જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરું;
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ
બીજી એક કથા કહું અપૂર્વ ભારતી;
સુણો મન રામકુષ્ણ-પુરાણની પોથી.
ઈચ્છા કરી ગામના થોડાક લોકે મળી;
ઊભી કરી યુવકોની નાટકમંડળી,
વૃદ્ધોમાંથી એક માત્ર ચીનુ શાંખારી;
મહાન હિડંબા ખેલે જાણે નૃત્યકારી.
ચીનુ ખૂબ જાણે, કોણ છોકરો ગદાઈ;
રહે નહિ ગદાધર ચીનુ જ્યાંહાં નાંઈ.
બહુ જ સુમિષ્ટ કંઠવાળો ગદાધર;
ગીત -ગાય એકાદું ત્યાં જામતી અસર.
કરી ભક્તિ કિંવા હાસ્યરસનું આખ્યાન;
જમાવે ગદાઈ હોય ગમે તેવું સ્થાન.
ભલે વય નાની માંડ દસની ઉપર;
સંગીતના રસો જાણે રસિકપ્રવર.
એક વાર શિવરાત્રિ આવી સોમવારે;
ઉજવણી સીતાનાથ પાઈનને ઘરે.
નક્કી થઈ શિવલીલા કરવાની વાત;
લીલા જોઈ જાગરણ થાય આખી રાત.
પૈસા વિના ગામડામાં પર્વોત્સવ બંધ;
કોઈ કરાવે તો થાય સહુને આનંદ.
યથાકાળે નાટ્યશાળામાંહે નરનારી;
હારબંધ બેસી ગયાં, ઉલ્લાસ છે ભારી.
વેશરૂમ રંગભૂમિ થકી છે ભીતરે;
પ્રભુમિત્ર ગયાવિષ્ણુ એ કામ ઉપરે.
ગયાવિષ્ણુ હતો મંડળીનો વેશકારી;
સજાવી પાત્રોને તેણે લીલા શરૂ કરી.
લીલા-સજાવટ જોતાં લોકો બધા દંગ;
ભૂતો પ્રેતો સાથે જામ્યો કૈલાસનો રંગ.
પાત્રો બધાં વેશ પ્હેરી થયાં છે હાજર;
નજરે ન ચડે કિંતુ બાલ ગદાધર.
જોવા ગદાધરને સહુ કોનું મન;
અંદરોઅંદર લોકો કરે ગણગણ.
લીલા શરૂ થઈ ગઈ, રાત ચડ્યે જાય;
ગદાધર તણું કાં ન આગમન થાય?
આતુર થયા છે તેના સારુ સર્વજન;
એટલામાં શિવવેશે થયું આગમન.
અતિ શોભા પામે અંગે મહેશનો વેશ;
વેશ ધરનારો ઓળખાય નવ લેશ.
સુચકિત કેશ શિરે હતા જેહ સ્થળે;
રુક્ષ વર્ણ પિંગ જટા, સર્પો વીંટ્યા ગળે.
સ્વવર્ણ સુવર્ણ સમો, ચંપો હારી જાય;
વિભૂતિથી આચ્છાદિત શોભે અતિ કાય.
ઉપમા શી આપું, અંગે જ્યોતિ ઝળહળે;
શરદ -ચંદ્રિકા શુભ્ર જાણે કે વાદળે.
રુદ્રાક્ષો ને સ્ફટિકોની માળા સોહે ગળે;
ઈશ્વરી આવશે જરા હલે તે સકળે.
એક હાથે ત્રિશૂળ ને શિંગી અન્ય કરે;
ચટાપટાવાળું વાઘાંબર દેહ પરે.
એ બધાંથી વધુ શોભે શ્રીઅંગે આવેશ;
ધીર સ્થિર પદે રંગભૂમિમાં પ્રવેશ.
જોતાં લોકો બોલી ઊઠે, “આ નહિ ગદાધર;
પધાર્યા કૈલાસથી સાક્ષાત્ મહેશ્વર.”
શિવનો આવેશ પૂરો, સંજ્ઞા પરવરે;
નયનોથી વારિધારા દરદર ઝરે.
ભૂમિ ગઈ ભીંજાઈ એ વારિ વર્ષણે;
હતું ક્યાં એ જળ બધું ખૂણે નેત્રો તણે?
વસે ગંગા ગંગાધર શિવશિર પર;
આ તો જગ શોધે તેહ પરમ ઈશ્વર.
આ તો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશનાય ઈશ્વર;
જાહ્નવી ન વહે એના મસ્તક ઉપર.
ગંગા શિવસંગિની, એ શિવસંગે ફરે;
પ્રભુ અંગે શિવભાવ, તેથી, નેત્રે ઝરે.
ભૂલ્યા ભાન પ્રેક્ષકો તો નિહાળી મૂરતિ;
ગદાધર-દેહે દેખે કૈલાસના પતિ.
ગરગર મહાભાવ ચડિયો સપ્તમે;
ઊતરતો નથી સ્વીય સ્થાને કોઈ ક્રમે.
જાણી જઈ ચીનુ આદિ ગામવાસી જન;
દોડી જઈ બિલ્વપત્રો કરે આનયન.
ચરણે અર્પણ કરવાને ઝટ જાય;
પૂજે ફળફૂલનૈવેદ્યોથી શિવ-પાય.
‘હર હર દિગંબર’, સ્તુતિ ગાય મુખે;
ધર્યો શિવભાવ, પ્રભો! ઈચ્છા કરી સુખે.
પછી ધીરે ધીરે ભાવ અંગે થયો લીન;
કોઈ કહે એહ ભાવે રહ્યા ત્રણ દિન.
બાકી રહી લીધા પછી તે દી નવ થાય;
ગદાઈ પ્રભુની કથા વર્ણવી ન જાય.
અરે બીજું શું છે કહો, આથી વધુ મીઠું;
ગાયે, સુણ્યે સૂકું ઠુંઠું લીલું થતું દીઠું.
નથી આ ગપોડા કિંતુ પ્રત્યક્ષ સકળ;
રામકૃષ્ણ-પુરાણ આ શ્રવણ-મંગળ.

Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.