આધ્યાત્મિક જીવન માટે પણ એકાગ્રતાની આવશ્યક્તા છે. ભક્તિ માર્ગે જતા સાધકોને પોતાના ઈષ્ટ પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું પડે છે, કર્મયોગીને એકાગ્રતાપૂર્વક પોતાનાં કાર્યો કરવાં પડે છે, જ્ઞાનયોગીને એકાગ્રતાપૂર્વક બ્રહ્મચિંતન કરવું પડે છે અને રાજ્યોગીનું લક્ષ્ય જ છે-સંપૂર્ણ એકાગ્રતા દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ.

અહીં એક વાતનું સ્મરણ રાખવું જોઈએ કે એકાગ્રતા દ્વારા મન તીક્ષ્ણ તો બને છે પણ આ તીક્ષ્ણતાનો ઉપયોગ સારાં કર્મો માટે પણ થઈ શકે છે અને નરસાં કર્મો માટે પણ થઈ શકે છે. જેમ કે એક તીક્ષ્ણ હથિયાર દ્વારા એક સર્જન સફળ રીતે ઑપરેશન કરી શકે છે તો કોઈ વ્યક્તિ બીજાની હત્યા પણ કરી શકે છે. અશુદ્ધ મન જો એકાગ્ર થાય તો શેતાન બની જાય છે.

સાધારણ રીતે, એમ જોવામાં આવે છે કે, અનિચ્છનીય વિષયોમાં તો મન સરળતાથી એકાગ્ર થઈ જાય છે. પણ ઈચ્છનીય વિષયોમાં આ એકાગ્રતા મેળવવી ઘણી દુષ્કર થઈ પડે છે, તેનું કારણ છે – જે વિષયોમાં મનને રસ પડે છે તેમાં તે સરળતાથી ચોંટી જાય છે. એક વિદ્યાર્થી કહે છે, ‘મારું મન ભણવામાં એકાગ્ર થતું નથી.’ પણ તે જ વિદ્યાર્થી જ્યારે ટી.વી પરનો રસપ્રદ કાર્યક્રમ જોતો હોય ત્યારે, એટલો એકાગ્ર બની જાય છે કે, ઘરમાં અતિથિ આવ્યા હોય તેની પણ તેને ખબર પડતી નથી! આથી, સાબિત થાય છે કે એકાગ્રતા કેળવવાની શક્તિ તો બધાંમાં છે પણ તેના માટે જે વિષયમાં એકાગ્રતા મેળવવી હોય તેના પ્રત્યે ખેંચાણ હોવું આવશ્યક છે. મન જ્યાં સુધી અશુદ્ધ હોય ત્યાં સુધી આ કાર્ય સરળ નથી અને એટલે જ એકાગ્રતા કેળવવાનું કાર્ય દુષ્કર થઈ પડે છે.

એકાગ્રતા કેળવવા માટે મનને શુદ્ધ કરવું, તેને વશ કરવું આવશ્યક છે. આ પ્રક્રિયા લાંબી છે અને તેના માટે અત્યંત ધૈર્યની આવશ્યક્તા છે.

ઘણાનો આ પ્રશ્ન હોય છે મન એકાગ્ર કેમ થતું નથી, ચંચળ કેમ રહે છે? તેનો જવાબ છે કે, મનનો સ્વભાવ જ ચંચળ છે. સ્વામી વિવેકાનંદજી આ માનવમનને એક વાનરની સાથે સરખાવીને કહે છે –

‘મનને કાબૂમાં રાખવું કેટલું બધું કઠિન છે? તેને હડકાયા વાંદરા સાથે સરખાવવામાં આવ્યું છે, એ બરાબર જ છે. એક તો વાંદરો સ્વભાવે જ ચંચળ, જેમ બધા વાંદરા હોય છે તેમ. એટલું બસ ન હોય તેમ કોઈએ તેને ખૂબ દારૂ પાયો, એટલે એ વાંદરાની સ્થિતિ તો ચંચળતાની ટોચે પહોંચી, અને તે પછી દુ:ખની માત્રા પર કળશ ચડાવવા માટે તેનામાં ભૂતનો સંચાર થયો. પછી, એ વાંદરાની કાબૂ બહારની ચંચળતાને કઈ ભાષા વર્ણવી શકે? માણસનું મન એ વાંદરા જેવું છે, સ્વભાવે જ નિરંતર ચંચળ. પછી, એ ઈચ્છારૂપી દારૂ ઢીંચીને ટેં થાય એટલે તેની ચંચળતાની માત્રા ખૂબ વધી જાય; ઈચ્છાએ તેને કબજામાં લીધો એટલે પછી, આવે બીજાઓની ફત્તેહથી થતી ઈર્ષ્યાના વીંછીના ડંખ; અને છેલ્લે અભિમાનનું ભૂત તેના મનમાં ભરાઈ બેસે. એટલે એ પોતાને સર્વશ્રેષ્ઠ માને. આવા મનને કાબૂમાં લેવું કેટલું કઠણ છે!’

કઠણ હોવા છતાં આ કાર્ય અશક્ય નથી. નિરાશ થવાની જરૂર નથી. મહાન વ્યક્તિઓ માટે પણ મનને વશ કરવું કઠણ હતું તો આપણા માટે તો, સ્વાભાવિક રીતે આ કાર્ય વધારે કઠણ હોય જ. પણ, મનને વશ કરવાના ઉપાયો જાણીને તે પ્રમાણે કરવાથી અશક્ય પણ ધીરે ધીરે શક્ય બનશે.

ગીતામાં અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે –

चंचलं हि मनः कृष्ण प्रमाथि बलवदृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्कुरम् ॥

(ગીતા : ૬/૩૪)

“હે કૃષ્ણ! મન ચંચળ, વિહ્વળ કરનાર, બળવાન અને દૃઢ છે; મનનો નિગ્રહ વાયુની પેઠે હું અતિ દુષ્કર માનું છું.”

અર્જુન જેવા મહારથીને મોઢેથી આ શબ્દો સાંભળીને શ્રીકૃષ્ણ તેને ઠપકારતા નથી પણ તેની વાતનું અનુમોદન કરીને મનને વશ કરવાનો મહામંત્ર આપે છે –

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥

(ગીતા : ૬/૩૫)

‘હે મહાબાહો! ખરેખર, મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે, તો પણ કૌન્તય, અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે.’

સાડા ત્રણ અક્ષરના એ જાદુઈ મંત્ર ‘અભ્યાસ’ દ્વારા અશક્ય લાગતાં એવાં કાર્ય પણ શક્ય બને છે.

૧૫ નવેમ્બર ૧૮૮૨ના રોજ શ્રીરામકૃષ્ણદેવ ભક્તો સાથે કલકત્તામાં વિલ્સનનું સર્કસ જોવા ગયા હતા. સર્કસમાં કેટલીય વાર સુધી તરેહ તરેહના ખેલો તેમણે જોયા. ગોળ રીંગમાં ઘોડો દોડી રહ્યો છે. ઘોડાની પીઠ પર છોકરી એક પગે ઊભેલી છે. વળી, વચ્ચે વચ્ચે સામે મોટી મોટી લોઢાની રીંગો નીચે થઈને દોડે છે, ત્યારે એ છોકરી ઘોડાની પીઠ પરથી કૂદકો મારીને રીંગની અંદર થઈને ફરી પાછી ઘોડાની પીઠ ઉપર એક પગે ઊભી થઈ રહે છે. સર્કસ પૂરું થયા પછી શ્રીરામકૃષ્ણદેવ મેદાનમાં ગાડીની પાસે ઊભા ઊભા વાતો કરવા લાગ્યા- ‘જોયુંને, છોકરી કેવી એક પગે ઘોડા ઉપર ઊભી હતી, અને ઘોડો જોસથી દોડ્યે જાય છે! કેટલું કઠણ! કેટલાય દિવસ સુધી અભ્યાસ કર્યો હશે ત્યારે એમ કરી શકતી હશેને?’ અભ્યાસ દ્વારા અશક્ય જેવાં કાર્યો પણ શક્ય બને છે. મનને વશ કરવું જાણે ઘોડા પર સવારી કરવા જેવું છે. મનનો આ ઘોડો આપણને પહેલાં તો પોતાની પીઠ પર બેસવા જ નથી દેતો. વારંવાર પછાડી દે છે. માંડ માંડ સવાર થયા તો, કાં તો નિષ્ક્રિય થઈ બેસી રહે છે અથવા ચંચળ થઈ ફગાવી દે છે. પણ, અભ્યાસ દ્વારા ધીરે ધીરે મનના આ ઘોડાની પીઠ પર એક પગે ઊભું રહેવું પણ શક્ય બને છે. (ક્રમશ:)

Total Views: 226

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.