાં ઘણું જ સામ્ય છે. પ્રાચીન ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં ગુરુ-શિષ્યનું સ્થાન – માન આપણને સ્પષ્ટ થાય છે. પરંતુ જેમ જેમ દેશ અને દુનિયા વૈજ્ઞાનિક અને તાંત્રિક ક્ષેત્રે આગળ વધવા લાગી અને ભૌતિકવાદનો ફેલાવો વધુ ને વધુ થવા લાગ્યો તેમ તેમ શૈક્ષણિકમૂલ્યો પણ બદલાતાં ગયાં. આદર્શવાદનો-સાક્ષાત્કારનો ઉદ્દેશ પશ્ચાદ્ભૂમિકામાં ધકેલાઈ ગયો અને રોજીરોટીની કેળવણીનો આદર્શ કેન્દ્રમાં આવવા લાગ્યો. આજે વ્યાવસાયિક કેળવણી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે અને કેળવણીના સાક્ષાત્કારના ઉદ્દેશની ઉપેક્ષા થાય છે.

ગુરુ-શિષ્ય બંનેનું ગૌરવ વધે અને શિક્ષણનું ક્ષેત્ર પવિત્ર બની રહે એ વાત ઉપર તો આજે ચોકડી જ મુકાઈ ગઈ છે. સ્વામીજી કહે છે, “જે દેશમાં ગુરુ-શિષ્ય વચ્ચે પ્રેમભાવ નથી ત્યાં ગુરુ ફક્ત વ્યાખ્યાતા જ બની ગયો છે. ગુરુને પગાર સાથે નિસ્બત છે અને શિષ્યને માહિતી સાથે.”

વર્તમાન સમયમાં ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધો લગભગ વણસેલા છે. અત્યંત દયનીય પરિસ્થિતિમાંથી આખું શિક્ષણ જગત પસાર થઈ રહ્યું છે. પરિસ્થિતિના આ નિર્માણ માટે જવાબદાર છે શિક્ષણ સંસ્થાઓ, ઘર, સમાજ અને સરકાર. શિક્ષણની બરબાદી થતી અટકાવવા માટે સૌથી વધુ ક્ષમતા શિક્ષકો ધરાવે છે. શિક્ષકો જો ‘દ્રોણવૃત્તિ’ ત્યાગી ‘સાંદિપનીવૃત્તિ’ અપનાવે તો અર્ધમૃત કેળવણી માટે રસાયણનું કામ થાય.

રવીન્દ્રનાથ ટાગોર લખે છે કે, “શાળાના સમગ્ર વાતાવરણને પ્રેરણાદાયી શિક્ષકો જ બનાવી શકે. સાચો શિક્ષક સદાકાળ શિષ્ય છે. શિક્ષકરૂપી દીપકમાં દીવેલ હશે તો જ વિઘાર્થીઓરૂપી દીવડાઓ પ્રગટાવી શકશે. ખરા શિક્ષકનું હૃદય બાળકનું હૃદય હશે.” સ્વામીજીએ આ જ વાત જરા જુદી રીતે કહી, ‘ખરો શિક્ષક એ છે, જે કાચી સેકંડમાં વિદ્યાર્થીના સ્તર ઉપર આવી જાય છે અને પોતાના હૃદયનું વિદ્યાર્થીના હૃદય સાથે તાદામ્ય સાધે છે અને વિદ્યાર્થીની નજરે નિહાળે છે.’ વિદ્યાર્થીઓના પ્રશ્નોને જાણવા અને તેનું વ્યવસ્થિત રીતે નિરાકરણ કરવા માટે શિક્ષક જ અસરકારક બની શકે.

વિલિયમ આર્થર વોર્ડ, શિક્ષક માટે શું કહે છે તે જોઈએ, “The mediocre teacher tells, the good teacher explains, the superior teacher demonstrates and the great teacher inspires.” અત્યારના સંજોગોમાં આપણને ‘મહાન’ શિક્ષકોની જરૂર છે, વામણા શિક્ષકોની નહીં.

શિક્ષણ સંસ્થાઓ

પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણ પ્રણાલીમાં શ્રદ્ધા ધરાવતા સ્વામીજી ‘ગુરુગૃહવાસ’ ઉપર વિશેષ ભાર મૂકે છે. “મારા મત મુજબ કેળવણીનો આદર્શ ગુરુગૃહવાસ છે. ગુરુના અંગત જીવન સાથે જોડાયા વિના કેળવણી સંભવી શકે જ નહીં. બાલ્યાવસ્થાથી જ શિષ્યે એવા ગુરુ સાથે રહેવું જોઈએ કે જેનું ચારિત્ર્ય જ્વલંત અગ્નિના જેવું હોય. આપણા દેશમાં જ્ઞાનદાન હંમેશાં ત્યાગીઓ દ્વારા જ થયું છે. જ્ઞાનદાનનો એ ભાર ત્યાગીઓના ખભા પર મૂકવાનો સમય ફરી પાકી ગયો છે.”

સમયે સમયે પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ફેરફાર થતો ગયો. ગુરુગૃહવાસમાંથી જ આશ્રમશાળાઓ અને અરણ્ય શાળાઓનો ઉદ્ભવ થયો અને છેવટે જેમ જેમ મનુષ્યજીવન સંઘર્ષમય અને જટિલ બનતું ગયું અને માબાપે પોતાના બાળકને ભણાવવાની જવાબદારી શિક્ષણ-સમાજ ઉપર છોડી ત્યારથી શાળાઓ અને છાત્રાલયો અસ્તિત્વમાં આવ્યાં. ત્યાગીઓ દ્વારા જ્ઞાનદાનનો સ્વામીજીનો આદર્શ પરિગ્રહીઓના હાથમાં આવી ગયો. શિક્ષણમાં વ્યાપારી દૃષ્ટિ પેઠી અને બાળક ખોવાયો, શિક્ષક ખોવાયો, શિક્ષણ ખોવાયું. રહી માત્ર અરાજકતા, અંધાધૂંધી અને અશિસ્ત. આજે પણ અમુક આશ્રમશાળાઓ, આવાસી શાળાઓ શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ સારું કામ કરી રહી છે. આ જાતની શાળાઓમાં “Forced discipline” નહીં પણ “Free discipline” બહારથી ‘લદાયેલી શિસ્ત’ નહીં પણ ‘મુક્ત શિસ્ત’નો સૌને અનુભવ થાય છે, જે બાળકના સર્વાંગી વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.

ભારતની ભૂમિ ઉપર સ્વામીજીનું આગમન એવા સમયે થયું જ્યારે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય આદર્શના પુનરુત્થાનની અત્યંત જરૂર હતી. ભારતીય ઇતિહાસમાં એનું મહત્ત્વ જરા પણ ઓછું આંકી શકાય એમ નથી. સમગ્ર રાષ્ટ્રના સર્વાંગી વિકાસની દૃષ્ટિએ જ્યારે વિચારવાનું હોય ત્યારે શિક્ષણે પણ મહત્ત્વનો ભાગ ભજવવાનો હોય એ સ્પષ્ટ છે અને એ શિક્ષણની તાસીર અને સંસ્કાર શુદ્ધ ભારતીય હોય એવો સ્વામીજીનો આગ્રહ હતો. સીસ્ટર નિવેદિતા આ જ વિચારને પોતાની રીતે રજૂ કરે છે, “Education in India today, has to be not only national, but nation making. A national education is first and foremost an education in the national idealism.”

પરંતુ આ રાષ્ટ્રીય આદર્શ ચરિતાર્થ કેવી રીતે થાય? સ્વામીજી કહે છે, અમુક રાષ્ટ્રો રાજનીતિની મદદથી આગળ વધે છે, અમુક રાષ્ટ્રો સમાજનીતિને સહારે પ્રગતિ કરે છે. ભારતને માટે તો ધર્મ દ્વારા જ આગળ વધવાનું આપણા હિતમાં છે. તેઓ કહે છે, “મારે મન ધર્મ એ કેળવણીનું હાર્દ છે.” કેળવણી અને ધર્મ એ એક જ સિક્કાની બે બાજુ છે.

શિક્ષણ સંસ્થાઓ તો ઉદ્ભવે અને વિકાસ પામે પણ એના આત્માની સમૃદ્ધિ તો ક્યા ફિલસૂફના શિક્ષણના આદર્શો આપણે સ્વીકારીએ છીએ એના ઉપર વિકસતી રહે છે.

ઉદ્દેશો : રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતી શિક્ષણ સંસ્થાઓના મુખ્ય ઉદ્દેશો નીચે પ્રમાણે છે.

– વિનયન, વિજ્ઞાન અને ઉદ્યોગોના અભ્યાસ અને તેનું વિસ્તરણ.

– શિક્ષણની બધી જ શાખાઓ માટે શિક્ષકોની તાલીમ વ્યવસ્થા.

– જનસમાજ માટેની કેળવણીનો પ્રચાર-પ્રસાર.

શાળાઓ, કૉલેજો, વિશ્વવિદ્યાલયો, બાલાશ્રમો, ઉદ્યોગશાળાઓ, પ્રયોગશાળાઓ, દવાખાનાં સ્થાપવાં, ટકાવી રાખવાં અને વ્યવસ્થિત રીતે ચલાવવાં.

પટણા રામકૃષ્ણ આશ્રમ દ્વારા “Education for Life” નામનો એક અંક બહાર પાડવામાં આવ્યો છે. આ અંકમાં રામકૃષ્ણ મિશન દ્વારા સંચાલિત શિક્ષણ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓની માહિતી આપવામાં આવી છે.

કુલ લગભગ ૧,૫૨૭ શિક્ષણસંસ્થાઓ. એમાં લગભગ ૧,૫૭,૧૭૧ વિઘાર્થીઓ, તાલીમીઓ લાભ લઈ રહ્યા છે. રોજીરોટીની કેળવણીના આદર્શથી શરૂ કરીને ઈશ્વર સાક્ષાત્કાર સુધીના આદર્શ સુધી પહોંચવા માટે ઉપરોક્ત સંસ્થાઓ સંનિષ્ઠ પ્રયાસો કરે છે. આ પ્રયાસો ક્યાં કઈ રીતે થાય છે એ જાણવા માટે આપણે અમુક શિક્ષણ સંસ્થાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

સમાજ શિક્ષણમાં એક અનોખો પ્રયોગ

સ્વામીજી દીન-દુ:ખી, ત્યજાયેલાં, ઉપેક્ષિત કે અજ્ઞાન લોકોને અક્ષરજ્ઞાન આપવાની વાત કરતાં કહે છે કે, આ લોકો જો અક્ષરજ્ઞાન લેવા આપણી પાસે ન આવી શકે તો આપણે સામે ચાલીને એમની વચ્ચે જવું જોઈએ.

સ્વામીજીના આ વિચારને એક મરજીવા સંન્યાસીએ પકડી લીધો. કલકત્તાથી લગભગ છવ્વીસ માઈલ દક્ષિણમાં, ‘સરિસા’ નામના એક તદૃન પછાત ગામડામાં આ યુવાન સંન્યાસીએ સામાજિક અને શૈક્ષણિક સેવાની ધૂણી ધખાવી. ૧૯૨૧ની ૨૫ ડિસેમ્બરના રોજ તદૃન નાના એવા આશ્રમની શરૂઆત થઈ. શરૂઆતમાં આ આશ્રમમાં હોમીઓપથી દવાખાનું, વણાટ કામ શીખવતી શાળા અને લુહારી તાલીમ આપતી સંસ્થા શરૂ કરવામાં આવી. લોકોની શારીરિક, માનસિક અને આત્મિક જરૂરિયાતો સંતોષવાનો આશ્રમનો મુખ્ય ઉદ્દેશ હતો.

ધીમે ધીમે ત્રણચાર યુવાન સંન્યાસીઓ સરિસા આશ્રમમાં દરિદ્રનારાયણની સેવા કરવા આવી પહોંચ્યા. સ્વામીજીના આહ્‌વાનને ચરિતાર્થ કરવાનો આ સૌ મિત્રોનો મનસૂબો હતો. ૧૯૨૧માં જે યુવાન સંન્યાસીએ સરિસામાં આશ્રમ સ્થાપ્યો, તેઓ સ્વામી ગણેશાનંદ તરીકે જાણીતા થયા. એમણે આશ્રમના ઉત્કર્ષ માટે અને જનસમાજની સુખાકારી માટે સખત મહેનત કરી. ૧૯૪૧માં ૪૫ વર્ષની વયે મૃત્યુ પામ્યા ત્યાં સુધી એમણે લોકોની શૈક્ષણિક-સામાજિક સેવા કરી.

પાંચેય યુવાન સંન્યાસીઓએ પછાત વર્ગમાં શિક્ષણકાર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. તદ્દન નિમ્ન ગણાતી જ્ઞાતિના પાંચ છોકરાઓ આશ્રમ સંસ્થાના પ્રથમ વિદ્યાર્થીઓ બન્યા. આમાંનો એક છોકરો ‘બાગડી’ જાતિનો વિદ્યાર્થી હતો અને સંન્યાસી મિત્રો પોતાનું ધ્યાન પણ ‘બાગડી’ જાતિ ઉપર કેન્દ્રિત કરવા માગતા હતા. એ જમાનામાં ‘બાગડી’ જાતિની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી. અજ્ઞાન અને વહેમમાં સબડતી અને ભદ્ર સમાજથી તિરસ્કૃત આ જાતિ અતિશય દયનીય સ્થિતિમાં હતી. આ જાતિના ઘણા ભાઈઓ પાલખી ઉપાડવાનું કામ કરતા. અફીણ અને ગાંજાના બંધાણી બાગડી લોકોનો સામાજિક અને આર્થિક ઉત્કર્ષ કરવા આશ્રમના યુવાન સંન્યાસીઓએ કમર કસી.

આપણે અહીં ગામડામાં ચોરો હોય છે એમ બંગાળના ગામડામાં ચોરા ઉપર ‘હરિસભા’ ભરાતી. સંન્યાસી મિત્રો હરિસભામાં જવા લાગ્યા અને આ પછાત લોકો પાસે ‘રામાયણ’ અને ‘મહાભારત’માંથી પ્રેરક પ્રસંગો કહેવા લાગ્યા. વાતાવરણ જામવા લાગ્યું. બાગડી લોકો ધીમે ધીમે વ્યસન છોડવા લાગ્યા. થોડું થોડું અક્ષરજ્ઞાન મેળવવા લાગ્યા. ગામની સુરત પલટાવા લાગી. લોકોના ચહેરા ઉપર નૂર દેખાવા લાગ્યું.

આજે તો આટલાં વરસો બાદ બાગડી જાતિના યુવાનો બેંકમાં, સરકારી કચેરીમાં, ખાનગી ઑફિસમાં નોકરી કરતા જોવા મળે છે. ઉપરાંત, નાના નાના સ્વતંત્ર વ્યવસાયમાં પણ જોવા મળે છે. કડિયા કામ, સુથારી કામ કે વણાટ કામમાં પણ ઘણા લોકો વ્યસ્ત છે. બહેનો પણ નર્સ તરીકે, ઘરકામ કરતી કામવાળી તરીકે, શાળામાં શિક્ષિકા તરીકે કે ખેતીકામ કરતી હોય છે.

સ્વામીજીએ ક્યારેય ‘અનૌપચારિક શિક્ષણ’ જેવો શબ્દ પ્રયોગ નથી કર્યો છતાં બાગડી જાતિના ઉત્કર્ષ માટે યુવાન સંન્યાસીઓએ જે કામ કર્યું એને આપણે શું કહેશું?

(ક્રમશ:)

Total Views: 193

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.