“મા, તમે આવ્યાં છો? મારા માટે શું લાવ્યાં?”

“અરેરે, મારી બે પૈસાની મીઠાઈ શું આમને આપી શકાય? લોકો તો કેવી મોંઘી મીઠાઈઓ એમને માટે લાવ્યા છે! એમની આગળ આ તો સાવ તુચ્છ છે! ના, હું એમને આવી મીઠાઈ નહીં આપું. પણ તો પછી મારી પાસે એમને આપવા માટે બીજું કંઈ છે પણ ક્યાં?” દક્ષિણેશ્વરમાં પહેલી જ વાર આવેલી બ્રાહમણી અઘોરમણિ પોતાના હાથમાં બે પૈસાની મીઠાઈનું પડીકું પકડીને સંકોચ અનુભવતી શ્રીરામકૃષ્ણની સામે જોવા લાગી. અને આ શું? જાણે એક સરલ મુગ્ધ બાળક પોતાની મા પાસે મીઠાઈની માગણી કરી રહ્યો હોય! શ્રીરામકૃષ્ણની સામે પડતાં જ બ્રાહ્મણીના હૃદયમાં વાત્સલ્યભાવ જાગી ઊઠ્યો. અંતરના એ ભાવે બ્રાહ્મણીનો સમગ્ર ક્ષોભ-સંકોચ દૂર કરી દીધો અને તેણે ચિરશિશુ શ્રીરામકૃષ્ણના હાથમાં એ બે પૈસાની મીઠાઈનું પડીકું મૂકી દીધું. નાનું બાળક મા પાસેથી મીઠાઈ મેળવીને આનંદિત બની ખાવા લાગે તે રીતે શ્રીરામકૃષ્ણ આનંદપૂર્વક મીઠાઈ ખાવા લાગ્યા. ને પછી બોલ્યા, “અરે મા, તમે શા માટે ખર્ચ કર્યો? તમારા હાથેથી બનાવેલા નાળિયેરના લાડુ હવેથી મારા માટે લાવજો. મને તમારા હાથની બનાવેલી મીઠાઈ બહુ ભાવશે.”

“આ તે કેવા સાધુ છે! ધર્મની વાત કહેવાને બદલે ખાવાની જ વાત કરે છે! હું રહી દરિદ્ર ને પાછી વૃદ્ધ. આમને માટે ખાવાની સારી સારી વસ્તુઓ ક્યાંથી બનાવવાની હતી? અને ફરી આવીશ ત્યારે તેઓ આજની જેમ માગશે તો? ના, ના, હવે હું પાછી અહીં આવીશ જ નહીં” એમ બ્રાહ્મણીએ મન સાથે નિશ્ચય કર્યો અને તે દિવસ દક્ષિણેશ્વરમાં ગાળીને સાંજે પોતાના ઘરે કામારહાટી પહોંચી ગઈ.

આવી બ્રાહ્મણી હતી એ બાળવિધવા અઘોરમણિ દેવી. નવ વર્ષની ઉમરે લગ્ન થયાં અને હજુ તો સાસરે પણ નહોતી ગઈ, પતિનું મોઢું પણ એક જ વાર જોયું હતું. એ બાલ્યકાળમાં જ તે તેર વર્ષની ઉમરે વિધવા થઈ. જ્યાં સુધી માતાપિતા જીવતાં હતાં ત્યાં સુધી તેણે માતાપિતાના સંતોષને ખાતર વિધવાના કઠોર આચાર-વ્યવહારનું પાલન નહોતું કર્યું. પરંતુ માતાપિતાના અવસાન બાદ તેણે પોતાનું મસ્તક પણ મુંડાવી લીધું અને વિધવાનું કઠોર તપસ્યાપૂર્ણ જીવન જીવવા લાગી. તેના ભાઈ ભટ્ટાચાર્ય માધવે તેની ઓળખાણ રામચંદ્ર દત્તની વિધવા પત્ની સાથે કરાવી દીધી. બંનેના આચાર-વ્યવહાર અને વ્રતનિયમો સમાન હોવાને પરિણામે અઘોરમણિ રામચંદ્ર દત્તને ત્યાં તેના બગીચામાં આવેલા ઓરડામાં રહેવા લાગી. ત્યાં એનો મોટા ભાગનો સમય જપ-ધ્યાન અને પૂજાપાઠમાં વીતતો હતો. બાકીના સમયમાં તે દત્ત ગૃહિણીને તેના રાધાકૃષ્ણના મંદિરના કામકાજમાં અને ઘરના કામકાજમાં મદદ કરતી. દત્ત ગૃહિણીની સાથે તે એક વખત દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણનાં દર્શનાર્થે ગઈ હતી. ત્યારે તેણે શ્રીરામકૃષ્ણની વાણી સાંભળી હતી અને ત્યારે જ એના હૃદયમાં થયું હતું કે, આ બહુ જ સારા માણસ જણાય છે. એ પછી શ્રીરામકૃષ્ણ દત્ત ગૃહિણીના આમંત્રણથી કામારહાટીમાં એમને ત્યાં આવ્યા હતા. ત્યારે બ્રાહ્મણીને ફરીથી શ્રીરામકૃષ્ણનાં દર્શન અને ઉપદેશશ્રવણનો લાભ મળ્યો હતો. શ્રીરાધાકૃષ્ણની મૂર્તિ સમક્ષ ભાવમાં ઉન્મત્ત બનીને નૃત્ય કરી રહેલા શ્રીરામકૃષ્ણ જાણે સાક્ષાત્ કૃષ્ણનું સ્વરૂપ હોય એવું એને લાગ્યું અને તેણે માન્યું કે, ખરેખર, આ તો સાચા સાધુ છે. પરમ ભક્ત છે. એ પછી એના હૃદયમાં શ્રીરામકૃષ્ણની મૂર્તિ વારંવાર પ્રગટ થવા લાગી. એના હૃદયમાં એમનાં દર્શન કરવાની તીવ્રતમ ઝંખના જાગી અને તેથી તે બજારમાંથી બે પૈસાની મીઠાઈ ખરીદી હાથમાં એ પડીકું લઈને દક્ષિણેશ્વર પહોંચી ગઈ અને હવે દક્ષિણેશ્વરથી પાછાં ફરતી વખતે, તેણે મનમાં નિશ્ચય કર્યો કે, હવે તે પાછી અહીં નહીં આવે. પણ મનનો નિશ્ચય, હૃદયના ભાવોની ભરતીમાં ક્યાં ડૂબી ગયો એની એને પોતાનેય ખબર ન પડી અને તે શ્રીરામકૃષ્ણ માટે નાળિયેરના લાડુ બનાવવા બેસી ગઈ. હાથમાં એ લાડુનું પડીકું લઈને શ્રીરામકૃષ્ણ પાસે પહોંચી ગઈ. તેને જોતાંવેંત જ શ્રીરામકૃષ્ણ આનંદથી પૂછ્યું : “મા, મારે માટે શું લાવ્યાં છો?” હાથમાં નાળિયેરના લાડુ આવતાં જ તેઓ આનંદથી ખાવા લાગ્યા અને બોલ્યા, “ઓહ, કેટલા સરસ છે. જાણે અમૃત!”

અરેરે, હું ગરીબ નિરાધાર બ્રાહ્મણી એમને તે શું આપી શકું? પણ મારા હાથની જેવીતેવી બનાવેલી વાનગીથી પણ તેઓ કેટલા બધા પ્રસન્ન થાય છે! અને સાચ્ચે જ અમૃત મળ્યું હોય એવા આનંદથી ખાય છે! આમ વિચારતાં બ્રાહ્મણીની આંખમાં આંસુ આવી ગયાં.

શ્રીરામકૃષ્ણના અગાધ વાત્સલ્ય, અપાર કરુણા અને શિશુસહજ વર્તને બ્રાહ્મણીના મનના સઘળા ક્ષોભ સંકોચને દૂર કરી દીધો અને પછી તો અઘોરમણિ ત્રણચાર મહિના સુધી આ જ રીતે આવતી રહી અને પોતાની જાતે બનાવેલી વાનગીઓ શ્રીરામકૃષ્ણને ખવડાવતી રહી. એના હાથના એ પ્રસાદ દ્વારા શ્રીરામકૃષ્ણ એના આંતરજગતની સમૃદ્ધિ વધાર્યે જતા હતા એની એ બ્રાહ્મણીને ત્યારે બિલકુલ ખબર ન હતી. શ્રીરામકૃષ્ણ એની બનાવેલી મીઠાઈની પ્રશંસા કરતા એથી તેનું હૃદય અત્યંત આનંદ અનુભવતું. આમ છતાંય એના મનમાં ક્યારેક ક્યારેક શંકા ને ગડમથલ થતી રહેતી. ક્યારેક એના મન પર વિચારોનો હુમલો થતો ત્યારે તે વિચારતી કે, આ તે કેવા સાધુ છે! બસ, જ્યારે જોઉં ત્યારે ખાવાની જ વાત કર્યા કરે છે! મને કંઈ ઉપદેશ તો આપતા નથી! એક દિવસ તેણે પોતાના ઈષ્ટદેવ ગોપાલને પોતાના આ વિચારો કહ્યા : “રે ગોપાલ, તું મને કેવા સાધુ પાસે લઈ આવ્યો છે, જે ફક્ત ખાવાનું જ માગે છે? હવે હું ત્યાં નહીં જાઉં.” પણ ત્યાં જવું કે ન જવું એ બ્રાહ્મણીના હાથની વાત જ ક્યાં હતી? તેના હૃદય આગળ મનનું ચાલે તેમ ક્યાં હતું? ને હાથમાં મીઠાઈનું પડીકું લઈને તેના પગ દક્ષિણેશ્વર તરફ ચાલવા જ લાગતા!

તે દિવસે રાતના ત્રણ વાગે તે જપમાં બેઠી હતી. જપ પૂરા કર્યા અને બ્રાહ્મણી પ્રાણાયામ કરવા લાગી. ત્યાં એણે ભાવજગતમાં જોયું તો શ્રીરામકૃષ્ણ એની ડાબી બાજુ પાછળ બેઠેલા છે. એમના જમણા હાથની મૂઠી બંધ છે. મુખ પર મૃદુ હાસ્ય છે. જેવા દક્ષિણેશ્વરમાં જોયા હતા તેવા જ છે. ‘આ શું? અત્યારમાં તેઓ અહીં ક્યાંથી? ખરેખર, આ સાચું છે?’ કહીને એણે એ મૂર્તિને પકડવા હાથ લંબાવ્યા ત્યાં તો એ મૂર્તિ અલોપ થઈ ગઈ ને તેની જગ્યાએ દસ મહિનાનો બાળગોપાલ! અને તે પાછો ભાંખોડિયાં ભરતો તેની પાસે આવવા લાગ્યો. તેના ખોળામાં બેસી ગયો ને હઠ કરીને કહેવા લાગ્યો, “મા, મને માખણ આપો, મીઠાઈ આપો.” આ સાંભળીને બ્રાહ્મણી અવાક થઈ ગઈ. આ તે કેવું? તે રડી પડી, “અરે બાબા, હું તો સાવ ગરીબ છું. તને આ બધું ક્યાંથી ખવડાવું? માખણ મિસરી હું ક્યાંથી લાવું!” પણ ગોપાલ કંઈ સાંભળતો જ ન હતો. તે તો વારંવાર માગતો જ રહ્યો. આથી એણે સીકામાંથી નાળિયેરના લાડુ ઉતારીને તેને આપ્યા ને કહ્યું, “બેટા, હું તને આવી હલકી વસ્તુ ખવડાવું છું, પણ તું મને આવું ન આપતો.” પછી તે દિવસે બાળગોપાલની અપૂર્વ લીલા ચાલતી રહી. ન તો બ્રાહ્મણી જપમાં બેસી શકી તે ન પૂજા-પાઠ કરી શકી!

સવારે અસ્તવ્યસ્ત વેષે તે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ પાસે પહોંચી ગઈ ત્યારે ન તો એનાં વસ્ત્રોનું ઠેકાણું હતું કે ન એનાં અંગોનું. એની આંખો ઉપર ચડી ગઈ હતી. સાડીનો છેડો ભૂમિ પર પથરાતો હતો. જાણે એ કોઈ જુદી જ દુનિયામાં હોય એવું લાગતું હતું. એને બાહ્ય ભાન હતું જ ક્યાં? અંતર્યામી શ્રીરામકૃષ્ણ એને જોતાંવેંત જ એની ઉચ્ચ ભાવસ્થિતિ જાણી લીધી. બ્રાહ્મણી આવીને શ્રીરામકૃષ્ણ પાસે બેસી ગઈ અને ક્ષણભરમાં તો શ્રીઠાકુર (શ્રીરામકૃષ્ણ) પણ બાહ્ય જગતથી અલિપ્ત થઈ ગયા અને તેઓ બ્રાહ્મણીના ખોળામાં બેસી ગયા. સ્થળ અને કાળનાં બંધનો ભેદાઈ ગયાં. જાણે ગોકુળમાં માતા યશોદાના ખોળામાં બેઠેલો બાળકનૈયો! અને બ્રાહ્મણી પોતાના ખોળામાં બેઠેલા એ બાળકનૈયાને પોતાના ઘરેથી લાવેલાં માખણ મિસરી, લાડુ તે પોતાના હાથથી પ્રેમપૂર્વક ખવડાવવા લાગી. પછી શ્રીઠાકુરનો ભાવ થોડો શમ્યો. બાહ્ય ભાન જાગૃત થયું. ત્યારે તેઓ માતાના ખોળામાંથી ઊભા થઈને પોતાની પાટ પર બેઠા. પણ બ્રાહ્મણી તો પોતાના ભાવજગતમાં જ લીન હતી. તે હવે નૃત્ય કરીને ગાવા લાગી, ‘બ્રહ્મા નાચે, વિષ્ણુ નાચે, નાચે શિવ’ આ મહાભાવ ક્યાંય સુધી રહ્યો. તેને બાહ્ય જગતમાં પાછી લાવવા માટે શ્રીરામકૃષ્ણને પ્રયત્ન કરવો પડ્યો. તે આખો દિવસ બ્રાહ્મણી ત્યાં જ રહી અને રાત્રે પોતાના ઘરે પાછી ફરી. પણ પછી ઘણા દિવસો સુધી બાળગોપાલનો આ પ્રત્યક્ષ ભાવ એનામાં રહ્યો હતો. સાક્ષાત્ બાળકનૈયો એની સાથે ભાવજગતમાં રહેતો હતો. તે બાળકનૈયાને ખવડાવતી-પિવડાવતી, પોતાની સાથે સુવડાવતી, એની સાથે વાતો કરતી અને એ તોફાન કરે કે જીદ કરે તો એને ધમકાવતી પણ કરી! અઘોરમણિ દેવોને પણ દુર્લભ એવા આ ભાવજગતમાં બાળકનૈયાની સાથે દિવસો સુધી રહી અને સાચ્ચે જ ગોપાલની મા બની રહી. હવે શ્રીરામકૃષ્ણ પણ એને ‘ગોપાલની મા’ તરીકે જ ઉદ્‌બોધન કરતા હતા.

એક દિવસ ગોપાલની મા દક્ષિણેશ્વરમાં પંચવટીમાં જપ કરતાં હતાં. જપ પૂરા થયા ત્યારે શ્રીઠાકુર ત્યાં આવી પહોંચ્યા અને બોલ્યા, “મા, તમે હજુ પણ એટલા બધા જપ કેમ કરો છો?”

“જપ ન કરું તો શું કરું? મારું ક્યાં કંઈ સિદ્ધ થયું છે?”

“મા, તમારું તો બધું જ થઈ ગયું છે.”

“શું કહ્યું? મારું બધું જ થઈ ગયું છે?”

“હા. બધું જ થઈ ગયું છે. તમારા પોતાના માટે તો બધું જ થઈ ગયું છે. તો પણ (પોતાનું શરીર બતાવીને) આનું કલ્યાણ કરવા માટે તમે જપ કરી શકો છો.”

“તો પછી હવે જે કંઈ કરીશ તે તમારા માટે જ કરીશ.” આમ, શ્રીરામકૃષ્ણે આપેલા અભય વરદાન પછી ગોપાલની મા અત્યંત નચિંત બની ગયાં. એમણે એ પછી પોતાની જપમાળા ને બેરખો ગંગામાં પધરાવી દીધો. પણ પછી થોડા દિવસો બાદ તેમણે વિચાર્યું કે કંઈક તો કરવું જ જોઈએ. નહીંતર ચોવીસ કલાક હું શું કરીશ? એટલે પછી પોતાના માટે નહીં પણ શ્રીરામકૃષ્ણને માટે તેઓ જપ કરવા લાગ્યાં.

તે દિવસે શ્રીઠાકુર બલરામ મંદિરમાં બે દિવસ રોકાવાના હતા. બધા જ ભક્તો તેમને મળવા ત્યાં આવી ગયા પણ એક ગોપાલની મા નહોતાં આવ્યાં. શ્રીરામકૃષ્ણે એમને યાદ કર્યાં અને સ્ત્રીભક્તો આગળ એમની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિની વાત કરતાં કહ્યું કે, આવું ભાગ્ય તો અનેક જન્મોની તપશ્ચર્યા બાદ પણ ભાગ્યે જ કોઈને મળે છે. અને તેમણે કહ્યું, “એને અહીં બોલાવોને!” બલરામબાબુએ એમને બોલાવવા તાત્કાલિક માણસ મોકલ્યો.

(ક્રમશ:)

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.