રામશાસ્ત્રી નામના એક મહાન વિદ્વાન પંડિત હતા. ઘણા શાસ્ત્રગ્રંથો તેમને કંઠસ્થ હતા. તે પોતાની કુશાગ્ર બુદ્ધિથી તર્ક-ચર્ચા કરતા અને તેના સમર્થનમાં શાસ્ત્રોનાં અનેકવિધ વચનો ટાંકતા. કોઈ પણ જાતની તર્કશાસ્ત્ર ચર્ચામાં તેમને હંમેશાં વિજય જ મળતો. ગામડાંના લોકોને આશ્ચર્ય થતું અને કહેતા : “આવડું નાનું માથું-મગજ અને જ્ઞાન તો જુઓ સાગરના જળ જેટલું!’ રામશાસ્ત્રીના અભિમાનનો પારો પણ તેમના જ્ઞાન જેટલો ઊંચો રહેતો.

નદીના સામે કાંઠે આવેલા એક ગામમાં એક ચર્ચાસભામાં ભાગ લેવાની તેમની ઈચ્છા હતી. આ ચર્ચા સભાના વિજેતાને ઘણાં માન-સન્માન મળવાનાં હતાં. પંડિત તો આવ્યા નદીના ઘાટે. તેમણે હોડીવાળાને સાદ કરીને બોલાવ્યો અને ઘણી રકઝકના અંતે હોડીવાળો ૨૫ પૈસામાં સામે કાંઠે લઈ જવા તૈયાર થયો.

પંડિતજી તો બેઠા હોડીમાં. હોડીમાં તેઓ એકલા જ મુસાફર હતા. સમય પસાર કરવા તેઓ હોડીવાળા સાથે વાતોએ વળગ્યા. કેટકેટલાં શાસ્ત્રોનો તેમણે અભ્યાસ કર્યો છે તે વિશે બણગાં ફૂંકવા માંડ્યાં. અનેક શાસ્ત્રચર્ચામાં કેટકેટલા અને કેવા કેવા વિદ્વાનોને તેમણે હરાવ્યા છે તેની વાતો પણ કરી. પંડિતે હોડીવાળાને કહ્યું : “ભાઈ! આ જીવનમાં જેટલાં બને તેટલાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો જ જોઈએ. તો જ જીવન સાર્થક ગણાય. તે ક્યા ક્યા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે?” હોડીવાળાએ વિનમ્રતા સાથે જણાવ્યું : ‘પંડિતજી! મેં તો કાળા અક્ષરને કુહાડે માર્યા છે. પણ હું દરરોજ પ્રભુની પ્રાર્થના કરું છું.’ પંડિતજી બોલ્યા : ‘માત્ર એટલું જ પૂરતું નથી.’ વળી પૂછ્યું : “તે વેદોનો અભ્યાસ કર્યો છે ખરો?” હોડીવાળાએ પ્રત્યુત્તરમાં કહ્યું, “પંડિતજી, અહીં વેદનું નામેય ક્યા ભાઈએ સાંભળ્યું છે?” પંડિતજી ગર્વપૂર્વક બોલી ઊઠ્યા : ‘તો તો ભાઈ! તારી પા જિંદગી નકામી ગઈ સમજી લે. અને વધુ ઉમેરતાં કહ્યું : “ભાઈ, વેદોનો અભ્યાસ કરતાં મને દસ વર્ષ લાગ્યાં હતાં. ઠીક ભાઈ, વેદોનું જ્ઞાન ન હોય તો કંઈ નહીં, પણ ગીતા વાંચી છે ખરી?”

હોડીવાળાએ માથું ધુણાવીને કહ્યું : “ના રે.. પંડિતજી હું ગીતા વિષે કંઈપણ જાણતો નથી.” પંડિતજીના મુખ પર કટાક્ષભર્યું હાસ્ય ફરકી ગયું. થોડી વાર પછી બોલ્યા : “ભાઈ, તો તો તારી અડધી જિંદગી નકામી ગઈ.”

થોડી વાર પછી પંડિતે વળી એક પ્રશ્ન પૂછ્યો : “ભાઈ, હું ધારું છું કે, રામાયણ-મહાભારત તો વાંચ્યાં-સાંભળ્યાં જ હશે.” હોડીવાળા પાસે આનો જવાબેય ન હતો. પંડિતજી બોલી ઊઠ્યા : “મને તો તારી દયા આવે છે. તે તારી પોણી જિંદગી નકામી વેડફી નાખી. ભાઈ, બાકીની જિંદગીમાં કંઈ શીખી લેવાનો પ્રયત્ન કરજે.” હોડીવાળો આ સાંભળીને દુ:ખી દુ:ખી થઈ ગયો.

આમ વાતો કરતા હતા ત્યાં ઓચિંતાનું તોફાન ઊપડ્યું. હોડી પવનના ઝપાટે ભયંકર રીતે ઊછળવા લાગી. એમ લાગતું હતું કે, હોડી ઊંધી વળી જશે અને ડૂબી જશે. પંડિતજીને હાથ જોડીને હોડીવાળાએ કહ્યું : ‘અરે, મહારાજ! મને લાગે છે કે, હવે આપણે હોડીનો આશરો છોડવો પડશે પંડિતજી! આપને તરતાં તો આવડતું જ હશે.’

પંડિતજી તો વિચારમાં પડી ગયા અને ભય-આઘાત સાથે બોલ્યા : ‘ના, ના ભાઈ! મને તરતાં શીખવાનો સમય જ ન મળ્યો. હું થોડી મિનિટો પણ પાણીમાં તરી શકતો નથી. મહેરબાની કરીને મને બચાવી લે, ભાઈ.’

પેલા હોડીવાળાએ કહ્યું : ‘હું તમને બચાવી શકું તેમ નથી. માત્ર તમને તરતાં આવડતું હોય તો જ બચી શકો! એ વાત સાચી કે, હું એકેય શાસ્ત્રનું, ગ્રંથનું જ્ઞાન ધરાવતો નથી અને આ પવિત્ર શાસ્ત્રગ્રંથો નહિ વાંચીને મેં મારી પોણી જિંદગી વેડફી નાખી. પણ પંડિતજી! મને તરતાં આવડે છે, એટલે હું મારી જિંદગી બચાવી શકીશ.’ અને પછી ઉમેર્યું : “તમે તરતાં ન શીખ્યા આ કેટલું દયાજનક છે! પંડિતજી! તમારા અજ્ઞાનને લીધે તમે તમારી આખી જિંદગી ગુમાવશો.”

આ શબ્દો સાથે હોડીવાળો તો સામે કાંઠે તરીને પહોંચી ગયો અને પેલો મિથ્યાભિમાની જ્ઞાની પંડિત નદીમાં ડૂબી ગયો.

જ્ઞાન માત્ર પ્રદર્શન કે દેખાડવા માટે નથી. જે ઉપયોગમાં આવે તે જ સાચું જ્ઞાન. વળી, સાચું જ્ઞાન આપણને વિનમ્ર બનાવે છે, મિથ્યાભિમાની નહીં.’

સંકલનકર્તા : શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 137

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.