સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને બંગાળી માસિક ઉદ્‌બોધનના સહસંપાદક છે.

‘સ્વામી વિવેકાનંદને મેં જોયા છે. મેં એમનો ચરણસ્પર્શ કર્યો છે. મારા મસ્તક અને પીઠ પરનો એમના હાથનો વિદ્યુતસ્પર્શ હું આજે અત્યારે પણ અનુભવી શકું છું. (૧૯૦૧માં ઢાકામાં) સ્વામીજીની નજીક આવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું તે દિવસો તો, ખરે જ ખૂબ યાદગાર હતા કે જ્યારે તત્ક્ષણ જ મારામાં સ્વદેશપ્રીતિ જાગૃત થઈ અને, મારી, જિંદગીમાં પહેલી વાર હું સમજતો થયો કે ગુલામીની પીડા કેટલી કાતિલ હોઈ શકે છે! ધર્મ વિશે સાંભળવાની આશાથી અમે એમની પાસે ગયા હતા. પરંતુ અમારા કર્ણોમાં તેમણે શક્તિના અને બળના શબ્દો કેવા રેડ્યા હતા! તેમણે તુરત જ અમારી દૃષ્ટિ આડેનાં પડળો દૂર કર્યા અને અમારાં અંતરમાં એક દેદીપ્યમાન જ્વાલા પ્રકટાવી, એ જ્યોત હજીયે જલી રહી છે. એ જ્વાલાનું નામ વિવેકાનંદ છે. એ અગ્નિનું નામ ભારત છે. – હિમાલયથી કન્યાકુમારી સુધી વિસ્તરતો વિરાટ અખંડ ભારત! અમને, એ કાળના યુવાનોને, સ્વામીજીએ આ કાર્ય સોંપ્યું હતું : બ્રિટિશ આધિપત્યથી ભારતને મુક્તિ અપાવવી. એટલું જ નહીં પરંતુ, જગતની આધુનિક સંસ્કૃત પ્રજાઓની નક્ષત્રમાળામાં તેની સૌથી પ્રકાશિત દ્યુતિ તરીકે સ્થાપના પણ કરવી અને એ મહાસંઘમાં ભારતમાતાને સામ્રાજ્ઞીપદે સ્થાપવી. ઉદ્ધારના એ મહાન કાર્યનો પાયો સ્વામી વિવેકાનંદે જાતે નાખ્યો હતો. એ વિરાટ આંદોલનનું ચક્ર ચાલુ રહે તે અમારી જવાબદારી હતી. પરંતુ, એમની અપેક્ષાને પાત્ર અમે પુરવાર થયા છીએ ખરા? એમના ધ્વજને અમે આગળ ઊચકી લઈ જઈ શક્યા છીએ ખરા?’

ભારતીય સ્વાતંત્ર્યયુદ્ધના એ જ્વલંત દિવસોના લોકજીભે રમતા પુરુષ શ્રી હેમેન્દ્ર ઘોષના મુખમાંથી આ ઉત્સ્ફૂર્ત શબ્દો ઝર્યા છે; ૯૮ વર્ષની વયે ૧૯૮૦માં તેમનું અવસાન થયું. ૧૯૭૮ની ર૬મી એપ્રિલે આ લેખક તેમને મળ્યા ત્યારે શ્રી ઘોષના આ શબ્દોથી તે પ્રભાવિત થઈ ગયા હતા. ૧૯૭૦ની ૨૬મી માર્ચે આ લેખકે દક્ષિણ કલકત્તામાં આવેલા શ્રી હેમચંદ્રના નિવાસસ્થાને તેમની પહેલી વાર મુલાકાત લીધી એમના પોતાના શબ્દોમાં કહીએ તો, ‘પંચાણું-છન્નું વર્ષના વૃદ્ધ, શતાબ્દી પૂરી કરવાને આરે તેઓ ઊભા હતા.’ સ્વામી વિવેકાનંદને પ્રત્યક્ષ જોનાર અને એમની સાથે નિકટતાથી વાત કરનાર, તે સમયે, કદાચ, તેઓ એકલા જ હતા. ૧૯૭૮ના માર્ચ-એપ્રિલમાં આ લેખકે તેમની પાંચ વાર રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે, એમની એટલી મોટી વયે પણ આવી તીવ્ર યાદશક્તિ અને દેશના પ્રવર્તમાન ધાર્મિક અને ધર્મનિરપેક્ષ પ્રવાહો પરનો એમનો વ્યાપ જોઈ લેખક આશ્ચર્યમુગ્ધ થયા હતા.

એમનો અવાજ સ્થિર અને ઉત્તેજનાયુક્ત હતો અને એમનું વ્યક્તિત્વ સમર્થ હતું. એમની ચેતના અને શક્તિથી ડોલી ઊઠ્યા સિવાય કોઈ રહી શકે નહીં. અમારી પ્રથમ મુલાકાતને અંતે મેં તેમને કહ્યું : “આ૫ માનસિક રીતે આટલા જાગૃત છો, એ ન કલ્પી શકાય તેવું છે. આપની આટલી વયે એ અસાધારણ ઘટના છે!” એ વૃદ્ધ સ્વાતંત્ર્ય સૈનિકનો ચહેરો સ્મિતથી ઝળહળી ઊઠ્યો. ‘ખરેખર?’ એમણે કહ્યું, “તો મારે તેનું ગૌરવ માનવું જોઈએ. સ્વામીજીએ લાદેલી એક શરતનું તો હું પાલન કરી શક્યો છું! પોતાના દેશબાંધવો હંમેશાં જાગૃત રહે તેમ સ્વામીજી ઈચ્છતા હતા. પરંતુ સ્વામીજીને મન જાગૃતિનો અર્થ તદ્દન જુદો હતો. એ અર્થમાં આપણે જાગૃત રહી શકીએ છીએ ખરા કે? પ્રશ્ન એ છે.”

૧૯૦૧માં સ્વામીજી ઢાકા ગયા ત્યારે, હેમચંદ્ર ઘોષે તેમને માત્ર જોયા હતા. એટલું જ નહીં પરંતુ, તેઓ સ્વામીજીના નિકટના પરિચયમાં પણ આવ્યા હતા. સ્વામીજીના શબ્દોથી પ્રેરાઈને જ હેમચંદ્ર દેશસેવામાં પોતાની જાતને સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દેશની મુક્તિ માટે પોતાની જાતને ધરી દેનારાઓમાંની આવી એક પ્રતિનિધિ વ્યક્તિ પાસેથી ભારતીય સ્વાતંત્ર્ય આંદોલન પર સ્વામીજીની અસર વિશે એ સ્વાતંત્ર્યસંગ્રામના વીરોના અભિપ્રાય અને સંસ્કારો વિશે જાણવાની ઇચ્છા આ લેખકને હતી. હેમચંદ્ર આરંભના અને ઉત્તમ સૈનિકોમાંના એક હતા. (બી.વી.ના ટૂંકા નામથી પ્રખ્યાત વીસીના દાયકાના પાછોતરા ભાગમાં અને ત્રીસીના દાયકામાં) બેંગાલ વોલેન્ટિયર્સ (બંગાળી સ્વયંસેવકો) નામનું પાયાનું કાર્ય કરનારું ઉગ્રવાદી જે દળ હતું તેના સ્થાપક અને ‘સરસેનાપતિ’ હેમચંદ્ર હતા. એ રીતે ભારતીય રાજનીતિના ઉદ્ભવની કેટલાક પૂર્વેથી ભારતમાંના રાષ્ટ્રીય આંદોલનને મોરચે રહેનારા શ્રી હેમચંદ્ર હતા. પાછળથી તેઓ શ્રી સુભાષચંદ્ર બોઝના નિકટના સાથીદાર બન્યા હતા. સમસ્ત બંગાળમાં અને બહાર પણ જેની અસરનું ક્ષેત્ર ફેલાયું હતું તે પોતાની સંસ્થાના ક્રાંતિકારીઓમાં તેઓ બડદા (મોટા ભાઈ) તરીકે ઓળખાતા. એમનાં જુસ્સાદાર કાર્યોએ અને ઉદાત્ત ચારિત્ર્યે એમને જન્મજાત નેતા બનાવ્યા હતા. એ સમયના બ્રિટિશ રાજ્યકર્તાઓ માટે તેઓ મહા ત્રાસરૂપ હોવાથી બ્રિટિશ કેદખાનામાં કેદ અને આકરી સજાનો તેમનો રેકર્ડ મોટો હતો. એમના દૃષ્ટાંતરૂપ સ્વદેશપ્રેમ અને આત્મબલિદાનથી અસંખ્ય યુવકોએ તે સમયે તેમની પાસેથી પ્રેરણા લીધી હતી. તેઓ જીવનભર અપરિણીત રહ્યા હતા અને જિંદગીના છેલ્લા દહાડા સુધી તપસ્વી જેવું જ જીવન જીવ્યા હતા. ‘ભારતના સ્વાતંત્ર્ય-આંદોલનના એક મહા અધ્યાયના જીવંત ઇતિહાસ’ તરીકે એક વિદ્વાને તેમને વર્ણવ્યા હતા.

ભારતીય ઇતિહાસના પિતામહ ડો. આર.સી. મજુમદારે આ લેખક સાથેના એક વાર્તાલાપમાં (તા. ૨ સપ્ટેમ્બર, ૧૯૭૮) કહ્યું હતું કે : “આધારભૂત સ્રોતો પાસેથી મને માહિતી મળી છે કે, ૧૯૪૧માં, આ દેશમાંથી શ્રી સુભાષચંદ્ર બોઝના અદૃશ્ય થવા પાછળ સુપ્રસિદ્ધ ક્રાંતિકારી હેમચંદ્રની સ્પષ્ટ સહાય હતી અને આઈ.એન.એ. (ઇન્ડિયન નેશનલ આર્મી) સાથે તેમને ગોપિત સંપર્કો પણ હતા. શરત્ચંદ્ર ચેટર્જીએ પોતે મને એક વેળા કહ્યું હતું કે, ‘પાથેર દાબી’નો સવ્યસાચી મારી કલ્પનાનું પાત્ર નથી. એને હકીકતનો પાયો છે. મારા પરિચયમાંના કેટલાક ઉગ્રવાદી નેતાઓનાં જીવનમાંથી મેં કેટલીક માહિતી લીધી છે. પરંતુ, એ નવલકથાના લેખન માટે અને ખાસ તો, સવ્યસાચીના પાત્રાલેખન માટે હું હેમચંદ્ર ઘોષનો ઋણી છું.’ બંગાળના પ્રસિદ્ધ ઉગ્રવાદી નેતા તરીકે, એ કાળે, હેમચંદ્ર ઘોષ વિખ્યાત હતા. એમની સ્વદેશપ્રીતિની ઉત્કટતા, એમની વ્યવસ્થાશક્તિ, નેતૃત્વશક્તિ અને વ્યક્તિગત નૈતિક ધોરણની શરત્ચંદ્ર ખૂબ પ્રશંસા કરતા. તો આ બધું કહીને શરત્ચંદ્ર એમ કહેવા માગતા હતા કે, પોતાની મનપસંદ વ્યક્તિ એમને હેમચંદ્ર ઘોષમાં સાંપડી અને સવ્યસાચીના પાત્ર દ્વારા તેમણે પોતાનો આદર્શ નિરૂપ્યો. આ વાત કરતાં, એમ કહી શકાય કે, બ્રિટિશ સરકારે ૧૯૨૭માં, વિદ્રોહના હિંસક વિચારો વણાયા હોવાના આરોપ હેઠળ, શરત્ચંદ્રની પ્રેરક મહાનવલ ‘પાથેર દાબી’ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે, તે ગ્રંથમાં બંગાળના ઉદ્દામવાદીઓને સવ્યસાચીમાં પોતાની પ્રેરણામૂર્તિનાં દર્શન થતાં હતાં, અને એ સાહિત્યકૃતિને તેઓ પોતાનો પ્રેરક ગ્રંથ માનતા હતા. બી.વી.નાં પરાક્રમો પ્રકાશમાં આવ્યાં તે પૂર્વે પણ સ્વાતંત્ર્યવીર તરીકે હેમચંદ્રનું સ્થાન કેવું અનોખું હતું તે ડો. આર.સી. મજમુદાર સમા ખ્યાતનામ ઇતિહાસકારના આ શબ્દો દર્શાવે છે. હેમચંદ્રની પાંચ મુલાકાતોમાં આ લેખકે જે પૂરી નોંધી કરી હતી તેના પરથી તૈયાર કરેલો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજૂ કર્યો છે. બીજી મે, ૧૯૭૮ના રોજ આ બધું લખાણ એમની નજર તળેથી કાઢી તેને મંજૂર કરવા માટે તેમની સમક્ષ રાખવામાં આવ્યું હતું. આ લેખક માટે મોટા આનંદની વાત છે કે, શ્રી હેમચંદ્રે એને ‘બરાબર’ કહ્યું હતું અને તેના પ્રકાશન માટે રજા આપતી સહી કરી હતી. (તા. ૬ મે, ૧૯૭૮)

રામકૃષ્ણ મઠના બંગાળી સામયિક ‘ઉદ્‌બોધન’માં તે ક્રમશ: પ્રસિદ્ધ થયું હતું અને પછીથી ઉદ્‌બોધન કાર્યાલયે તેને પુસ્તકાકારે પ્રસિદ્ધ કર્યું હતું. દુર્ભાગ્યે એને મુદ્રિત જોવા તેઓ જીવંત રહ્યા ન હતા. એક વિનંતીના ઉત્તરમાં ૨૩મી એપ્રિલ, ૧૯૭૮ના રોજ હેમચંદ્રે પોતે બંગાળીમાં લખેલો, પોતાની સહી સાથેનો, ‘સ્વામી વિવેકાનંદ અને ભારતનું સ્વાતંત્ર્ય આંદોલન’ નામક લેખ આ લેખકને ૧૯૭૮ના એપ્રિલની ર૬મી તારીખે આપ્યો હતો.

એ આદરણીય વૃદ્ધ, સ્વામીજી વિશે બોલતા જ રહેતા. લગભગ સો શરદ જીવેલાના અસાધારણ અનુભવથી છેલ્લાં સો વર્ષોની કથા એ કહેતા ગયા : “ઇતિહાસના અને ઘટનાઓના એક સૈકાના પ્રવાહનો હું સાક્ષી રહ્યો છું. કદાચ સ્વામીજી આપણને આઘા હડસેલી આવતી પેઢીના જુવાનોમાંથી પોતાના સૈનિકોની વરણી કરશે.’ કામાખ્ય મિત્ર કહેતા કે, ‘સ્વામી શારદાનંદને આ રીતે બોલતા સાંભળ્યા છે. કામાખ્યે અમને કહેલું કે, તદ્દન અસંદિગ્ધ ભાષામાં પોતે સ્વામીજીને કહેતાં સાંભળ્યા છે કે : ‘વીસમી સદી અર્ધી પૂરી થાય તે પહેલાં ભારત દેશ બ્રિટિશરોને પોતાના લબાચા સાથે ઈંગ્લેંડ ભેગા કરી દેશે. પછી એ ધીમે ધીમે ઊભો થશે અને સમગ્ર પૃથ્વી પર પોતાની કીર્તિ સ્થાપિત કરશે.’ વિવેકાનંદજીનું આ સ્વપ્ન અપૂર્ણ રહેશે? એમનું કાર્ય સિદ્ધ નહીં થાય શું? શક્તિ, પ્રેરણા, આશા : આ બધું તો સ્વામીજી આપણને આપી રહેશે. અયોગ્ય તો આપણે છીએ. અનુગૃહની માફક એમની શક્તિનો વારસો આપણને સાંપડ્યો હતો. છતાં, આપણે તે બધું ખોઈ બેઠાં છીએ.

સ્વામી વિવેકાનંદને નિર્મળ, વિશુદ્ધ અને અસંકુચિત મનુષ્યો જોઈતા હતા. એમને માત્ર આવા એકસો આત્માઓ જોઈતા હતા, તદ્દન વિશુદ્ધ અને નિર્દોષ સો આત્માઓ, વધારે નહીં. હાય! આપણે એમને એમની શરતો પૂરી પાડી શક્યા નહીં. અમારામાંના કેટલાક ખૂબ આશાસ્પદ નીકળી આવ્યા હતા પરંતુ, લાંબે ગાળે રાજકારણના કાદવમાં અને નાના સ્વાર્થમાં ને સંકુચિતતાનાં વમળોમાં અટવાઈ ગયા હતા. પોતાના આત્માઓને આવા લોકોએ આમ ગિરવી મૂકી દીધા અને કાયમને માટે તેમને ગુમાવી બેઠા હતા. સ્વદેશપ્રીતિના જે ગુણોની સ્વામીજીએ અમારી પાસેથી અપેક્ષા રાખી હતી તે ચોક્કસ ગુણોની બાબતમાં અમે ભયંકર રીતે ઊણા ઊતર્યા હતા. પરંતુ સ્વામી વિવેકાનંદ મૃત્યુ પામ્યા નથી. એમને મૃત્યુ હોઈ શકે જ નહીં. પોતાની જીવનધારા સમા ભારતને, તેની કીર્તિ અને મહત્તાના સમુચિત સ્થાને પુન: આરૂઢ ન જોઈ શકે ત્યાં સુધી તેઓ મુક્તિ લઈ શકશે નહીં. ભારત માટે એમને કેવી પ્રબળ લાગણી હતી તે અમારી સગી આંખે અમે જોયું છે. રે! ભારતને માટે તેમને કેવો અપાર અજંપો હતો. પોતાના અંતરમાં ભારત માટે તેમણે કેટલી વ્યથા ભરી હતી! અને એમની આ આતુર વ્યથા કદી વ્યર્થ ન ગઈ. ભારત દેશ પોતાની નિદ્રામાંથી જાગ્યો. અને સ્વામીજીના જીવનમાં અને સંદેશમાં તેને પ્રકાશનો અણસાર તથા આગેકૂચ કરવા માટેનો સમર શબ્દ લાધ્યો. એ પ્રકાશ આપણને ભવિષ્યમાં પણ દોરશે એ સમર બોલ આવતી કાલના ભારતના ઘડતરના પ્રયત્નમાં આપણને બળ પ્રેરશે.

(ક્રમશ:)

ભાષાંતર : શ્રી દુષ્યત પંડ્યા

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.